સ્ટાઇન, ગર્ટ્રુડ (. 3 ફેબ્રુઆરી 1874, એલેઘેની, પેન્સિલવેનિયા, યુ.એસ.; . 27 જુલાઈ 1946, પૅરિસ) : અમેરિકન લેખિકા. અમેરિકાના શ્રીમંત જર્મન-જ્યુઈશ દંપતીનું સંતાન. તેની ત્રણ વર્ષની ઉંમરે કુટુંબ વિયેના ગયું અને પછી પૅરિસ પહોંચ્યું; ત્યાંથી પરત ફરીને કૅલિફૉર્નિયાના ઓકલૅન્ડમાં સ્થાયી થયું. માતા એમેલિયાનું 1888માં કૅન્સરથી અવસાન થયું અને પિતા ડેનિયલ 1891માં મૃત્યુ પામ્યા. ગર્ટ્રુડે રેડક્લિફ કૉલેજમાં જાણીતા મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ પાસે અભ્યાસ કર્યો અને મનોચિકિત્સક થવાનો મનસૂબો ઘડ્યો. પછી જ્હૉન્સ હૉપ્કિન્સ મેડિકલ કૉલેજમાં પ્રવેશ લીધો, પણ 1901માં પદવી પ્રાપ્ત કર્યા વિના કૉલેજ છોડી. 1903માં ભાઈ લિયો પાસે કલાના અભ્યાસ માટે પૅરિસ પહોંચી અને ત્રીસ વરસ સુધી ત્યાં જ લેફ્ટ બૅંક વિસ્તારમાં એક ફ્લૅટ રાખીને રહેવાનું શરૂ કર્યું. થોડા વખતમાં જ એ ફ્લૅટ ઘણા યુવાન કલાકારો અને સાહિત્યકારોનું મિલનસ્થાન બની ગયો, જેમાં પાબ્લો પિકાસો અને એઝરા પાઉન્ડનો પણ સમાવેશ થતો. આધુનિક કલાની હિમાયત કરતી આ લેખિકાના મિત્રવર્તુળમાં જેમ્સ જોઈસ, સ્કૉટ ફિટ્ઝેરાલ્ડ, અર્નેસ્ટ હેમિંગ્વે વગેરે ખ્યાતનામ લેખકો હતા. 1907માં તે એલિસ બી. ટોકલાસના પરિચયમાં આવી, જે તેમની જીવનભરની સખી અને મંત્રી બની રહી. ક્યુબિક પેઇન્ટિંગ વિશેના તેના ખ્યાલો અને તેનાં વિવિધ લખાણો અંગે લિયો સાથે મતભેદ થતાં લિયો ફ્લોરેન્સ ચાલ્યા ગયા. ગર્ટ્રુડ તેમની સખી ટોકલાસ સાથે પૅરિસમાં રહી. પૅરિસ-સ્થિત અંગ્રેજીભાષી લેખિકા તરીકે સ્ટાઇન ગર્ટ્રુડનો પ્રભાવ વીસમી સદીના પ્રારંભમાં તેમના આધુનિકતાના વિચારોને કારણે ગાઢ રહ્યો છે.

ગર્ટ્રુડ સ્ટાઇન

પોતાની ખ્યાતનામ કૃતિ ‘ધી ઑટોબાયૉગ્રાફી ઑવ્ એલિસ બી. ટોકલાસ’(1933)માં પોતાના જીવનની કથા લેખિકાએ પોતાની સખીના મુખે રજૂ કરી છે. પાછળથી આ કૃતિ ‘એવરીબડીઝ ઑટોબાયૉગ્રાફી’ (1937) નામે પ્રગટ થઈ અને બેસ્ટ સેલર બની. ગર્ટ્રુડની શ્રેષ્ઠ કૃતિ ‘થ્રી લાઇવ્ઝ’ 1909માં લખાયેલી, પણ તેના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયેલી. આ કૃતિમાં વિકસાવેલ કથનશૈલી માટે ગર્ટ્રુડને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. 1915માં રચાયેલી કૃતિ ‘ટેન્ડર બટન્સ’માં આધુનિક કલાનો તેના ઉપર કેવો પ્રભાવ હતો તે દર્શાવે છે. તેમાં નાની નાની ગદ્યકવિતાઓમાં કલ્પનો અને શબ્દ-ગુચ્છો એવી રીતે પ્રયોજાયાં છે કે ક્યૂબિક આર્ટિસ્ટની કલાની સમકક્ષ તેને મૂકી શકાય. અન્ય કલાકારોએ તેમાંથી પ્રેરણા મેળવી, પણ કૃતિને વિશાળ વાચકવર્ગ પ્રાપ્ત ન થયો. ‘વૉર્સ આઇ હૅવ સીન’ (1944) અને ‘બ્ય્રુસી ઍન્ડ વિલી’(1946)માં બે વિશ્વયુદ્ધો દરમિયાન પોતે જાણીતી વ્યક્તિઓ અને અમેરિકી સૈનિકોના પરિચયમાં આવેલાં તેની વાત છે. 1903માં લખાયેલી પણ 1950માં પ્રકાશિત થયેલી ગર્ટ્રુડની  કૃતિ ‘થીંગ્ઝ ઍઝ ધે આર’માં સજાતીય નારી-સંબંધોની ચર્ચા છે. તેમાં ત્રણ એવી મહિલાઓની વાત છે જે જીવનથી હારી ગઈ છે. એમાંની એક મુલાટો માતા અને હબસી પિતાનું, પિતાથી તિરસ્કૃત સંતાન છે. અમેરિકન નવલકથામાં હબસીને માનવી ગણીને સાહિત્યકૃતિમાં સ્થાન આપનાર આ પ્રથમ સાહિત્યકૃતિ છે એમ મનાય છે. સ્ટાઇન ગર્ટ્રુડની અત્યંત પ્રભાવશાળી કૃતિઓમાં ‘ધ મેઇકિંગ ઑવ્ અમેરિકન્સ’ (1925), ‘હાઉ ટુ રાઇટ’ (1931), ‘ધી ઑટોબાયૉગ્રાફી ઑવ્ એલિસ બી ટોકલાસ’ (1933) તથા ‘સ્ટાન્ઝાઝ ઇન મેડિટેશન ઍન્ડ અધર પોએમ્સ’નો સમાવેશ થાય છે. રિચર્ડ બ્રિજમૅને ‘ગર્ટ્રુડ સ્ટાઇન ઇન પિસીઝ’ (1970) નામે વિવેચનાત્મક ગ્રંથ લખ્યો છે. જેમ્સ આર. યેલૉએ ‘ચાર્મ્ડ સર્કલ : ગર્ટ્રુડ સ્ટાઇન ઍન્ડ કંપની’(1974)માં પૅરિસમાં લેખિકાએ વિતાવેલ સમયનું દર્શન છે. આ ઉપરાંત ‘વૉટ ઇઝ રિમેમ્બર્ડ’ (1963) એલિસ બી. ટોકલાસે લખેલ આત્મકથા છે, તો લેખિકાના પત્રો ‘સ્ટેપિંગ એન અલોન’ (1973) નામે પ્રસિદ્ધ થયેલ છે.

પંકજ  જ. સોની