સ્પ્લીહા (બરોળ, spleen) : રોગપ્રતિકાર ક્ષમતા ધરાવતા પ્રતિરક્ષાતંત્ર(immune system)નો અવયવ. તેમાંની લસિકાભ પેશી(lymphoid tissue)ને કારણે તેને પ્રતિરક્ષાતંત્રનો ભાગ ગણવામાં આવે છે. તેને તનુતાન્ત્વિક-અંતશ્ચદીય તંત્ર(reticulo-endothelium system)નો ભાગ પણ ગણવામાં આવે છે. તે પેટના ડાબા ઉપલા ભાગમાં અને ઉરોદરપટલ(thoracoabdominal diaphragm)ની નીચે આવેલો અવયવ છે. તે 12 સેમી. લાંબો, 7 સેમી. પહોળો અને 2.5 સેમી. જાડો આશરે 200થી 250 ગ્રામનો પિંડ જેવો અવયવ છે. 10 % વ્યક્તિઓને એકાધિક (accessary) અથવા વધારાની બરોળ હોય છે. તેની ઉપલી અને પાછળની સપાટી ઉરોદરપટલને, નીચલી સપાટી મોટા આંતરડાના ડાબા વળાંકને, આગળનો ભાગ જઠરના ઘુંમટને સ્પર્શે છે. મધ્યરેખા તરફના ભાગને સ્વાદુપિંડ (pancreas) અને ડાબું મૂત્રપિંડ તથા બહાર તરફના ભાગને ઉરોદરપટલ તથા 9થી 11 પાંસળીઓ વચ્ચેના સ્નાયુઓને સ્પર્શે છે. તેનો આકાર લંબગોળ છે. તેની મધ્યરેખા તરફની કિનારીના નીચલા ભાગમાં મુખદ્વાર (hium) હોય છે, જેમાંથી નસો તેમાં પ્રવેશે છે. જઠર-સ્પ્લીહા (gastrolienal), વૃક્ક-સ્પ્લીહા (lienorenal) અને ઉરોદરપટલ સ્થિરાંત્ર (phrenicocolic) નામના ત્રણ રજ્જુબંધો (ligaments) બરોળને તેના સ્થાને ગોઠવી રાખે છે. તેનું આવરણ તંતુલવચીક તંતુ વડે બનેલા સંપુટ(capsule)નું બનેલું હોય છે, જેમાંથી (trabeculae), અથવા શાખાઓવાળા પડદા બરોળના પિંડના દળમાં જાય છે. તેમની વચ્ચે સ્પ્લીહા-મજ્જા (splemic pulp) નામની મૃદુપેશી આવેલી છે. તે 2 પ્રકારની છે  લસિકાભ પેશીવાળી શ્વેતમજ્જા (white pulp) અને લોહીવાળી રક્તમજ્જા (red pulp). રક્તમજ્જામાં લોહી ભરેલાં પોલાણો (વિવરાભો, sinusoids) આવેલાં હોય છે. તેમને શિરા વિવરાભો (venous sinusoids) કહે છે. તેમાં બરોળની પેશીની રજ્જ્વિકાઓ (cords) આવેલી છે. બરોળમાં પ્રવેશતી શિરા આ વિવરાભો સાથે જોડાયેલી હોય છે (જુઓ સારણી). બરોળના મુખદ્વારમાંથી ધમની, શિરા, લસિકાવાહિનીઓ (lymphatics) અને ચેતાઓ પસાર થાય છે.

બરોળનાં કાર્યો : તેનાં મુખ્ય 4 કાર્યો છે  કોષભક્ષણ (phagocytosis), લોહીનો સંગ્રહ, રોગપ્રતિકાર એટલે કે પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ (immune response) તથા લોહીના કોષોનું ઉત્પાદન અથવા રક્તકોષપ્રસર્જન (erythropoiesis). વૃદ્ધ તથા વિષમ પ્રકારના રક્તકોષો તથા અન્ય રુધિરકોષો અને સૂક્ષ્મજીવોનું બરોળમાં કોષભક્ષણ થાય છે. બરોળમાં 350 મિલિ. લોહી ભરાયેલું હોય છે, જે શરીરમાંથી લોહી બહાર વહી જવાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કામ આવે છે. તેમાં શરીરના 5 % રક્તકોષો અને 20–40 % ગંઠનકોષો (platilets) હોય છે. રોગપ્રતિકાર માટે ટી અને બી – એમ બંને પ્રકારના લસિકાકોષો સક્રિય બને છે. તેમની સંખ્યાવૃદ્ધિ થાય તો બરોળ મોટી થાય છે. તેને સ્પ્લીહાવર્ધન (splenomegaly) કહે છે. ગર્ભશિશુમાં તથા પુખ્તવયે જરૂર પડ્યે બરોળમાં રક્તકોષોનું ઉત્પાદન પણ થાય છે.

સ્પ્લીહાવર્ધન (splenomegaly) : વિવિધ પ્રકારના રોગોમાં બરોળનું કદ વધે છે. તેને સ્પ્લીહાવર્ધન કહે છે. વિવિધ પ્રકારના ચેપ, રુધિરાભિસરણના વિકારો, લોહીના રોગો, સ્વકોષઘ્ની રોગો (autoimmune diseases) તથા અન્ય રોગોમાં બરોળ મોટી થાય છે. આંત્રજ્વર (typhoid fever), ચેપી હૃદયાંત:કલાશોથ (infective endocarditis), ક્ષયરોગ, ઉપદંશ (syphilis), યકૃતશોથ, મલેરિયા, કાલઅઝાર વગેરે વિવિધ ચેપી રોગોમાં બરોળ મોટી થાય છે. હૃદયની દીર્ઘકાલી નિષ્ફળતા (congestive cardiac failure), નિવાહિકાતંત્રમાં અતિદાબ (portal hypertension), યકૃત (liver) શિરા કે નિવાહિકાશિરા(portal veins)માં લોહી જામી જાય, બરોળની શિરા કે ધમનીનો વિકાર વગેરે રુધિરાભિસરણીય રોગોમાં બરોળ મોટી થાય છે. રક્તકોષો તૂટવાથી થતા રક્તકોષવિલયી વિકારો (haemolytic disorders), લોહીનું કૅન્સર, લિમ્ફોમા કે હોજકિનનો રોગ; લોહીના કોષોનું વધુ પડતું ઉત્પાદન કરતા મજ્જાકીય અતિસંખ્યાવૃદ્ધિ વિકારો (myeloproliferative disorders) વગેરે લોહીના રોગોમાં પણ તે મોટી થાય છે. ઉગ્ર આમવાતી જ્વર (acute rheumatic fever), ફેલ્ટિનું સંલક્ષણ, વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematous, SLE) જેવા સ્વકોષઘ્ની વિકારોમાં પણ તે વધે છે. આ ઉપરાંત સાર્કોવ્ડોસિસ, ગોશરનો રોગ, હિસ્ટિઓસાયટોસિસ એક્સ, ઉષ્ણકટિબંધીય સ્પ્લીહાવર્ધન, એમિલોઇડોરોસિસ, બરોળમાં ફેલાયેલા કૅન્સર વગેરે રોગોમાં બરોળ મોટી થાય છે.

બરોળ મોટી થવાથી પેટમાં તકલીફ થાય, જમ્યા પછી પેટ ભારે થયેલું લાગે, પાંડુતા થાય, લોહીના કોષો ઘટે, રક્તકોષો તૂટે વગેરે વિવિધ વિકારો થાય છે. તેને અતિસ્પ્લીહન (hypersplenism) કહે છે. તેની સારવાર માટે જે તે કારણરૂપ રોગની સારવાર તથા અતિસ્પ્લીહનનો વિકાર ઘટે તેની સારવાર કરાય છે. સંભવિત કિસ્સામાં બરોળ કાઢી નંખાય છે. તેને સ્પ્લીહોચ્છેદન (splenectomy) કહે છે.

સ્પ્લીહોચ્છેદન (splenectomy) : બરોળને શસ્ત્રક્રિયા વડે દૂર કરવાની ક્રિયાને સ્પ્લીહોચ્છેદન કહે છે. તે માટે કાં તો પેટ પર કાપો મૂકીને તેને દૂર કરવામાં આવે છે. ક્યારેક પેટમાં છિદ્ર દ્વારા નળી પરોવીને બરોળ દૂર કરવાની ક્રિયાને ઉદરદર્શકીય સ્પ્લીહોચ્છેદન (laparoscopic splenectomy) કહે છે. આ શસ્ત્રક્રિયા કરવાનાં વિવિધ કારણોમાં અતિસ્પ્લીહન (hypersplenism), અતિશય મોટી થયેલી બરોળ તેના કદને કારણે પેટમાં તકલીફ કરતી હોય એવી સ્થિતિ, બરોળનું ઈજા થવાથી ફાટી જવું તથા ક્યારેક બરોળનો નક્કી ન કરી શકાયેલો રોગ તેમાં તેને જ દૂર કરીને નિદાન કરી શકાય તેવી સ્થિતિ વગેરે જેવા વિકારોનો સમાવેશ થાય છે.

સારણી : બરોળની મૃદુપેશીનું બંધારણ અને કાર્ય

વિસ્તાર      કાર્ય         બંધારણ
1.    રક્તપેશી લોહીનું ભૌતિક ગાળણ,

જેમાં જૂના અને વૃદ્ધ

રક્તકોષો અને અન્ય

બિનજરૂરી દ્રવ્યો દૂર કરવાં.

લોહી ભરેલાં પોલાણો (વિવરાભો, sinusoids), જાળી બનાવતી કોષ- શૃંખલાઓ (સ્પ્લીહારજ્જ્વિકાઓ, splenic cords) તથા કિનારી વિસ્તાર (marginal zone).
2.   શ્વેતપેશી ચેપ સામે રક્ષણ લસિકાભ પેશીની ગંડિકાઓ (nodules) જેને મેલ્પિજિયન કણિકાઓ કહે છે. તેમાં વચ્ચે બી-લસિકાકોષો(lymphocytes)ની પુટિકાઓ અને ધમનિકા(arteri-ole)ની આસપાસ (પરિધમનિકા, peri-arteriole) લસિકાભ ત્રાણિકાઓ(lymphoid sheaths)-નું આવરણ કરતું પડ હોય છે.

શિલીન નં. શુક્લ