સોહેઇલ, તસાડક (જ. 1937 જલંધર, પંજાબ, ભારત) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. અભિવ્યક્તિવાદી ચિત્રો માટે એ જાણીતા છે. તેમનું બાળપણ જલંધરમાં વીત્યું. 1947માં ભારતના ભાગલા દરમિયાન માણસો દ્વારા બીજા માણસો પર ગુજારવામાં આવતા અમાનવીય સિતમ જોઈને એ ડઘાઈ ગયા. 1947માં જ એમનું કુટુંબ જલંધરથી પાકિસ્તાની પંજાબ જઈને વસ્યું. સોહેઇલ કરાંચીની ઇસ્લામિયા કૉલેજમાં ભણીને સ્નાતક થયા. પાકિસ્તાનમાં તે કળા-શાળામાં ગયા નહિ, પણ સ્વયંશિક્ષણ અને સ્વયંપ્રેરણા દ્વારા જ તેમણે 1955થી ચિત્રો ચીતરવાં શરૂ કરેલાં. 1960માં તે લંડન જઈને વસ્યા. લંડન જઈને એમણે સેંટ માર્ટિન્સ સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો અભ્યાસ કર્યો. એમણે અભિવ્યક્તિવાદી ચિત્રો ચીતરવા શરૂ કર્યાં, જેમાં માનવી દ્વારા માનવી પર ગુજારવામાં આવતા ક્રૂર, અમાનવીય, ઘાતકી અને જંગલિયતભર્યાં સિતમો અને યાતનાઓને વ્યથાપૂર્ણ રીતે રજૂ કરેલાં છે. આ પ્રકારનાં તેમનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન લંડનની ‘હોરાઇઝન’ ગૅલરીમાં 1987માં યોજાયું અને તરત જ તેમની નામના થઈ. એ પ્રદર્શનમાં પ્રદર્શિત ચિત્રોમાં તેમણે 1947ના ભારતના ભાગલા દરમિયાન ઉત્તર ભારતનાં શહેરોની શેરીઓમાં ઉચ્છેદિત અંગોપાંગો ધરાવતાં માનવ-મડદાં અને રઝળતાં માનવ-અસ્થિઓ કેન્દ્રસ્થાને ચીતરી આક્રંદ અને વ્યથા રજૂ કર્યાં છે.

પાકિસ્તાનના ધર્મઝનૂની મુલ્લાઓ પાકિસ્તાનના નિર્દોષ નાગરિકોને ઊંધે રસ્તે ચડાવીને કેવા ઉલ્લુ બનાવે છે તેની પર 1987 પછી સોહેઇલે વ્યંગ્યપૂર્ણ ચિત્રો ચીતર્યાં છે.

લંડન ઉપરાંત દિલ્હી, કરાંચી, દુબઈ, હૉલેન્ડમાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે.

અમિતાભ મડિયા