સૉલ્ટન સમુદ્ર : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યના છેક દક્ષિણ-મધ્યભાગમાં આવેલું ક્ષારીય જળથી બનેલું વિશાળ થાળું. ભૌગોલિક સ્થાન : 33° 19´ ઉ. અ. અને 115° 50´ પ. રે.. આ થાળું સરેરાશ સમુદ્રસપાટીથી 71 મીટર નીચે આવેલું છે. ભૂતકાળમાં ક્યારેક આ વિસ્તાર કૅલિફૉર્નિયાના અખાતને મથાળે પાણી નીચે રહેલો; પરંતુ આ અખાતને મળતી કૉલોરાડો નદીએ તેના ત્રિકોણપ્રદેશ(અખાતની ઉત્તરે આવેલો આજનો પ્રદેશ)ને પૂરી દીધો, તેથી તે કૅલિફૉર્નિયાના અખાતથી છૂટો પડી ગયો છે; તેમ છતાં આ ક્ષારીય જળ-થાળું તો સમુદ્રસપાટીથી નીચે તરફ રહ્યું છે. કૉલોરાડો નદીમાં પૂર આવે ત્યારે નીચે રહેલો આ ભાગ પૂરનાં પાણીથી ભરાઈ જાય છે. 1905–1907નાં પૂરથી જળભરાવો થવાને કારણે આ સમુદ્રની જળસપાટી 20.6 મીટર જેટલી ઊંચી આવેલી; ત્યારે આ સમુદ્રવિસ્તાર વધીને 1140 ચોકિમી. જેટલો થઈ ગયેલો. 1960–1970ના ગાળા પછીથી તેનાં ઊંડાઈ અને વિસ્તાર સ્થાયી રહ્યાં છે. સામાન્ય સંજોગોમાં તેનો વિસ્તાર 906 ચોકિમી. જેટલો હોય છે; જ્યારે બાષ્પીભવનથી તેનાં જળ ઓછાં થાય ત્યારે સિંચાઈની નહેરોનાં જળ તેમાં ભળે છે. આજે આ સમુદ્ર નૌકાક્રીડા અને મનોરંજનના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાય છે.

જાહનવી ભટ્ટ