સોલોમન ટાપુઓ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 8° 00´ દ. અ. અને 159° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 27,600 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે; પરંતુ મહાસાગરના આશરે 6,00,000 ચોકિમી.ના વિસ્તારમાં તે પથરાયેલા છે. તે ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં 1,600 કિમી. અંતરે પાપુઆ તથા ન્યૂ ગિનીથી પૂર્વ તરફ આવેલો છે. મુખ્ય ટાપુઓમાં ગ્વાડેલકૅનાલ (6,500 ચોકિમી. વિસ્તાર), ચોઇસુલ, માલેતા, ન્યૂ જ્યૉર્જિયા, સાન ક્રિસ્ટોબલ અને સાન્ટા ઇસાબેલ મુખ્ય છે. અન્ય ટાપુઓમાં બેલ્લોના, રેન્નેલ અને સાન્તાક્રૂઝનો સમાવેશ કરી શકાય. આ ટાપુદેશનું પાટનગર હોનિયારા (વસ્તી : 68,000–1999) સૌથી મોટા ટાપુ ગ્વાડેલકૅનાલ પર આવેલું છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : આ ટાપુદેશના મુખ્ય ટાપુઓ જ્વાળામુખીજન્ય છે, જ્યારે બહારના ભાગોમાં આવેલા કેટલાક ટાપુઓ કંકણાકાર પ્રવાળદ્વીપોથી બનેલા છે. મુખ્ય ટાપુઓની ભૂમિ ખરબચડી, ખડકાળ, ટેકરીઓવાળી તથા અયનવૃત્તીય વનસ્પતિથી આચ્છાદિત છે. ટાપુશૃંખલા 140 કિમી.થી 190 કિમી. લંબાઈમાં અને 30 કિમી.થી 35 કિમી. પહોળાઈમાં પથરાયેલી છે. મોટા ભાગના ટાપુઓની મધ્યમાં પર્વતો આવેલા છે, તેમની ઊંચાઈ 1,200 મીટરની આજુબાજુની છે. તેમનો સમુદ્રતરફી ઢોળાવ સીધો છે; જ્યારે બીજી તરફનો ઢોળાવ આછો છે. ત્યાં કિનારાનાં નાનાં, સાંકડાં મેદાનો પટ્ટીઓ રૂપે તૈયાર થયેલાં છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ટાપુઓ પ્રમાણે 1,500થી 5,000 મિમી. જેટલો પડે છે. તાપમાન 20°થી 32° સે. જેટલું રહે છે.
સોલોમન ટાપુઓ
અર્થતંત્ર : માછલીઓ, પામતેલ, કોકો, કોપરાં, લાકડું અને તેની પેદાશો વગેરે પર અહીંનું અર્થતંત્ર નભે છે. આ બધી પેદાશોની નિકાસ કરવામાં આવે છે; જ્યારે જરૂરી ખાદ્યપદાર્થો, યંત્રસામગ્રી, અન્ય તૈયાર માલ અને પેટ્રોલ ઑસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન, જાપાન, મલેશિયા અને સિંગાપોરથી આયાત કરવામાં આવે છે. આ ટાપુદેશમાં જહાજી સેવાની સુવિધા સારી છે. આંતરિક ભૂમિમાર્ગો ઓછા છે. દેશના જુદા જુદા ટાપુઓ, ઑસ્ટ્રેલિયા માટે હવાઈસેવાનો લાભ લઈ શકાય છે. અહીં સરકાર તરફથી દૈનિક પત્ર બહાર પડે છે, તેમજ રેડિયો કાર્યક્રમો ઇંગ્લિશમાં અને અહીં બોલાતી પિડજિન-ઇંગ્લિશ ભાષામાં અપાય છે.
વસ્તી–લોકો : 2000 મુજબ આ ટાપુદેશની વસ્તી 4,44,000 જેટલી છે. 1990–1995 મુજબ અને 2000–2005 મુજબ વસ્તીવૃદ્ધિ દર અનુક્રમે 3.3 % અને 3.1 % જેટલો રહ્યો છે. પુરુષો અને સ્ત્રીઓનો સરેરાશ આયુદર 66 અને 71 જેટલો છે. જાતિવિતરણના સંદર્ભમાં વસ્તી આ પ્રમાણે વહેંચાયેલી છે : 93 % મૅલેનેશિયનો, 4 % પૉલિનેશિયનો, 1.5 % માઇક્રોનેશિયનો, 0.7 % યુરોપિયનો, 0.2 % ચીની તથા 0.6 % અન્ય લોકો છે. મોટા ભાગના ટાપુનિવાસીઓ અશ્વેતો છે. 90 % વસ્તી ગ્રામીણ અને 10 % વસ્તી શહેરી છે. હોનિયારા, ગિઝો અને યાન્દિના (બંદર) અહીંનાં મુખ્ય શહેરો છે. સાક્ષરતાનું પ્રમાણ 24 % જેટલું જ છે. અહીંની સત્તાવાર ભાષા ઇંગ્લિશ હોવા છતાં આ ટાપુદેશમાં ઓછામાં ઓછી 90 અને વધુમાં વધુ 120 જેટલી બોલીઓનો ઉપયોગ થાય છે. પોલિનેશિયન અને પાપુઅન ભાષાઓ પણ અહીંના લોકો બોલે છે અથવા સમજે છે. સમગ્ર ટાપુદેશ માટે બધા લોકો સમજે એવી ઇંગ્લિશ ભાષા અહીં વિકસી છે, જે ‘પિડજિન ઇંગ્લિશ’ કહેવાય છે. આ દેશમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ અને એક કૉલેજની સગવડ છે. અહીંથી 200 જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પાપુઆ ન્યૂગિની અને ફિજી જાય છે. અહીંના 80 % લોકો પ્રોટેસ્ટંટ છે, બાકીના 20 %માં રોમન કૅથલિક તેમજ સ્થાનિક પરંપરાગત માન્યતાઓ ધરાવનારા છે. ગ્રામીણ વિસ્તારોમાંના ઘણાખરા આવાસો ઠંડક જળવાઈ રહે એવા ઊભી લાકડીઓના ટેકાવાળા અને ઘાસનાં છાપરાંવાળા હોય છે. લોકો તેમના ખોરાકમાં મરઘી-માંસ, માછલી, નાળિયેર, શક્કરિયાં અને તરો (અમુક છોડના મૂળની ખાદ્ય સળીઓ) લે છે.
જંગલમાં લાકડીઓ પર છાપરાંવાળા આવાસો
વહીવટી વ્યવસ્થા : અહીંનું રાજકીય વહીવટી માળખું બંધારણીય રાજાશાહી અર્થાત્ સંસદીય લોકશાહી મુજબનું છે. આ ટાપુદેશ કૉમનવેલ્થ ઑવ્ નૅશન્સનું સભ્ય છે. બહુમતીથી ચૂંટાયેલા પક્ષના નેતા વડાપ્રધાન બને છે. તેઓ તથા 15 સભ્યોનું પ્રધાનમંડળ દેશનો વહીવટ સંભાળે છે. ચૂંટણી દર ચાર વર્ષે થાય છે. સંસદ 38 સભ્યોની બનેલી હોય છે. અહીં બ્રિટિશ તાજનું પ્રતિનિધિત્વ મહારાણી વતી ગવર્નર જનરલ કરે છે. સમગ્ર ટાપુદેશને ચાર વિશાળ જિલ્લાઓ(પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને માલેતા જિલ્લો)માં વહેંચેલો છે. વહીવટી વિભાગો આઠ છે – સાત પ્રાંતો અને એક હોનિયારાનો શહેરી પ્રાંત. સાત પ્રાંતોમાં ચૂંટાયેલી સમિતિઓ અને હોનિયારામાં નગર સમિતિ (કાઉન્સિલ) દ્વારા વહીવટ થાય છે.
ઇતિહાસ : 16મી સદીમાં દક્ષિણ અમેરિકામાં ફેલાયેલી અફવાઓ પરથી એમ કહેવાતું હતું કે સોલોમન ટાપુઓ સોનાની ખનિજ-સંપત્તિથી સમૃદ્ધ છે; આથી પેરુથી એક સ્પૅનિશ અભિયંતા આલ્વૅરો દ મેન્દાણા સોલોમન ટાપુઓની સફરે ઊપડેલો અને સર્વપ્રથમ યુરોપિયન તરીકે 1568માં તેણે આ ટાપુઓ પ્રથમ વાર જોયેલા. તેણે જોયું કે અહીં ઘણા લાંબા સમયથી મૅલેનેશિયનો વસતા હતા. 1595થી 1606 દરમિયાન અહીં વસવા માટે કેટલાક સ્પૅનિશ લોકોએ નિષ્ફળ પ્રયાસો કરેલા. 18મી સદીમાં અહીં યુરોપિયનો ફરીથી આવ્યા. 1840ના દાયકામાં ખ્રિસ્તી પાદરીઓએ અહીં ઉપદેશ અર્થે અવરજવર શરૂ કરેલી.
1870ના દાયકામાં અહીં કોપરાનો નિકાસી વેપાર વધ્યો. અહીંના નિવાસીઓને શેરડીનાં ખેતરોમાં કામ કરવા શ્રમિકો તરીકે જહાજો ભરીને ફિજી અને ઑસ્ટ્રેલિયા ખાતે ફરજિયાત લઈ જવાયા. 1886માં ઉત્તર સોલોમન ટાપુઓને અને 1893માં દક્ષિણ સોલોમન ટાપુઓને અનુક્રમે જર્મનીના અને બ્રિટનના રક્ષિત પ્રદેશો બનાવાયા. 1899માં જર્મની હેઠળના રક્ષિત પ્રદેશો વેસ્ટર્ન સમોઆના બદલામાં બ્રિટનને સોંપી દેવાયા. 1900માં સોલોમન ટાપુઓનો બધો જ રક્ષિત પ્રદેશ બ્રિટને ફિજીના વહીવટ હેઠળ મૂક્યો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942–43માં જાપાને આ ટાપુઓ કબજે કર્યા. ગ્વાડેલકૅનાલ પર ભયંકર યુદ્ધ થયું. યુ.એસ.નાં દળોએ આ ટાપુઓ કબજે કરી લીધા, તેમાં 21,000 જાપાનીઓ અને યુ.એસ. દળોના 5,000 માણસો મરાયા.
1943–1950નાં વર્ષો દરમિયાન આ ટાપુનિવાસીઓમાં સ્વશાસનની ચળવળ માલેતા ટાપુ પરથી શરૂ થઈ. 1945માં ફિજી પરનું મુખ્ય વહીવટી મથક ખેસવીને હોનિયારા ખાતે લવાયું. 1960માં બંધારણીય રીતે ધારાકીય અને વહીવટી કાઉન્સિલો સ્થપાઈ. 1974 અને 1976માં અહીં ક્રમશ: સ્વાયત્ત શાસનની સત્તાઓ અપાઈ. 1978માં ટાપુઓને સ્વતંત્રતા આપવામાં આવી.
જાહનવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા