સોલોમન, એસ્તેર (જ. 11 મે 1927, રાજકોટ; અ. 29 જૂન 2005, અમદાવાદ) : સંસ્કૃતનાં વિદ્વાન પ્રાધ્યાપિકા. રાજકોટમાં વસતા એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. માતાનું નામ મરિયમ અને પિતાનું નામ અબ્રાહમ સોલોમન. તેમને એક નાની બહેન હતી હાન્નાહ્. સંતાનમાં આ બે જ બહેનો. એસ્તેરે પ્રાથમિક શિક્ષણથી માંડીને એમ.એ. સુધીનું શિક્ષણ રાજકોટમાં લીધું. કુટુંબના સંસ્કાર પ્રમાણે એસ્તેરના જીવનમાં પહેલેથી જ સાદગી, ચોકસાઈ અને અત્યંત પરિશ્રમ કરવાની વૃત્તિ – એ ગુણો વણાઈ ગયા હતા.

એસ્તેર સોલોમન

મુંબઈ યુનિવર્સિટી દ્વારા 1943માં લેવાયેલી મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં એસ્તેર સમગ્ર પરીક્ષાર્થીઓમાં સાતમા નંબરે ઉત્તીર્ણ થયાં. ગણિતમાં 100માંથી 100 ગુણ અને વિજ્ઞાનમાં 100માંથી 98 ગુણ તેમણે પ્રાપ્ત કર્યા હતા. એસ્તેરને મેડિકલ લાઇન લઈને ડૉક્ટર થવાની ઇચ્છા હતી; પરંતુ રાજકોટમાં મેડિકલ કૉલેજ ન હતી. એ માટે અમદાવાદ જવું પડે; પરંતુ રૂઢિચુસ્ત આ યહૂદી કુટુંબની માન્યતા એવી હતી કે દીકરીની જાતને એકલી મુકાય નહિ. તેથી એસ્તેરે ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં વિનયન શાખામાં પ્રવેશ મેળવ્યો.

1945માં મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં એસ્તેરબહેન પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યાં. રાજકોટનાં સમાચારપત્રોમાં ફોટા છપાયા. એ અરસામાં એસ્તેરબહેન નાની બહેન સાથે રાજકોટની બજારમાં સાડી ખરીદવા ગયાં. એક સાડી ગમી ગઈ. કિંમત સાડાઅગિયાર રૂપિયા હતી. એસ્તેરબહેને પોતે સ્વીકારેલો નિયમ એવો હતો કે દશ રૂપિયાની સાડી અને સાડાત્રણ રૂપિયાનાં ચંપલ ખરીદવાં ! એ સાડી ન ખરીદી. છાપામાં ફોટો આવ્યો છે એ જ આ બહેન છે એમ જાણ્યા પછી વેપારીએ એ સાડી ભેટ તરીકે આપી દેવા કહ્યું; તોપણ એ સાડી ન જ લીધી. એસ્તેરબહેન વાને ગોરાં હતાં. તેઓ ગુજરાતી ઢબે જ સાડી પહેરતાં. તેમને જોઈને એમ જ લાગે કે આ એક સાધારણ ગુજરાતી સ્ત્રી હશે.

ધર્મેન્દ્રસિંહજી કૉલેજના સંસ્કૃત વિભાગના પ્રા. ડી. પી. જોષી અને પ્રા. જે. જે. પંડ્યાની વિદ્વત્તા અને પ્રેમાળ વર્તનથી આકર્ષાઈને એસ્તેરબહેને સંસ્કૃત વિષય પસંદ કર્યો. મુંબઈ યુનિવર્સિટી દ્વારા 1947માં લેવાયેલી બી.એ.ની પરીક્ષામાં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં અને એ જ કૉલેજમાં ફેલો તરીકે નિમાયાં. પછી મુંબઈ યુનિવર્સિટી દ્વારા 1949માં લેવાયેલી એમ.એ.ની પરીક્ષામાં મુખ્ય વિષય સંસ્કૃત અને વેદાન્તશાસ્ત્ર સાથે પ્રથમ વર્ગમાં તેઓ ઉત્તીર્ણ થયાં અને તેમણે ઝાલા વેદાન્ત પ્રાઇઝ પ્રાપ્ત કર્યું.

ડિસેમ્બર, 1949માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં એસ્તેરબહેન સંસ્કૃત વિભાગમાં લેક્ચરર તરીકે જોડાયાં. રેલવેની સર્વિસમાંથી નિવૃત્ત થયેલા પિતા અબ્રાહમભાઈ રાજકોટ છોડીને દીકરી સાથે રહેવા અમદાવાદ આવ્યા. એસ્તેરબહેન એ કૉલેજમાં 1956 સુધી રહ્યાં. એ સમય દરમિયાન એસ્તેરબહેને ડૉ. રસિકલાલ પરીખના માર્ગદર્શન નીચે ‘અવિદ્યા’ ઉપર મહાનિબંધ લખીને 1954માં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પીએચ.ડી.ના મહાનિબંધનો વિષય હતો : Avidyā & Cognate Concepts in Vedic, Buddhist & Jaina Dars´anas.

એ પછી તેઓ બી. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપિકા અને સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષા તરીકે જોડાયાં (1956–1958). ત્યાર બાદ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનમાં સંસ્કૃત અને એન્શિયન્ટ ઇન્ડિયન કલ્ચર વિભાગના પ્રોફેસર તરીકે એસ્તેરબહેન નિયુક્ત થયાં (1958–1964). 1964માં ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં રીડર અને અધ્યક્ષા તરીકે તેઓ જોડાયાં. 1977માં એ જ વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષા તરીકે નિયુક્ત થયાં. એસ્તેરબહેન 1987માં એ સ્થાનેથી નિવૃત્ત થયાં.

વર્ગમાં ભણાવતી વખતે, પ્રસ્તુત વિષયની ઉપલબ્ધ બધી ટીકાઓને – વિવેચનને આધારે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતી આપવાનો તેઓ પ્રયત્ન કરતાં. તેમના માર્ગદર્શન નીચે પીએચ.ડી.નો મહાનિબંધ લખતી વખતે, સંસ્કૃત પાઠમાં च, वा, इति વગેરે શબ્દોથી લેખકને શું અભિપ્રેત છે તે શોધી કાઢવા બૌદ્ધિક વ્યાયામ તેઓ કરાવતાં. પીએચ.ડી.ના વિષયના સંદર્ભમાં છેલ્લામાં છેલ્લા પ્રકાશિત થયેલા ગ્રંથો અને સામયિકોના લેખો જોઈ લેવાનું તેઓ વિદ્યાર્થીને કહેતાં. ક્યાંય ચલાવી લેવાની વૃત્તિ નહિ. ડૉ. એસ્તેર સોલોમનના શિષ્ય બનવું  એ ગૌરવ ગણાતું.

38 વર્ષના અધ્યાપનકાળમાં એસ્તેરબહેને થોડાક સંદર્ભગ્રંથો જોઈને માત્ર ભણાવ્યું જ નથી; પરંતુ તેઓ સતત સંસ્કૃતના કઠિન મનાતાં શાસ્ત્રોનું વાચન, સંશોધન અને લેખન કરતાં રહેતાં. આ વિરલ વિદ્યાતપને કારણે ગુજરાતના સંસ્કૃત સાહિત્યને 11 ઉત્તમ ગ્રંથો અને અનેક સંશોધનલેખો મળ્યા.

(1) અવિદ્યા  એ પ્રોબ્લેમ ઑવ્ ટ્રૂથ ઍન્ડ રિયાલિટી (પીએચ.ડી. મહાનિબંધ, ગુજ. યુનિ. 1969, અદ્વૈત વેદાન્ત)

(2) ગણધરવાદ (ભો. જે. વિદ્યાધ્યયન-સંશોધન વિદ્યાભવન, 1965)

(3) ઇન્ડિયન ડાયેલેક્ટિક્સ્ – મેથડ્ઝ ઑવ્ ફિલૉસૉફિકલ ડિસ્કશન (ગુજરાત વિદ્યાસભા, બે ભાગ, 1976, 1978; 1961–1964માં એસ્તેરબહેનને સિનિયર રિસર્ચ ફેલોશિપ યુ.જી.સી. તરફથી મળી હતી. તેના પરિપાક રૂપે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રાચીન અને નવ્ય ન્યાયમાં સંદર્ભગ્રંથ તરીકે સ્વીકૃત થયેલો આ ગ્રંથ લખાયેલો).

(4) સાંખ્યવૃત્તિ, હસ્તપ્રતના આધારે સંપાદન (ગુજરાત યુનિવર્સિટી, 1973)

(5) સાંખ્ય સપ્તતિ-વૃત્તિ હસ્તપ્રતના આધારે સંપાદન (ગુજરાત યુનિવર્સિટી, 1973)

(6) કૉમેન્ટરીઝ્ ઑવ્ સાંખ્યકારિકા – એ સ્ટડી (ગુજરાત યુનિવર્સિટી, 1974)

(7) શ્રીહર્ષના ખણ્ડનખણ્ડખાદ્ય ઉપરની ટીકા, અનુભૂતિ સ્વરૂપાચાર્યની શિષ્યહિતૈષિણીનું હસ્તપ્રતના આધારે સંપાદન (ગુજરાત યુનિવર્સિટી, 1990, નિવૃત્તિ પછી) (વેદાન્ત)

(8) હિન્દુ દર્શન (સરદાર પટેલ યુનિવર્સિટી, 1977)

(9) સિદ્ધાન્તલેશસંગ્રહ (અપ્પય્યદીક્ષિત), ગુજરાતી અનુવાદ, પ્રસ્તાવના અને સમજૂતી (લા. દ. પ્રાચ્યવિદ્યાભવન, અમદાવાદ, 1990, નિવૃત્તિ પછી) (વેદાન્ત)

(10) યહૂદીઓનો ધર્મ (પરિચય ટ્રસ્ટ, 1991, નિવૃત્તિ પછી)

(11) સર્વદર્શનસંગ્રહ, મૂળ પાઠ, ગુજરાતી અનુવાદ, સમજૂતી, પ્રસ્તાવનાસહિત (સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, 2005, મરણોત્તર)

લગભગ આઠ દાયકાના આયુષ્યકાળમાંથી 60 વર્ષ સુધી સંસ્કૃત-શાસ્ત્રોનું સતત અધ્યયન, સંશોધન અને લેખન કરનારાં એસ્તેરબહેનને રાજ્ય સ્તરે તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સમ્માન મળ્યાં છે. રાષ્ટ્રપતિ ઍવૉર્ડ (1983), ‘પદ્મશ્રી’ (1993), કે. જી. નાયક સુવર્ણચંદ્રક (1976), હરિ: ૐ આશ્રમ – ઉત્તમ નિબંધ પારિતોષિક, લાયન્સ ક્લબ અને બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ તરફથી સમ્માન (મહિલાવર્ષ 1975), બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ તરફથી ‘મહામહોપાધ્યાય’ની માનાર્હ પદવી (1984), અભિવાદન ટ્રસ્ટ, મુંબઈ તરફથી સમ્માન (1985), શ્રી મોરારિબાપુ ટ્રસ્ટ તરફથી ‘વાચસ્પતિ’ પુરસ્કાર (2002).

નિવૃત્તિ પછી એસ્તેરબહેનને આર્થ્રાઇટિસની પીડા સતાવ્યા કરતી; છતાં તેમનું વાંચન, સંશોધન, લેખન ચાલુ જ રહ્યાં. 1975માં નાનાં બહેન હાન્નાહ્બહેનના પતિનું અવસાન થતાં, તેઓ એસ્તેરબહેન સાથે રહેવા નહેરુનગર આવી ગયાં. હાન્નાહ્બહેનનાં બંને સંતાનોએ – રીના અને આવિવ દિવેકરે એસ્તેરબહેનની ખૂબ સેવા કરી. છેલ્લાં વર્ષોમાં એસ્તેરબહેન આવિવના કુટુંબ સાથે સત્યાગ્રહ છાવણીમાં રહેવા ગયાં. ત્યાં તેમનો તપ:પૂત દેહ છૂટી ગયો.

એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થિની તરીકે, એક સન્નિષ્ઠ પ્રાધ્યાપિકા રૂપે અને શાસ્ત્રોના કઠિન ભાગોનું સતત સંશોધન કરતા અન્વેષક તરીકે ડૉ. એસ્તેર સોલોમન સંસ્કૃત જગતમાં ચિરસ્મરણીય અને અનુકરણીય રહેશે. આજીવન અપરિણીત રહીને સંસ્કૃતને સમગ્ર જીવન સમર્પિત કરનારાં, યહૂદી-શરીરમાં રહેલાં ઋષિકા હતાં.

લક્ષ્મેશ જોષી