સ્કન્દસ્વામી : ઋગ્વેદના એક પ્રાચીન ભાષ્યકાર. તેઓ ગુજરાતી હતા. તેમનું ભાષ્ય ઉપલબ્ધ ભાષ્યોમાં સર્વપ્રથમ છે; એટલું જ નહિ, પણ તે અત્યંત વિશદ હોઈને વૈદિક સાહિત્યમાં તેને આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. સ્કન્દસ્વામીનું ભાષ્ય ઋગ્વેદના અર્ધા ભાગ ઉપર જ એટલે કે ચાર અષ્ટક સુધીનું જ મળે છે. એટલા ભાગ ઉપર જ રચાયું હોય તેમ સમજાય છે, કેમ કે ભાષ્યકારે ભાષ્યના છેવટના ભાગમાં થોડા શ્લોકોમાં પોતાના વિશે થોડી માહિતી આપી છે. તદનુસાર તેઓ ગુજરાતની તત્કાલીન રાજધાની વલભીના વતની હતા. તેમના પિતાનું નામ ભર્તૃધ્રુવ હતું. તેઓ હર્ષવર્ધન તથા બાણભટ્ટના સમકાલીન હતા. તેમણે યાસ્કાચાર્યના ‘નિરુક્ત’ ઉપર પણ ટીકા લખી છે.

જયન્ત પ્રે. ઠાકર