સ્મિથ, માઇક (જ. 30 જૂન 1933, વેસ્ટ કૉટ્સ, લિસ્ટરશાયર, યુકે) : અગ્રણી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેઓ છૂટથી રન કરી શકનાર ખેલાડી હતા. યુનિવર્સિટી મૅચમાં 1954–56 દરમિયાન દર વર્ષે સદી નોંધાવીને તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘બ્લૂ’ના વિજેતા બન્યા હતા; આ સદીમાં 1954માં કરેલા 201 રન(અણનમ)નો સમાવેશ થાય છે. એક સીઝનમાં 1,000 રન તેમણે 19 વાર નોંધાવ્યા; તેમાં 6 વાર 2,000 ઉપર નોંધાયા હતા અને 1959માં 57.94ની સરેરાશથી 3,245 સીઝનનો સર્વોચ્ચ જુમલો હતો. ટેસ્ટ કક્ષાએ તેઓ બ્રૅડમૅન જેવી ખ્યાતિ જમાવી શક્યા નહિ; પરંતુ 1963થી 1966 દરમિયાન 25 મૅચોમાં તેઓ ઇંગ્લૅન્ડના અત્યંત સન્માનપાત્ર કપ્તાન બની રહ્યા. તેઓ શૉર્ટ-લેગના ઝડપી ખેલાડી હતા. તેમને ‘ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ ઍમ્પાયર’નો ખિતાબ અપાયો હતો.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 50 ટેસ્ટ 1958–72; 31.63ની સરેરાશથી 3,278 રન; 3 સદી; સૌથી વધુ જુમલો 121; 1 વિકેટ; 53 કૅચ.

માઇક સ્મિથ

(2) પ્રથમ કક્ષાની મૅચ 1951–76; 41.84ની સરેરાશથી 39,832 રન; 69 સદી; સૌથી વધુ જુમલો 204; 5 વિકેટ; 503 કૅચ.

મહેશ ચોકસી