સોહમ્ : ‘તે હું છું’ અર્થાત્ ‘હું બ્રહ્મ છું’ એવો વેદાંતનો સિદ્ધાંત. વેદાન્ત પ્રમાણે જીવ અને બ્રહ્મ એક છે, બંનેમાં કોઈ ફરક નથી. જીવ બ્રહ્મ સિવાય કંઈ જ નથી. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે વેદાંતીઓ બોલે છે ‘સોહમ્’ = ‘सः अहं’ અર્થાત્ ‘હું તે બ્રહ્મ છું.’ ઉપનિષદોમાં પણ આ વાત ‘અહં બ્રહ્માસ્મિ’ અને ‘તત્વમસિ’ રૂપે કહેવામાં આવી છે. હઠયોગીઓ અનુસાર જમણા શ્વાસને ‘ઓહમ્’ અને ડાબા શ્વાસને સોહમ્ ની સંજ્ઞા અપાય છે. કહેવામાં આવેલું પણ છે કે ‘ઓહં સોહં તનુ વિચારા બંકનાલમેં કિયા પસારા.’
પ્રવીણચંદ્ર પરીખ