સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ

January, 2009

સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ (જ. 22 સપ્ટેમ્બર 1750, સ્પેન્ડાઉ, જર્મની; અ. 7 એપ્રિલ 1816, બર્લિન) : જર્મન વનસ્પતિવિજ્ઞાની અને શિક્ષક. તેમણે વનસ્પતિઓમાં લિંગતા વિશે અભ્યાસ કર્યો અને ફલન(fertilization)નો સિદ્ધાંત આપ્યો, જે આજે મૂળભૂત રૂપે સ્વીકૃતિ પામ્યો છે.

સ્પ્રેન્ગેલે ધર્મશાસ્ત્ર (theology) અને ભાષાઓ વિશે અભ્યાસ કર્યો હતો. તેમણે સ્પેન્ડાઉ અને બર્લિનમાં કેટલાંક વર્ષ શાળાના શિક્ષક તરીકે સેવા આપી અને સ્પેન્ડાઉમાં શિક્ષણસંસ્થાના વડા બન્યા. વનસ્પતિવિજ્ઞાનનો અભ્યાસ આગળ ધપાવતાં તેઓ તેમની ફરજો બાબતે બેદરકાર રહ્યા. 1794માં તેમને પૅન્શન સાથે રુખસદ મળી અને તેઓ બર્લિન ગયા. ધર્મશાસ્ત્રી તરીકે તેઓ માનતા હતા કે કુદરતમાં દરેક વસ્તુનું સર્જન કોઈક હેતુ માટે થયેલું હોય છે. વનસ્પતિઓનું અવલોકન કરતાં દરેક સૂક્ષ્મ ભાગના હેતુને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો.

સ્પ્રેન્ગેલે મધુગ્રંથિ(nectary)ની શોધ કરી. પુષ્પમાં આ અંગ મધનો સ્રાવ કરે છે. આ મધુગ્રંથિ વિશિષ્ટ રંગ ધરાવતી હતી; જેથી કીટકો તેના તરફ આકર્ષાતા હતા. તેમણે જોયું કે એક પુષ્પના પુંકેસર (નર અંગ) પરથી બીજા પુષ્પના સ્ત્રીકેસર સુધી પરાગરજનું વહન કીટકો દ્વારા થતું હતું. તેમણે શોધી કાઢ્યું કે ઘણાં દ્વિલિંગી (bisexual) પુષ્પોમાં પુંકેસરો અને સ્ત્રીકેસર જુદા જુદા સમયે પરિપક્વ થાય છે અને તેથી સ્વફલન (self-fertilization) થતું નથી અને ફલનની પ્રક્રિયા એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર પરાગરજના વહન દ્વારા પૂર્ણ થાય છે. જુદા જુદા સમયે નર અને માદા પ્રજનનાંગોના પરિપક્વનની પ્રક્રિયાને ‘ભિન્નકાલ-પક્વતા’ (dichogamy) તરીકે તેમણે ઓળખાવી. આ શબ્દ હજુ પણ ઉપયોગમાં લેવાય છે. તેમણે આ પ્રક્રિયાનું વિસ્તૃત માહિતીમાં આલેખન કર્યું. તેમણે પવન-પરાગિત અને કીટ-પરાગિત પુષ્પોના તફાવતો પર અભ્યાસ કર્યો.

સ્પ્રેન્ગેલના સિદ્ધાંતો દ્વારા પુષ્પનાં સ્થાન, કદ, સ્વરૂપ, રંગ, ગંધ અને તેમના ઉદભવના સમય વિશેની સમજૂતી પ્રાપ્ત થાય છે. તેમણે તેમનાં અવલોકનો અને વિચારો ‘Das entdecte Geheimnis der Natur im Bau und in der Befruchtung der Blumen’ (1793; ‘The Newly Revealed Mystery of Nature in the Structure and Fertilization of Flowers’)માં પ્રકાશિત કર્યા. તેમના પુસ્તકને પૂરતું મહત્વ નહિ મળવાથી તેઓ નિરાશ થયા અને તેમનાં બીજાં વનસ્પતિ-સંશોધનોનાં પરિણામો તેમણે પ્રકાશિત કર્યાં નહિ. તેઓ ધર્મશાસ્ત્ર તરફ વળ્યા; પરંતુ તેમાં તેઓ નામાંકિત થઈ શક્યા નહિ. લાંબા ગાળાની ઉપેક્ષા બાદ તેમના પુસ્તકને 1841માં અંગ્રેજી પ્રકૃતિવિદ ચાર્લ્સ ડાર્વિને માન્યતા આપી. ડાર્વિન પર આ પુસ્તકનો એટલો બધો પ્રભાવ હતો કે પુષ્પો પરનાં તેમનાં ઘણાંખરાં સંશોધનો સ્પ્રેન્ગેલનાં સંશોધનો પર આધારિત હતાં.

બળદેવભાઈ પટેલ