સૌરાષ્ટ્ર

તળ ગુજરાતની પશ્ચિમે આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ. ભૌગોલિક સ્થાન : તે 20° 42´ ઉ. અ.થી 23° 34´ ઉ. અ. અને 68° 57´ પૂ. રે.થી 72° 10´ પૂ. રે. વચ્ચેનો 64,339 ચોકિમી. (ગુજરાત રાજ્યનો 32.8 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચ્છના અખાત સહિતનો ભૂમિભાગ, કચ્છનું નાનું રણ અને ઉત્તર ગુજરાતનો પાટણ જિલ્લો, પૂર્વમાં અમદાવાદ જિલ્લો, ખંભાતનો અખાત, આણંદ, ભરૂચ અને સૂરત જિલ્લો તથા દક્ષિણે અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. સૌરાષ્ટ્રને 843 કિમી. લંબાઈનો દરિયા-કિનારો મળેલો છે. આ સમુદ્રકિનારે ભાવનગર, પીપાવાવ, સોનરાઈ, સરતાનપુર, મહુવા, ચાંચ, માંડવા, સોમર, મોટાપત, જાફરાબાદ અને હંસ્થળની ખારા પાણીની ખાડીઓ આવેલી છે.

ભૂસ્તર : ભારતીય ઉપખંડના મુખ્ય ત્રણ ભૂસ્તરીય એકમો – બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તાર, સિંધુ–ગંગા–બ્રહ્મપુત્રનાં મેદાનો અને દ્વીપકલ્પીય વિસ્તાર – પૈકી સૌરાષ્ટ્ર ભારતીય દ્વીપકલ્પ વિસ્તારના વાયવ્યતરફી અગ્ર ભૂમિભાગ તરીકે અલગ પડી આવે છે.

સૌરાષ્ટ્રની ખડકરચનાઓને ભૂસ્તરીય કાળક્રમના સંદર્ભમાં મુલવતાં, તે આખાયે પેલિયોઝોઇક યુગના તેમજ ટ્રાયાસિક કાળના ખડકોથી વંચિત છે; અર્થાત્ તેમાં કૅમ્બ્રિયનથી પર્મિયન અને ટ્રાયાસિક કાળના ખડકો, તત્કાલીન સંજોગોની પ્રતિકૂળતાઓને કારણે જમાવટ પામેલા ન હોઈ, જોવા મળતા નથી. જુરાસિક કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં દરિયાઈ અતિક્રમણ થયેલું.

સૌરાષ્ટ્રનોશો

તેને પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની આજુબાજુના વિસ્તારમાં જમાવટ પામેલો, ગુજરાતમાં બાંધકામ માટે જાણીતો ‘ધ્રાંગધ્રા રેતીખડક’ ઇમારતી પથ્થર તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમાં કેટલાક વનસ્પતિ-અવશેષો જળવાયેલા મળે છે. સૌરાષ્ટ્રની જુરાસિક કાળની આર્થિક પેદાશોમાં સ્થાનભેદે કોલસો, સિલિકા રેતી, ચિનાઈ માટી અને અગ્નિજિત માટીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં મળી આવતી આ જૂનામાં જૂની ભૂસ્તરરચના માટે મતમતાંતર પ્રવર્તે છે; કેટલાક ભૂસ્તરવિદોના મંતવ્ય મુજબ તે ક્રિટેશિયસ વયના છે. ઉપલબ્ધ પુરાવાઓ તેમને જુરા-ક્રિટેશિયસ કાળના હોવાનું યોગ્ય ગણે છે. વઢવાણ નજીક મળતી રચનાઓ ક્રિટેશિયસની હોવાનું ગણાય છે, તેની ઉપર ડેક્કન ટ્રૅપ રચનાના ખડકો રહેલા છે. સૌરાષ્ટ્રનો લગભગ બધો જ મધ્યભાગ ડેક્કન ટ્રૅપ રચનાના ખડકોથી આચ્છાદિત છે. તે જ્વાળામુખીજન્ય છે. જૂનાગઢ નજીક ગિરનારની ટેકરીઓમાં આ ખડકો મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા પૂરા પાડે છે, તેમાં ઍસિડિકથી બેઝિક બંધારણવાળા પ્રકારો જોવા મળે છે. ડેક્કન ટ્રૅપ રચનાના ખડકો સાથે બૉક્સાઇટ, લૅટરાઇટ અને બેન્ટોનાઇટ જેવી વળતરરૂપ પેદાશો સંકળાયેલી છે. બેસાલ્ટ આ રચનાનો મુખ્ય ખડકપ્રકાર છે, જે માર્ગ-મકાન બાંધકામમાં કપચી કે આર.સી.સી.ના કામ માટે ઉપયોગમાં લેવાય છે.

કૅનોઝોઇક યુગની ટર્શિયરી-ક્વાર્ટર્નરી રચનાઓ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મળી આવે છે. આ રચનાઓ ટ્રૅપ ખડકોની ઉપર તરફ રહેલી છે. તે જુદા જુદા જીવાવશેષોથી યુક્ત છે. ખંભાતના અખાતમાં ભાવનગર નજીક પીરમના ટાપુમાં મળી આવતા ટર્શિયરી કાળના ખડકોમાંથી બકરી, ડુક્કર, રહાઇનૉસીરસ અને મૅસ્ટોડૉન જેવાં સસ્તન પ્રાણીઓના જીવાવશેષો મળી આવેલા છે. સૌરાષ્ટ્રની કંઠારપટ્ટી પર મળતો મિલિયૉલાઇટ (ફૉરામિનિફેરાવાળો ચૂનાખડકચૉક) પ્લાયસ્ટૉસીન કાળનો છે. કંઠારપટ્ટી પર મળી આવતા ચૂનાખડકો સિમેન્ટ-ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે.

જામનગરના કિનારાની આજુબાજુનો પૂર્વ–પશ્ચિમ રેખીય વિસ્તાર તથા ભાવનગર નજીકનો ઉત્તર–દક્ષિણ રેખીય વિસ્તાર ભૂકંપને પાત્ર ગણાય છે. 1819, 1956 અને 2001ના ભૂકંપોએ અહીંના કેટલાક ભાગો પર અસર કરેલી.

સૌરાષ્ટ્રમાં ગીરમાં તુલસીશ્યામ ખાતે તથા ભાવનગર નજીક ઘોઘા ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. ચામડીના રોગો મટાડવા માટે તે ઉપયોગમાં લેવાય છે.

ખનિજોની ઉપલબ્ધિના સંદર્ભમાં જોતાં સૌરાષ્ટ્ર બૉક્સાઇટ અને વિવિધ પ્રકારની મૃદ વિશેષ પ્રમાણમાં મળે છે. અહીંનું બૉક્સાઇટ સારી કક્ષાનું હોવાથી તેની નિકાસ પણ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં લિગ્નાઇટ, બેન્ટોનાઇટ (ભૂતડો), ચિનાઈ માટી, અગ્નિજિત માટી, સુઘટ્ય માટી, સિલિકા રેતી, કૅલ્સાઇટ, ચિરોડી, ઇલ્મેનાઇટ, ક્વાર્ટ્ઝ પણ મળે છે. ખડકોના સંદર્ભમાં જોતાં રેતીખડકો, ચૂનાખડકો અને અને બેસાલ્ટ આર્થિક દૃષ્ટિએ મહત્વના છે.

ભૂપૃષ્ઠ : સૌરાષ્ટ્રનું ભૂપૃષ્ઠ ઊંધી રકાબીના આકારમાં ગોઠવાયેલું છે. મધ્યમાં ઊંચાણવાળો પહાડી વિભાગ છે, તેમાં ગિરનાર (1,117 મીટર), ચોટીલો (340 મીટર), શેત્રુંજો (498 મીટર) અને બરડો (637 મીટર) મુખ્ય છે. આ ઉપરાંત અલેક, ઓસમ; ઉત્તરે માંડવની, દક્ષિણે ગીરની અને તુલસીશ્યામની ટેકરીઓ; સરકલા, કનારા, નંદીવેલ, મોરધાર, મિતિયાળા, લોંગડી, ખોખરા અને તળાજાના ડુંગરો જેવા ઊંચાણવાળા ભાગો આવેલા છે.

સૌરાષ્ટ્રમાં બે ગિરિમાળાઓ આવેલી છે : એક, પોરબંદરથી 28.8 કિમી. દૂર બરડાની ગિરિમાળા રૂપે નૈર્ઋત્યથી ઈશાન તરફ આશરે 240 કિમી. લાંબી, 48 કિમી.ના પરિઘમાં પથરાયેલી છે; બીજી ગિરિમાળા દક્ષિણમાં આશરે 160 કિમી. લાંબી, પૂર્વ–પશ્ચિમ પથરાયેલી છે. જૂનાગઢ નજીક આવેલો ગિરનાર (જૂનાં નામ : ઉજ્જયંત અથવા રૈવતગિરિ) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે; તેમાં પાંચ શિખરો છે : ગોરખનાથ (1,117.40 મીટર), અંબામાતા (1,066.60 મીટર), ઓઘડ, દત્તાત્રેય (1,066 મીટર) અને કાલિકા (1,004.30 મીટર). નજીકમાં આવેલી દાતારની ટૂક 846.77 મીટર ઊંચાઈની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ડુંગરો ઈશાન ખૂણાની ગિરિમાળાના ભાગરૂપ છે. ચોટીલા ખાતે ચામુંડા માતાનો શંકુ આકારનો ડુંગર આવેલો છે. અહીંના ઠાંગા અને માંડવના ડુંગરો ધ્રાંગધ્રા સુધી વિસ્તરેલા છે. ભાવનગર જિલ્લામાં શિહોર નજીક શિહોરી માતા અને સાતશેરીના ડુંગરો, ત્યાંથી દક્ષિણે સાવરકુંડલામાં મોરધાર અને મિતિયાળાના ડુંગરો તથા પૂર્વ તરફ ખોખરા અને તળાજાના ડુંગરો આવેલા છે. કિનારાના કેટલાક ભાગોમાં સાંકડી મેદાનપટ્ટીઓ પણ વિસ્તરેલી છે.

સૌરાષ્ટ્રની કંઠારપટ્ટીને ચાર વિભાગોમાં વહેંચી શકાય : આમલીથી ગોપનાથ 112.65 કિમી., ગોપનાથથી દીવ 128.74 કિમી., દીવથી ઓખામંડળ 257.48 કિમી. અને ઓખામંડળથી કચ્છનું રણ 257.49 કિમી.

સૌરાષ્ટ્રમાં સાત મેદાની ભાગો પણ આવેલા છે : (1) શેત્રુંજી થાળું – ગીરની ટેકરીઓ અને પાલિતાણા પાસે તે સાંકડું છે તથા તેનો પૂર્વ છેડો પંખાકાર છે. (2) ભાદર થાળું – ગીરની ટેકરીઓથી અલગ પડે છે. (3) વઢવાણનો પ્રદેશ – ઉત્તર તરફ આવેલો આ નાનો ત્રિકોણાકાર મેદાની ભાગ સૌરાષ્ટ્રને ગુજરાતની તળભૂમિ સાથે જોડે છે. જુરાસિક વયના રેતીખડકથી બનેલો ધ્રાંગધ્રા અને વઢવાણનો ભાગ ઊંચાણવાળો હોવાથી અલગ તરી આવે છે. (4) ભાલકાંઠાનળકાંઠા વિસ્તાર – નીચી ભૂમિનો આ પ્રદેશ વાસ્તવમાં ભાવનગર સુધી વિસ્તરેલો છે. (5) ઘોઘાનું મેદાન – ખંભાતના અખાત સામેનું આ મેદાન માટીના આવરણથી બનેલું છે. (6) મોરબીનું મેદાન – આ વિસ્તાર કાળી જમીન અને રેતીથી બનેલો સમતળ છે. (7) ઈશાની મેદાન – તે ઓછા દળવાળી રેતાળ જમીનથી બનેલો છે.

સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ ઈશાન અને નૈર્ઋત્યમાં આવેલી ટેકરીઓથી અલગ પડે છે. સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ ગુજરાતની તળભૂમિ સાથે ભાલકાંઠાનળકાંઠાના પ્રમાણમાં નીચાણવાળા ભાગથી જોડાયેલો છે, અહીંની સરેરાશ ઊંચાઈ 75થી 150 મીટર જેટલી છે. કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતો આ ભાગ ખારાપાટથી બનેલો છે.

સૌરાષ્ટ્રનો ભૂપૃષ્ઠ નકશો

જળપરિવાહ : સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ ઊંચાણવાળો હોવાથી તેનું જળપરિવાહ માળખું વિકેન્દ્રિત અથવા ત્રિજ્યાકાર (radial) છે. સૌરાષ્ટ્રની લગભગ બધી જ નદીઓ મધ્ય ભાગમાંથી નીકળે છે. શેત્રુંજી, ભાદર, સુકભાદર, ભોગાવો, મચ્છુ, આજી, ઘેલો, કાળુભાર અહીંની મુખ્ય નદીઓ છે. આ ઉપરાંત ખારી, રાવળ, શિંગોડા, માલણ, મચ્છુન્દ્રી, ગોંડલી, ફૂલઝર, રંગોળા, મીનસર, ઓઝત, મધુવંતી, મેઘણ, બાંભણ જેવી નાની-મોટી 71 જેટલી નદીઓ સૌરાષ્ટ્રમાં આવેલી છે. જે જે નદીઓ પર બંધ બાંધવામાં આવેલા છે ત્યાં જળાશયો તૈયાર થયાં છે, તેનાં પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે.

આબોહવા : કર્કવૃત્ત સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્તર સીમા પરથી પસાર થતું હોવાથી તે ઉષ્ણકટિબંધની ગરમ, ભેજવાળી અયનવૃત્તીય આબોહવા ધરાવે છે, માત્ર તેનો કંઠાર-વિસ્તાર પ્રમાણમાં ઓછો ગરમ રહે છે. કાંઠાના ભાગોમાં ફૂંકાતા રહેતા પવનોની ગતિ કલાકના 8થી 16 કિમી. જેટલી રહે છે. મે માસ વધુમાં વધુ ગરમ રહે છે. કિનારા નજીકના ભાગોમાં 32° સે. અને અંતરિયાળમાં 42° સે. જેટલું તાપમાન પહોંચે છે. જાન્યુઆરી માસ વધુમાં વધુ ઠંડો રહે છે. તે દરમિયાન કિનારા નજીકના ભાગોમાં 11°થી 15° સે. અને અંતરિયાળમાં 8°થી 10° સે. તાપમાન રહે છે. સુરેન્દ્રનગરનો ઉત્તર ભાગ કચ્છના નાના રણ પાસે આવેલો હોવાથી ત્યાં ક્યારેક 6° સે. તાપમાન પહોંચે છે.

નૈર્ઋત્યના મોસમી પવનો જૂનના મધ્ય ભાગથી સપ્ટેમ્બરના મધ્ય ભાગ દરમિયાન વરસાદ આપે છે. વર્ષનો 95 % વરસાદ આ ગાળામાં પડી જાય છે. તે પૈકીનો 40 % જેટલો વરસાદ જુલાઈમાં પડે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં સરેરાશ 630 મિમી જેટલો, જ્યારે ઉત્તર ભાગમાં સરેરાશ 380 મિમી. જેટલો વરસાદ પડે છે. (સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દાયકામાં વધુમાં વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં 1983માં 2,538 મિમી. જેટલો પડેલો, જે સરેરાશ કરતાં 460 ટકા વધુ હતો.) આ સંદર્ભમાં જોતાં, સૌરાષ્ટ્રનો મોટો ભાગ અવારનવાર વરસાદની તંગી અનુભવે છે; અર્થાત્, દર ત્રણ વર્ષે એક વર્ષ વરસાદની તંગીનું તથા દર પાંચ વર્ષે એક વર્ષ દુકાળનું રહે છે. વીસમી સદીના એકસો વર્ષમાં અમુક અમુક વર્ષોને ગાળે સરેરાશ દસ વર્ષ દુકાળનાં પ્રવર્તેલાં. 1888, 1975, 1977, 1982–1983 અને 1998માં મુખ્યત્વે પોરબંદર અને જામનગર વિસ્તારમાં વાવાઝોડાં આવેલાં, જેનાથી પારાવાર નુકસાન થયેલું.

દુષ્કાળની પરિસ્થિતિ દરમિયાન પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય છે. 1991થી 2005 દરમિયાન 1994, 1997, 1999, 2000, 2001 અને 2002નાં વર્ષો કપરાં પસાર થયેલાં. ભૂગર્ભજળના પાણીના સ્તર ઝડપથી નીચે ઊતરતા ગયેલા.

જંગલો : ગુજરાત રાજ્યના કુલ જંગલ-વિસ્તાર પૈકીનો અંદાજે 20 % જેટલો જંગલ-વિસ્તાર સૌરાષ્ટ્રમાં આવેલો છે. તે સૌરાષ્ટ્રનો 4.33 % ભૂમિભાગ આવરી લે છે. આ પૈકી 2,680 ચોકિમી.માં અનામત જંગલો, 125 ચોકિમી.માં રક્ષિત જંગલો તથા 1,600 ચોકિમી. વિસ્તારમાં બિનવર્ગીકૃત જંગલો આવેલાં છે. મોટા ભાગનાં જંગલો ડુંગરાળ વિસ્તારમાં છે. સૌથી વધુ જંગલો જૂનાગઢ જિલ્લામાં અને સૌથી ઓછાં જંગલો ભાવનગર જિલ્લામાં આવેલાં છે. સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં કાંટાળાં વૃક્ષો છે, જ્યારે દક્ષિણ ભાગોમાં, મલબારમાં છે એવાં, જંગલો આવેલાં છે. ગીરમાં / ગિરનારમાં સાગ, બાવળ, ખેર અને ગોરડ જેવાં વૃક્ષો વધુ છે; વળી સાદડ, શીમળો, કેસૂડો, મહુડો, ગરમાળો, હળદરવો, રાયણ, વાંસ, થોર, બોરડી, ધાવડો, ટીમરુ અને લીમડો જેવાં વૃક્ષો પણ જોવા મળે છે. જૂનાગઢના કિનારે પથરાયેલી પંકભૂમિમાં ચેર(mangrove)નાં વૃક્ષો પણ છે. અહીંની ઔષધીય વનસ્પતિમાં પુનર્નવા, ગરમાળો, હરડે, બહેડાં, આમળાં અને કુવારપાઠાનો સમાવેશ થાય છે. ઓખામંડળના કાંઠે જુદી જુદી પ્રજાતિઓ ધરાવતી લીલ અને શેવાળ પણ છે. બેટ દ્વારકા નજીક સોમવેલ પણ નજરે પડે છે.

પ્રાણીજીવન : સૌરાષ્ટ્રનાં જંગલોમાં સ્થાનભેદે પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધતા જોવા મળે છે. સમગ્ર એશિયા ખંડમાં સૌરાષ્ટ્રનો સાસણગીર જ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં એશિયાઈ સિંહ વસે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના સીમાવર્તી ભાગો(બજાણા)માં ઘુડખર પણ છે. સૌરાષ્ટ્રમાં દીપડા, જરખ, ચીતળ, સાબર, કાળિયાર, નીલગાય, ચોશિંગા, જંગલી બિલાડી, જંગલી ભુંડ, શિયાળ, ચિંકારાં, વાંદરાં અને વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

પક્ષીઓમાં વિશેષે કરીને સુરખાબ, કાજિયો, પેણ, ઢોંક, કાંકણસાર, રાજહંસ, કુંજ, ભુગતડો અને ધોમડાનો સમાવેશ થાય છે.

સસ્તન પ્રાણીઓ ઉપરાંત દરિયાકાંઠા નજીકના ભાગોમાં જળચર પ્રાણીઓનું વૈવિધ્ય પણ છે. પરવાળાં, ઑક્ટોપસ, કાળુ માછલી, ડૉલ્ફિન, જેલીફિશ, દરિયાઈ ઘોડો, દરિયાઈ ગાય અને દરિયાઈ સાપનો સમાવેશ થાય છે. કાંઠાથી થોડા અંતરમાં ક્યારેક વ્હેલની પણ અવરજવર થતી જોવા મળે છે.

પ્રાણી અને પક્ષીસૃષ્ટિના રક્ષણ માટે સૌરાષ્ટ્રમાં ગીર વન્ય જીવ અભયારણ્ય, હિંગોળગઢ (રાજકોટ) ખાતે પ્રકૃતિ-શિક્ષણ અભયારણ્ય, વેળાવદર નજીક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ખીજડિયા ખાતે પક્ષી અભયારણ્ય, રાણાવાવ-બરડામાં સિંહ અભયારણ્ય, બજાણા (સુરેન્દ્રનગર) નજીક ઘુડખર અભયારણ્ય અને અમરેલીમાં પાણિયા અભયારણ્ય ઊભાં કરવામાં આવેલાં છે. 1982માં ગુજરાત સરકારે જામનગરના દરિયાઈ કાંઠાના 162 ચોકિમી. વિસ્તારને સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન (Marine National Park) તરીકે તથા 957 ચોકિમી. જેટલા વિસ્તારને દરિયાઈ જીવસૃષ્ટિ અભયારણ્ય તરીકે વિકસાવ્યાં છે. જામનગરના દરિયાકાંઠા નજીક 42 જેટલા નાના-મોટા ટાપુઓ છે, તે પૈકીના 33 ટાપુઓમાં પરવાળાની સજીવ સૃષ્ટિ વિકસેલી જોવા મળે છે.

સંચાલનશક્તિનાં સાધનો : સૌરાષ્ટ્રમાં પરંપરાગત અને બિનપરંપરાગત સાધનો દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તાપવિદ્યુત મેળવવા ખનિજકોલસાનો ઉપયોગ થાય છે; પરંતુ વીજળીની માંગ પૂરી કરવા ડીઝલનો વધુ ઉપયોગ થાય છે. ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને અમરેલી ખાતે ડીઝલથી વીજળી મેળવાય છે. સમુદ્રની ભરતી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની શક્યતા જણાતાં જામનગર જિલ્લામાં કચ્છના અખાતમાં હંસ્થળ ખાડી પાસે લો-હેડ ટર્બાઇન દ્વારા 900 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવા જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામ પાસે એશિયાનું મોટામાં મોટું ‘વિન્ડ ફાર્મ’ ઊભું કરાયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારે તેમજ અંતરિયાળ ભાગોમાં પણ પવન દ્વારા વીજળી ઉત્પન્ન કરવા આયોજન કરાયું છે.

સૌર ઊર્જા દ્વારા જામનગર, જૂનાગઢ, પોરબંદર ખાતે સૌર શેરીપ્રકાશ (solar street light) ઉપલબ્ધ કરી શકાયો છે. ઘોઘા ખાતે સૌર ઊર્જા દ્વારા નિસ્યંદન એકમ ઊભો કરાયો છે, તેમાં ખારા પાણીમાંથી પીવાલાયક પાણી મેળવાય છે. ગ્રામીણ વિસ્તારોમાં બાયૉગૅસ એકમો ઊભા કરાયા છે. તેમાંથી સ્થાનિક માંગ પૂરી કરાય છે. વધતી જતી વીજમાંગને પહોંચી વળવા મહુવા ખાતે ગૅસ-આધારિત એકમ ઊભો કરવાનું પણ વિચારાયું છે.

સિંચાઈ : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લા સિવાયના લગભગ બધા જ જિલ્લાઓમાં સરેરાશ જરૂરિયાત કરતાં પણ ઓછો વરસાદ પડતો હોવાથી અવારનવાર દુષ્કાળની પરિસ્થિતિ ઉદભવે છે; વળી અહીં બારમાસી નદીઓ ન હોવાથી કૂવા, પાતાળકૂવા, તળાવો, બંધો, આડબંધો તેમજ ઉદવહન સિંચાઈનો ઉપયોગ વધુ થાય છે. સૌથી વધુ પાતાળકૂવા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે. ખડકાળ ભૂપૃષ્ઠને કારણે નહેરો દ્વારા થતી સિંચાઈનું પ્રમાણ ઓછું છે. તેથી સૌરાષ્ટ્રમાં 113 જેટલી મોટી અને મધ્યમ કદની સિંચાઈ યોજનાઓનું આયોજન કરાયું છે; તે પૈકી ભાદર, મચ્છુ, મચ્છુન્દ્રી, શેત્રુંજી, કાળુભાર, સુખભાર, આજી, ઓઝત અને ખોડિયાર નદી-યોજનાઓ પૂર્ણ થયેલ છે. વર્ષાજળનો સંગ્રહ થઈ શકે તે માટે આશરે 6,000 ચેકડૅમ ઊભા કરાયા છે. દરિયાકાંઠા નજીકના જિલ્લાઓમાં વૉટરશેડ મૅનેજમેન્ટની તકનીક મારફતે ઘણાખરા કૂવાઓને પુનર્જીવિત કરવામાં આવ્યા છે. નર્મદા યોજના દ્વારા સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટ જિલ્લાઓને લાભ મળે તે માટે પણ આયોજન ચાલુ છે.

વીસમી સદીના છેલ્લા દસકાનાં વર્ષો દરમિયાન સૌરાષ્ટ્રનાં સિંચાઈ જળાશયોમાં તેમની 2,325 મિલિયન ઘનમીટર જેટલી સંગ્રહક્ષમતા સામે માત્ર 875 મિલિયન ઘનમીટર (37.64 %) જેટલું પાણી ઉપલબ્ધ થયેલું. સૌરાષ્ટ્ર વિભાગમાં જામનગર જિલ્લાનાં 674 ગામો, જૂનાગઢ જિલ્લાનાં 386 ગામો, પોરબંદર જિલ્લાનાં 113 ગામો, ભાવનગર જિલ્લાનાં 22 ગામો, રાજકોટ જિલ્લાનાં 819 ગામો અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 328 ગામોમાં પાણીની અછતની પરિસ્થિતિ વરતાયેલી.

જમીનો : દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર સહિત જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં મધ્યમ કાળી, છીછરી અને ચૂનાદ્રવ્યવાળી જમીનો આવેલી છે; એ જ રીતે ઉત્તર સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરના ઉત્તર ભાગમાં પણ મધ્યમ કાળી અને છીછરી જમીનો જોવા મળે છે. સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લાઓના ડુંગરાળ ભાગોમાં પહાડી જમીન; જ્યારે જૂનાગઢ જિલ્લાના કેટલાક ભાગોમાં જંગલ હેઠળની જમીન જોવા મળે છે.

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારની જમીનો નીચાણવાળી હોવાથી પાણીના ભરાવાને કારણે ખારી થઈ ગઈ છે. ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓના કેટલાક તાલુકાઓમાં ક્ષારીય જમીનો પણ છે. આ જમીનો ભાલપ્રદેશની જમીનો તરીકે ઓળખાય છે. આ ઉપરાંત અમરેલી, જામનગર અને જૂનાગઢ જિલ્લાઓના દરિયાકાંઠા નજીકની જમીનો પણ ક્ષારીય છે. તેમાં માંગરોળ, વેરાવળ, કોડીનાર અને માળિયાના વિસ્તારોનો સમાવેશ થાય છે. અમરેલી અને જૂનાગઢના કેટલાક ભાગોની સમતળ અને ફળદ્રૂપ જમીનો ‘ધારની જમીનો’ તરીકે ઓળખાય છે. એ જ રીતે અમરેલી અને રાજકોટ જિલ્લાની કેટલીક જમીનો રેતાળ છે.

ખેતી : સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો પડતો હોવા છતાં કેટલાક રોકડિયા અને ધાન્ય પાકોના ઉત્પાદનમાં તે અગત્યનું સ્થાન ધરાવે છે. સૂકી અને અર્ધસૂકી આબોહવા ધરાવતા ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં મોટા પાયા પર બાજરીનું વાવેતર થાય છે. જૂનાગઢ અને અમરેલીમાં ઘઉંનો પાક લેવાય છે. જુવારનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે.

મગફળી સૌરાષ્ટ્રનો મહત્વનો રોકડિયો પાક ગણાય છે. તેનું સૌથી વધુ વાવેતર રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને અમરેલીમાં કરવામાં આવે છે. આ પૈકીનો 23 % વિસ્તાર રાજકોટ જિલ્લામાં અને 21 % વિસ્તાર જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. કપાસ બીજા ક્રમે આવતો અહીંનો રોકડિયો પાક છે. તે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર જિલ્લાઓમાં થાય છે. શેરડી પણ અહીંનો અગત્યનો રોકડિયો પાક છે.

ભાવનગર, અમરેલી અને જામનગરના વિસ્તારોમાં કેરી, જામફળ, પપૈયાં, ચીકુ, કેળાં, દાડમ અને નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે. ‘કેસર કેરી’ મુખ્યત્વે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં થાય છે. મહુવામાં ‘જમાદાર’ કેરી થાય છે. જીરું અને ઇસબગુલ સુરેન્દ્રનગરમાં, ફૂલો જૂનાગઢમાં થાય છે. એક સમયે નાગરવેલનાં પાનની ખેતી ચોરવાડ ખાતે થતી હતી, તે મર્યાદિત થઈ ગઈ હોવાથી તેને સઘન બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.

ગુજરાત રાજ્ય ખેતીને પ્રાધાન્ય આપતું હોવાથી પોરબંદર નજીકના મોછા ગામને ‘બાયૉવિલેજ’ તરીકે જાહેર કર્યું છે.

પશુપાલન : સૌરાષ્ટ્રના લગભગ બધા જ જિલ્લાઓમાં પશુપાલનનો વ્યવસાય વિકસેલો છે. માલધારીઓ સ્થળભેદે ગીર ઓલાદની ગાયોનો, જાફરાબાદી ભેંસોનો, ઝાલાવાડી અને ગોહિલવાડી બકરાંનો તથા પાટણવાડી ઘેટાંનો ઉછેર કરે છે. ગીરનાં જંગલોમાં ઊગી નીકળતા ઘાસને કારણે દુધાળાં ઢોરનો ઉછેર શક્ય બનેલો છે. મોરબી, હિંગોળગઢ, શિહોર, ચલાળા ખાતે ઘેટાં-બકરાંનાં સંવર્ધન-ક્ષેત્રો ઊભાં કરાયાં છે. જૂનાગઢ ખાતે કાઠી ઓલાદના ઘોડાઓનું સંવર્ધન-ક્ષેત્ર ઊભું કરવામાં આવેલું છે. આ ઉપરાંત મરઘાં-બતકાંનાં નાનાં-મોટાં ફાર્મ પણ વિકસેલાં છે. જૂનાગઢ ખાતે પ્રાદેશિક મરઘાંનું સંવર્ધન ફાર્મ આવેલું છે.

પશુપાલન-પ્રવૃત્તિને કારણે સૌરાષ્ટ્રમાં જામનગર ડેરી, સુરેન્દ્રનગર ડેરી, ભાવનગરની દૂધ-સરિતા ડેરી, અમરેલીમાં ચલાળા ડેરી, જૂનાગઢમાં જૂનાગઢ ડેરી અને રાજકોટ ખાતે જિલ્લા ગોપાલક સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના કરવામાં આવેલી છે.

ઉદ્યોગો : સૌરાષ્ટ્રમાં કુદરતી સંપત્તિ તેમજ ખેતી પર આધારિત ઉદ્યોગો વિકસ્યા છે. કુદરતી સંપત્તિ પર આધારિત ઉદ્યોગોમાં મીઠા-સંકલિત રસાયણ-ઉદ્યોગો સ્થપાયેલા છે. તેમાં સોડા ઍશ, કૉસ્ટિક સોડા, ઝિંક ક્લોરાઇડ, પ્રવાહી ક્લોરાઇડ, બ્લીચિંગ પાઉડર, હાઇડ્રૉક્લોરિક ઍસિડ, સોડિયમ બાયકાર્બોનેટ જેવાં રસાયણોનું ઉત્પાદન લેવાય છે. તેનાં મુખ્ય કેન્દ્રો મીઠાપુર, ધ્રાંગધ્રા, પોરબંદર અને વેરાવળ ખાતે આવેલાં છે.

ચૂનાખડક પર આધારિત સિમેન્ટ-ઉદ્યોગ સૌરાષ્ટ્રનો મહત્વનો ઉદ્યોગ ગણાય છે. તેનાં મુખ્ય મથકો પોરબંદર, દ્વારકા, કોડીનાર, વેરાવળ, જામનગર અને સિક્કા ખાતે આવેલાં છે.

ચિનાઈ માટી સૌરાષ્ટ્રમાં મળતી હોવાથી પૉટરી ઉદ્યોગ વિકસેલો છે. તેમાં ચિનાઈ માટીનાં વાસણો, મોઝેક ટાઇલ્સ, સેનિટરી વૅર, માંગલોરી નળિયાં વગેરે બનાવાય છે. તેના મુખ્ય એકમો મોરબી, થાન, વાંકાનેર, વાગડિયા અને સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા ખાતે આવેલા છે.

સૌરાષ્ટ્રને મળેલા લાંબા દરિયાકાંઠાને લીધે મત્સ્ય-ઉત્પાદન લેવાય છે. મત્સ્ય-આધારિત દવાઓ તથા રાસાયણિક ખાતરોના ઉદ્યોગો વેરાવળ અને જાફરાબાદ ખાતે સ્થપાયેલા છે. માછલીઓ જાળવી રાખવા માટે વેરાવળ ખાતે શીતાગાર કાર્યરત છે. લીંબડી ખાતે ‘ગુજરાત ઑક્સિજન લિ.’ ઑક્સિજનનું ઉત્પાદન કરે છે. ભાવનગર–અલંગ વચ્ચે પણ ઑક્સિજન-પ્લાન્ટ નંખાયો છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન લેવાતું હોવાથી સિંગતેલ, વેજિટેબલ ઘી, સૉલવન્ટ્સ વગેરેની મિલો રાજકોટ, ભાવનગર, મહુવા, ધોરાજી, અમરેલી અને જૂનાગઢ ખાતે આવેલી છે. સુરેન્દ્રનગર ખાતે કપાસિયાં પીલવાની મિલ છે. સુરેન્દ્રનગર સૂતરના વેપારનું મથક પણ છે. અમરેલી, ઊના, જૂનાગઢ, તલાલા, કોડીનાર, રાજકોટ અને ધોરાજી ખાતે ખાંડનાં કારખાનાં આવેલાં છે.

અન્ય ઉદ્યોગોમાં ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ કરી શકાય. તેમાં ડીઝલ એંજિન, મશીન ટૂલ્સ, બૉલ-બેરિંગ, ડાઇનેમો, પાણીની મોટરો અને પંપ, કૃષિઉપયોગી યંત્રો, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રૉનિક ઘડિયાળો, ભીંત-ઘડિયાળો અને થરમૉમિટરનો સમાવેશ થાય છે. તેનાં મુખ્ય મથકો રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર ખાતે આવેલાં છે. આ ઉપરાંત, ફાઉન્ડ્રી, રી-રોલિંગ, જહાજ ભાંગવાનો ઉદ્યોગ પણ છે. તેનાં મુખ્ય કેન્દ્રો જામનગર, ભાવનગર–અલંગ ખાતે છે. અલંગ ખાતે જૂનાં વહાણો ભાંગીને તેનાં ઇમારતી લાકડાંના વિક્રયનું પીઠું આવેલું છે. વળી રાચરચીલું બનાવવાના એકમો વિકસ્યા છે. તાજેતરનાં કેટલાંક વર્ષોથી ભાવનગર ખાતે હીરા ઘસવાના એકમો શરૂ થયેલા છે. જામનગર તેની પરંપરાગત રીતે ચાલી આવતી પિત્તળની હસ્તકારીગરીની ચીજવસ્તુઓ માટે જાણીતું છે. જેતપુર હાથ-છાપકામ ને સ્ક્રીન-પ્રિન્ટિંગ માટે જાણીતું છે.

વેપાર : સૌરાષ્ટ્ર તેના આયાતી વેપાર કરતાં નિકાસી વેપારમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. અહીંથી જાપાન, રશિયા, હોલૅન્ડ, યુ.કે., યુરોપીય સંઘના દેશો તેમજ ઈરાની અખાતના દેશોમાં સિંગદાણા, સિંગતેલ, સિંગખોળ, મીઠું, બૉક્સાઇટ, ડુંગળી તથા ઇજનેરી સાધનો અને સિમેન્ટની નિકાસ કરે છે; જ્યારે યુ.કે. અને ઈરાની અખાતના દેશોમાંથી રાસાયણિક ખાતરો, કોલસો, ખનિજતેલ, ખજૂર તેમજ અનાજની આયાત કરે છે.

પરિવહન : સૌરાષ્ટ્રમાં રેલમાર્ગોનું પ્રમાણ મર્યાદિત છે. અમદાવાદઓખા બ્રૉડગેજ રેલમાર્ગ (559 કિમી.) મુખ્ય છે. કાનાલુસ–સિક્કા અને જામનગર–બેડીને સાંકળતો મીટરગેજ રેલમાર્ગ પણ છે. રાજકોટ–વેરાવળ, વાંકાનેર–માળિયા–મિયાણા, સુરેન્દ્રનગર–ભાવનગર, ધોળા–ઢસા, રાજુલા–મહુવા રેલમાર્ગનું રૂપાંતર થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રનો કંઠાર રેલમાર્ગ નિર્માણ કરી શકાયો નથી; પરંતુ બંદરોને જોડતા કેટલાક રેલમાર્ગો આવેલા છે.

સૌરાષ્ટ્રમાં રેલમાર્ગોની સરખામણીમાં પાકા રસ્તાઓનું પ્રમાણ વધુ છે. અહીં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો પથરાયેલા છે. ધોરી માર્ગ 8A (અમદાવાદ–કંડલા), 8B (બામણબોર–પોરબંદર), 8D (સોમનાથ–જેતપુર) સૌરાષ્ટ્રના મુખ્ય માર્ગો છે. રાજ્ય ધોરી માર્ગોમાં અમદાવાદ–વિરમગામ તથા રાજકોટ–ઓખા મહત્વના છે. રાષ્ટ્રીય તથા રાજ્ય ધોરી માર્ગો જિલ્લા ધોરી માર્ગો સાથે સંકળાયેલા છે.

સૌરાષ્ટ્રના લાંબા દરિયાકાંઠાનાં બંદરોને સાંકળતા કંઠાર ધોરી માર્ગો બાંધવાની યોજના આકાર લઈ રહી છે, તેના એક ભાગરૂપ ભાવનગરથી ઓખા સુધીનો માર્ગ તૈયાર થઈ ચૂક્યો છે. ગુજરાત રાજ્યના સંતુલિત પરિવહન વિકાસ માટે સૌરાષ્ટ્રના કિનારે ‘સિલ્વર કોરીડોર’ તૈયાર કરવાના આયોજનમાં માર્ગવિકાસ પર ભાર મુકાયો છે. સૌરાષ્ટ્રને બે અખાત મળેલા છે.

સમગ્ર ભારતમાં સૌથી વધુ બંદરો સૌરાષ્ટ્રને તેના લાંબા દરિયાકિનારાને કારણે મળેલાં છે; તેમ છતાં અહીં એક પણ મહાબંદર વિકસી શક્યું નથી. અહીં 8 મધ્યમ કક્ષાનાં અને 14 નાનાં બંદરો આવેલાં છે. અહીંનાં બધાં જ બંદરો મેરીટાઇમ બોર્ડને હસ્તક છે. પોરબંદર, ઓખા, પીપાવાવ, દ્વારકા અને સિક્કા બારમાસી બંદરો છે. વેરાવળ મહત્વનું મત્સ્ય-બંદર છે. વિદેશી વેપારમાં મહત્વનો ફાળો આપનારાં બંદરોમાં ઓખા, સિક્કા અને સલાયાનો સમાવેશ થાય છે. પીપાવાવ બંદરને 1998થી દેશના સર્વપ્રથમ ‘ખાનગી બંદર’ તરીકેનો દરજ્જો મળેલ છે. દીવ કેન્દ્રશાસિત બંદર છે. પોરબંદર ખાતે ‘બ્રેક વૉટર’–વૉલ ઊભી કરાઈ છે.

ઘોઘાથી દહેજ વચ્ચે ટ્રાન્સ-સી-ફેરી સર્વિસ લિમિટેડ નામની સંયુક્ત ક્ષેત્રની કંપની દ્વારા નૌકાસેવા ચલાવવાની વિચારણા ચાલી રહી છે. એ જ રીતે જાફરાબાદ–પીપાવાવ અને મુંબઈ વચ્ચે RaO–RaO નૌકાસેવા ચલાવવાની પણ વિચારણા ચાલે છે.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર અને કેશોદ જેવાં પાંચ હવાઈ મથકો આવેલાં છે. તે મુંબઈ અને અમદાવાદ સાથે સંકળાયેલાં રહે છે.

ખાપરા–કોડિયાની ગુફાઓ – જૂનાગઢ

પ્રવાસન : સૌરાષ્ટ્રના સાતેય જિલ્લા પ્રવાસન-ક્ષેત્રે મહત્વના ગણાય છે. તે પૈકી જૂનાગઢ જિલ્લો વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની રહેલો છે. અહીં સાસણગીરનું અભયારણ્ય એશિયાઈ સિંહોનું નિવાસસ્થાન છે. ગિરનારની તળેટીમાં વસેલું આ શહેર ઐતિહાસિક દૃષ્ટિએ પણ વધુ મહત્વ ધરાવે છે. અહીં ઈ. પૂ. 260–238 દરમિયાન કોતરાયેલો અશોકનો શિલાલેખ, ઈ. સ. 150ના ગાળાનો રુદ્રદામનનો શિલાલેખ, ઈ. સ. 455–467ના સમયગાળાનો સ્કંદગુપ્તનો શિલાલેખ હજી જળવાયેલા જોવા મળે છે. અહીંનાં જોવાલાયક સ્થળો પૈકી ઉપરકોટનો કિલ્લો, ઉપરકોટ ખાતેની બાવા પ્યારા અને ખાપરા–કોડિયાની ગુફાઓ, બૌદ્ધ ગુફાઓ (100–700 દરમિયાનની) તથા સ્તૂપ, અડીકડી વાવ, નવઘણ કૂવો, નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ, ગિરનાર પર્વત પરનાં હિન્દુ અને જૈન મંદિરો, દાતારપીર, ભારતનાં બાર જ્યોતિર્લિંગો પૈકીના પ્રથમ સોમનાથનું પ્રભાસ પાટણ ખાતેનું ભવ્ય મંદિર, તુલસીશ્યામ ટેકરીઓનું પ્રાકૃતિક સૌંદર્ય તેમજ ગરમ પાણીના કુંડ તથા અહમદપુર માંડવી અને ચોરવાડના રેતપટનો સમાવેશ થાય છે. મહાશિવરાત્રી ટાણે ગિરનારમાં ભવનાથનો મેળો ભરાય છે. હજારો લોકો તેમાં ભાગ લે છે. તે વખતે નાગા બાવાઓનો સંઘ પણ નીકળે છે.

ભાવનગર જિલ્લામાં ભાવનગર, ગોપનાથ, માંડવગઢ, મહુવા, ખૂંટવાડા, સોનગઢ, ગઢડા તથા પાલિતાણા મહત્વનાં પ્રવાસી મથકો છે. ભાવનગરે સૌરાષ્ટ્રની કળાઓનો વારસો જાળવી રાખ્યો છે. અલંગ ખાતે આવેલું જહાજ ભાંગવાનું મથક સૌરાષ્ટ્રનું કે ભારતનું જ નહિ, એશિયાભરનું મોટું મથક ગણાય છે. પાલિતાણા ખાતે શેત્રુંજયના પર્વત પર આવેલાં જૈન મંદિરો તેના સ્થાપત્ય માટે જાણીતાં બનેલાં છે. મહુવા તેના રોગાન-વાર્નિશની રોનકદાર ચીજવસ્તુઓ માટે જાણીતું બનેલું છે.

જામનગર જિલ્લાનું જામનગર તેના આદર્શ સ્મશાનગૃહ, પ્રાકૃતિક ચિકિત્સા અને સોલેરિયમ માટે, દ્વારકા અને બેટ દ્વારકા ત્યાંના રણછોડરાયના પ્રાચીન મંદિર માટે તથા ભારતમાં આદિ શંકરાચાર્યે સ્થાપેલી ચાર પીઠો પૈકીની એક પીઠ માટે જાણીતાં બનેલાં સ્થળો છે. સંચાણ અહીંનું જહાજ ભાંગવાનું બંદર છે. આ ઉપરાંત આ જિલ્લામાં લાખોટો, કોઠો અને રણજિતસાગર બંધ જોવાલાયક છે. દ્વારકા–પોરબંદરના દરિયાકિનારે હરસિદ્ધ માતાનું મંદિર આવેલું છે. ઉત્તર તરફ દરિયાકાંઠા નજીકનો પિરોટન ટાપુ તેની દરિયાઈ જીવસૃષ્ટિ માટે પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની રહેલો છે.

જહાજ ભાંગવાનું એશિયાભરનું મોટું મથક – અલંગ

અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી પરના બંધ પાસે ખોડિયાર ધોધ આવેલો છે. ઈ. પૂ. 700થી ઈ. સ. 700 સુધીના 1,400 વર્ષના ગાળાની પુરાતત્વીય સામગ્રી ગોહિલવાડ ટીંબાની આજુબાજુથી મળી આવેલી છે.

પોરબંદર પૂજ્ય મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે, ત્યાં તેમની યાદમાં કીર્તિમંદિર બાંધવામાં આવેલું છે. આ ઉપરાંત પોરબંદરમાં સુદામા મંદિર, ભારત મંદિર, પ્લૅનેટેરિયમ અને આર્યકન્યા ગુરુકુળ આવેલાં છે. સહેલાણીઓને અહીંનો દરિયાકિનારાનો રેતપટ વધુ આકર્ષે છે.

રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય વહીવટી મથક છે. અહીં ગાંધીજીના બાળપણ સાથે સંકળાયેલ સૌરાષ્ટ્રનો સાંસ્કૃતિક ચિતાર આપતું સંગ્રહાલય આવેલું છે. રાજકોટ જિલ્લામાં આવેલું વીરપુર જલારામનું મંદિર અને અન્નક્ષેત્ર ધરાવે છે. ગોંડળ પાસે ભુવનેશ્વરીનું મંદિર, સ્વામીનારાયણનું મંદિર, જેતપુરનું સ્વામીનારાયણનું મંદિર જાણીતાં યાત્રાધામો છે. ટંકારા દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ તથા વવાણિયા જૈન સંત, દાર્શનિક શ્રીમદ્ રાજચંદ્રનું જન્મસ્થળ છે. ઓસમ ટેકરી પરનું ભીમનાથ મહાદેવનું મંદિર તથા તળેટી ખાતેનું ઓસમમાત્રીનું મંદિર અહીંનાં ધાર્મિક સ્થળો છે. મોરબી ખાતે આવેલી કુબેર વાવ, વીરપુર ખાતેની મીનળ વાવ તથા બિલખા નજીકનો ભાદરડૅમ જોવાલાયક છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદી પર રાણકદેવીની દેરી છે. તરણેતર ખાતે શિયાળામાં ભરાતો મેળો (તરણેતરનો મેળો) ગુજરાતનો મોટામાં મોટો મેળો ગણાય છે. અહીંના ચોટીલા ખાતે ચામુંડા માતાનું મંદિર આવેલું છે.

સૌરાષ્ટ્ર તેનાં ચાકળા, ચંદરવા, તોરણો, ઝભલાંટોપી અને પટ્ટાઓ માટે જાણીતું છે.

વસ્તી : 2001 મુજબ સૌરાષ્ટ્રની વસ્તી 1,34,37,863 જેટલી છે. તે ગુજરાતની કુલ વસ્તીનો આશરે 26.5 % જેટલો હિસ્સો ધરાવે છે. સૌરાષ્ટ્રના નદીખીણોના પ્રદેશોમાં જ્યાં કાંપની જમીનો અને પાણી ઉપલબ્ધ છે ત્યાં ગીચ વસ્તી જોવા મળે છે. સૌથી વધુ વસ્તી રાજકોટ જિલ્લાની (31,57,676) છે. રાજકોટ મ્યુનિસિપલ વિસ્તારની વસ્તી 9,66,642 છે. તેનો સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ આવે છે, કારણ કે તે ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. જૂનાગઢ, જામનગર જિલ્લાઓ શહેરીકરણમાં આગળ છે. ત્રણ તાલુકા ધરાવતા પોરબંદર જિલ્લાની વસ્તી 5,36,835 જેટલી છે. રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન ધરાવે છે; જ્યારે પોરબંદર, સુરેન્દ્રનગર, જેતપુર, નવાગઢ, બોટાદ મ્યુનિસિપાલિટીનો દરજ્જો ધરાવે છે. ભાવનગર મ્યુનિસિપલ વિસ્તારની વસ્તી 5,10,958 જેટલી હોવાથી તે બીજું સ્થાન ધરાવે છે. સ્ત્રી-પુરુષોના પ્રમાણમાં અમરેલી જિલ્લામાં દર 1,000 પુરુષોએ 986 સ્ત્રીઓ છે. 2001ની વસ્તીગણતરી મુજબ સૌરાષ્ટ્રમાં 71 જેટલાં નગરો આવેલાં છે.

સારણી 1 : વસ્તી વિતરણ, સ્ત્રી-પુરુષોનું પ્રમાણ, વસ્તીગીચતા,

સાક્ષરતા અને શહેરી વસ્તી (2001)

રાજ્ય/જિલ્લા કુલ વસ્તી સ્ત્રી-પુરુષ

પ્રમાણ

1,000

પુરુષોએ

વસ્તીગીચતા સાક્ષરતા

%

શહેરીવસ્તી

%

ગુજરાત 5,06,71,017 921 258 69.97 37.67
રાજકોટ 31,69,881 930 282 75.88 54.69
ભાવનગર 24,69,630 936 247 66.98 37.85
જૂનાગઢ 24,48,173 955 277 68.35 29.05
જામનગર 19,04,278 941 135 67.19 46.13
પોરબંદર 5,36,835 946 234 69.04 48.69
અમરેલી 13,93,918 986 188 67.72 22.46
સુરેન્દ્રનગર 15,15,148 923 144 62.27 26.58
       કુલ 1,34,37,863

સારણી 2 : સૌરાષ્ટ્રમાં જિલ્લાવાર વસ્તી

ક્રમ વસ્તી જિલ્લો નગર-સંખ્યા
1. રાજકોટ મ્યુ. કૉર્પોરેશન 9,66,642 રાજકોટ 10
2. ભાવનગર મ્યુ. કૉર્પોરેશન 5,10,958 જામનગર 16
3. જામનગર મ્યુ. કૉર્પોરેશન 4,47,734 પોરબંદર 05
4. જૂનાગઢ મ્યુનિસિપાલિટી 1,68,686 જૂનાગઢ 12
5. પોરબંદર નગરપાલિકા 1,33,083 અમરેલી 08
6. વેરાવળ–પાટણ નગરપાલિકા 1,41,207 ભાવનગર 13
7. સુરેન્દ્રનગર–દૂધરેજ નગરપાલિકા 1,56,417 સુરેન્દ્રનગર 07
કુલ 71
8. જેતપુર–નવાગઢ નગરપાલિકા 1,04,311
9. બોટાદ નગરપાલિકા 1,00,059

સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં મુસ્લિમોનું, જ્યારે બાકીના બધા જિલ્લાઓમાં હિંદુઓનું (અને તેમાં પણ વૈષ્ણવોનું) પ્રમાણ વિશેષ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. સૌરાષ્ટ્રના લગભગ દરેક ગામમાં પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા ઉપલબ્ધ છે, જ્યારે તાલુકા મથકો અને મોટાં શહેરોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સગવડો છે. ઉચ્ચ શિક્ષણ પૈકી દરેક જિલ્લા મથકે વાણિજ્ય, વિનયન અને વિજ્ઞાનની કૉલેજો જોવા મળે છે. મોટા ભાગની કૉલેજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ સિવાય ભાવનગર ખાતે ભાવનગર યુનિવર્સિટી તેમજ એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીનું કેન્દ્ર પણ કાર્યરત છે. જામનગર ખાતે આયુર્વેદ કૉલેજ અને યુનિવર્સિટી પણ આવેલી છે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીની સુવિધા ઉપલબ્ધ છે. સાક્ષરતાની દૃષ્ટિએ જોતાં ગુજરાત રાજ્યની સાક્ષરતા(70 %)ના પ્રમાણમાં રાજકોટ જિલ્લાની સાક્ષરતા 76 % છે.

ઇતિહાસ : ‘સુરાષ્ટ્ર’ નામ વર્તમાન સૌરાષ્ટ્ર માટે પ્રાગ્-ઐતિહાસિક તથા પ્રાચીન કાળમાં વપરાતું હતું. મહાભારતના સભાપર્વમાં સહદેવના દિગ્વિજયના વર્ણનમાં એ શબ્દ વપરાયો છે. દક્ષિણ દિશા તરફના વિજયમાં સુરાષ્ટ્રના અધિપતિ કૌશિકાચાર્ય આહૃતિને એણે વશ કર્યો હતો. રામાયણના બાલકાંડ અને કિષ્કિંધાકાંડ, કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’, બોધાયનનું ‘ધર્મશાસ્ત્ર’, પાણિનિનું ‘અષ્ટાધ્યાયી’, પતંજલિનું ‘મહાભાષ્ય’ તથા પુરાણોમાંના મત્સ્ય–બ્રહ્માંડ–વાયુ–વામન વગેરે પુરાણો સુરાષ્ટ્રનો બીજા દેશો સાથે સમાવેશ કરે છે. મૈત્રક રાજાઓની રાજધાની વલભી સુરાષ્ટ્રમાં હતી. સુરાષ્ટ્રનો નિર્દેશ ધરસેન બીજાના દાનશાસનથી લઈ શીલાદિત્ય પાંચમાના દાનશાસન સુધી થયો છે. સોલંકી કાલમાં ‘સુરાષ્ટ્રમંડલ’ એવો પ્રયોગ થયો છે. ધ્રુવસેન પહેલાના ઈ. સ. 589ના દાનશાસનમાં ‘સુરાષ્ટ્રા’ એમ તેનો સ્ત્રીલિંગે પ્રયોગ થયો છે. સિદ્ધરાજ જયસિંહના 1209–1210ના દાહોદ અભિલેખમાં ‘સુરાષ્ટ્રામાલવેશ્વરૌ’ તથા કુમારપાલના સમયમાં માંગરોળ–સોરઠમાં સચવાયેલા ઈ. સ. 1146ના અભિલેખમાં મુલૂક ગૂહિલને ‘સુરાષ્ટ્રનાયક’ કહ્યો છે.

આ પ્રદેશનું નામ ‘સૌરાષ્ટ્ર’ કેવી રીતે પડ્યું તે અંગે જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી રીતે પોતાનાં અનુમાનો કર્યાં છે. કોઈએ તેને ‘સુરાષ્ટ્ર (સારો દેશ), તો કોઈએ તેને ‘સુરરાષ્ટ્ર’ (દેવોનો દેશ) કહ્યો છે. ‘સુરાષ્ટ્રા’ એવું સ્ત્રીલિંગ રૂપ પણ તેના માટે વપરાતું હતું. અંગ્રેજ ગ્રંથકારોએ તેને ‘સૌર રાષ્ટ્ર’ (સૂર્યપૂજક લોકોનો દેશ) કહ્યો છે. ગ્રીક અને રોમન લેખકોએ તેને ‘સૌરાષ્ટ્રીની’ કહેલ છે. ‘સૌરાષ્ટ્ર’નો ‘સુરાષ્ટ્ર’ તરીકે ઉલ્લેખ ગિરનારના શિલાલેખમાં જોવા મળે છે.

મુસ્લિમ અમલ દરમિયાન આ પ્રદેશનું નામ અપભ્રંશ થઈને ‘સોરઠ’ થયું. તેનો ઉલ્લેખ ‘આઇને અકબરી’ અને ‘અકબરનામા’ તથા ‘તવારીખે સોરઠ’માં છે. તેથી પછીથી જૂનાગઢના બાબી વંશના નવાબોનું શાસન ‘સોરઠ સરકાર’ તરીકે ઓળખાતું હતું. જોકે તેમની રાજમુદ્રામાં તો નાગરી લિપિમાં ‘સૌરાષ્ટ્ર’ શબ્દ મૂકવામાં આવ્યો હતો. મરાઠાઓએ આ પ્રદેશ ઉપર અવારનવાર આક્રમણો કર્યાં ત્યારે સૌપ્રથમ તેમને કાઠી નામની લડાયક પ્રજાનો સામનો કરવો પડેલો. તેથી તેમણે આ પ્રદેશને ‘કાઠિયાવાડ’ કહ્યો. પછી અંગ્રેજોએ પણ ‘સૌરાષ્ટ્ર’નું ‘કાઠિયાવાડ’ નામ છેક 1947માં આઝાદી મળી ત્યાં સુધી ચાલુ રાખેલું. આઝાદી પછી ફરી તેનું પ્રાચીન નામ ‘સૌરાષ્ટ્ર’ સ્વીકારવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર તેનાં પાંચ રત્નો માટે પ્રસિદ્ધ છે, જે આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે :

सौराष्ट्रे पंचरत्नानि नदीनारीतुरंगमा: ।

चतुर्थ सौमनाथश्च, पंचमं हरिदर्शनम् ।।

પુરાણોમાં સૌરાષ્ટ્રને દેવભૂમિ, સર્વશ્રેષ્ઠ દેશ અને સુંદર પ્રદેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેથી જ કવિ ન્હાનાલાલ તેને ‘પુરાણ-પ્રસિદ્ધ ઇતિહાસોજ્જ્વલ ભૂમિ’ અને કવિ બોટાદકાર તેને ‘સ્વર્ગકુંજ સમ અમ માતૃભૂમિ’ કહે છે. મહાભારતકાળ પહેલાંની કુશસ્થલી નગરી ઉજ્જડ બની ગયેલી. ત્યાં ચંદ્રવંશી યાદવકુળના શ્રીકૃષ્ણે દ્વારકાનું નિર્માણ કરી તેને પોતાની રાજધાની બનાવી હતી. યાદવો પરસ્પર લડાઈ કરી મૃત્યુ પામ્યા તે યાદવાસ્થળીનું સ્થાન તથા શ્રીકૃષ્ણે જ્યાં દેહ છોડ્યો તે દેહોત્સર્ગનું સ્થાન સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણમાં છે.

સૌરાષ્ટ્રમાં ઐતિહાસિક કાળમાં મૌર્ય, શક અને ગુપ્ત રાજવીઓનું શાસન હતું. તે ગિરનારના અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખથી પ્રમાણિત થાય છે. આ ત્રણેય વંશના શાસન દરમિયાન જૂનાગઢના સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાયાનો તેમાં ઉલ્લેખ છે. ગુપ્ત સામ્રાજ્યના વિઘટન પછી મૈત્રક રાજવીઓએ કુનેહપૂર્વક સૌરાષ્ટ્રમાં વલભી(વલ્લભીપુર)માં પોતાની રાજધાની સ્થાપી. પછીથી રાજ્યનો વિસ્તાર કર્યો હતો. વલભીમાં જ પ્રાચીન ભારતની એક મહાન વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ હતી અને ગુણમતિ અને સ્થિરમતિ જેવા બૌદ્ધધર્મી મહાન આચાર્યો ત્યાં વસતા હતા. ચીની યાત્રી હ્યુ-એન-સાંગે વલભીની મુલાકાત લઈ તેનું વર્ણન લખ્યું છે. વલભીના પતન પછી ગારૂલકો, સૈંધવો, ચાલુક્યો, વાળાઓ, રાષ્ટ્રકૂટો, પ્રતિહારો વગેરે રાજવંશો ક્રમશ: લુપ્ત થયા. ઈ. સ. 788માં વલભીના પતન પછી ઈ. સ. 875માં વંથલીમાં ચુડાસમા વંશની સ્થાપના પછી સૌરાષ્ટ્રમાં રાજપૂત વંશોની સત્તા સ્થપાઈ; જે લગભગ ઈ. સ. 1472 એટલે કે 600 વર્ષ સુધી રહી. તેથી તે યુગ રાજપૂતયુગ તરીકે ઓળખાય છે. આ યુગ દરમિયાન ચુડાસમા, ઝાલા, જાડેજા, ગોહિલ, જેઠવા, પરમાર વગેરે રાજવંશોનો ઉદય થયો. આ બધામાં પણ જેઠવા રાજવંશ સૌરાષ્ટ્રમાં સૌથી પ્રાચીન મનાય છે.

ઈ. સ. 875થી 1472 સુધીના રાજપૂતયુગમાં પણ સૌરાષ્ટ્ર મુસ્લિમોના આક્રમણનો ભોગ તો બન્યું જ હતું. ઈ. સ. 1025–1026માં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઉપર મહમદ ગઝનીએ આક્રમણ કરી મંદિર તોડ્યું અને લૂંટ્યું હતું. પછીથી ઈ. સ. 1194માં કુતબુદ્દીનના, ઈ. સ. 1304માં અલાઉદ્દીન ખલજીના અને ઈ. સ. 1349માં મહમદ તુગલુકનાં મુસ્લિમ સૈન્યોએ સૌરાષ્ટ્રના પ્રદેશો ઉપર આક્રમણ કરી તેમને લૂંટ્યા હતા તથા તેનાં મંદિરોનો વિધ્વંસ કર્યો હતો. પછીથી ઈ. સ. 1398માં ગુજરાતના મુઝફ્ફરશાહે સોમનાથના મંદિરનો વિધ્વંસ કર્યો હતો અને ત્યાં લૂંટ ચલાવી તે દીવ ગયો હતો. ઈ. સ. 1469માં મહમૂદ બેગડાએ જૂનાગઢ જીતી લઈ તેનું નવું નામ ‘મુસ્તફાબાદ’ પાડ્યું હતું અને જૂનાગઢના રાજવી રા’માંડલિકને ધર્મપરિવર્તન કરાવી તેનું નવું નામ ‘ખાન જહાન’ પાડ્યું હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં મહમૂદ બેગડાએ દીવમાં નૌકામથક બનાવ્યું હતું. તેના ઉપર પોર્ટુગીઝોએ અવારનવાર આક્રમણ કર્યાં હતાં; પરંતુ તે નિષ્ફળ બનાવાયાં હતાં. ઈ. સ. 1535માં સુલતાન બહાદુરશાહે હુમાયૂં સામે પોર્ટુગીઝોની મદદ મેળવવા તેમની સાથે કરાર કરી પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી હતી. બે વર્ષ પછી તો દીવના પોર્ટુગીઝ ગવર્નર નુનો-દ’ કુન્હોની દોરવણી હેઠળ દીવમાં દગાથી સુલતાન બહાદુરશાહનું ખૂન કરાવ્યું હતું. તે રીતે દીવમાં પોર્ટુગીઝોની સત્તા સ્થપાઈ હતી.

ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાને હરાવી ઈ. સ. 1573માં મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીતી લેતાં ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના પ્રદેશ ઉપર પણ મુઘલોની સત્તા પ્રસરી હતી. અબુલ ફઝલના ‘આઇને અકબરી’ ગ્રંથમાં સોરઠનો પ્રદેશ એ મુઘલ વહીવટી એકમ બન્યો હતો અને ત્યાં મુઘલો તરફથી શાહી અધિકારી નીમવામાં આવ્યો હતો. તે સૌરાષ્ટ્રનો ફોજદાર કહેવાતો હતો. ઈ. સ. 1573થી ઈ. સ. 1758માં મરાઠાઓએ અમદાવાદ જીતી લીધું ત્યાં સુધી સૌરાષ્ટ્ર મુઘલ વહીવટ હેઠળ રહ્યું. અકબરના સૈન્યનો સંયુક્ત મુકાબલો સૌરાષ્ટ્રના રાજવીઓએ 1591માં ધ્રોળ પાસેનાં ભૂચરમોરીના યુદ્ધમાં કરવા પ્રયત્ન કરેલો; પરંતુ તેમાં તેમને નિષ્ફળતા મળી હતી.

આઝાદી પૂર્વે સૌરાષ્ટ્રમાં 222 દેશી રાજ્યો હતાં. તેમાં વિવિધ રાજવંશોનું શાસન હતું. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને શક્તિશાળી રાજ્ય જૂનાગઢમાં બાબી વંશના મુસ્લિમ રાજવીઓનું શાસન હતું, ઉપરાંત સીદી અને મલેક જેવા મુસ્લિમ વંશોનાં રાજ્યો પણ હતાં; પરંતુ હિન્દુ રાજવંશો મોટા પ્રમાણમાં હતા. તેમાંથી મુખ્ય હતા – જાડેજા, ગોહિલ, જેઠવા, ઝાલા, કાઠી, પરમાર, દેસાઈ વગેરે. જાડેજા વંશ હેઠળનાં મુખ્ય રાજ્યો હતાં – જામનગર, મોરબી, ગોંડલ, ધ્રોળ, રાજકોટ, વીરપુર, માળિયા, કોટડા સાંગાણી, જાળિયા દેવાણી, કોઠારિયા, ગવરીદડ, પાળ, લોધિકા, ભાડવા વગેરે; તો ગોહિલ વંશનાં મુખ્ય રાજ્યો હતાં – ભાવનગર, પાલિતાણા, વળા અને લાઠી. જેઠવા વંશનું રાજ્ય પોરબંદરમાં; ઝાલા વંશનાં મુખ્ય રાજ્ય ધ્રાંગધ્રા, વાંકાનેર, લીંબડી, વઢવાણ, લખતર અને ચૂડા વગેરે; પરમાર વંશનું મૂળીમાં; દેસાઈ વંશનું પાટણ અને રાયસાંકળીમાં; કાઠીના વાળા વંશનું જેતપુર અને વડિયામાં અને ખાચર વંશનું રાજ્ય જસદણમાં હતાં. બાબી વંશનું રાજ્ય જૂનાગઢ, માણાવદર, બાંટવા અને સરદારગઢમાં; કાજી શેખનું માંગરોળમાં; મલેક વંશનું બજાણા અને વણોદમાં અને સીદી વંશનું રાજ્ય જાફરાબાદમાં હતું.

બાબી નવાબનો મકબરો  જૂનાગઢ

જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના નવાબ બહાદુરખાન પહેલાએ ઈ. સ. 1748માં કરી હતી. જૂનાગઢ રાજ્યનો વિસ્તાર દીવાન અમરજી કુંવરજી નાણાવટી(1741–1784)એ કર્યો હતો. દીવાન અમરજી એક પરાક્રમી સેનાપતિ અને બાહોશ રાજનીતિજ્ઞ હતા. જામનગરમાં જાડેજા વંશની સ્થાપના જામ રાવલે ઈ. સ. 1540માં કરી હતી. તેમના વારસદાર વિભોજીના સમયમાં ભૂચરમોરીની પ્રસિદ્ધ લડાઈ થઈ હતી. જામનગરના દીવાન મેરુ ખવાસે જ નવાનગરની ચારે બાજુ કિલ્લો બાંધી રાજધાનીને સુરક્ષિત બનાવી હતી તો કચ્છ રાજ્ય પાસેથી બાલંભા ગામ જીતી લીધું હતું અને પછીથી તેણે જોડિયા, બાલંભા, આમરણની જાગીર મેળવી હતી. તેણે જામનગરને સૌરાષ્ટ્રમાં એક શક્તિશાળી રાજ્ય બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ગોહિલ વંશનું સૌથી મોટું રાજ્ય ભાવનગરનું હતું. ગોહિલ વંશની સ્થાપના સેજકજીએ કરી હતી. ભાવનગર રાજ્યની રાજધાની 1723માં શિહોરથી ભાવનગર ફેરવવામાં આવી હતી. ભાવનગરના રાજવી વખતસિંહજી (1772–1816) ‘આતાભાઈ’ નામથી વધુ ઓળખાતા હતા. તેમનો 44 વર્ષનો શાસનકાળ નોંધપાત્ર હતો. ભાવસિંહજી પહેલાને ભાવનગર રાજ્યના સ્થાપક અને તેના પૌત્ર વખતસિંહજીને રાજ્યના શિલ્પી ગણાવી શકાય. ભાવનગર એ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગર પછી ત્રીજા નંબરનું મહત્વનું રાજ્ય હતું. જાડેજા વંશના ગોંડલ રાજ્યની સ્થાપના કુંભાજીએ કરી હતી. તેમના પછી ત્રીજી પેઢીએ થયેલા કુંભોજી બીજો (1753–1790) પ્રજામાં ભા કુંભાજી તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે ગોંડલ અને ધોરાજીમાં કિલ્લા બંધાવ્યા હતા. તેઓ શક્તિશાળી અને બુદ્ધિશાળી હતા. ગોંડલને તેમણે એક મોટી સત્તા બનાવી હતી.

18મી સદીના ઉત્તરાર્ધમાં સૌરાષ્ટ્રમાં ચાર નોંધપાત્ર વ્યક્તિઓનો ઉદય થયો હતો. તત્કાલીન સૌરાષ્ટ્રનો ઇતિહાસ તેમના જીવનની આસપાસ વણાયેલો જોવા મળે છે. તેઓ સૌરાષ્ટ્રના મુખ્ય અને મહત્વના રાજ્યના ભાગ્યનિર્માતા હતા. તે હતા જૂનાગઢના દીવાન અમરજી નાણાવટી, જામનગરના દીવાન મેરુ ખવાસ, ભાવનગરના રાજવી વખતસિંહજી ગોહિલ અને ગોંડલના રાજવી ભા કુંભાજી.

મુઘલોના પતન પછી સૌરાષ્ટ્રમાં મરાઠાઓનાં આક્રમણ થયાં અને મુલકગીરીની ચડાઈ દ્વારા તેઓ ખંડણી ઉઘરાવવા લાગ્યા. સૌરાષ્ટ્રમાં મરાઠાઓની મુલકગીરીની પ્રથમ ચડાઈ પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમબાંડેના નેતૃત્વ હેઠળ ઈ. સ. 1721માં થઈ હતી. આવી ચડાઈઓ છેક 1807 સુધી ચાલુ રહી હતી. ખંડણી ઉઘરાવનાર મરાઠા સરદારોમાં શિવરામ ગાર્દી અને બાબાજી આપાજીનાં નામ મોખરે હતાં. મરાઠાઓની ખંડણીની રકમ સૌરાષ્ટ્રના રાજવીઓ પ્રજા પાસેથી બળજબરીથી ઉઘરાવતા; તેથી પ્રજા પાસે તો ‘નાણાં આપો અથવા વિનાશ નોતરો’ સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. 19મી સદીના પ્રારંભે 1808માં સૌરાષ્ટ્રમાં પ્રવર્તતી પરિસ્થિતિનો અંત લાવવા, યુદ્ધો રોકવા અને શાંતિ સ્થાપવા માટે અને ગાયકવાડ સરકારને તેની ખંડણી નિયમિત મળતી રહે તે માટે મોરબી પાસે ઘૂંટૂં મુકામે ‘વૉકર કરાર’ થયા હતા. આ કરારને પરિણામે અવ્યવસ્થા દૂર થઈ, શાંતિ સ્થપાઈ અને સૌરાષ્ટ્રમાં વિકાસ માટેની પૂર્વભૂમિકા રચાઈ. પછીથી 1820–1822માં રાજકોટમાં બ્રિટિશ કોઠી સ્થપાતાં સૌરાષ્ટ્રમાંથી યુદ્ધોનો અંત આવ્યો અને સુખ, શાંતિ અને સમૃદ્ધિની ઉષા પ્રગટી.

ઈ. સ. 1820માં વડોદરાના ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી ખંડણી ઉઘરાવવાની સત્તા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપતાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશ સત્તાના પ્રારંભ સાથે આધુનિક યુગની શરૂઆત થઈ. છતાં 1820–1822 દરમિયાન સૌરાષ્ટ્રનો વહીવટ અમરેલીમાં મુખ્ય મથક રાખીને રહેતા ગાયકવાડના સૂબા વિઠ્ઠલરાવ દેવાજી ચલાવતા હતા; પરંતુ અંગ્રેજોએ 1822માં રાજકોટમાં એજન્સી સ્થાપી ત્યારથી સૌરાષ્ટ્રમાં બ્રિટિશ વહીવટનો પ્રારંભ થયો. 1820થી 1857 સુધી સૌરાષ્ટ્રનો વહીવટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતી હતી અને 1858થી બ્રિટિશ તાજનું શાસન છેક 1947 સુધી રહ્યું હતું. બ્રિટિશ શાસનની સ્થાપના સાથે જ સૌરાષ્ટ્રમાંથી મધ્યયુગનો અંત આવ્યો અને આધુનિક યુગનો પ્રારંભ થયો.

બ્રિટિશ સત્તા સાર્વભૌમ સત્તા હોવાથી સૌરાષ્ટ્રનાં રાજ્યો પણ તેના સંપર્કને પરિણામે ઉદારવાદી દૃષ્ટિકોણ અપનાવતાં થયાં. પરિણામે સૌરાષ્ટ્રના વિકાસ અને તેના આધુનિકીકરણની પૂર્વભૂમિકા રચાઈ હતી. 1857થી 1947નો 90 વર્ષનો ગાળો સૌરાષ્ટ્રમાં આધુનિકીકરણ અને શહેરીકરણનો હતો. તે દરમિયાન સૌરાષ્ટ્રની પ્રજાનાં ખાન-પાન, પોશાક, રહેઠાણ, રીત-રિવાજ, રાચરચીલું, જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વગેરેમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું.

જૂનાગઢ રાજ્યમાં નવાબ મહોબતખાન બીજાના શાસનમાં, ભાવનગર રાજ્યનું ભાવસિંહજી બીજાના શાસનમાં, જામનગર રાજ્યનું જામ રણજિતસિંહજીના શાસનમાં, રાજકોટ રાજ્યનું લાખાજીરાજના સમયમાં, મોરબીનું વાઘજી બીજાના સમયમાં, ધ્રાંગધ્રા રાજ્યનું ઘનશ્યામસિંહજીના સમયમાં, લીંબડી રાજ્યનું જસવંતસિંહજીના સમયમાં, પોરબંદર રાજ્યનું નટવરસિંહજીના શાસનમાં આધુનિકીકરણ થયું.

1808થી 1830ના ગાળા દરમિયાન સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદના પ્રયત્નોથી સૌરાષ્ટ્રમાં નીચલા ગણાતા થરના લોકોમાંથી વ્યસનો-દૂષણોની બદી દૂર થઈ શકી હતી. તેમને સૌરાષ્ટ્રના આદ્ય સુધારક કહી શકાય. તેમણે પ્રણાલીગત હિન્દુ સામાજિક માળખામાં રહીને પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો.

19મી સદી ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણાની સદી ગણાય છે તો 20મી સદીનો પૂર્વાર્ધ એ રાષ્ટ્રીય ચળવળનો યુગ ગણવામાં આવે છે. આ સમયમાં સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર શરૂ થઈ ચૂક્યો હતો. ભાવનગર અને રાજકોટ જેવાં કેટલાંક રાજ્યોએ સમય પારખીને પ્રજાપ્રતિનિધિ-સભાની રચના કરી હતી. 1920માં રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સાથે સૌરાષ્ટ્રના નૂતન રાજકીય જીવનનો પ્રારંભ થયો. કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી, ગાંધીજી, ઠક્કરબાપા, સરદાર વલ્લભભાઈ પટેલ અને દરબાર ગોપાળદાસ દેસાઈ જેવા આગેવાનો રહ્યા હતા. સૌરાષ્ટ્રના કાર્યકરોએ રાષ્ટ્રીય ચળવળમાં પોતાની કામગીરીને દીપાવી હતી. પ્રથમ તો તેઓ બ્રિટિશ હિંદની લડતોમાં ભાગ લેતા; જેમ કે નાગપુર ઝંડા સત્યાગ્રહ (1923), બારડોલી સત્યાગ્રહ (1928) અને દાંડીકૂચ (1930); પણ પછીથી તો સૌરાષ્ટ્રમાં થયેલા અનેક સત્યાગ્રહોમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. રાજકોટ અને લીંબડીને બાદ કરતાં તેમણે સફળતા મેળવી હતી. 1922થી 1942ના સમયગાળામાં નીચે પ્રમાણે સત્યાગ્રહો થયા હતા : સરધારનો શિકાર સત્યાગ્રહ (1922), ખાખરેચી સત્યાગ્રહ (1929), વઢવાણનો અખબારી સ્વાતંત્ર્ય સત્યાગ્રહ (1929), ધોલેરાનો મીઠા-સત્યાગ્રહ (1930), વિરમગામનો મીઠા-સત્યાગ્રહ (1930), ભાવનગરનો વિદેશી કાપડ-પ્રતિબંધ સત્યાગ્રહ (1930–1932) તો 1931માં થયેલા મોરબી સત્યાગ્રહ, ધ્રોલનો ધ્વજ-સત્યાગ્રહ, વણોદનો ગણવેશ-સત્યાગ્રહ, ધ્રાંગધ્રાનો નાગરિક સ્વાતંત્ર્ય-સત્યાગ્રહ તો 1938માં થયેલા પાંચ તલાવડાનો સત્યાગ્રહ, વડા સત્યાગ્રહ અને મોટા ચારોડિયાના ખેડૂત સત્યાગ્રહો, રાજકોટ કાપડમિલ-હડતાળ (1937), રાજકોટ-સત્યાગ્રહ (1938–1939), લીંબડી-સત્યાગ્રહ, ભાવનગરમાં કોમી ગુંડાગીરી સામેની લડત, જામનગર રાજ્ય પ્રજા પરિષદની લડત, જૂનાગઢ રાજ્ય સામે પ્રજાની લડત અને 1942માં સૌરાષ્ટ્રમાં થયેલ ‘હિંદ છોડો’ ચળવળ.

સૌરાષ્ટ્રની રાષ્ટ્રીય ચળવળના મુખ્ય નેતાઓમાં મનસુખ રવજી મહેતા, અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, જગુભાઈ પરીખ, નાનાભાઈ ભટ્ટ, ઉછરંગરાય ન. ઢેબર, મણિલાલ કોઠારી, ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી, ચીમનભાઈ વૈષ્ણવ, અંધ કવિ હંસ, વીરચંદભાઈ શેઠ, જેઠાલાલ જોશી વગેરે હતા. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન સૌરાષ્ટ્રમાં યુવક-મંડળોએ અને વિદ્યાર્થી-મંડળોએ મહત્વની કામગીરી બજાવી હતી. તેઓ શૈક્ષણિક સંસ્થાઓ ઉપર પિકેટિંગ કરતા અને ભાંગફોડની પ્રવૃત્તિ પણ કરતા. તેમાંથી મુખ્ય હતા – કનક દેસાઈ, ગુણવંત પુરોહિત, ગજાનન અને ઘનશ્યામ પુરોહિત, જશવંત મહેતા, જયમલ્લ પરમાર, નિરંજન વર્મા, જયંતિ માલધારી અને રતુભાઈ અદાણી.

15 ઑગસ્ટ, 1947ના દિવસે ભારતને આઝાદી મળી, ત્યારે સરદાર પટેલની કુનેહથી ભારતનાં મોટા ભાગનાં દેશી રાજ્યો ભારત સાથે જોડાઈ ગયાં હતાં; પરંતુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢે ભારત સાથે ન જોડાઈને ઇતિહાસ સર્જ્યો હતો. તેમાં પણ 82 ટકા હિન્દુ વસતિ ધરાવતા જૂનાગઢ જેવા નાનકડા રાજ્યે પાકિસ્તાન સાથે જોડાણ કરી સૌરાષ્ટ્રની પ્રજામાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. જૂનાગઢના આ નવાબી શાસનને દૂર કરી ત્યાં પ્રજાકીય શાસન સ્થાપવા માટે જૂનાગઢની આરઝી હકૂમતની રચના કરવામાં આવી હતી. તેના વડા તરીકે ગાંધીજીના ભત્રીજા અને મુંબઈના નીડર પત્રકાર શામળદાસ ગાંધી હતા અને રતુભાઈ અદાણી તેના સર સેનાપતિ હતા. તેમણે લોકસેના ઊભી કરી. લોકસેનાએ જૂનાગઢનાં કુલ 106 ગામ કબજે કરી લીધાં હતાં. તેથી ભયભીત થયેલા નવાબ કરાંચી નાસી ગયા. સશસ્ત્ર મોરચા ઉપરાંત પ્રચાર અને આર્થિક બહિષ્કારનો મોરચો પણ ખૂબ અસરકારક હતો; તેથી અંતે જૂનાગઢે 9 નવેમ્બર, 1947ના રોજ ભારત સરકારની શરણાગતિ સ્વીકારી હતી. આમ જૂનાગઢની આરઝી હકૂમત આપખુદ રાજાશાહીની પકડમાંથી પ્રજા અને પ્રદેશને મુક્ત કરાવવા માટેનો એક નવીન પ્રયોગ હતો.

જૂનાગઢનો પ્રશ્ન પતી ગયા પછી 15 ફેબ્રુઆરી, 1948ના સૌરાષ્ટ્રનાં 222 રાજ્યોનું વિલીનીકરણ કરી સૌરાષ્ટ્ર નામના નવા રાજ્યની રચના કરવામાં આવી. તેની રાજધાની રાજકોટમાં રાખવામાં આવી અને રાજ્યના રાજપ્રમુખ તરીકે જામસાહેબ દિગ્વિજયસિંહજી અને મુખ્ય પ્રધાન તરીકે ઉછરંગરાય ન. ઢેબરને નીમવામાં આવ્યા. 1948થી 1956 સુધી સૌરાષ્ટ્રના સ્વતંત્ર રાજ્યે શાસન કર્યું. જમીનદારી-નાબૂદી કાયદો પસાર કરીને તેણે ભારતમાં એક ષ્ટાંત બેસાડ્યું હતું. આ રાજ્યે આઠ વર્ષમાં વિવિધ ક્ષેત્રે ઘણો વિકાસ કર્યો હતો. 1956માં સૌરાષ્ટ્ર રાજ્યને દ્વિભાષી મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયું અને 1960માં સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના થતાં તે તેનો એક ભાગ બનેલ છે. હાલ સૌરાષ્ટ્રપ્રદેશમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર – એમ સાત જિલ્લા આવેલા છે.

દ્વારકાનું રણછોડરાયનું મંદિર

ગિરનારનાં જૈન મંદિરો

સ્વતંત્રતા આંદોલન દરમિયાન અને ત્યાર પછી ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સૌરાષ્ટ્રનું પ્રદાન ઘણું રહ્યું છે. ખાદીપ્રવૃત્તિના ક્ષેત્રે નાગરદાસ દોશી અને નારણદાસ ગાંધી, હરિજન-ઉદ્ધાર-પ્રવૃત્તિના ક્ષેત્રે ઠક્કરબાપા, છગનલાલ જોશી જેવી વ્યક્તિઓ અને રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રે વઢવાણ અને રાજકોટની રાષ્ટ્રીય શાળા, ભાવનગરની દક્ષિણામૂર્તિ અને પછીથી સણોસરાની લોકભારતી અગ્રસ્થાને હતાં. સૌરાષ્ટ્રની સ્ત્રીશક્તિનો પરિચય જયાબહેન શાહ, શારદાબહેન શાહ, ભક્તિબા, દુર્ગાબહેન ભટ્ટ, કસ્તૂરબહેન કવિ, સરલાબહેન ત્રિવેદી, ચંચળબહેન દવે, પુષ્પાબહેન મહેતા, અરુણાબહેન દેસાઈ, મંજુલાબહેન દવે, હીરાબહેન શેઠ, સુભદ્રાબહેન શ્રોફ અને સુમતિબહેન વૈદ્યની પ્રશંસનીય કામગીરીમાં જોવા મળે છે. જેઠાભાઈ જોશી, વજુભાઈ શુક્લ અને રસિકભાઈ મહેતા મજૂરપ્રવૃત્તિના ક્ષેત્રે અગ્રેસર હતા.

સૌરાષ્ટ્રમાં રંગપુર, રોઝડી અને કુંતાસીના ઉત્ખનનમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. પ્રાચીન યુગથી સોમનાથનું જ્યોતિર્લિંગ, દ્વારકાનું રણછોડરાયનું મંદિર તથા ગિરનાર અને શેત્રુંજયનાં જૈન મંદિરો સમસ્ત ભારતના શ્રદ્ધાળુઓને આકર્ષે છે. વળી સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ. આ ભૂમિમાં સ્વામી સહજાનંદે સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના અને પ્રસાર કર્યો. ટંકારામાં જન્મેલા આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પણ સૌરાષ્ટ્રનું સંતાન હતા. ભારતના આધુનિક સંત મોહનદાસ કરમચંદ ગાંધી પોરબંદરમાં જન્મ્યા અને રાજકોટ તથા ભાવનગરમાં ભણ્યા તથા રાષ્ટ્રીય ચળવળમાં દેશને નેતાગીરી પૂરી પાડી. વીરપુરના સંત જલારામ, સત્તાધારના આપા ગીગા જેવા સંતોએ તો અન્નક્ષેત્રો ખોલી ‘ભોજનમાં ભગવાન’નું સૂત્ર સાર્થક કર્યું છે.

નિયતિ મિસ્ત્રી

કલ્પા માણેક

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી