સ્ટૅગ (શૅરબજાર) : કંપનીએ બહાર પાડેલા નવા શૅરો અરજી કરીને ખરીદ્યા પછી તુરત જ વેચી કાઢીને નફો કમાવાના હેતુવાળો સટોડિયો. શૅરબજારના ખેલાડીઓની ઓળખ અંગ્રેજી ભાષામાં કેટલાંક પ્રાણીઓનાં નામથી આપવામાં આવે છે; દા. ત., તેજીવાળાને ‘Bull’ એટલે કે ‘સાંઢ’થી ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે તાજાં ઘાસ અને કૂંપળ ખાતા ‘Stag’ એટલે કે ‘હરણ’ શબ્દનો પણ ઉપયોગ થાય છે. શૅરબજારને કારણે મૂડી-સર્જન અને મૂડી-તબદીલી શક્ય બને છે. મર્યાદિત જવાબદારીવાળી, સંયુક્ત હિસ્સાવાળી મંડળીઓને જ્યારે મૂડીની જરૂર પડે ત્યારે તે પ્રાથમિક શૅરબજારમાં પોતાના નવા શૅર વેચવા માટે પ્રવેશે છે. શૅરોની ખરીદી દ્વારા બચતકારો એમની બચતને રોકાણમાં ફેરવે છે એટલે કે મૂડી-સર્જન થાય છે. આ નવા શૅર મારફતે જાણે કે તાજાં ઘાસ કે કૂંપળ જેવો નફો ખાવાનો મળશે તેવું માનીને કેટલાક ખેલાડીઓ શૅર ખરીદે છે. આ ખરીદનારા લાંબા ગાળાના રોકાણકારો નથી; પરંતુ શૅરબજારની જે એક લાક્ષણિકતા છે તેનો લાભ લેનારા છે.

સટોડિયા ધારણા કરે છે કે શૅરોના ભાવોમાં ચોક્કસ ફેરફાર થશે એટલે તે ફેરફાર થાય છે. ઘણા સટોડિયા ધારણા કરે કે ભાવો વધશે એટલે નફો કમાવા તેઓ પ્રવર્તમાન નીચા લાગતા ભાવે ખરીદી કરવા માંડે છે; તેથી પુરવઠા કરતાં માંગ વધી જાય છે. પરિણામે ભાવ વધે છે. એ જ પ્રમાણે નવા બહાર પડેલા શૅરોના ભાવ વધશે એવી ધારણા કરીને કેટલાક ખેલાડીઓ તે ખરીદે છે. પરિણામે, એના પુરવઠા કરતાં માંગ વધી જાય છે. આ શૅરો બજારની યાદીમાં મુકાય ત્યારે આ વધારાની માંગને પરિણામે બહાર પાડતી વખતે મંડળીએ લીધેલા ભાવ કરતાં વધારે ભાવ શૅરબજારમાં બોલાવાની સંભવિતતા વધી જાય છે. જો વધારે ભાવ બોલાય તો નવા શૅરોમાં તાજો નફો મળવાની ગણતરી સાચી પડતાં આ ખેલાડીઓ શૅર વેચી કાઢે છે. નફો ગાંઠે બાંધે છે. આ ખેલાડીઓ ‘સ્ટૅગ’થી ઓળખાય છે. ‘સ્ટૅગ’ શૅર વેચવા માંડે એટલે શૅરનો પુરવઠો વધે છે. ભાવ ઘટવાની દિશામાં જાય છે; પરંતુ ખરેખર ભાવ ઓછા થાય તે પહેલાં ચપળ હરણની જેમ એ ખેલાડી નફો કમાઈને શૅરબજારમાંથી ભાગી છૂટે છે. ‘સ્ટૅગ’ને કારણે પ્રાથમિક શૅર બજારમાં મંડળીએ બહાર પાડેલા શૅર જેટલી અથવા તો વધારે માંગ નીકળે છે તેથી મંડળીને મૂડી મેળવવામાં સરળતા રહે છે; પરંતુ બીજી બાજુ સ્ટૅગને કારણે માંગ કૃત્રિમ રીતે વધે છે તેથી મંડળીની પાયાની વિગતો તપાસીને રોકાણ કરવાની શાણપણભરી નીતિનું અવમૂલ્યાંકન થાય છે. કૃત્રિમ રીતે વધેલી માંગથી દોરાઈને રોકાણ કરનારાને કારણે સાચા રોકાણકારોને નુકસાન સહન કરવું પડે છે. શૅરબજારમાં આ શૅરો યાદી પર લેવાતાં ‘સ્ટૅગ’ શૅર વેચે છે. ભાવો કૃત્રિમ રીતે ઘટે છે. ફરી એક વાર કૃત્રિમ રીતે ઘટતા આ ભાવોથી દોરાઈને સાચા રોકાણકારો શૅર વેચીને બીજી વાર નુકસાન સહન કરે છે. નવી સ્થપાયેલી પણ સારા ભાવિવાળી મંડળીની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે.

સૂર્યકાન્ત શાહ