સોલોમન સમુદ્ર : દક્ષિણ પૅસિફિક મહાસાગરનો પશ્ચિમી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 8° 00´ દ. અ. અને 155° 00´ પૂ. રે.ની આજુબાજુનો 7,20,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ન્યૂ બ્રિટન ટાપુ, પૂર્વ તરફ સોલોમન ટાપુઓ તથા પશ્ચિમે ન્યૂગિની આવેલા છે. આ સમુદ્રમાં લુઇસિયેડ ટાપુસમૂહ, ન્યૂ જ્યૉર્જિયા અને ગ્વાડેલકૅનાલ ટાપુ આવેલા છે. તે દક્ષિણ તરફ કોરલ સમુદ્ર સાથે, વાયવ્ય તરફ બિસ્માર્ક સમુદ્ર સાથે તથા ઈશાન તરફ પૅસિફિક મહાસાગર સાથે જોડાયેલો છે. આ સમુદ્રનું તળ બે મુખ્ય થાળાંઓમાં વહેંચાયેલું છે. ઉત્તર તરફ ન્યૂ બ્રિટન થાળું 4,000 મીટરની ઊંડાઈ ધરાવે છે, ત્યાં ન્યૂ બ્રિટન ખાઈ આવેલી છે, તેની મહત્તમ ઊંડાઈ 9,000 મીટર જેટલી છે; આ ઊંડાઈએ અહીં Planet Deep-નું અગાધ ઊંડાણ આવેલું છે. દક્ષિણ તરફ સોલોમન થાળું છે, તેની ઊંડાઈ 6,900 મીટર જેટલી છે. આ ઉપરાંત અહીંના સમુદ્રતળનું ઓછું મહત્વનું લક્ષણ સાન્ટા ઇસાબેલ ગર્ત (અથવા ધ સ્લૉટ) છે, તે ન્યૂ જ્યૉર્જિયા અને સાન્ટા ઇસાબેલ વચ્ચે આવેલું છે. અહીં શિયાળા (જુલાઈ–સપ્ટેમ્બર) દરમિયાન પૅસિફિક મહાસાગરનો દક્ષિણ વિષુવવૃત્તીય સમુદ્રપ્રવાહ ઉત્તરમાંથી આ સમુદ્રમાં વહે છે, તેમાંથી તેના અગ્નિતરફી અને નૈર્ઋત્યતરફી ફાંટા પડે છે; ઉનાળા દરમિયાન તેની દિશા ઊલટાઈ જાય છે.

આ સમુદ્રમાં સર્વપ્રથમ પૉલિનેશિયાઈ, ચીની અને આરબ લોકોએ સફર કરેલી. 1567માં અલ્વેરો દ મેન્ડાના દ નીરા અહીં આવ્યો, ત્યાં સુધી કોઈ યુરોપિયને તેને પાર કરેલો ન હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સમુદ્ર યુ.એસ.–જાપાની નૌકા-સંઘર્ષનું કેન્દ્ર રહેલો.

જાહનવી ભટ્ટ