સ્ટૂગઝ, ધ થ્રી : હાસ્ય અભિનેતાની ત્રિપુટી. એમાં હાઉત્ઝ ભાઈઓ એટલે કે સૅમ્યુઅલ (જ. 1895) તથા મૉઝિઝ (જ. 1897) અને ત્રીજા અભિનેતા તે જૅરૉમ (જૅરી) (જ. 1911)નો સમાવેશ થાય છે. આ ત્રિપુટીનાં અનુક્રમે શૅમ્પ, મૉ અને કર્લી હેડ (માથે ટાલ હોવા છતાં) ઉપનામો હતાં. પ્રારંભમાં હાસ્યઅભિનેતા ટેડ હિલી સાથે તેમણે હાસ્યની ધૂમ મચાવી. ત્યાર પછી શૅમ્પ પોતાની આગવી કારકિર્દી બનાવવા આ વૃંદમાંથી છૂટા પડ્યા અને તેમના બદલે એ વૃંદમાં બેફામ ઊડતા વાળની લાક્ષણિકતા ધરાવતા લરી ફાઇન જોડાયા. પછી તેઓ હિલીથી છૂટા પડ્યા; લૅરી, કર્લી તથા મૉએ કોલંબિયા માટે 191 જેટલી ટૂંકી ફિલ્મો અને 13 કથાચિત્રોમાં અભિનય આપ્યો. એ દરેક ચિત્રમાં જોવા મળે છે એકસમાન લાક્ષણિકતા ને તેમાંની બેહદ હાસ્યની છાકમછોળ. તે પછી તેમાં વિશેષ ફેરફાર થયા; શૅમ્પ પાછા જૅરીના સ્થાને આવ્યા અને વળી તેમના સ્થાને જૉ બેસર આવ્યા. 1950ના દશકામાં પ્રારંભિક વર્ષો દરમિયાન તેમનાં ચિત્રો વિશેનો પ્રેક્ષકોનો રસ ઓછો થતો ગયો; પરંતુ દશકાના અંતે તેમનાં ચિત્રો ટેલિવિઝન પર પ્રસારિત કરાયાં ત્યારે તેમના પ્રત્યે નવેસર પ્રશંસાભાવ જાગ્યો.

મહેશ ચોકસી