સ્ટૅકમૅન ઇલ્વિન ચાર્લ્સ
January, 2009
સ્ટૅકમૅન, ઇલ્વિન ચાર્લ્સ (જ. 17 મે 1885, ઍલ્ગોમા, વિસ્કો, યુ.એસ.; અ. 22 જાન્યુઆરી 1979, સેન્ટ પોલ, મિને) : યુ.એસ.ના અગ્રણી (pioneer), વનસ્પતિરોગ-વિજ્ઞાની (pathologist) અને શિક્ષણવિદ. તેમણે ઘઉં અને અન્ય મહત્ત્વના અન્ન પાકોના રોગોની ઓળખ અને રોગ સામેના સંઘર્ષ માટેની પદ્ધતિઓ આપી.
સ્ટૅકમૅને બી.એ. (1906), એમ.એ. (1910) અને પીએચ.ડી. (1913) પદવીઓ યુનિવર્સિટી ઑવ્ મિનેસોટામાંથી પ્રાપ્ત કરી. 1909માં વનસ્પતિરોગવિજ્ઞાનના નવા સ્થપાયેલા વિભાગના તેઓ અધ્યાપક અને 1940માં અધ્યક્ષ બન્યા. તેઓ આ પદ પર નિવૃત્તિ (1953) સુધી રહ્યા. વળી, તેમણે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍગ્રિકલ્ચરની ફેડરલ સિરિયલ રસ્ટ લૅબોરેટરીમાં થતા સંશોધનકાર્ય વિશે માર્ગદર્શન આપ્યું. ધાન્યમાં થતાં પર્ણ-ગેરુની વર્તણૂક અને નિયંત્રણ વિશે સ્ટૅકમૅનનો ઊંડો રસ અને બહુફળદાયી (prolific) સંશોધન પ્રતિબિંબિત થાય છે.
ધાન્યો પરનાં તેમનાં સંશોધનોએ તેમને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક ફલક પર સક્રિય પ્રદાન આપવા તરફ દોર્યા. અન્ન-ઉત્પાદનની સુધારણા માટે મેક્સિકન સરકાર અને રૉકફેલર ફાઉન્ડેશન વચ્ચે સહકારની સંભાવના વિશે રૉકફેલર ફાઉન્ડેશનને સલાહ આપવા 1941માં રચાયેલી સમિતિના તેઓ એક સભ્ય હતા. તેની ફલશ્રુતિ રૂપે 1943માં મકાઈની સુધારણા માટે એક સંશોધન-મથક સ્થપાયું; જેમાંથી ‘The International Center for Corn and Wheat Improvement’ નામના સંગઠનનો આવિર્ભાવ થયો; જે
અનેક સંશોધન-મથકો સાથે નેટવર્ક ધરાવે છે. આ સંગઠને વિકાસશીલ દેશોમાં અન્ન-ઉત્પાદનની સુધારણા માટે ઘણો ફાળો આપ્યો છે. તેમણે પોતાના મૃત્યુ સુધી રૉકફેલર ફાઉન્ડેશનને સેવાઓ આપી.
વૈજ્ઞાનિક સંશોધનપત્રો ઉપરાંત, તેમણે જે. જી. હરાર સાથે 1957માં ‘The Principles of Plant Pathology’ નામનું પુસ્તક લખ્યું અને 1967માં રૉકફેલર ફાઉન્ડેશનના કૃષિવિદ્યાકીય કાર્યક્રમ હેઠળ તેમના સાથીઓ આર. બ્રેડફિલ્ડ અને પી. મૅન્જેલ્સ્ડૉર્ફ સાથે ભૂખમરા સામે ચળવળ આદરી.
બળદેવભાઈ પટેલ