સૌંદર્યપ્રસાધનો-1 (Beautification materials-1)
January, 2009
સૌંદર્યપ્રસાધનો-1 (Beautification materials-1) : માનવશરીરની સુંદરતા વધારવા, દેખાવને જાળવી રાખવા કે બદલવા તેમજ ત્વચા, વાળ, નખ, હોઠ, આંખો કે દાંતને સ્વચ્છ કરવા, રંગવા, તેમનું પ્રાનુકૂલન કરવા (conditioning) માટે ઉપયોગમાં લેવાતાં ઉત્પાદનો. દવા અને સૌંદર્યપ્રસાધનો વચ્ચેનો તફાવત ઘણો સૂક્ષ્મ છે. જે ઉત્પાદનોનો ઉપયોગ સૌંદર્ય વધારવા ઉપરાંત કોઈ પણ પ્રકારની સારવાર માટે થતો હોય તેમને દવા કહેવામાં આવે છે. વળી દવા અને સૌંદર્યપ્રસાધનો સિવાયનાં, દવાવાળાને ત્યાંથી કાઉન્ટર ઉપરથી (over the counter, OTC) મળતાં અન્ય ઉત્પાદનો પણ હોય છે, જેમની વ્યાખ્યા જે તે દેશના ખાદ્ય અને ઔષધ નિગમ (Food and Drug Association, FDA) દ્વારા નક્કી કરવામાં આવે છે.
ઇતિહાસ : સૌંદર્યવર્ધન બહુ સહજ તેમજ મૂળભૂત વૃત્તિ છે. પૌરાણિક સમયથી તેમનો ઉપયોગ થતો આવ્યો છે. મોટા ભાગનાં સૌંદર્યપ્રસાધનોની શોધ એશિયા ખંડમાં થઈ હોવાનું મનાય છે. ભારતીય વેદોમાં પણ સૌંદર્યપ્રસાધનોના ઉપયોગનો ઉલ્લેખ છે. શારીરિક ખોડખાંપણ છુપાવવા કે ત્વચાને નવો ઓપ આપવા માટે પ્લાસ્ટિક કે કૉસ્મેટિક સર્જરીનો થતો ઉપયોગ જાણીતો છે. ‘સુશ્રુતસંહિતા’ના રચયિતા સુશ્રુતને આ સર્જરીના ભીષ્મપિતામહ માનવામાં આવે છે. આ સંહિતા ઈ. પૂ. છઠ્ઠી સદીમાં લખાયેલ છે અને તેમાં પ્લાસ્ટિક સર્જરીનો ઉલ્લેખ છે. ભારતમાં પીઠી (મુખ્યત્વે હળદર, મજીઠ અને ગુલાબજળનો લેપ) ચોળવાનો રિવાજ ઘણા પ્રાચીન કાળથી અમલમાં છે. સૌંદર્યપ્રસાધનોની બનાવટ તથા ઉપયોગ સર્વપ્રથમ ઇજિપ્તમાં નોંધાયેલ છે. ઇજિપ્તની સ્ત્રીઓ આંખને ઘેરી બનાવવા વિશિષ્ટ પ્રકારના પ્રસાધનનો ઉપયોગ કરતી તથા આંગળીઓ માટે મેંદીનો ઉપયોગ કરતી. ગ્રીસની મહિલાઓ કોલસા(charcoal)ની પેન્સિલ તથા પાઉડરથી ચહેરાની સુંદરતા વધારતી. આ પ્રકારનાં ઉત્પાદનોનો ઉપયોગ રોમમાં ખૂબ જ વિકસ્યો. ધીરે ધીરે સૌંદર્યપ્રસાધનોનું વિસ્તરણ અને તેનું ઔદ્યોગિકીકરણ પણ થવા લાગ્યું. લગભગ સત્તરમી સદીમાં આ વિષયને લગતાં પુસ્તકો પણ પ્રકાશિત થવા લાગ્યાં. ઓગણીસમી સદીમાં ફ્રાન્સમાં વૈજ્ઞાનિક ઢબે તેમનું ઉત્પાદન કરવાની શોધ થયા પછી સૌંદર્યપ્રસાધનોને નવું રંગરૂપ મળ્યું. વીસમી સદીમાં સમગ્ર વિશ્વમાં આ ઉદ્યોગ વિકસ્યો.
સૌંદર્યપ્રસાધનોને તેમના ઉપયોગ પ્રમાણે નીચે મુજબના વર્ગોમાં વહેંચી શકાય :
(1) ત્વચાની માવજત તથા જાળવણી માટેનાં પ્રસાધનો
(2) શરીરની સ્વચ્છતા માટેનાં પ્રસાધનો
(3) સુગંધી અર્પતાં (દુર્ગંધ રોકનારાં) પ્રસાધનો
(4) અવાંછિત વાળને દૂર કરનારાં પ્રસાધનો
(5) વાળની માવજત તથા જાળવણી માટેનાં પ્રસાધનો
(6) મોઢાની દુર્ગંધ દૂર કરનારાં પ્રસાધનો
(7) શણગાર માટેનાં પ્રસાધનો
થોડાં અગત્યનાં પ્રસાધનો નીચે પ્રમાણે છે :
ત્વચાને લગતાં પ્રસાધનો : આવાં પ્રસાધનોમાં મુખ્યત્વે ત્વચાની માવજત માટે, સૂર્યનાં પારજાંબલી કિરણોથી બચાવતાં ક્રીમ, ચહેરાની સુંદરતા વધારતાં પ્રસાધનો, તથા ત્વચાને રંગ આપવા કે તેનો રંગ બદલવા માટેનાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તે પૈકી માત્ર ત્વચાની માવજત માટેનાં પ્રસાધનોનો ઉપયોગ ત્વચાની સ્વચ્છતા જાળવવા, કરચલીઓ દૂર કરવા, ત્વચાનું રક્ષણ કરવા અથવા તો તાજગી આપવા થાય છે. શરીરના અલગ અલગ ભાગો માટે અલગ અલગ પ્રકારનાં પ્રસાધનો ઉપયોગમાં આવે છે, જે અલગ અલગ પ્રકારની કામગીરી પણ કરે છે. ત્વચાની માવજત માટેનાં પ્રસાધનોમાં ચાક (chalk), શંખજીરું (talc), ઝિંક અને ટાઇટેનિયમના ઑક્સાઇડ, કેઓલિન (kaolin), તેલ અને પાણીનાં પાયસો (emulsions), મૅગ્નેશિયમ સ્ટિયરેટ તેમજ વિવિધ વર્ણકો ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત ત્વચાને સૂકી કે તૈલી રાખવામાં પણ આ પ્રસાધનો ઉપયોગી છે. આવાં પ્રસાધનોમાં ગ્લિસરોલ, સોડિયમ લેક્ટેટ, યુરિયા, લિનોલેનિક ઍસિડ વગેરેનો સમાવેશ થાય છે.
સ્વચ્છતા માટેનાં પ્રસાધનો : આ વિભાગમાં ત્વચાની, વાળની તથા મોઢાની સ્વચ્છતા જાળવતાં પ્રસાધનોનો સમાવેશ થાય છે. ત્વચા માટે વિવિધ પ્રકારનાં ક્રીમ તથા પાઉડર ઉપયોગી છે. વાળ માટે ઘણુંખરું સાબુ તથા શૅમ્પૂ(shampoo)નો ઉપયોગ થાય છે. શૅમ્પૂમાં સામાન્ય રીતે પ્રાનુકૂલક(conditioner)માં ખોડાને દૂર કરનારાં તત્વો ઉમેરવામાં આવેલાં હોય છે. મોઢાની સ્વચ્છતા માટે ટૂથપેસ્ટ તથા માઉથવૉશનો ઉપયોગ થાય છે. બંને ઉત્પાદનો મોઢામાં ઉત્પન્ન થતા તથા દુર્ગંધ ફેલાવતા જીવાણુઓને દૂર કરે છે.
સુગંધીકારક (દુર્ગંધ દૂર કરનારાં) પ્રસાધનો : ત્વચાની દુર્ગંધ દૂર કરવામાં આવાં પ્રસાધનો વપરાય છે. તે ત્વચાને સૂકી રાખે છે તથા તેનાં છિદ્રોને સંકોચવા માટે વપરાય છે. તેઓ સુગંધીદાર હોય છે અને જીવાણુઓનો સામનો કરી દુર્ગંધને દૂર કરે છે. મુખ્યત્વે તે બે પ્રકારનાં હોય છે : પ્રસ્વેદરોધી (antiperspirant) તથા દુર્ગંધ દૂર કરનારાં એટલે કે ગંધહર (deoderant) પ્રસાધનો. આવાં પ્રસાધનો પ્રવાહી, પાઉડર તથા લાકડી(stick)-સ્વરૂપે પ્રાપ્ય છે.
વાળ માટેની બનાવટોમાં સાબુ વિનાના શૅમ્પૂ (સાબુથી વાળ ઉપર ફિલ્મ રહી જાય છે.), સુગંધિત પ્રક્ષાલકો (detergents) હોય છે, જે વાળને ચમક (gloss) અને દેખાવ આપે છે. આમાં રેઝિન આધારિત અભિસિંચકો (sprays), બ્રિલિયન્ટાઇન (brilliantines) અને પૉમેડ (pomades) તેમજ આલ્કોહૉલ-આધારિત લોશન (lotions) તથા પ્રાનુકૂલકો(conditioners)નો સમાવેશ થાય છે. તે બધાં વિરંજન (bleaching), સેટિંગ (setting) કે કૉમ્બિંગ(combing)થી વાળને પહોંચેલી ક્ષતિની માવજત માટે વપરાય છે. વાળને કાયમ માટે વાંકડિયા બનાવવા એમોનિયમ થાયૉગ્લાયકોલેટ જેવાં રસાયણો વપરાય છે. વાળને રંગવા માટે તેમજ કુદરતી દેખાવ આપવા માટે હવે નરમ (gentle) એવાં કૅશરંગકો (hair dyes) ઉપલબ્ધ છે.
આ ઉપરાંત અન્ય પ્રસાધનોમાં મુખ્યત્વે વાળ દૂર કરવાના, દાઢી કરવા માટેના, દાઢી કર્યા પહેલાં અને પછી વપરાતાં પ્રસાધનોનો ઉપયોગ થાય છે. નખની માવજત તથા જાળવણી માટે વિવિધ પ્રકારની પૉલિશો (polishes) પણ ઉપલબ્ધ છે, જેમાં મુખ્યત્વે એસીટેટ્સ(acetates)નો ઉપયોગ થાય છે. શણગાર માટેનાં પ્રસાધનોમાં લિપસ્ટિક (lip stick), આંખના શણગાર માટેની શલાકા (stick), ચહેરાની સુંદરતા વધારતાં પાઉડરક્રીમ વગેરેનો સમાવેશ થાય છે.
ઉત્પાદન : વિવિધ સૌંદર્યપ્રસાધનોના ઉત્પાદનમાં જરૂરી તકેદારીઓ આ મુજબ છે :
(1) સુરક્ષા : કોઈ પણ સૌંદર્યપ્રસાધન, તેના ઉપયોગ દરમિયાન શરીર માટે હાનિકારક ન હોય અને સુરક્ષિત હોય તે જરૂરી છે. આ માટે અલગ અલગ પ્રકારનાં પરીક્ષણ પણ નિર્ધારિત કરવામાં આવેલ છે. આ પરીક્ષણ માનવો તથા ઘણાં પ્રાણી-પંખીઓ પર કરવામાં આવે છે. આ ઉપરાંત આ પ્રસાધનોના ઉપયોગ સંબંધિત સૂચનાઓ તેના પૅકિંગ (packing) પર આપવી જરૂરી છે.
(2) ઉત્પાદન માટેની સગવડ : સૌંદર્યપ્રસાધનોની ઉત્પાદકતા માટે સુરક્ષિત સામગ્રી ઉપરાંત ઉચ્ચ દરજ્જાની ગુણવત્તા અને સ્વચ્છતા હોવી અત્યંત આવશ્યક છે. દરેક દેશમાં આ માટેના નિયમો ઘડવામાં આવેલ છે. ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસ (good manufacturing practise, GMP) અંતર્ગત દવાના ઉત્પાદન માટેની તમામ જરૂરી સગવડ તથા નિયમોનો સમાવેશ કરી લેવામાં આવે છે; જેમાં ઉત્પાદનથી માંડીને વહેંચણી સુધીનો સમાવેશ થાય છે. આ પ્રકારની દેખરેખ સૌંદર્યપ્રસાધનોના ઉત્પાદનમાં પણ રાખવી જરૂરી છે.
(3) અશુદ્ધિ : સૌંદર્યપ્રસાધનોના ઉત્પાદકોએ રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓ પ્રત્યે હંમેશાં સજાગ રહેવું જરૂરી છે. વળી તેમને અટકાવવાના પ્રયત્નો પણ કરવા જરૂરી છે. રાસાયણિક અશુદ્ધિઓ દૂર કરવા માટે કાચા માલની વિશિષ્ટતાને વળગી રહેવું જરૂરી છે. વળી, પૅકેજિંગ માટે વપરાતાં પ્લાસ્ટિક કે રેસા (fiber) પણ ચોક્કસ પ્રકારનાં હોવાં જરૂરી છે. આ ઉપરાંત રાસાયણિક અશુદ્ધિઓ અયોગ્ય પ્રક્રિયાને લીધે પણ ઉદભવે છે. વધુ પડતું તાપમાન કે દબાણ, સંગ્રહ દરમિયાન ઉદભવતી ક્ષતિઓ જેવા સંજોગો નિવારવા જરૂરી છે. તદુપરાંત જૈવિક અશુદ્ધિઓ દૂર કરવા માટે સ્વચ્છતા તથા તાપમાનનું નિયમન અત્યંત જરૂરી છે.
(4) દૃઢિમા (stability) : ઉપર્યુક્ત આવશ્યકતા ઉપરાંત સૌંદર્ય-પ્રસાધનો રાસાયણિક તથા ભૌતિક (બંધારણીય) રીતે દૃઢિમા ધરાવતાં હોવાં જરૂરી છે. રાસાયણિક રીતે તે અન્ય કોઈ પણ પદાર્થ સાથે ઝડપથી પ્રક્રિયા ન કરે તે જરૂરી છે તથા ભૌતિક રીતે પણ દૃઢિમા જાળવી રાખે તેવાં હોવાં જરૂરી છે. સામાન્યત: આ પ્રસાધનો 60 મહિના (પાંચ વર્ષ) સુધી સામાન્ય વાતાવરણમાં સુદૃઢ રહી શકે છે. ક્યારેક પ્રકાશ દ્વારા આ ઉત્પાદનોમાં રાસાયણિક ફેરફાર શક્ય છે. આ પ્રકારના ફેરફારને ઉપચયન (oxidation) કહે છે. ભૌતિક દૃઢિમા માટેની જરૂરિયાત, રાસાયણિક દૃઢિમા જેટલી ફરજિયાત નથી. સ્નિગ્ધતા કે દેખાવમાં થતા સામાન્ય ફેરફાર સ્વીકાર્ય છે, પણ નોંધપાત્ર ફેરફાર ન થવા જોઈએ.
(5) સ્વીકૃતિ : ગ્રાહક દ્વારા સ્વીકૃતિ એ સૌંદર્યપ્રસાધનોની સફળતાનો એક માપદંડ છે. ગ્રાહકની સ્વીકૃતિ અવારનવાર બદલાય છે, માટે પ્રસાધનમાં જરૂરી ફેરફારો આવશ્યક બને છે.
ઉત્પાદનમાં ઉપયોગી ઘટકો : સૌંદર્યપ્રસાધનોના ઉત્પાદકો ઘણી મોટી સંખ્યામાં ઘટક પદાર્થોનો ઉપયોગ કરે છે, તે પૈકી થોડા ઘટકો કે જે સક્રિય કહેવાય છે તે ત્વચા, નખ કે વાળ માટે ફાયદાકારક છે. જે આર્દ્રક (moisturiser) કે કન્ડિશનિંગમાં વપરાય છે. આવા સક્રિય ઘટકો સામાન્ય રીતે ઓછા પ્રમાણમાં વપરાય છે. અન્ય સંઘટકોનો ઉપયોગ નીપજનું બંધારણ સુધારવા તથા સક્રિય ઘટકોના વાહક તરીકે થાય છે. તેમની માત્રા વધુ હોય છે. આ બંને પ્રકારના ઘટકોના મિશ્રણથી પરિણમતા પદાર્થના ગુણધર્મ પર ઘણી અસર થાય છે. આ ઉપરાંત પ્રસાધનની સ્વીકૃતિ વધારવા થોડા-ઘણા અન્ય ઘટકો ઉમેરવામાં આવે છે; પરંતુ તેથી તેના ગુણધર્મમાં ખાસ ફરક પડતો નથી. લગભગ 6,000 જેટલા ઘટકોના ઉપયોગની નોંધ થઈ છે. આવા થોડાક ઘટકો નીચે મુજબ છે:
(1) પ્રતિ–ઉપચાયકો (antioxidants) તથા પરિરક્ષકો (preservatives) : આ ઘટકોનો ઉપયોગ પ્રસાધનની ઉપયોગ–અવધિ (shelf life) તથા ઉપયોગ દરમિયાનની ગુણવત્તા જાળવવા માટે થાય છે. ઉપયોગ–અવધિ એટલે એ સમયકાળ કે જે દરમિયાન પદાર્થ બંધ પૅકેટમાં હોય ત્યારે રાસાયણિક તથા ભૌતિક રીતે સ્થિર હોય. પ્રતિ-ઉપચાયક રાસાયણિક ફેરફારો ખાસ કરીને પ્રકાશથી થતા ફેરફારોને રોકે છે. પરિરક્ષકનો ઉપયોગ જીવાણુઓને રોકવા માટે થાય છે. ઉત્પાદન સમયે રખાયેલ કાળજી છતાં પણ સામાન્ય રીતે પ્રસાધનોમાં જીવાણુ હોય છે. તેમને પાંગરતાં રોકવામાં આવા ઘટકો ઉપયોગી છે.
(2) લિપિડ : કુદરતી તથા માનવસર્જિત (કૃત્રિમ) લિપિડ લગભગ તમામ પ્રકારનાં સૌંદર્યપ્રસાધનોમાં વપરાય છે. લિપિડનો ઉપયોગ ઊંજણ તરીકે, ઘટકોના જોડાણ માટે [કે જેથી સંપીડિત (compressed) પાઉડર બને છે.], મેક-અપને ચોંટાડી રાખવા માટે તથા લિપસ્ટિક જેવાં ઉત્પાદનોમાં દૃઢતા લાવવા માટે થાય છે. આ ઉપરાંત વાળને ચમક આપવા માટે પણ તે ઉપયોગી છે. લિપિડનો ઉપયોગ મસાજ માટેનાં ઉત્પાદનોમાં, ત્વચાની રક્ષા માટેનાં પ્રસાધનોમાં તેમજ કન્ડિશનિંગમાં પણ થાય છે. લિપિડનું રાસાયણિક તથા ભૌતિક બંધારણ, તેનો ઉપયોગ કયા પ્રકારના પ્રસાધનમાં થશે તે નક્કી કરે છે.
(3) દ્રાવક : દ્રાવકનો ઉપયોગ સૌંદર્યપ્રસાધનોની બનાવટમાં વપરાતા ઘટકોને દ્રાવ્ય કરવા માટે થાય છે. સામાન્ય રીતે પાણીનો ઉપયોગ દ્રાવક તરીકે થાય છે. પાણી અને તેલ (water / oil) પ્રકારના પાયસ(emulsion)માં પાણીનો ઉપયોગ થાય છે. કાર્બનિક દ્રાવકોનો ઉપયોગ કોલોન(cologne)માં, વાળને સેટ કરનારાં અને નખની માવજત માટેનાં ઉત્પાદનોમાં થાય છે. દ્રાવકની પસંદગી એ ખૂબ જ જટિલ ક્રિયા છે અને તે દ્રાવકની ગંધ, શ્વાસમાં લેવાથી થતી ઝેરી અસર વગેરે પર આધારિત છે.
(4) પૃષ્ઠ સક્રિયકો (surfactants) : પૃષ્ઠતાણને ઘટાડતા આ ઘટકો વિવિધ સૌંદર્યપ્રસાધનોમાં ઉપયોગી છે. તેઓનું વર્ગીકરણ સામાન્યત: આયનિક ગુણધર્મને આધારે કરવામાં આવે છે. ઋણવીજભારિત ઘટકો સાથેના લાંબા સમયના સંપર્કથી ચામડી પર સોજા આવવાની શક્યતા છે. જોકે આવો સોજો કાયમી નથી હોતો. અવીજભારિત ઘટકો ત્વચા પર ખૂબ જ હળવી અસર કરે છે. બંને વીજભાર ધરાવતા ઘટકો ઘણાં સુરક્ષિત હોય છે. ધનવીજભારિત ઘટકો ઋણવીજભારિત ઘટકો કરતાં વધુ હાનિકારક માનવામાં આવે છે, પણ તેના નક્કર પુરાવા પ્રાપ્ય નથી.
(5) રંગકો : રંગોનો ઉપયોગ સૌંદર્યપ્રસાધનોમાં ઘણાં કારણોસર થાય છે. રંગ ઉમેરવાથી ઉત્પાદન વધુ આકર્ષક બને છે અને ગ્રાહકની સ્વીકૃતિ વધારી શકાય છે. રંગ ઉમેરવાથી કોઈ ઘટક દ્વારા મૂળભૂત રંગમાં થયેલ ઘટાડો કે સમય સાથે પ્રસાધનના રંગમાં થતો ફેરફાર ઘટાડી શકાય છે. શણગાર માટેનાં સૌંદર્યપ્રસાધનોનું અસ્તિત્વ જ રંગોને આભારી છે. રંગકો મૂળભૂત રીતે બે પ્રકારના હોય છે : (ક) કાર્બનિક અને (ખ) અકાર્બનિક.
(ક) કાર્બનિક : આવા રંગકો કોલ ટાર(coal tar)માંથી મળે છે. ભારે ધાતુઓને લીધે આવતી અશુદ્ધિ તથા અન્ય અશુદ્ધિઓનું નિયંત્રણ જરૂરી છે. જે રંગકોનો સૌંદર્યપ્રસાધનોમાં ઉપયોગ થવાનો હોય તેમાં સીસું (લેડ) મહત્તમ 0.002 %, આર્સેનિક મહત્તમ 0.0002 % તથા અન્ય ધાતુઓ મહત્તમ 0.003 %થી વધુ ન હોવી જોઈએ. આવા ઘણા નિયમો તથા પ્રયત્નો છતાં પણ આ અશુદ્ધિઓને કારણે ઘણા રંગકોનો ઉપયોગ બંધ કરવો પડ્યો છે.
(ખ) અકાર્બનિક : અલગ અલગ સફેદ વર્ણક (pigment), ઉપરાંત અન્ય અકાર્બનિક રંગકોનો ઉપયોગ થાય છે. તેઓ સામાન્ય રીતે પ્રકાશથી ઉદભવતી ઝાંખપને દૂર કરે છે. તેઓ પાણી તથા અન્ય દ્રાવકોમાં સંપૂર્ણપણે અદ્રાવ્ય હોય છે.
કુદરતી રીતે પ્રાપ્ય રંગકોનો રંગ તથા રંગ ચઢાવવાની ક્ષમતા કૃત્રિમ રીતે બનાવેલ રંગકો કરતાં વધુ હોય છે. વળી અશુદ્ધિઓનાં પ્રમાણ અને પ્રકાર પણ અલગ અલગ દેશમાં અલગ અલગ હોય છે. આ પ્રકારના રંગકોનો ઉપયોગ ત્વચા માટેના તથા આંખની આસપાસના વિસ્તારમાં વપરાતાં સૌંદર્યપ્રસાધનોમાં શક્ય છે. ઉપર્યુક્ત બે પ્રકારના રંગક ઉપરાંત મૌક્તિક (નેક્રિસ, nacreous) વર્ણક એ એક અલગ પ્રકાર છે, જે મહદ્અંશે માછલીના હાડપિંજરમાંથી મળે છે.
સૌંદર્યપ્રસાધન બનાવવાની વિશિષ્ટ તકનીકો : સૌંદર્યપ્રસાધનની બનાવટ માટે વિવિધ તકનીકો વિકસાવવામાં આવેલ છે; જે પૈકી પાયસીકરણ (emulsification), સ્ટિક(stick)ની બનાવટ તથા પાઉડર-સંમિશ્રણ (powder blending) મુખ્ય છે.
(1) પાયસીકરણ : ત્વચા તથા વાળને લગતાં તમામ પ્રકારનાં સૌંદર્યપ્રસાધનો માટે આ ક્રિયા ઉપયોગી છે. તે એક પ્રવાહી કે અર્ધઘન (semi solid) કે જેને આંતરિક પ્રાવસ્થા (phase) કહે છે તેનું અન્ય પ્રવાહી(સતત અથવા બાહ્ય પ્રાવસ્થા)માંનું પરિક્ષેપણ (dispersion) છે.
આ બંને પ્રવાહીઓ એકબીજાંમાં દ્રાવ્ય નથી હોતાં. સામાન્ય રીતે એક પ્રવાહી પાણી હોય છે અને બીજું તેલ હોય છે. પાણીમાં તેલ (oil in water) પ્રકારમાં પાણી સતત પ્રાવસ્થા તરીકે હોય છે અને તે o/w તરીકે ઓળખાય છે, જ્યારે તેલમાં પાણી પ્રકારના પાયસમાં આથી ઊલટું હોય છે અને તે w/o તરીકે ઓળખાય છે. આ પ્રકારનું બંધારણ જાળવી રાખવા માટે વિશિષ્ટ પ્રકારના ઘટકો ઉમેરવામાં આવે છે, જેને પાયસીકારક (emulsifier) કહે છે. આ ઉપરાંત બહુલક કે ગુંદર (gum) પણ ઉમેરવામાં આવે છે, જે આંતરિક પ્રાવસ્થાનાં બારીક ટીપાંઓના સંયુગ્મનને અટકાવે છે.
રૂઢિગત રીતે, સૌંદર્યપ્રસાધન માટેના પાયસમાં 70 % કે તેથી વધુ સતત કે બાહ્ય પ્રાવસ્થા હોય છે. આંતરિક પ્રાવસ્થા(પરિક્ષેપિત પ્રાવસ્થા)ને ઊંચા તાપમાને બાહ્ય પ્રાવસ્થામાં ખૂબ જ ગતિથી હલાવીને ઉમેરવામાં આવે છે. અન્ય ઘટકોને તે જે પ્રાવસ્થામાં દ્રાવ્ય હોય તેમાં ઉમેરવામાં આવે છે. ગ્રાહકની સ્વીકૃતિ માટે સૂક્ષ્મ પાયસ (micro emulsion) કે પારદર્શક પ્રણાલી અનિવાર્ય છે, જેમાં બંને પ્રાવસ્થા દ્રાવ્ય બને તે હદે નાનાં બુંદ આવેલાં હોય છે.
(2) સ્ટિક–તકનીક : સૌંદર્યપ્રસાધનોમાં વપરાતી સ્ટિક ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે :
(ક) પાત્રમાં ઢાળેલી સ્ટિક (container moulding) : સનસ્ક્રીન (sun-screen), ગંધહર, પ્રસ્વેદરોધકો વગેરે આ પ્રકારની તકનીકથી બનાવવામાં આવે છે. તેમાં ઉમેરવામાં આવતા ઘટકો, સ્ટિકને તે બટકી ન જાય એવી બનાવે છે. આ પ્રકારની તકનીકથી બનાવાતાં પ્રસ્વેદરોધકો ખૂબ જ પ્રખ્યાત છે.
(ખ) સ્ટિકનું ઢાળણ અલગ પાત્રમાં કરી તેને અન્ય પાત્રમાં ભરી (stick-moulding) વિવિધ પ્રકારની લિપસ્ટિક, આઇ-શેડ (eye-shades) વગેરે બનાવવામાં આવે છે. અહીં લિપિડ તથા પિગમેન્ટના મિશ્રણને ઊંચા તાપમાને મેળવવામાં આવે છે. ત્યાર બાદ તેને અન્ય પાત્રમાં ઢાળવામાં આવે છે અને છેલ્લે અલગ અલગ પ્રકારનાં પાત્રોમાં ભરવામાં આવે છે. આ પાત્રો પ્લાસ્ટિક કે ધાતુનાં હોય છે.
(ગ) દબાણ દ્વારા બનાવાતી સ્ટિક, સંપીડિત પાઉડર સ્ટિક (compressed powder stick) : દબાણ હેઠળ વિવિધ ઘન પદાર્થના મિશ્રણથી આ પ્રકારની સ્ટિક બને છે. તેનો ઉપયોગ પાઉડર બનાવવામાં કે ચહેરાની સુંદરતા વધારતાં પ્રસાધનોમાં થાય છે.
(3) પાઉડર–સંમિશ્રણ : પાઉડરની જરૂરિયાત નીચે મુજબ છે :
(ક) શરીર પર છાંટવાનો પાઉડર કે ટેલ્ક જે ત્વચા પરથી વધારાનો ભેજ શોષે છે તથા ત્વચાને સુંવાળી બનાવે છે.
(ખ) ચહેરા માટેનો પાઉડર કે જે ત્વચાને થોડો રંગ આપવામાં વપરાય છે. સામાન્યત: સુંવાળાપણું ટેલ્ક (talc) પર આધારિત છે. આ ઉપરાંત જીવાણુવિરોધી તત્વો, રંગકો અને પિગમેન્ટ પણ પાઉડરમાં ઉમેરવામાં આવે છે. આ ઘટક તત્વો પરથી જ સુગંધી દ્રવ્યોની પસંદગી કરવામાં આવે છે; કારણ કે કેટલાક ઘટકો આવાં સુગંધી દ્રવ્યો સાથે પ્રક્રિયા કરે છે.
પાઉડરના ઉત્પાદન માટે બધાં જ ઘટક તત્વોનું મિશ્રણ કરવામાં આવે છે. કણનું કદ વિવિધ તકનીકોથી નાનું કરવામાં આવે છે. વધારાની પ્રક્રિયા કર્યા વગર જ છૂટા (loose) પાઉડરનો ઉપયોગ કરી શકાય છે.
જો સ્ટિક બનાવવાની હોય તો કોઈ બંધક ઘટક ઉમેરવામાં આવે છે. આવા મિશ્રણને હવાથી કે પ્રવાહીથી દબાણ આપવામાં આવે છે. ત્યાર બાદ તેની સ્ટિક અથવા તો ટીકડીઓ બનાવવામાં આવે છે. આવી ટીકડીઓ બ્રશ(brush)ની મદદથી ઉપયોગમાં લઈ શકાય છે.
એકવીસમી સદીની શરૂઆતથી આવાં પ્રસાધનોનો ઉપયોગ તમામ વર્ગના, ઉંમરના અને જાતિના લોકોમાં વધ્યો છે અને સાથે સાથે તે વિશેની જાગરૂકતા પણ વધી છે. આ પ્રકારનાં પ્રસાધનોમાં ઉપયોગમાં લેવાતાં વિવિધ રસાયણો સામાન્યથી માંડીને અતિશય ગંભીર બીમારીઓ પણ આણી શકે છે, ખાસ કરીને વાળને ધોવાના શૅમ્પૂ, રંગ આપવા માટે વપરાતો રંગક (dye), ત્વચા પર લગાડાતાં ક્રીમ વગેરેથી ઘણા પ્રશ્નો ઉદભવી શકે છે. તેમનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી કૅન્સર સુધીની બીમારીઓ શક્ય છે. આ ઉપરાંત પ્રાણીઓના રક્ષણ માટે લડતાં વિવિધ સંગઠનો આવાં પ્રસાધનોના પરીક્ષણમાં ઘાયલ થતાં કે મૃત્યુ પામતાં પ્રાણીઓ માટે લડત ચલાવે છે. ખાસ કરીને સસલાં, હાથી, ગેંડા, વાઘ, ભુંડ, હરણ, ઉંદર વગેરેનો ઉપયોગ પરીક્ષણ અથવા તો ઉત્પાદન માટે થાય છે. આવા સંજોગોમાં પર્યાવરણના હિતમાં આયુર્વેદિક પ્રસાધનોનો ફરીને વિકાસ થયો છે અને કુંવારપાઠું, હળદર, અરીઠા, લીમડાનાં પાન, ચંદન, સુખડ વગેરેના ઉપયોગથી બિનરાસાયણિક પ્રસાધનો પ્રખ્યાત બન્યાં છે. મોટી મોટી કંપનીઓ પણ આવાં બિનરાસાયણિક અને પ્રાણી પરના અત્યાચાર વગરનાં પરીક્ષણવાળાં પ્રસાધનોના ઉત્પાદન તરફ મોટા પ્રમાણમાં વળી રહી છે. કૃત્રિમ રાસાયણિક પ્રસાધનો સમજી-વિચારીને ઉપયોગમાં લેવાં હિતાવહ છે.
સામાન્ય રીતે પ્રસાધનોના પૅકિંગ પર તેના ઉપયોગ વિશેની માહિતી કે સૂચનાઓ આપવામાં આવેલી હોય છે, જેનું પાલન કરવાથી પણ ઘણી આડઅસરથી બચી શકાય છે; દા. ત., મચ્છરથી રક્ષણ કરતા કે ખીલ દૂર કરતા ક્રીમના પૅકિંગ પર સામાન્યત: એવું લખાણ હોય છે કે શરીરની મોઢા સિવાયની ત્વચા પર એક રાત માટે થોડું ક્રીમ લગાવી રાખવું તથા કોઈ આડઅસર ન હોય તો જ વપરાશમાં લેવું. આવી નાની નાની તકેદારી આ પ્રસાધનોની હાનિકારક અસરોથી દૂર રાખી શકે છે. સૌંદર્યપ્રસાધનોના વપરાશમાં ફાયદા અને નુકસાનની સમજણ અને તે વાપરવાની બાબતમાં વિવેક જરૂરી છે.
મિલિંદ જોશીપુરા