સ્ટુર્જ–વેબરનું સંલક્ષણ : કપાળ અને ઉપલા પોપચા પર જન્મ સમયથી પૉર્ટ-વાઇન ડાઘા, ઝામર, આંચકી (convulsion), માનસિક અલ્પવિકસન તથા મગજનાં આવરણોમાં એક બાજુએ નસોની ગાંઠવાળો જવલ્લે જોવા મળતો જન્મજાત વિકાર. તે વિલિયમ એલેન સ્ટુર્જ અને ફ્રેડ્રિક પાર્કસ વેબરનાં નામો સાથે પ્રસિદ્ધ છે. તેનું શાસ્ત્રીય નામ મસ્તિષ્ક-સહ-ત્રિશાખચેતાકીય વાહિનીઅર્બુદતા (encephalotrigeminal angiomatosis) છે. તેમાં ચેતાતંત્ર (nervous system) અને ચામડીના વિકારો થાય છે. તેમાં નસોની (ધમનીશિરાકીય, arteriovenous) કુરચના થાય છે. આવો વિકાર વારસાગત હોતો નથી. તે ભ્રૂણના વિકાસની એક પ્રકારની વિષમતા છે, જેમાં ભ્રૂણના મધ્યત્વકીય અને બહિસ્ત્વકીય વિકાસમાં વિકાર ઉદભવેલો હોય છે. સામાન્ય રીતે તે એક બાજુ પર જોવા મળે છે. ચહેરા પરના ડાઘાનું કારણ તે ભાગમાં કેશવાહિનીઓની અતિવર્ધિત સંખ્યા છે. સામાન્ય રીતે જે બાજુ ડાઘા હોય તેની સામેની બાજુનાં અંગોમાં ખેંચ (આંચકી) આવે છે. ઉંમર વધવા સાથે વિકાર પણ વધે છે. આંખમાં દબાણ વધવા(ઝામર)થી આંખ મોટી થાય છે.

કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ ન હોવાને કારણે તકલીફો ઘટાડવાના લક્ષ્યથી કરાતી લક્ષણલક્ષી (symptomatic) સારવાર અપાય છે. દા. ત., આંચકી તથા ઝામરની સારવાર, વ્યાયામાદિચિકિત્સા (physiotherapy), માનસિક અલ્પવિકસન માટે શૈક્ષણિક ચિકિત્સા વગેરે. કેટલાંક કેન્દ્રોમાં આંચકી બંધ કરવા મગજના અસરગ્રસ્ત ભાગને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે.

શિલીન નં. શુક્લ