સોલોવેત્સ ટાપુઓ : શ્વેત સમુદ્રમાં ઓનેગા અખાતના સંગમ પાસે રશિયાના વહીવટ હેઠળ આવેલા ટાપુઓનું જૂથ. ભૌગોલિક સ્થાન : 65° 07´ ઉ. અ. અને 35° 53´ પૂ. રે.ની આજુબાજુનો 347 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે સોલોવેકીજ ઓસ્ત્રોવા નામથી પણ ઓળખાય છે. આ ટાપુસમૂહ સોલોવેત્સ, બૉલ્શૉય (અર્થ : મોટો) મકસલ્મા અને ઍન્જેર્સ્કી તેમજ બીજા અનેક નાના ટાપુઓથી બનેલો છે. આ ટાપુઓ મોટે ભાગે ગ્રૅનાઇટ અને નાઇસનું ખડકાળ ભૂપૃષ્ઠ ધરાવે છે, ટેકરીઓવાળો ભૂમિભાગ અનિયમિત સપાટીઓથી બનેલો છે, તેમાં મિશ્ર જંગલો તથા પંકભૂમિના વિસ્તારો પણ છે. ઍન્જેર્સ્કી ટાપુ પર આવેલું માઉન્ટ ગોલ્ગોફા અહીંનું સર્વોચ્ચ (107 મીટર) સ્થળ છે. 15મી સદીમાં બંધાયેલો સોલોવેત્સ મઠ (વિહાર) રશિયાનો મોટામાં મોટો મઠ ગણાય છે. 1974માં આ ટાપુઓને રાજ્યના એક ઐતિહાસિક સ્થળ તથા કુદરતી સંગ્રહાલય તરીકેનો દરજ્જો અપાયો છે.

જાહનવી ભટ્ટ