સ્ટેટ્સમૅન ધ : કોલકાતા અને નવી દિલ્હી, સિલિગુડી અને ભુવનેશ્વરથી એકસાથે પ્રકાશિત થતું અંગ્રેજી દૈનિક. કોલકાતામાં તેની સ્થાપના 1875માં થઈ હતી, અને 1818માં સ્થપાયેલા ‘ધ ફ્રેન્ડ ઑવ્ ઇન્ડિયા’માંથી સીધું રૂપાંતર થયું હતું. તે ઉપરાંત 1821માં સ્થપાયેલા ‘ધી ઇંગ્લિશમૅન’ અખબારનું 1834માં ‘ધ સ્ટેટ્સમૅન’માં વિલીનીકરણ થયું હતું. ‘ધ સ્ટેટ્સમૅન’ માટે અન્ય તારીખો એવી પણ મળે છે કે 1811માં સ્થપાયેલા ‘ધ ઇંગ્લિશમૅન’ તથા ‘ધ ન્યૂ ફ્રેન્ડ ઑફ ઇન્ડિયા’માંથી તેનું રૂપાંતર થયું હતું. આ અલગ ઐતિહાસિક નોંધ પ્રમાણે રૉબર્ટ નાઇટ નામના એક અંગ્રેજે 15 જાન્યુઆરી, 1875ના રોજ ‘ધ સ્ટેટ્સમૅન’ અને ‘ન્યૂ ફ્રેન્ડ ઑવ્ ઇન્ડિયા’ નામે અખબારનો પ્રારંભ કર્યો હતો અને ટૂંક સમયમાં જ બંનેનું માત્ર એક જ નામ ‘ધ સ્ટેટ્સમૅન’ રાખવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન આ અખબાર ઉપર સંપૂર્ણ અંકુશ બ્રિટિશરોનો હતો; પરંતુ સ્વતંત્રતા પછી તે ભારતીયોને સોંપી દેવામાં આવ્યું હતું. ભારતના સૌથી જૂનાં અખબારો પૈકીનું એક આ અખબાર એશિયા ન્યૂઝ નેટવર્કનું સભ્ય પણ છે. આ અખબાર તેની સરકાર-વિરોધી આક્રમક નીતિ માટે જાણીતું છે. 1911માં અંગ્રેજોએ જ્યારે તેમના કારભારની કામગીરી કોલકાતાથી દિલ્હી ખસેડી ત્યારે ધ સ્ટેટ્સમૅને તેમની આકરી ટીકા કરી હતી કે ‘બ્રિટિશ કબરોમાં શહેરમાં ગયા જ્યાં તેઓ દફનાઈ જશે.’

દિલ્હીમાં આ અખબારના પ્રકાશનની શરૂઆત 1931થી થઈ હતી. આ અખબારે 1957થી 1977 દરમિયાન ભારતમાં ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીનો પણ સખત વિરોધ કર્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે પશ્ચિમ બંગાળમાં આટલા દાયકાઓ પછી આજે પણ ‘ધ સ્ટેટ્સમૅન’ લોકપ્રિય અખબાર રહ્યું છે અને થોડાં વર્ષ પહેલાં જ કરવામાં આવેલા રીડરશિપ સર્વેક્ષણમાં પણ એ વાત સાબિત થઈ હતી કે પશ્ચિમ બંગાળમાં આ અખબાર સૌથી વધુ વંચાય છે. જોકે શાસનવિરોધી તેની નીતિને કારણે અખબારે ક્યારેક સહન પણ કરવું પડે છે. જેમ કે કટોકટીનો સખત વિરોધ કરનારા જૂજ અખબારો પૈકી એક સ્ટેટ્સમૅન હોવાથી તે સમયે હારી ગયા બાદ ફરીથી સત્તા પર આવેલી ઇન્દિરા ગાંધીની સરકારે આ અખબારની ખાસી હેરાનગતિ કરવાનો પ્રયાસ કર્યો હતો; એટલું જ નહિ, પરંતુ ત્યાર પછી આવેલી રાજીવ ગાંધીની સરકારે તો આધુનિકીકરણ કરવા માગતા આ અખબારના સત્તાવાળાઓને તેમની એડિટોરિયલ નીતિ ના બદલે તો જરૂરી કાયદાકીય મંજૂરી આપવાનો પણ ઇન્કાર કર્યો હતો. આમ છતાં અખબારે તેની તટસ્થ નીતિ જાળવી રાખી હતી અને પરિણામે વાચકોમાં તેની લોકપ્રિયતા જળવાઈ રહી છે.

અલકેશ પટેલ