સ્ટેઇન, એરૂલ (Stein, Sir Aurel) (જ. 26 નવેમ્બર 1862, બુડાપેસ્ટ; અ. 26 ઑક્ટોબર 1943, કાબુલ, અફઘાનિસ્તાન) : હંગેરિયન બ્રિટિશ પુરાતત્વવિદ અને ભૂગોળવિદ. મધ્ય એશિયાના ખાસ કરીને ચીન અને તુર્કસ્તાનનાં તેમનાં પ્રવાસો અને સંશોધનોએ ઇતિહાસમાં ઘણો પ્રકાશ પાડ્યો છે. તેઓ 1888–99 દરમિયાન ઑરિયેન્ટલ કૉલેજ, લાહોર(હાલ પાકિસ્તાનમાં)ના આચાર્ય હતા. 1892માં તેમણે કલ્હણકૃત ‘રાજતરંગિણી’ (12મી સદી) પર સંસ્કૃતમાં ગ્રંથ લખ્યો હતો. 1900માં તેનું અંગ્રેજી ભાષાંતર ‘એ ક્રૉનિકલ ઑવ્ ધ કિંગ્ઝ ઑવ્ કાશ્મીર’ નામે પ્રસિદ્ધ થયું. તે જ વર્ષે તેમણે પશ્ચિમ ચીનથી ખોતાનનો મધ્ય એશિયાનો પોતાનો પ્રથમ પ્રવાસ શરૂ કર્યો. આ ગાળામાં અને પછીના ત્રણ પ્રવાસ(1908–09, 1913–16 અને 1930)માં તેમણે પશ્ચિમી જગત અને ચીન વચ્ચે ચાલતા પ્રાચીન વેપારનો માર્ગ શોધી કાઢ્યો.

એરૂલ સ્ટેઇન

આ દરમિયાન ઓછા મહત્વના પ્રાંતો વિશે મૂલ્યવાન અવલોકનો કર્યાં અને નવ્ય પાષાણ યુગથી માંડીને 8મી સદી સુધીનાં દસ્તાવેજી સાધનો (documents) અને ઓજારો (Artifacts), કબર, સંશોધનો અને કાપડના નમૂના એકત્ર કર્યા. તાન હુઆંગ (Tan Huang) પાસેથી ‘હજાર બુદ્ધો’ની ગુફા શોધી. અગિયારમી સદી સુધીનાં ચિત્રો, દસ્તાવેજો અને મંદિરો માટે આ ગુફા અગત્યની છે. તેમની મહત્વની શોધો ન્યૂ દિલ્હીના એશિયન ઍન્ટિક્વિટીઝ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તેમનાં સંશોધનને આધારે ‘એન્શિયન્ટ ખોતાન’ (બે ગ્રંથો, 1907), ‘સેરિન્ડિયા’ (પાંચ ગ્રંથો, 1921) અને ‘ઇનરમોસ્ટ એશિયા’ (ચાર ગ્રંથો, 1928) પ્રસિદ્ધ થયા. 1910–1929 દરમિયાન તેમણે ઇન્ડિયન આર્કિયોલૉજિકલ સર્વેના સુપરિન્ટેન્ડેન્ટની જવાબદારી નિભાવી હતી. તેમને ઇન્ડો-બુદ્ધિસ્ટ અવશેષોમાં અને મહાન ઍલેક્ઝાન્ડરના પૂર્વ પરના આક્રમણ વિષયમાં પણ રસ હતો. 1926માં સિંધુ નદીની નજીક પીર સરાઈ મુકામે ઍલેક્ઝાન્ડરના આક્રમણની અને લગભગ અભેદ્ય એવા રૉક ઑવ્ આર્નોસની જગ્યા ઓળખી બતાવી. મેસોપોટેમિયા અને સિંધુ સંસ્કૃતિ વચ્ચેના સંબંધો પર પ્રકાશ ફેંકતા ટીંબાઓ (mounds) ઈરાન અને બલૂચિસ્તાનમાંથી સ્ટેઇને શોધ્યા. ઈરાનમાં રોમની સરહદોના લશ્કરી વ્યૂહની દૃષ્ટિએ હવાઈ ફોટો લેવાનું કામ પણ કર્યું. 81મા જન્મદિને અફઘાનિસ્તાન વિશે સ્થળતપાસ કરવાનું જે લાંબા સમયથી રાહ જોઈ રહેલું તે કાર્ય શરૂ કરવાનું હતું; પરંતુ તે કામ શરૂ થાય એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું. 1904માં તેમને બ્રિટિશ નાગરિકત્વ મળ્યું હતું. 1912માં ‘નાઇટ’ પદવીથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

થૉમસ પરમાર