સ્પર્ધા (વનસ્પતિશાસ્ત્ર)
January, 2009
સ્પર્ધા (વનસ્પતિશાસ્ત્ર) : એક કે તેથી વધારે પ્રકારના સ્રોત અપૂરતા હોય ત્યારે જૈવસમાજમાં સાથે સાથે રહેતી એક કે તેથી વધારે જાતિઓના સજીવો વચ્ચે તે જ સ્રોત(કે સ્રોતો)ના ઉપયોગ માટે થતી નકારાત્મક આંતરક્રિયા.
કોઈ એક જાતિમાં ખોરાક કે રહેઠાણ જેવા સ્રોતનો જરૂરિયાતનો અમુક ભાગ જ બધા સભ્યોને મળે છે; અથવા કેટલાક સજીવોને તેમની જરૂરિયાત પૂરતો સ્રોત પ્રાપ્ત થાય છે; જ્યારે બીજા સજીવોને તે સ્રોત ન મળતાં તેઓ કાં તો મૃત્યુ પામે છે અથવા તેઓને ઓછી યોગ્ય સ્થિતિમાં કે સીમાવર્તી (marginal) વિસ્તારમાં રહેવાની ફરજ પડે છે. મોટે ભાગે વસ્તીના તરુણ સભ્યોને સૌથી વિપરીત અસર થાય છે.
જો બે જાતિઓની એકસરખી જરૂરિયાત હોય તો તેઓ એક જ વિસ્તારમાં સાથે રહેવાનું વલણ ઓછું ધરાવે છે. સમાન જરૂરિયાતવાળી જાતિઓ જો તેમની આહારની ભાત (pattern), નીડન (nesting) પ્રકૃતિ કે સક્રિયતા અવધિ (activity period) જેવી વર્તણૂકોમાં જુદી પડતી હોય તો કેટલીક વાર એક જ વિસ્તારમાં તેઓ જોવા મળે છે; છતાં સ્રોતની અછત હોય ત્યારે તેઓ વચ્ચે સીધી સ્પર્ધા થાય છે. ઘણી વાર બે જાતિઓની નાની વસ્તીઓ સહઅસ્તિત્વ ધરાવે છે; પરંતુ તેમના સભ્યોનાં શરીરો સરેરાશ કરતાં નાનાં હોય છે અથવા તેમનો પ્રજનન દર નીચો હોય છે.
સ્પર્ધાના મુખ્ય બે પ્રકારો છે : (1) સમુપયોજ્ય (exploitative) : સ્પર્ધા દરમિયાન એક જાતિના સજીવો સામાન્યત: ખોરાક જેવા કેટલાક સ્રોતનો ઉપયોગ કરી બીજી જાતિના સજીવોને તે સ્રોતથી વંચિત રાખે છે અને તે જાતિની વસ્તીના વૃદ્ધિના દરમાં ઘટાડો કરે છે. (2) અવરોધી (interference) સ્પર્ધા વધારે સીધી (direct) હોય છે. તે દરમિયાન એક જાતિના સભ્યો બીજી જાતિના સભ્યોને સીધે-સીધું નુકસાન પહોંચાડે છે. આ નુકસાનની માત્રા જુદી જુદી હોય છે. સજીવો અન્ય સજીવોને વિષ ઉત્પન્ન કરીને કે લડીને મારી નાંખે છે. લડવાથી ઈજાઓ પણ થાય છે. અવરોધી સ્પર્ધાના વધારે સૂક્ષ્મ પ્રકારો તો ત્યારે જોવા મળે છે; જ્યારે વ્યક્તિઓ – જે ઊર્જા સંતતિઓના નિર્માણમાં વપરાવી જોઈએ, તે ઊર્જાનો ઉપયોગ પરસ્પર આંતરક્રિયાઓ કરવામાં વાપરે છે; અથવા સંતતિઓના નિર્માણ માટે ઉપયોગમાં લેવાવી જોઈતી વધારાની ઊર્જા એકત્રિત કરવામાં સમય લે છે.
આવૃત્તિ (frequency) અવરોધી વિરુદ્ધ સમુપયોજ્ય : આ બંને પ્રકારની સ્પર્ધાની સાપેક્ષ આવૃત્તિ વિવિધ પ્રકારના સજીવોમાં બદલાતી રહે છે. વસવાટ માટે સ્પર્ધા કરતા સજીવોમાં અવરોધી સ્પર્ધા સામાન્ય હોય છે. ગંદું કરતા અસંખ્ય સજીવો દરિયાઈ આવાસોમાં ખડક, પરવાળાની સપાટી કે હોડીના તળિયા જેવી ખુલ્લી જગાઓમાં સ્થાયી થાય છે. જેમ કે શંખલાં, વાદળીઓ, કંચુકીઓ (tunicates) અને વિવિધ પ્રકારની લીલ. આવા સજીવો વિષના સ્રાવ દ્વારા અને ભૌતિક અતિવૃદ્ધિ (overgrowth) અને ભીડ (over crowding) દ્વારા સ્પર્ધા કરે છે. પૃષ્ઠવંશીઓ(vertebrates)માં જુદી જુદી જાતિઓના સભ્યો વચ્ચે વસવાટ બાબતે સ્પર્ધા ભાગ્યે જ જોવા મળે છે; છતાં પ્રવાલ શૈલ(coral reef)ની માછલીઓમાં સ્પર્ધા ખાસ જોવા મળે છે. પક્ષીઓ અને ગરોળીઓમાં પણ સ્પર્ધા જોવા મળે છે. આ પૃષ્ઠવંશીઓમાં સ્પર્ધાની ક્રિયાવિધિ લડાઈ અથવા આક્રમકતા(aggression)ના વધારે સૂક્ષ્મ પ્રકારો છે.
બધા કિસ્સાઓમાં સ્પર્ધા કરતી જાતિઓના સભ્યોને લગભગ સરખા સ્રોતની જરૂરિયાત હોય છે. ગંદું કરતા સજીવોને સ્થાયી થવા માટે એવા સ્થાનની જરૂર હોય છે; જ્યાં તે ખોરાક અથવા પ્રકાશ મેળવી શકે છે. પૃષ્ઠવંશીઓ સમાન આવાસોમાં લગભગ સરખો ખોરાક લે છે. આવી સમાન જરૂરિયાતો અવરોધી ક્રિયાવિધિઓનું અનુકૂલિત (adaptive) મહત્વ સમજાવે છે.
આંતરજાતીય (interspecific) સમુપયોજ્ય સ્પર્ધા અવરોધી સ્પર્ધા જેટલી જ કુદરતમાં વ્યાપક હોય છે. જ્યાં અવરોધી વર્તણૂક જોવા મળે છે; ત્યાં અન્ય જાતિઓના સભ્યો સ્રોતમાં ઘટાડો કરે તે પહેલાં સ્રોત સહીસલામત રીતે મેળવી લેવો તેવી અનુકૂલિત મૂળભૂત સમજ છે. જોકે ક્રિયાવિધિઓ વધારે પરોક્ષ હોવાથી તેની સંપૂર્ણતામાં અવલોકવું મુશ્કેલ હોય છે. અવરોધી સ્પર્ધામાં દા. ત., લડાઈનું અવલોકન પ્રત્યક્ષ હોય છે; તેથી વિપરીત સમુપયોજ્ય સ્પર્ધા દર્શાવવા એક જાતિએ કરેલા સ્રોતના ઘટાડાનું અવલોકન કરી બીજી જાતિના સભ્યોએ તે સ્રોતના કરેલા સંભવિત ઉપયોગનું પ્રમાણ આપી શકાય છે. બંને પ્રકારની સ્પર્ધા માટે અવરોધ કે સ્રોતમાં ઘટાડો વૃદ્ધિના દરને વિપરીત પ્રમાણમાં અસર કરે છે. ઘણી વાર એમ ધારવામાં આવે છે કે જો બે જાતિઓ એક જ વિસ્તારમાં વસવાટ ધરાવતી હોય અને એક જ પ્રકારના સ્રોતોનો ઘણો ઉપયોગ કરતી હોય; તો તેઓ સ્પર્ધામાં છે. આવી સ્પર્ધાની તીવ્રતા ખોરાક જેવા સ્રોત-પ્રકારોમાં અતિવ્યાપ્તિ-(overlap)ની માત્રા ઉપરથી ઘણી વાર માપી શકાય છે.
જો આ ધારણા સાચી હોય તો તેનો અર્થ એ થાય કે સમુપયોજ્ય સ્પર્ધા ખૂબ સામાન્ય છે; કારણ કે જાતિઓ ઘણી વાર સ્રોતના ઉપયોગ બાબતે અતિવ્યાપ્ત હોય છે. જોકે આવા પ્રકારની સ્પર્ધા ખૂબ તીવ્ર ન હોઈ શકે, કારણ કે અતિવ્યાપ્તિ ઓછી હોય છે. સ્રોતના ઉપયોગમાં ઓછી અતિવ્યાપ્તિ ભૂતકાળની સ્પર્ધાના પુરાવા તરીકે ગણવામાં આવે છે અને સ્પર્ધા ટાળવા પસંદગી (selection) દ્વારા થતા ઉદવિકાસીય ફેરફારોનું પરિણામ હોઈ શકે છે.
સ્પર્ધકો(competitors)નાં અનુકૂલનો : ઘણી રીતે સમાન જણાતી જાતિઓ કેટલીક રચનાઓ કે વર્તણૂક અંગે તફાવત ધરાવે છે; જેથી તેઓ ખોરાકના વિવિધ પ્રકારો કે અન્ય સ્રોતોનો અત્યંત ક્ષમતાથી ઉપયોગ કરી શકે. ગેલાપેગોસના ટાપુઓ પરના જૈવસમાજમાં ભૂમિવાસી કલિંગ(finch)ની ત્રણ જાતિઓ થાય છે. સૌપ્રથમ વાર ડાર્વિને નોંધેલું કે આ જાતિઓ તેમની ચાંચના કદ બાબતે ઘણો તફાવત ધરાવે છે અને કેટલાક પરિસ્થિતિવિજ્ઞાનીઓએ હાલમાં નિદર્શન કર્યું છે કે આ જાતિઓ જુદાં જુદાં કદનાં બીજ ખાય છે. ગેલાપેગોસ કલિંગ સામાન્ય પૂર્વજ જાતિમાંથી આભાસી અલગીકરણ દ્વારા ઉદભવેલ સમૂહનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને વિવિધ કદની ચાંચોનું અનુકૂલન સાધી આંતરજાતીય (interspecific) સમુપયોજ્ય સ્પર્ધા ટાળે છે.
સ્રોતોનો ઉપયોગ : સ્રોતોના ઉપયોગ જુદી જુદી જાતિઓ જુદી જુદી રીતે કરે છે; તેને સ્રોતવિભાજન (resource partitioning) કહે છે. ઘણાં સંશોધનોએ આ તફાવતોનું નિદર્શન કર્યું છે. મોટે ભાગે પ્રાણીઓ જ્યાંથી પોષણ મેળવે છે, તે આવાસ બાબતે જુદાં પડે છે. વનસ્પતિસમૂહમાં થતી ગરોળીની જાતિઓના ચારા (forage) મુજબ તેમના રહેઠાણમાં તફાવત પડે છે. કેટલીક જાતિઓ પર્ણો પર, કેટલીક શાખાઓ પર, અન્ય કેટલીક થડ પર, અને બીજી જમીનની નજીકના પર્ણસમૂહ(foliage)માં થાય છે. ગેલાપેગોસના કલિંગની જેમ કદ કે કઠણાઈ જેવા ખોરાકના પ્રકારો લગભગ સામાન્ય છે. કીટક કે ગરોળીની જાતિઓની દૈનિક સક્રિયતા અવધિમાં તફાવત ધરાવે છે. સ્રોતના ઉપયોગના સમય અંગે તેમની વચ્ચે ભાગ્યે જ સમાનતા જોવા મળે છે.
પ્રાયોગિક નિદર્શનો : ચાલુ સ્પર્ધામાં પ્રાયોગિક નિદર્શનોની ઘણી મુશ્કેલીઓ હોય છે. આવાં નિદર્શનો અવલોકનો પરથી તારવેલાં અનુમાનો કરતાં ઘણાં વિરલ હોય છે. વનસ્પતિઓ માટે આવાં નિદર્શનો કદાચ સૌથી સામાન્ય છે. દા. ત., વનસ્પતિની ઊંચાઈ સૌથી મહત્વનું લક્ષણ છે, જે સ્પર્ધાત્મક સફળતા સાથે સહસંબંધ ધરાવે છે; કારણ કે વનસ્પતિઓ મોટે ભાગે પ્રકાશ માટે સ્પર્ધા કરે છે અને વધારે ઊંચી વનસ્પતિઓ અન્ય વનસ્પતિઓને ઢાંકી દેતાં તેઓને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં મુશ્કેલી ઊભી કરે છે અને છેવટે તેઓ મૃત્યુ પામે છે. પ્રાણીઓમાં મોટે ભાગે આવાસ માટેની સ્પર્ધા જોવા મળે છે. દા. ત., ઉત્તર–પશ્ચિમ અમેરિકાના દરિયાકિનારે તારામત્સ્ય(starfish)ની બે જાતિઓ સાથે સાથે થાય છે. આ બંને જાતિઓ માંસાહારી છે અને કદમાં મોટો તફાવત દર્શાવે છે. સ્વાભાવિક રીતે તેમનું સહઅસ્તિત્વ જુદા જુદા કદના ખોરાકો પર અવલંબે છે. એક જાતિ બીજી જાતિને અસંખ્ય વૃંતપદ (pedicillaria) દ્વારા ઈજા પહોંચાડે છે. સ્રોત અતિવ્યાપ્તિ પૂરતી સાર્થક (significant) હોવાથી પ્રયોગોએ (ongoing) ચાલુ સ્પર્ધા યથાર્થ પુરવાર કરી છે. મોટી જાતિની વસ્તીનો કૃત્રિમ રીતે ઘટાડો કરવામાં આવે તો બીજી જાતિની વસ્તીમાં વધારો થાય છે. મોટી જાતિની વસ્તીનો વધારો કરવામાં આવે ત્યારે બીજી જાતિની વસ્તીમાં ઘટાડો થાય છે. જોકે આવા પ્રયોગો ગાઢ રીતે સંબંધિત જાતિઓ વચ્ચે સામાન્યત: કરવામાં આવે છે. છતાં દક્ષિણ-પશ્ચિમ અમેરિકાનાં રણોમાં થતા કૃંતકો (rodents) અને કીડીઓ વચ્ચે સ્પર્ધાનો અપવાદરૂપ પ્રયોગ કરવામાં આવ્યો છે. વિશાળ આવરણોનો ઉપયોગ કરીને પરિસ્થિતિવિજ્ઞાનીઓએ દર્શાવ્યું છે કે આ બંને સમૂહના સભ્યો બીજ માટે સ્પર્ધા કરે છે.
વસ્તી ગતિવિજ્ઞાન : બે જાતિઓના સ્પર્ધકો મળે ત્યારે તેઓ એકબીજાના વસ્તીવૃદ્ધિના દરને નકારાત્મક રીતે અસર કરે છે. આ પ્રક્રિયાનું સ્પર્ધાના વિસ્તારમાં જાતિઓની ઉત્તરજીવિતા (survival) કે વિલોપન(extinction)ના સંદર્ભમાં અંતિમ પરિણામ વૈવિધ્યપૂર્ણ (varied) હોય છે. પરિણામ જાતિની વસ્તીના કદ પર આધાર રાખે છે; છતાં તે જરૂરી નથી. તેઓ જ્યારે પ્રથમ વાર એકબીજાને મળે ત્યારે ત્રણ શક્યતાઓ રહેલી હોય છે : (1) એક અથવા બીજી જાતિ હંમેશાં જીતે છે; (2) બંને જાતિઓ સહઅસ્તિત્વ ધરાવે છે; છતાં સ્પર્ધાની ગેરહાજરીમાં હોય તેના કરતાં તેમનું વસ્તીના કદનું સંતુલન નીચું હોય છે; (3) એક અથવા બીજી જાતિ આરંભિક વસ્તીના કદને આધારે જીતે છે; એટલે કે જે જાતિના સભ્યોની વિપુલતા ઘણી વધારે, તેની જીતવાની શક્યતા વધારે હોય છે.
સ્પર્ધાનો સમયગાળો : (અ) B જાતિ સ્પર્ધાની બહાર નીકળી જાય છે; (આ) A અને Bનું સહઅસ્તિત્વ.
બે જાતિઓ વચ્ચે થતી સ્પર્ધાને કારણે સમયની સાથે વસ્તીના કદમાં થતા ફેરફારને આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે.
બળદેવભાઈ પટેલ