સ્પર્મેસેટી (spermaceti) : સ્પર્મ વ્હેલના મસ્તિષ્કની બખોલમાંથી મેળવાતો ચળકતો, મીણ જેવો કાર્બનિક ઘન પદાર્થ. રાસાયણિક દૃષ્ટિએ તે મુખ્યત્વે સિટાઇલ પામિટેટ (cetyal palmitate), C15H31COOC16H33, ઉપરાંત અન્ય ચરબીજ આલ્કોહૉલના ચરબીજ ઍસિડો સાથેના એસ્ટરો ધરાવે છે. લૅટિન શબ્દ સ્પર્મા (sperma) [સ્પર્મ, sperm] અને સીટસ (cetus) [વ્હેલ] પરથી તેનું આ નામ પડ્યું છે. કારણ કે એમ માનવામાં આવતું કે તે વ્હેલનું સ્કંદિત થયેલું વીર્ય છે, તે સાચું તેલ (true-oil) નથી.

સ્પર્મ વ્હેલ

સ્પર્મ વ્હેલ બધા મહાસાગરોમાં મળી આવે છે. તે 18 મીટર જેટલી લાંબી અને 70 મેટ્રિક ટન જેટલું વજન ધરાવી શકે છે. આ વ્હેલનું મસ્તિષ્ક (head) ઘણું મોટું હોઈ શરીરના ત્રીજા ભાગ જેટલું હોય છે. મસ્તિષ્કમાંના ઘણા મોટા, લગભગ લંબચોરસ (rectangular) ખોખા(case)માંના કોષોમાં બધું થઈને લગભગ 2.8થી 3.0 મેટ્રિક ટન જેટલું સ્પર્મેસેટી રહેલું હોય છે. સ્પર્મ વ્હેલના મસ્તક ઉપરાંત મેદસ્તર(blubber)માં પણ તે થોડા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તે ચંચુ (bottle-nosed) વ્હેલ, મહાકાય (giant) ચંચુ વ્હેલ, પોર્પોઇઝ, ડૉલ્ફિન વગેરે માછલીઓના તેલમાં પણ રહેલું હોય છે. વ્હેલ માટે તેનો સંભવત: કાંઈક ઉપયોગ છે, પણ શો, તે જાણવા મળતું નથી.

સ્પર્મ વ્હેલના મોટા મસ્તિષ્કને મેદસ્તર સાથે ગરમ કરવાથી અપરિષ્કૃત (crude) સ્પર્મ-તેલ મળે છે. તેના દ્રુતશીતન (chilling) અથવા વિન્ટરિંગ(wintering)થી સફેદ, સ્ફટિકમય મીણ જેવો ઘન પદાર્થ (સ્પર્મેસેટી) અલગ પડે છે.

અગાઉ સ્પર્મેસેટી ઊંજણ દ્રવ્યો(lubricants)માં વપરાતું હતું, પણ 1980માં તેની અવેજીમાં ઉપયોગી બને તેવું મિશ્રણ ચરબી (tallow) અને કોપરેલમાંથી મળતા ઍસિડો અને એસ્ટરોમાંથી વિકસાવવામાં આવ્યું છે. મીણબત્તી બનાવવા પણ તે વપરાતું હતું. તેનો ઉપયોગ મુખ્યત્વે સુગંધી લેપ (pomades), મલમો (ointments), શૃંગારપ્રસાધન ક્રીમ (cosmetic crem) ઉપરાંત વણેલા કાપડના પરિષ્કરણ(textile finishing)માં વપરાય છે.

પ્ર. બે. પટેલ