સ્પર્ધા (સમાજશાસ્ત્ર) : વ્યક્તિઓ કે સમૂહોના એકાધિક પક્ષો વચ્ચે અછત ધરાવતા મૂર્ત કે અમૂર્ત લક્ષ્યની પ્રાપ્તિ માટેનો સંઘર્ષ.

સમાજશાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન જેવાં સામાજિક વિજ્ઞાનોમાં એક ઘણી મહત્વની વિભાવના ‘સામાજિક આંતરક્રિયા’ છે. તેનું જ એક લગભગ સાર્વત્રિક સ્વરૂપ છે સ્પર્ધા. ગુજરાતીમાં હોડ અને શરત જેવા સ્પર્ધાના સમાનાર્થી શબ્દો પણ વપરાય છે; પરંતુ સામાજિક વિજ્ઞાનોમાં તો તે માટે ‘સ્પર્ધા’ અને ‘હરીફાઈ’ શબ્દો જ પ્રચલિત અને સર્વમાન્ય છે.

સામાજિક વિજ્ઞાનો અનુસાર ‘સ્પર્ધા એટલે એકાધિક પક્ષો સ્વરૂપે વ્યક્તિઓ કે સમૂહો વચ્ચે સંબંધિત સમાજ કે સમૂહે ઘડેલાં કે માન્ય કરેલાં ધારાધોરણને અધીન રહી કોઈ અછત ધરાવતાં ઇચ્છિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પરસ્પરના સમકક્ષ કે એકબીજાથી ચડિયાતા સાબિત થવાની કરાતી મથામણ સ્વરૂપની સામાજિક આંતરક્રિયા.’ સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી અને રમાતી ક્રિકેટ, ફૂટબૉલ કે વૉલીબૉલ અથવા કબડ્ડી, ખોખો કે લંગડી જેવી મેદાની તેમજ શતરંજ (chess) કે કૅરમ જેવી હૉલ કે કમરામાં રમાતી (indoor) બેઠી રમતો સ્પર્ધાનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

સ્પર્ધાની આંતરક્રિયાના મૂળમાં સ્પર્ધકોની સંખ્યાની તુલનામાં ઇચ્છિત ધ્યેયની સંખ્યાની અછત/અપૂરતાપણું છે. જેમ કે, ઉપર્યુક્ત રમતોમાં વિજેતાપદ, ચંદ્રક, શિલ્ડ કે કપ એક અથવા મર્યાદિત જ હોય છે. તે પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક સ્પર્ધકો ઓછામાં ઓછા બેથી માંડી અનેક હોય છે. આમ ઇચ્છિત ધ્યેયની સંખ્યા સ્પર્ધકોની સંખ્યા કરતાં ઓછી હોય ત્યાં જ સ્પર્ધા સંભવે છે, તે સિવાય નહિ. બીજી એક મહત્વની બાબત સ્પર્ધામાં આવતી ઓછીવત્તી તીવ્રતા છે. સ્પર્ધામાં આવતી આ ઓછીવત્તી તીવ્રતા મુખ્યત્વે ધ્યેયની અછત, ધ્યેયની પ્રતિષ્ઠા તેમજ તે પ્રાપ્ત કરવા માટે સ્પર્ધકોની ઇચ્છાની તીવ્રતા પર આધારિત હોય છે. જેમ કે, શિક્ષક/ક્લાર્કનાં સ્થાન એક-બે જ હોય અને તેના ઉમેદવાર સ્પર્ધકોની સંખ્યા સો કે તેથી વધુ હોય તો તે સ્પર્ધા વધુ તીવ્ર બને છે. જો આવાં સ્થાનો પાંચ-સાત કે વધુ હોય તો તે સ્પર્ધાની તીવ્રતા એકંદરે ઓછી હોય છે. તો વળી, ક્રિકેટની સામાન્ય મૅચો કરતાં દર ચાર વર્ષે ‘વર્લ્ડ કપ’ જીતવા યોજાતી મૅચો તેમની સાથે સંકળાયેલી પ્રતિષ્ઠાને કારણે અત્યંત તીવ્ર બને છે. તેવી જ રીતે બેકારીત્રસ્ત અને નિર્વાહ માટે અનિવાર્યતાવાળા સ્પર્ધકો હોય ત્યાં તેમની નોકરી મેળવવા માટેની ઇચ્છાની ઉત્કટતા તે સ્પર્ધાને પણ અત્યંત તીવ્ર બનાવી દે છે.

પ્રણયત્રિકોણ/ચતુષ્કોણમાં કોઈ સ્ત્રી/પુરુષ વ્યક્તિ ધ્યેય-સ્વરૂપે હોય છે. સ્થાનિકથી માંડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી રમત-સ્પર્ધાઓ કે ઑલિમ્પિક હરીફાઈઓમાં મૅડલો, કપ કે શિલ્ડ જેવાં નિર્જીવ ધ્યેયો હોય છે. આવાં જીવંત કે નિર્જીવ ધ્યેયોને મૂર્ત સ્વરૂપનાં પણ કહી શકાય. તદુપરાંત, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્ય પ્રધાન, નાની-મોટી કંપનીઓના મૅનેજરો, પંચાયત-પ્રમુખ-મંત્રીઓ જેવા ઉચ્ચ હોદ્દા/પદ તેમજ પટાવાળા, ક્લાર્ક, હિસાબનીશ, શિક્ષક વગેરે જેવાં નિમ્ન/સામાન્ય સ્થાનો માટેની સ્પર્ધાઓનાં ધ્યેયો અમૂર્ત હોય છે. આમ, સ્પર્ધાની આંતરક્રિયાઓમાં કેન્દ્રસ્થાને રહેલાં ધ્યેયોનું સ્વરૂપ જીવંત, નિર્જીવ તેમજ મૂર્ત અને/અથવા અમૂર્ત હોઈ શકે છે.

સામાન્ય રીતે સ્પર્ધા શક્ય તેટલી તંદુરસ્ત, સંતોષપ્રદ અને ફળદાયી બને તેવી અપેક્ષા રહે છે; પરંતુ તેનો મુખ્ય આધાર ઉપર્યુક્ત વ્યાખ્યામાં ઉલ્લેખિત પ્રસ્તુત સમાજે/સમૂહે ઘડેલાં – માન્ય કરેલાં ધારાધોરણોની સ્પષ્ટતા, લાગતા-વળગતાઓમાં તે અંગે પ્રવર્તતી સુરેખ સમજ તેમજ તેમના પાલનની ચુસ્તતા પર રહેલો છે. તદુપરાંત, તેમાં નિર્ણાયકોનાં તે સંબંધી સૂક્ષ્મતમ જ્ઞાન, એકાગ્ર નિરીક્ષણ તથા કરાતા નિર્ણયોમાં નિષ્પક્ષતા પણ તેટલાં જ અનિવાર્ય છે અને તે માટે પૂરી યોગ્યતા ધરાવતા નિર્ણાયકો નિમાવા પણ અત્યંત આવશ્યક છે. વળી તેમાં સ્પર્ધકોનો સહૃદયી સ્વૈચ્છિક સહકાર પણ અતિ અગત્યનો છે. જેમ કે, લોકશાહી માળખામાં યોજવામાં આવતી કોઈક સ્થાન/હોદ્દા માટેની ચૂંટણી સ્વરૂપની સ્પર્ધા. તેવી જ રીતે, ઑલિમ્પિક રમતોમાં પણ આ બાબતોનું ઉદાહરણ જોવા મળે છે.

સ્પર્ધા સમાજ, સમૂહ અને વ્યક્તિઓ માટે કેટલાંક સામાજિક કાર્યોને શક્ય બનાવતી ઘણા મહત્વની સામાજિક આંતરક્રિયા છે. જેમ કે, વિધાનસભા કે સંસદ(લોકસભા)ની કોઈ બેઠક માટેની ચૂંટણી ‘ચૂંટણી પંચ’ દ્વારા ઘડાયેલાં કે માન્ય કરવામાં આવેલાં ધારાધોરણો અનુસાર કરવામાં આવે છે. તેમાં માન્ય કરેલાં ધારાધોરણો મુજબ પ્રચાર, મતદાન, મતગણના વગેરે પ્રક્રિયાઓમાંથી પસાર થઈ ધારાસભ્ય કે સાંસદ બને છે. આ દરમિયાન વધુમાં વધુ પરસ્પર આક્ષેપબાજી અને ક્યારેક ગાળાગાળી થાય છે. કોઈ પક્ષને નિયમ-પાલન કે પરિણામ અંગે અસંતોષ હોય તો પંચ કે ન્યાયાલયમાં ફરિયાદો કરી ન્યાય મેળવવાનો પ્રયાસ થાય છે અને અંતિમ ચુકાદો સૌએ સ્વીકારવો પડે છે. આમ, સ્પર્ધાની આ આંતરક્રિયાને પરિણામે હિંસક કે અતિ ગંભીર હાનિકર્તા સંઘર્ષ થતો મહદ્અંશે નિવારી અથવા અટકાવી શકાય છે. એ રીતે, પરસ્પરનાં ટકરાતાં હિતોમાંથી સંભવિત સંઘર્ષ સ્પર્ધાનાં ધારાધોરણો વડે નોંધપાત્ર પ્રમાણમાં ટળી જાય છે અને પરસ્પરનો વિરોધ માર્ગાંતરિત થઈ હળવો બને છે. તેથી પરિસ્થિતિને સારો એવો સહ્ય અને રચનાત્મક વળાંક મળે છે. તદુપરાંત, સ્પર્ધામાં સ્પર્ધક વ્યક્તિઓ/સમૂહોને પોતાની ખામીઓ, નબળાઈઓ કે અશક્તિઓ જાણી/સમજી તે દૂર કે ઓછી કરવાની તથા પોતાની વિશિષ્ટતાઓ, આવડતો અને શક્તિઓને પારખી-જાણી તેમને વિકસાવી પ્રગટ કરવાની તક પણ મળે છે. જેમ કે, પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા ધરાવતા દરેક વિદ્યાર્થીને પોતાનાં જ્ઞાન–અજ્ઞાન, વત્તીઓછી સ્મરણશક્તિ, રજૂઆત કરવાની આવડત–અણઆવડત, સુવાચ્ય અક્ષરે લખવાની વધતીઓછી ઝડપ વગેરેને જાણી-સમજી, જરૂર પ્રમાણે વધુ સમય આપી, આવશ્યક મહેનત કરી પોતાની ઊણપો કે ખામીઓ શક્ય એટલી ઓછી કે દૂર કરવાની તક રહે છે. તે સાથે જ પોતાની આવડતો અને શક્તિઓને પ્રયત્નપૂર્વક વિકસાવી શક્ય એટલી પ્રભાવી રીતે રજૂ કરવાની પણ તક રહે છે. આ માટે જરૂર જણાય તેવું અને તેટલું યોગ્ય વ્યક્તિનું પૂરતું માર્ગદર્શન પણ મેળવી શકાય છે. તેવી જ રીતે કબડ્ડી, વૉલીબૉલ કે ક્રિકેટ જેવી સમૂહો (ટીમો) વચ્ચે યોજાતી રમતોની સ્પર્ધા દરેક ટીમને પોતાની ખામીઓ તથા મર્યાદાઓ જાણી તેમને માર્ગદર્શન અને મહાવરા વડે શક્ય તેટલી સુધારવાની તેમજ જરૂરી આવડતો અને શક્તિઓને યોગ્ય માર્ગદર્શન હેઠળ તાલીમ તથા મહાવરા દ્વારા બને તેટલાં વિકસાવી, સુદૃઢ કરી વધુમાં વધુ પ્રભાવી રીતે દર્શાવવાનાં તક અને પ્રોત્સાહન પૂરાં પાડે છે. વળી તે દ્વારા ચપળતા, ખેલદિલી તથા ખડતલતા જેવા ગુણો ખીલવા–સુદૃઢ થવાની પણ ઘણી શક્યતા સ્પર્ધામાં રહેલી છે. વળી, ઔદ્યોગિક/ઉત્પાદનલક્ષી હરીફાઈમાં તો ઉત્પાદનનું પ્રમાણ વધારવા તથા તેની ગુણવત્તા વધુ ને વધુ સુધારતા રહેવા માટેનાં પ્રેરણા, પ્રોત્સાહન અને સૂઝબૂઝયુક્ત સક્રિયતાની પણ પુષ્કળ શક્યતા રહેલી છે. તે સાથે આવા ઔદ્યોગિક/ઉત્પાદનલક્ષી એકમો વચ્ચેની સ્પર્ધાથી લોકોને ઉત્તમ ગુણવત્તાવાળો માલ પૂરતા પ્રમાણમાં અને વાજબી કિંમતે પ્રાપ્ત થઈ શકે છે. આમ સ્પર્ધકોને પરસ્પરના સમકક્ષ કે એકબીજાથી ચડિયાતા સાબિત થવાની તક પૂરી પડે છે.

આથી વિપરીત પરિણામો પણ સ્પર્ધામાંથી નીપજતાં હોય છે. જેમ કે, સ્પર્ધામાં ખાસ કરીને વારંવારની નિષ્ફળતાથી વ્યક્તિઓ હતાશાનો ભોગ બને છે. તેમનો આત્મવિશ્વાસ ડગી જાય છે. બેકાર વ્યક્તિને નોકરીપ્રાપ્તિની સ્પર્ધામાં સતત નિષ્ફળતા મળતાં ક્યારેક આત્મહત્યાની ઘટના પણ બને છે. તેવું જ, પરીક્ષામાં નિષ્ફળતા મળતાં વિદ્યાર્થીની આત્મહત્યાના કિસ્સા પણ ક્યારેક જાણવા મળે છે. રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય સમૂહ-રમત સ્વરૂપની સ્પર્ધાઓમાં મળતી નિષ્ફળતાઓમાંથી ટીમ/સમૂહના ઐક્યમાં ભંગાણ પડે છે. પરસ્પર આરોપો મૂકવાનું અને નિષ્ફળતાની જવાબદારી એકબીજા પર ઢોળવાનું શરૂ થઈ જાય છે. વ્યાપારી/ઔદ્યોગિક સ્પર્ધાઓમાં કેટલાક એકમોને નિષ્ફળતાઓમાંથી ભારે આર્થિક નુકસાન થાય છે અને તેમાંથી કેટલાક એકમોને તો સદંતર બંધ થઈ જવાની સ્થિતિ આવી જાય છે. તદુપરાંત કોઈ પણ ભોગે ધ્યેય હાંસલ કરવા માટે ધારાધોરણોની અવગણના કરવાના ખંડનાત્મક પ્રયત્નોમાંથી ભયંકર સંઘર્ષો પણ સર્જાય છે. જેમ કે, વિધાનસભ્ય કે સાંસદની ચૂંટણી સ્વરૂપની સ્પર્ધાઓ દરમિયાન બૂથ કબજે કરવા, બોગસ મતદાન, હિંસક હુમલા, ધાકધમકી કે અપહરણ જેવી ઘટનાઓ સ્પર્ધાને અનેક હાનિકારક સંઘર્ષના રૂપમાં ફેરવી નાખે છે. પરિણામે ભાંગફોડ, ગંભીર ઈજાઓ અને જાનહાનિની ઘટનાઓ સર્જાય છે.

સ્પર્ધાને કારણે આવાં બંને પ્રકારનાં પરિણામો જોવા મળે છે; પરંતુ એકંદરે સ્પર્ધા વ્યક્તિ અને સમાજ માટે વિકાસપ્રેરક જણાઈ છે તેથી દુનિયાના મોટા ભાગના સમાજોમાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં વધતી-ઓછી સ્પર્ધા માલૂમ પડે છે.

હસમુખ હી. પટેલ