સ્ટેટેનિયસ, એડ્વર્ડ રીલી (જ. 22 ઑક્ટોબર 1900, શિકાગો; અ. 31 ઑક્ટોબર 1949, ગ્રીનવિચ) : અમેરિકાના રાજનીતિજ્ઞ અને ઉદ્યોગપતિ. પ્રારંભે ઉદ્યોગપતિ તરીકેની કારકિર્દીના કારણે ખ્યાતનામ જનરલ મોટર્સ કૉર્પોરેશનમાં તેમણે 1926–1934 દરમિયાન અનેક વહીવટી હોદ્દા ભોગવ્યા હતા. 1938માં તેઓ યુ.એસ. સ્ટીલ કૉર્પોરેશનના બોર્ડના અધ્યક્ષ બન્યા. 1940–1943 નૅશનલ ડીફેન્સ એડ્વાઇઝરી કમિશનમાં કામ કર્યું. 1943–44 દરમિયાન ગૃહમંત્રાલયના ઉપસચિવ રહ્યા અને 1944માં ડમબારલ્ટન ઓક્સ કૉન્ફરન્સના અધ્યક્ષ બન્યા. નવેમ્બર, 1944માં ગૃહમંત્રી બન્યા અને યાલ્ટા પરિષદમાં હાજર રહ્યા. સાનફ્રાન્સિસ્કો પરિષદમાં અમેરિકાના પ્રતિનિધિમંડળના અધ્યક્ષ રહ્યા. જૂન, 1945માં અમેરિકાના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી તેના યુનો ખાતેના પ્રતિનિધિ તરીકે 1945–46 દરમિયાન કામગીરી બજાવી.
‘રુઝવેલ્ટ ઍન્ડ ધ રશિયન્સ’ (1949) તેમનો ગ્રંથ છે.
રક્ષા મ. વ્યાસ