સોલ્ઝેનિત્સીન ઍલેક્ઝાન્ડર ઇસ્યેવિક (જ. 11 ડિસેમ્બર 1918, કિસ્લોવોદ્સ્ક, બ્લૅક ઍન્ડ કાસ્પિયન સમુદ્રની વચ્ચે, ઉત્તર કોકેસસ પહાડોની નજીક, રશિયા; અ. 3 ઑગસ્ટ 2008, મૉસ્કો) : રશિયન નવલકથાકાર. 1970ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. પિતાનું મૃત્યુ તેમના જન્મ પહેલાં થયું હતું. બૌદ્ધિક કોઝેક કુટુંબમાં ટાઇપિસ્ટ માતા દ્વારા ઉછેર. શિક્ષણ રૉસ્તૉવ-ના-દોનુ યુનિવર્સિટીમાં. ગણિત, ભૌતિકશાસ્ત્ર અને સાહિત્યના વિષયો લઈને મૉસ્કોની સ્ટેટ યુનિવર્સિટીમાંથી 1941માં સ્નાતકની પદવી મેળવી. નતાલિયા એલેક્સ્તવના રેશેતોવ્સ્કેયા સાથે 1940માં લગ્ન. 1950માં છૂટાછેડા લીધા. 1957માં પુનર્લગ્ન અને 1972માં લગ્નવિચ્છેદ. તેમને ત્રણ પુત્રો હતા.
સોલ્ઝેનિત્સીન ઍલેક્ઝાન્ડર ઇસ્યેવિક
દ્વિતીય વિશ્વયુદ્ધમાં તોપખાનામાં કૅપ્ટનના હોદ્દાના અમલદાર તરીકે ભાગ લીધો. સ્ટેલિનની પત્રમાં ટીકા કરવા બદલ તેમને આઠ વર્ષની સજા થઈ હતી. ત્યાર પછી ત્રણ વર્ષ દેશનિકાલની સજા પણ થઈ હતી. 1956માં મધ્યરશિયામાં રયાઝાનમાં રહેવાની પરવાનગી મળતાં તે ગણિતશાસ્ત્રના શિક્ષક થયા અને સાહિત્યસર્જન કરવાનું શરૂ કર્યું.
1962માં ‘વન ડે ઇન ધ લાઇફ ઑવ્ ઇવાન ડેનિસોવિક’ સોવિયેત સામયિક ‘નોવી મિર’માં પ્રસિદ્ધ થઈ. રશિયા અને યુરોપમાં તેના વિચારનો પ્રચાર થવા લાગ્યો. 1963માં તેમની ટૂંકી વાર્તાઓએ અધિકારીઓનો રોષ વહોરી લીધો. તેમનાં કેટલાંક હસ્તલિખિત લખાણોને જપ્ત કરવામાં આવ્યાં. આના વિરોધમાં તેમણે સોવિયેત લેખકોના ચોથા રાષ્ટ્રીય સંમેલનને ખુલ્લો પત્ર લખ્યો. પોતાનાં કેટલાંક લખાણો તેમણે જાતે રશિયામાં અને પરદેશમાં પ્રસિદ્ધ કર્યાં. ‘કૅન્સર વૉર્ડ’ (1968) અને ‘ધ ફર્સ્ટ સર્કલ’ (1968) પ્રકાશિત થયાં. પોતાને મળતું નોબેલ પારિતોષિક લેવા તેઓ જઈ શક્યા નહિ. ‘ઑગસ્ટ 1914’ (1971) તેમની નવલકથા છે.
1973માં સોલ્ઝેનિત્સીને પરદેશના ખબરપત્રીઓ સમક્ષ સોવિયેત સરકારની ધમકીની અને વાણીસ્વાતંત્ર્યની વાત કરી. પોતાના જાનનું જોખમ જાહેર કરીને હવે પછી તેમનાં પુસ્તકો પશ્ચિમના કોઈ દેશમાં પ્રસિદ્ધ કરવાની ખેવના પણ વ્યક્ત કરી.
1973ના સપ્ટેમ્બરમાં તેમણે ‘ધ ફર્સ્ટ સર્કલ’નાં બે પ્રકરણોને સુધારીને પ્રસિદ્ધ કર્યાં. ‘ધ ગુલાગ આર્ચિપેલેગો’ પૅરિસમાં પ્રસિદ્ધ કર્યું. કઠોર શ્રમિક કૅમ્પની યાતનાના ચિતાર માટે ‘ગુલાગ’ શબ્દ રૂઢ થતો ગયો. 1974–1978માં ત્રણ ગ્રંથોમાં ‘ધ ગુલાગ આર્ચિપેલેગો’ પ્રસિદ્ધ થયું. સોલ્ઝેનિત્સીન પર પ્રથમ ગ્રંથના પ્રકાશન વખતે જ વૈચારિક હુમલો થયેલો. 12 ફેબ્રુઆરી, 1974માં તેમની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે ધરપકડ કરવામાં આવી. બીજે દિવસે તેમને દેશનિકાલની સજા ફટકારવામાં આવી. તેઓ સ્વિટ્ઝર્લૅન્ડ ચાલ્યા ગયા. ડિસેમ્બરમાં તેમણે નોબેલ પ્રાઇઝનો સ્વીકાર કર્યો. દસ્તાવેજી નવલકથા ‘લેનિન ઇન ઝ્યુરિક : ચેપ્ટર્સ, 1976’ પ્રસિદ્ધ થઈ. પછી તેઓ અમેરિકા ગયા. વર્મોન્ટમાં તેમણે વસવાટ કર્યો. ‘ધી ઑક ઍન્ડ ધ કાફ’ (1980) રશિયામાં લેખકનું જીવન અને ‘ધ મૉર્ટલ ડેન્જર’(1980)માં અમેરિકનોના રશિયા માટેના ખોટા ખ્યાલોનું બયાન છે. 1983–1991માં ‘ધ રેડ વ્હિલ’માં તેમણે રશિયાના ક્રાંતિકાળની સાચી સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે.
સોવિયેત યુનિયનના પતન પછી 1994માં પ્રેસિડેન્ટ યેલત્સિને સૉલ્ઝેનિત્સીનને આવકાર આપ્યો. તેઓ મૉસ્કોમાં રહેવા લાગ્યા. તેમનો વિરોધ ભૌતિકવાદ સામે છે. 1997માં ‘સૉલ્ઝેનિત્સીન પ્રાઇઝ’ રશિયન સાહિત્ય માટે સ્થાપિત થયું છે. તેમના સાહિત્ય માટે પશ્ચિમમાં હવે જોઈએ તેટલો લગાવ રહ્યો નથી; જોકે ‘રીબિલ્ડિંગ રશિયા’ (1990) નિબંધ આજે પણ ખૂબ વંચાય છે અને ચર્ચાસ્પદ પણ તેટલો જ રહ્યો છે. ‘રશિયા કોલેપ્સિંગ’(1998)માં રશિયાના વેપારીઓ અને સરકાર વિરુદ્ધનું લખાણ છે.
‘સોલ્ઝેનિત્સીન : અ બાયૉગ્રાફી’ (1972) કારિના એનબર્ગ દ્વારા અનૂદિત જીવનકથા છે.
વિ. પ્ર. ત્રિવેદી