સૌર સંપ્રદાય : પ્રાચીન ભારતીય હિંદુ ધર્મનો પ્રત્યક્ષ સૂર્યને દેવ માનતો સંપ્રદાય.
છેક વેદકાળથી ભારતમાં સૂર્યપૂજા પ્રચલિત છે. ઋગ્વેદ 10–158–1માં સૂર્યની સ્તુતિ છે. વૈદિક સૂર્યોપાસના પછીનો બીજો તબક્કો ઈરાની અસર નીચેની સૂર્યોપાસના છે. સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં બાર સૂર્યમંદિરોના ઉલ્લેખ છે. ગુજરાતમાં મૈત્રક કાળથી સૂર્યમંદિરો અને સૂર્યપ્રતિમાઓ જોવા મળે છે. સૂર્યપૂજકોનો એક સ્વતંત્ર સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો હતો તે ‘સૌર સંપ્રદાય’ તરીકે ઓળખાવા લાગ્યો હતો. શંકરાચાર્ય દક્ષિણમાં ત્રિવેન્દ્રમ નજીક સુબ્રહ્મણ્ય નામના સ્થળે આ સાંપ્રદાયિકોના સંપર્કમાં આવેલા. આ સંપર્ક એમના શિષ્ય આનંદગિરિને કારણે થયો હતો. એમના આચાર્યનું નામ દિવાકર હતું. આ લોકો કપાળમાં લાલ ચંદનનો સૂર્યબિમ્બ હોય એવી આકૃતિનો ચાંલ્લો કરતા. ગળામાં રક્તપુષ્પની માળા ધારણ કરતા. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતા રહેતા. ઊગતા અથવા અસ્ત પામતા સૂર્યબિંબની ઉપાસના કરતા. સૂર્યબિંબને જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અથવા લયનું કારણ માનતા. હાથમાં, ખભા ઉપર સૂર્યબિંબને ત્રોફાવતા. સૂર્યબિંબની જ પ્રત્યક્ષત: પૂજા થતી હોવાથી સૂર્યપ્રતિમાઓ બહુ પ્રચલનમાં આવી ન હતી. બીજા બધા આચાર્યોની જેમ આ સંપ્રદાયના આચાર્યોએ પણ વૈદિક શ્રુતિઓનું અર્થઘટન પોતાને અનુકૂળ હોય તે રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે, પુરુષસૂક્ત અને શતરુદ્રીયને એ અર્થમાં સમજાવ્યાં છે કે પ્રત્યેક મુમુક્ષુએ સૂર્યની પૂજા કરવી જોઈએ, એનાં ચિહન શરીરે ધારણ કરવાં જોઈએ અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. બ્રહ્માવિષ્ણુમહેશ સૂર્યનાં જ વિવિધ રૂપો છે. બાણભટ્ટના ‘હર્ષચરિત’માં પ્રભાકરવર્ધનની ઉપાસનાપદ્ધતિ આ સંપ્રદાયને અનુરૂપ છે. વેપારીઓ, કારીગરો અને શ્રેષ્ઠીઓ દ્વારા આ સંપ્રદાયને પોષણ મળતું હતું. મૈત્રકો, હૂણો વગેરેનો રાજ્યાશ્રય આ સંપ્રદાયને મળ્યો હતો. સોલંકી યુગમાં પણ આ સંપ્રદાયનો વ્યાપક પ્રભાવ હતો. સૂર્યની સાથે તેમના પત્ની રન્ના–રાંદલમા અને પુત્ર રેવંતનો ગુજરાતના લોકજીવનમાં પ્રભાવ હતો. સલ્તનતકાળમાં પણ ગુજરાતમાં આ પ્રભાવ પ્રારંભમાં જળવાઈ રહ્યો; પરંતુ ઈ. સ.ની પંદરમી સદી પછી આ પ્રભાવ ઓસરવા લાગ્યો. આ સમયમાં સૂર્યમંદિરોનો નાશ થવા લાગ્યો અને નવાં મંદિરો બંધાતાં બંધ થયાં. એટલે ક્રમશ: સૂર્યપૂજા વિષ્ણુપૂજા સાથે ભળી ગઈ.
રશ્મિકાંત પદ્મકાંત મહેતા