સોલંકી યુગ

ગુજરાતમાં સોલંકી (ચૌલુક્ય) વંશના રાજાઓનો સમય. ઈ. સ. 942માં મૂળરાજ 1લાએ સોલંકી વંશ સ્થાપ્યો અને કર્ણદેવ 2જાના સમયમાં આશરે ઈ. સ. 1299માં તેનો અંત આવ્યો.

રાજ્યતંત્ર : સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરે પ્રતાપી રાજાઓના સમયમાં ગુજરાત રાજ્યનો નોંધપાત્ર વિકાસ થયો હતો. આબુ અને ચંદ્રાવતી તથા માળવા અને મેવાડના કેટલાક પ્રદેશોનો ગુજરાતના રાજ્યમાં સમાવેશ થતો હતો. તેમના શાસન દરમિયાન ગુજરાતનું રાજ્યતંત્ર ઘણું વિકાસ પામ્યું હતું. તેમાંના કેટલાક પ્રદેશોમાં સામંતો સત્તા ભોગવતા હતા અને બાકીના પ્રદેશો રાજ્યના સીધા શાસન હેઠળ હતા. તે સમયના રાજ્યતંત્રને લગતું કોઈ પુસ્તક ઉપલબ્ધ નથી; પરંતુ ‘લેખપદ્ધતિ’ નામે ગ્રંથમાંના લેખો, આ સમયના રાજ્યતંત્રને લગતી માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત તે સમયના મળી આવેલા અભિલેખોમાંથી પણ કેટલીક માહિતી મળે છે.

રાજા રાજ્યતંત્રનો સર્વોચ્ચ વડો હતો. સામંતો (મંડલેશ્વરો) અને અધિકારીઓની નિમણૂક તે કરતો. રાજાનું પદ વંશપરંપરાગત હતું. તેનો ઉત્તરાધિકાર તેના જ્યેષ્ઠ પુત્રને મળતો. રાજા અપુત્ર હોય તો તેના નાના ભાઈ કે નાના ભાઈના પુત્રને વારસો મળતો. રાજા ‘મહારાજાધિરાજ’, ‘પરમભટ્ટારક’, ‘પરમેશ્વર’ વગેરે બિરુદ ધારણ કરતો. અમુક રાજાઓ ‘અવંતીનાથ’, ‘બર્બરકજિષ્ણુ’, ‘અપરાર્જુન’, ‘એકાંગવીર’ જેવાં વિશિષ્ટ બિરુદો ધરાવતા.

પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનો મુખ્ય ધર્મ ગણાતો. પ્રજાની મુશ્કેલીઓ જાણવા રાજા ગુપ્ત વેશે ફરતો. રાજ્યના રક્ષણ માટે તે યુદ્ધ કરતો. તે લોકોપયોગી કાર્યો કરતો, વિદ્વાનોને આશ્રય આપતો તથા ધાર્મિક કાર્યો માટે દાન આપતો.

મહામાત્ય રાજ્યમાં ઉચ્ચ સ્થાન ધરાવતો. અભિલેખોમાં રાજા પછી મહામાત્યનો નિર્દેશ આવે છે. તેનો અભિપ્રાય મહત્વનો ગણાતો. તેની પાસે રાજમુદ્રા રહેતી. રાણા વીરધવલના રાજ્યમાં મહામાત્ય વસ્તુપાળ તથા તેજપાળ ઘણું મહત્વનું સ્થાન ધરાવતા હતા. મહામાત્યના હાથ નીચે મંત્રીઓ અને સચિવો હોવાનું જણાય છે. પરરાષ્ટ્રોમાં એલચીઓ રહેતા તે સાંધિવિગ્રહિક કહેવાતા. તે બધાના ઉપરીને મહાસાંધિવિગ્રહિક કહેતા. દાનપત્રના લેખક તરીકે મહાક્ષપટલિક અધિકારી હતો. તે દફતર ખાતાનો વડો હતો. રાજ્યશાસનો લખનાર દૂતક તરીકે ઓળખાતો. રાજરક્ષણની બાબતમાં મહાપ્રતીહારનું સ્થાન મહત્વનું હતું. પ્રાંતનો વહીવટ દંડનાયકને સોંપવામાં આવતો. દંડનાયકને રાજા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં વહીવટ કરવા મોકલતો. દંડનાયકો સામાન્ય રીતે લશ્કરી અધિકારીઓ જેવા હતા. તે પોતાના પ્રદેશનો વડો હતો. તેને મંડલેશ્વરની પદવી પણ મળતી.

નગરનો વહીવટ પંચકુલને સોંપવામાં આવતો. પંચકુલ નગર-પંચાયત જેવું હતું. મહાસાધનિક નગરનો અધિપતિ ગણાતો. તેની જવાબદારી નગરનું રક્ષણ કરવાની હતી. તેનું પદ ઉચ્ચ કક્ષાના પોલીસ-અધિકારી જેવું હતું.

રાજ્યના સમગ્ર વહીવટીતંત્રને જુદાં જુદાં કરણો(ખાતાં)માં વહેંચવામાં આવ્યું હતું. શ્રી કરણ – આવક ખાતું, વ્યયકરણ – ખર્ચ ખાતું, ધર્માધિકરણ – ન્યાય ખાતું, મંડપિકાકરણ (માંડવી) – કરવેરા ઉઘરાવવા સહિત બજારોના વહીવટનું ખાતું, જલકરણ અને પથકરણ  રાજમાર્ગો તથા જળમાર્ગોને લગતું ખાતું; વ્યાપારકરણ, હસ્તિશાલાકરણ, ભાંડાગારકરણ, ટંકશાલાકરણ વગેરે.

સોલંકીઓના રાજ્યને ‘મંડલ’ નામે વહીવટી વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું; ઉ. ત., સારસ્વતમંડલ, સત્યપુરમંડલ, અવંતીમંડલ, નર્મદાતટમંડલ, કચ્છમંડલ, ખેટકમંડલ, લાટમંડલ, સુરાષ્ટ્રમંડલ ઇત્યાદિ.

ઉપર જણાવેલાં મંડલોને જુદાં જુદાં પથકોમાં વહેંચવામાં આવ્યાં હતાં; ઉ. ત., દંડાહીપથક, વિષયપથક, ચાલીસાપથક, વર્દ્ધિપથક, ગંભૂતાપથક વગેરે.

ગામના વહીવટ માટે જુદા જુદા અધિકારીઓ મંડલ અથવા પથકના મુખ્ય અધિકારીઓ દ્વારા નિમાતા. ગામના વહીવટ માટે જે-તે ગામની સરહદો નક્કી થતી. આ સરહદો પાસેના પ્રત્યેક ગામને બંધનકર્તા રહેતી. તલાર ગામનું રક્ષણ કરતો. હીંડીંપક કરવેરા ઉઘરાવનાર ઉપર દેખરેખ રાખતો. પ્રતિસારક રસ્તા ઉપરનો અને નાકાવેરો ઉઘરાવતો. બાલાધિ મહેસૂલ ખાતાનો વડો હતો. માંડવી બજારનો કર ઉઘરાવતો.

રાજ્યની તમામ જમીન રાજ્યની માલિકીની અને સામાન્ય રીતે કરપાત્ર ગણાતી.

રાજ્યની આવકનાં સાધનો : રાજ્યની મુખ્ય આવક જમીનમહેસૂલમાંથી થતી. આ ઉપરાંત વાહનવેરો, જકાત, યાત્રાળુવેરો, બિનવારસી મિલકત વગેરે દ્વારા રાજ્યને આવક થતી હતી. ખેડૂતો પાસેથી રાજાનો રાજભાગ કાપણીના સમયે અધિકારીઓ દ્વારા વસૂલ કરાતો. કેટલીક વાર ગ્રામપતિ (જમીનદાર) લણણી વખતે પોતાનો અને રાજાનો ભાગ ઉઘરાવતો. કેટલીક વાર જમીન-માલિક સાથે વાર્ષિક મહેસૂલ અંગે કરાર કરવામાં આવતો, તેને ‘ગ્રામપટ્ટક’ કહેતા. રાજ્યનું મહેસૂલ જમીનના પ્રકાર મુજબ નક્કી થતું. નાકાવેરામાં પણ રાજ્યને સારી આવક થતી. સોમનાથમાં મૂળરાજના સમયથી યાત્રાળુવેરો લેવાતો તે સિદ્ધરાજની માતા મીનળદેવીના આગ્રહથી દૂર કરવામાં આવ્યો. દારૂના વેચાણ ઉપર કર લેવામાં આવતો. રાજ્યમાં કેટલેક ઠેકાણે વસ્તુઓ વેચનાર અને ખરીદનાર પાસેથી કર લેવાતો.

રાજા તરફથી ભૂમિદાન કરવામાં આવતું ત્યારે એ દાન અંગેનું દાનપત્ર કરી આપવામાં આવતું. ભૂમિદાન મોટા ભાગે દેવમંદિરોને આપવામાં આવતું. અપુત્ર પુરુષનું મૃત્યુ થતાં એની મિલકત રાજ્ય તરફથી જપ્ત કરી લેવામાં આવતી. એમાંથી રાજ્યને ઘણી આવક થતી. અપરાધો માટે લેવાતા દંડમાંથી પણ રાજાને ઠીક ઠીક આવક થતી.

સામાજિક સ્થિતિ : આ સમયના સમાજમાં ચાર વર્ણ જોવા મળે છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચારેય વર્ણોમાં પેટાજ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવતી હતી. પ્રબંધો તથા લેખોમાંથી જુદી જુદી જ્ઞાતિઓના ઉલ્લેખો મળે છે. બ્રાહ્મણોમાં નાગર, શ્રીમાળી, કાયસ્થ, ઉદીચ્ય, રાયકવાળ વગેરે જોવા મળે છે. તે બધાંમાં અલગ અલગ ગોત્ર પણ હતાં. નાગરોમાં વડનગરા, વીસનગરા, પ્રશ્નોરા, સાઠોદરા વગેરે વિભાગો હતા. બ્રાહ્મણો અધ્યયન, યજ્ઞ કરવો વગેરે કાર્યો કરતા. કેટલાક બ્રાહ્મણો લશ્કરમાં કે બીજી નોકરી કરતા અને કેટલાક ખેતી પણ કરતા. ક્ષત્રિયોમાં પેટાવિભાગો હતા. સૌરાષ્ટ્રમાં આહીર, કાઠી, ચૂડાસમા વગેરે જ્ઞાતિઓ હતી. વણિકો ઘણુંખરું વેપાર કરતા. આ ઉપરાંત કડિયા, સુથાર, લુહાર, કુંભાર વગેરેની જ્ઞાતિઓ હતી.

લગ્નપ્રથા હાલના જેવી જ હતી. લગ્ન પવિત્ર સંસ્કાર ગણાતો. તેનું બંધન કાયમી ગણાતું. પુત્રીને પરણાવવાની પિતાની અને પિતા ન હોય તો માતાની ફરજ ગણાતી. આ સમયે કોઈ કોઈ આંતરજ્ઞાતીય લગ્નો થતાં. હિંદુઓમાં નજીકનાં સગાંઓની કન્યા સાથે લગ્ન થઈ શકતાં નહિ. સામાન્ય રીતે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન થતું. બહુપત્નીત્વની પ્રથા પ્રચલિત હતી. શ્રીમંતો ત્રણ-ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરતા. વસ્તુપાળ, તેજપાળ અને તેમના દીકરાઓ બે બે પત્નીઓના પતિ હતા. ગુજરાતમાં ઉચ્ચ વર્ણોમાં લગ્નસંબંધ આજીવન ગણાતો; પરંતુ નીચલા વર્ણમાં છૂટાછેડા લઈ શકાતા. વૈધવ્યપાલન આદર્શ ગણાતું, છતાં વિધવાપુનર્લગ્ન થઈ શકતાં. વસ્તુપાળ અને તેજપાળની માતા કુમારદેવી વિધવા હતાં. ગુરુની પ્રેરણાથી અશ્વરાજે તેની સાથે લગ્ન કર્યું હતું. વાઘેલા રાણા લવણપ્રસાદની પત્ની મદનરાજ્ઞીએ પોતાના ઘરભંગ થયેલા બનેવી દેવરાજનું ઘર માંડ્યું હતું અને પોતાના બાળપુત્ર વીરધવલ સાથે એની સાથે રહેતી હતી. રાજાઓને અનેક રાણીઓ ઉપરાંત ઉપપત્નીઓ પણ હતી.

ગણિકા એ નિશ્ચિત સામાજિક સંસ્થા હતી. વારાંગનાઓ દાનમાં અપાતી. માંસાહાર અને મદ્યપાનની બંધી કરવાનો કુમારપાળે પ્રયાસ કર્યો હતો, પણ વેશ્યા-વ્યસન ઉપર પ્રતિબંધ મૂકવામાં સફળતા મળી નહિ હોય. ગુજરાતમાં એ સમયે ગુલામીની પ્રથા હતી. દાસ-દાસી, અર્થાત્ ગુલામ ખરીદાતાં, વેચાતાં, દાનમાં અપાતાં અને ધન મળતાં મુક્ત કરાતાં. ‘દ્વયાશ્રય’ કાવ્યમાં ત્રણ સુંદર સ્ત્રીઓ અથવા છ-સાત યુવકોના બદલામાં ખરીદાતા ઘોડાનો ઉલ્લેખ છે. દાસીના વેચાણના દસ્તાવેજ ‘લેખપદ્ધતિ’ ગ્રંથમાંથી મળે છે. ધર્મગ્રંથો મનાઈ કરતા હોવા છતાં લોકો મોટી સંખ્યામાં શરાબ પીતા. દેવદાસીઓ મંદિરની બાજુમાં રહેતી અને મંદિરમાં નૃત્ય કરી લોકમનોરંજન કરતી.

પુરુષોના પોશાકમાં કિનારીવાળાં અને કિનારી વિનાનાં ધોતિયાંનો ઉલ્લેખ છે. કુલીન સ્ત્રીઓ સર્વ અંગ ઢંકાય તેવાં વસ્ત્ર પહેરતી. મેરુતુંગ અને વિદેશી પ્રવાસીઓની નોંધો મુજબ, સોલંકી યુગમાં લોકો શાકાહારી હતા. તેઓ ચોખા, દાળ, ઘઉં, દૂધ, શાકભાજી અને મીઠાઈ જમતા. ક્યારેક માંસાહાર પણ કરતા. અલંકારોમાં હાર, બુટ્ટી, સોનાનો બ્રેસલેટ, મોતીનો હાર, હાથની પહોંચી, સાંકળાં, વીંટી વગેરેનો ઉપયોગ થતો હતો.

વાહનવ્યવહારમાં હાથી, ઘોડાનો ઉપયોગ વધારે થતો. ઘણાં લોકો પોતાને ત્યાં ઘોડો રાખતા. મુસાફરીનું એ મહત્વનું સાધન માનવામાં આવતું. રાજ્યના અધિકારીઓ અને રાજકુટુંબના સભ્યો એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે પાલખીનો ઉપયોગ કરતા. રથ અને ગાડું પણ વપરાતાં હતાં. હોડીઓનો ઉપયોગ પણ પ્રવાસ વાસ્તે થતો હતો.

રમતો અને વિનોદોમાં કુક્કુટ-યુદ્ધ અને આખલાની સાઠમારી નોંધપાત્ર છે. ગેડીદડાની રમતનો પણ નિર્દેશ થયો છે. ઉત્સવ-પ્રસંગોએ સંસ્કૃત નાટકો ભજવાતાં અને લોકો ઉત્સાહપૂર્વક તે જોવા જતા. તે સમયે અનેક પ્રકારના વહેમ ચાલતા અને ભૂતપ્રેતમાં લોકોની દૃઢ માન્યતા હતી. નજર લાગવાથી થતાં અનિષ્ટો પરત્વેની માન્યતા સજ્જડ હતી. સિદ્ધરાજની શક્તિઓ અને તેના અતિમાનુષી ચમત્કારોમાં પ્રજાનો એક મોટો વર્ગ માનતો હતો.

આર્થિક સ્થિતિ : આ સમયે લોકોનું જીવન ખેતીપ્રધાન હતું. જમીનની માપણી એક હળથી ખેડી શકાય એટલી, બે હળથી ખેડી શકાય એટલી – એ રીતે થતી. સિદ્ધરાજની જન્મકુંડળી કરનાર જ્યોતિષીને કર્ણે સો હળથી ખેડી શકાય એટલી જમીન દાનમાં આપી હતી. ગુજરાતમાં ડાંગર, બાજરી, ઘઉં, જુવાર, તુવેર, ચણા, વટાણા, કોદરા, મગ, અડદ – એ અનાજ તથા કેળાં, લીંબુ, શ્રીફળ, જાંબુ, કેરી, સીતાફળ, દ્રાક્ષ, ફણસ, દાડમ, બોર વગેરે ફળ થતાં. આ ઉપરાંત ગળી, કપાસ, શેરડીનું વાવેતર પણ થતું.

ગુજરાત પ્રાચીન કાળથી કાપડ-ઉદ્યોગ માટે જાણીતું રહ્યું છે. શરૂમાં જાડું કાપડ બનતું, પરંતુ ત્યાર બાદ તેમાં સુધારો થયો અને 13મા સૈકામાં ઇટાલીનો પ્રવાસી માર્કો પોલો આવ્યો ત્યારે ગુજરાતનો કાપડ-ઉદ્યોગ પ્રસિદ્ધ હતો. ખંભાત અને ભરૂચમાં વિવિધ જાતનું કાપડ બનતું અને ત્યાંથી તેની પરદેશ નિકાસ થતી. પાટણનાં પ્રસિદ્ધ પટોળાં વણનાર સાળવીઓને સિદ્ધરાજના સમયમાં મારવાડથી નિમંત્રી ગુજરાતમાં વસાવ્યા હતા. તેઓને પાટણમાં સ્થિર થવામાં રાજ્યે મદદ કરી હતી.

શેરડીનો પાક સારો થતો હોવાથી તેમાંથી ગોળ, ખાંડ અને સાકર બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો હતો. ઘેટાં, બળદ, ભેંસ વગેરે જાનવરોનાં ચામડાં કમાવવાનો મોટો ઉદ્યોગ ચાલતો. ગુજરાતનાં બંદરોથી ચામડાં ભરેલાં અનેક વહાણ પ્રતિ વર્ષ વિદેશ જતાં. ચામડાંમાંથી પાણીની પખાલ, તેલની કૂપીઓ, જોડા વગેરે બનતાં. નિકાસ થતી કીમતી વસ્તુઓમાં ચામડાંના ગાલીચા નોંધપાત્ર છે. લાલ તથા વાદળી રંગના પશુપંખીનાં ચિતરામણવાળા તથા સોના-ચાંદીની જરીથી ભરેલા ચામડાંના સુંદર ગાલીચા ગુજરાતમાં બનતા. તત્કાલીન વિશ્વમાં સર્વોત્તમ તથા કલામય અને કીમતી ચામડાનો માલ ગુજરાતમાં બનતો.

સોલંકી યુગમાં શિલ્પ, સ્થાપત્ય, કડિયાકામ, ઈંટ-ઉત્પાદન, પથ્થરકામ, સુથારીકામ વગેરે હુન્નરકલાઓ ખૂબ સારી વિકસી હતી એમ નગરો, કિલ્લા, મહેલો, દેવળો, સરોવરો વગેરેના અવશેષો પરથી જાણવા મળે છે. રુદ્રમહાલયના સ્થપતિ ગંગાધર, તેમના પુત્ર પ્રાણધર તથા ડભોઈના કિલ્લાના શિલ્પી હીરાધરનું સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન હતું. આરાસુર ઉપર કુંભારિયાનાં મંદિરો પાસે ખાણોમાંથી પથ્થર કાઢવા-તોડવા અને લોખંડનાં ઓજાર બનાવવા માટે લોખંડ ગાળવાનો ઉદ્યોગ વિકસ્યો હતો. ઘરવપરાશનાં પિત્તળ અને કાંસાનાં વાસણો તથા રાચરચીલાં બનાવવાનો ઉદ્યોગ ખીલ્યો હતો. બીજી હુન્નરકલાઓમાં કુંભાર, સોની, માળી, દરજી, વણકરના ધંધાના તથા જ્યોતિષી, સૈનિક, રંગારો-ધોબી, કંદોઈ, ગાયક, ગણિકા, વૈદ્ય, વાળંદ, ઘાંચી ઇત્યાદિના વ્યવસાયોના ઉલ્લેખ મળે છે.

ગુજરાતમાં પ્રાચીન સમયથી વિવિધ ધંધાદારીઓનાં મહાજનોનું અસ્તિત્વ હતું. વિવિધ લેખો તથા ગ્રંથોમાં પટોળાં વણનાર, માળી વગેરેની શ્રેણીઓના ઉલ્લેખ છે.

ગુજરાત રાજ્ય વેપારની દૃષ્ટિએ સમૃદ્ધ હતું અને વિદેશો સાથે વિવિધ પ્રકારના આર્થિક સંબંધ હતા; તેમ છતાં સોલંકીઓના સિક્કા અદ્યાપિ ખાસ મળ્યા નથી. પ્રબંધો તથા ‘લેખપદ્ધતિ’ આદિ સાધનોમાં ‘ભીમપ્રિય’, ‘કુમારપાલપ્રિય’, ‘લૂણસાપ્રિય’ વગેરે દ્રમ્મના ઉલ્લેખ મળે છે. સાહિત્યિક અને ઉત્કીર્ણ સાધનોમાંથી નિષ્ક, બિસ્ત, દ્રમ્મ, ભાગક, રૂપક, કાર્ષાપણ, પણ, શૂર્પ આદિ સિક્કાઓના ઉલ્લેખ મળે છે. નાણાં ઉપરાંત વસ્તુવિનિમય પણ પ્રચારમાં હશે. ‘દ્વયાશ્રય’માંના ઉલ્લેખ મુજબ અનાજના બે દ્રોણથી, છ આખલાથી અને ઊનના સો કામળાથી એક ઘોડી ખરીદી શકાતી. વ્યાજનો દર પાંચ કે છ ટકા હતો. વ્યાજના દર નાણાં લેનારની ગરજ અને ધીરનારની જોખમ લેવાની તૈયારી પ્રમાણે બદલાતા. લેણદાર દેવાદારને બંધનમાં નખાવી શકતો.

કચ્છથી લાટ સુધીનો દરિયાકાંઠો તથા ત્યાં આવેલાં અનેક બંદરો ગુજરાતના ધીકતા વિદેશ-વેપારનાં બારાં હતાં. આ બંદરોમાંથી ઈરાન, અરબસ્તાન તથા એ દ્વારા યુરોપ સાથેનો વેપાર ખેડવાનું અનુકૂળ હતું. ભરુકચ્છ (ભૃગુકચ્છ, ભરૂચ), સ્તંભતીર્થ (ખંભાત) અને વેરાવળ – એ ત્રણ મુખ્ય બંદર હતાં. માળવા, રાજસ્થાન અને ઉત્તર ભારતનો વિદેશ વેપાર ગુજરાત મારફતે ચાલતો. દિલ્હીમાં 13મી સદીથી મુસ્લિમ સત્તા સ્થપાઈ અને ત્યાંથી મુસ્લિમો મક્કાની હજ કરવા માટે ખંભાત બંદરે આવતા.

જમીનમાર્ગે વેપાર બળદ, ઊંટ, ગધેડાં તથા ગાડાંઓ મારફત ચાલતો. આંતરપ્રદેશનો માલ વણજારો દ્વારા બંદરોમાં ભેગો થતો. સુતરાઉ અને રેશમી કાપડ, ગળી, કપાસ, ચામડું, મરી, સૂંઠ, રંગ, ખાંડ, આંબળાં, લાખ વગેરેની ઈરાન, અરબસ્તાન, આફ્રિકા અને ચીનમાં નિકાસ થતી. સોનું, ચાંદી, સુરમો, ઘોડા વગેરેની આયાત થતી. જગડૂ શાહનો પરદેશો સાથે બહોળો વેપાર તેનાં પોતાનાં વહાણોમાં ચાલતો હતો અને ઈરાનમાં હોરમઝ ખાતેનો તેનો આડતિયો હિંદી જ હતો. વસા આભીર (આભડ) નામે અણહિલવાડનો એક વેપારી ગઝનીમાં લાખોનો વેપાર કરતો હતો.

સોલંકી કાળનું ગુજરાતનું વહાણવટું સમૃદ્ધ હતું. ગુજરાતમાં સાહસિક નાવિકો મોટી સંખ્યામાં રહેતા હતા. સમૃદ્ધ વેપારને કારણે વણિકવર્ગ સમૃદ્ધ હતો. કરોડપતિઓનાં ભવનો ઉપર કોટિધ્વજ ફરકતો એવી અનુશ્રુતિ છે. વિમલ શાહ અને વસ્તુપાળ-તેજપાળે બંધાવેલાં મંદિરો ઉપરથી તેમની સંપત્તિનો ખ્યાલ આવે છે. વેપારની આબાદીની અસર એકંદર જનસમાજ ઉપર થઈ હશે. કેટલાક શ્રીમંતોનો વૈભવ રાજાની પણ સ્પર્ધા કરે એવો હતો. વેપારથી પૈસો કમાવાની આવડત તથા વ્યવહારનાં ઘણાંખરાં ક્ષેત્રોમાં માર્ગ કાઢવાની કુશળતા – એ લક્ષણોનો સોલંકી કાળમાં પણ વિકાસ થયો હતો.

ધાર્મિક સ્થિતિ : સોલંકી વંશના રાજાઓ ‘પરમ-માહેશ્વર’ કહેવાતા. ઉત્કીર્ણ લેખોમાં મોટા ભાગના રાજાઓને ‘ઉમાપતિવરલબ્ધપ્રસાદ’ કહ્યા છે. રાજકુટુંબનો પરંપરાગત ધર્મ શૈવ હતો અને ઇષ્ટદેવ સોમનાથ હતા. સોલંકી શાસકોએ અનેક શૈવ મંદિર બંધાવ્યાં હતાં. શૈવ મઠો સમૃદ્ધ હતા અને મઠાધિપતિઓ સમાજમાં પ્રભાવ ધરાવતા હતા. શૈવ ધર્મના સંપ્રદાયોમાં લકુલીશ અથવા પાશુપત, કૌલ અને કાપાલિક હતા. તે સમયે વૈષ્ણવ ધર્મ પણ પ્રચારમાં હતો. લોકોની વૃત્તિ સમન્વયાત્મક હોવાથી શૈવ અને વૈષ્ણવ વચ્ચે ખાસ ભેદ નહોતો.

શિવપૂજાની સાથે શક્તિપૂજા પણ થતી હતી. કવિ સોમેશ્વરે ‘સુરથોત્સવ’ મહાકાવ્યમાં દેવીમાહાત્મ્યના નિરૂપણ સહિત, તેના મંગલાચરણના શ્લોકોમાં ભવાની, શિવા, ભદ્રકાળી, ગિરિજા, સરસ્વતી, કમલા વગેરે શક્તિનાં સ્વરૂપોની પ્રાર્થના કરી છે. ‘સરસ્વતીપુરાણ’ પ્રમાણે સહસ્રલિંગ સરોવરના કાંઠે દેવીપીઠમાં હરસિદ્ધિ માતાનું તથા તે સરોવરની મધ્યમાં વિંધ્યવાસિનીનું મંદિર હતું. ‘દ્વયાશ્રય’ નોંધે છે કે ત્યાં દેવીઓનાં 108 મંદિર હતાં. આરાસુર ઉપરનું અંબિકાદેવીનું મંદિર પરાપૂર્વથી પ્રસિદ્ધ છે. ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં દેવીનાં મંદિરોમાં પશુઓનો મોટા પ્રમાણમાં ભોગ અપાતો. હેમચંદ્રાચાર્યની સલાહથી કુમારપાળે અમારિ ઘોષણા દ્વારા પશુબલિની પ્રથા બંધ કરાવી હતી.

ભારતનું મહાન વૈષ્ણવ-તીર્થ દ્વારકા ગુજરાતમાં છે. તેની અસર લોકોના જીવન ઉપર થઈ છે. સોલંકી રાજાઓએ વૈષ્ણવ-મંદિરો પણ બંધાવ્યાં છે. મૂલરાજે સિદ્ધપુરમાં મૂલનારાયણનું મંદિર તથા સિદ્ધરાજે સહસ્રલિંગના કાંઠે દશાવતારનું મંદિર બંધાવ્યું હતું. કૃષ્ણના વિવિધ જીવનપ્રસંગોનાં શિલ્પ સોલંકી કાળનાં દેવાલયોમાં જણાય છે.

સૂર્યની પૂજા અને ઉપાસના પ્રાચીન છે. સોલંકી કાળમાં સૂર્યપૂજાનો પ્રચાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપક હતો એમ જુદા જુદા સ્થળે સૂર્યમંદિરો અને મોટી સંખ્યામાં મળેલી સૂર્યપ્રતિમાઓ ઉપરથી જણાય છે. મોઢેરાના સૂર્યમંદિરનો વિશાળ કલામય અવશેષ સૂર્યપૂજાના મહત્ત્વનો પુરાવો છે. સૌરાષ્ટ્રનું થાન અને વીજાપુર પાસેનું કોટ્યર્ક સૂર્યપૂજાનાં બીજાં કેન્દ્રો હતાં. સિદ્ધરાજે સહસ્રલિંગના કિનારે ભાઈલસ્વામી સૂર્યમંદિર અને કુમારપાળના અધિકારી ગૂમદેવે પ્રભાસપાટણ પાસે ધર્માદિત્યનું સૂર્યમંદિર બંધાવ્યાં હતાં. વસ્તુપાળે ખંભાત પાસે નગરામાં સૂર્યની પત્નીઓ રન્નાદેવી અને રાજદેવીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી હતી. સૂર્યપત્ની રાજ્ઞીદેવી–રન્નાદેવી–રન્નાદે –રાંદલની પૂજા ગુજરાતના લોકજીવનમાં વ્યાપક છે. બ્રહ્માની અનેક મૂર્તિઓ ગુજરાતમાં મળી છે, તેથી બ્રહ્માનું પૂજન-અર્ચન પ્રચલિત હતું. ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા બ્રહ્માનું જાણીતું તીર્થ છે. ચતુર્મુખ બ્રહ્માની મૂર્તિ નગરામાં આજ પર્યંત પૂજાય છે. મિયાણી પાસેની દેરીમાં હજારેક વર્ષ જૂની બ્રહ્માની મૂર્તિ છે. હારીજ પાસે દેલમાલમાં, થરા પાસે કસરામાં તથા દક્ષિણ ગુજરાતમાં બ્રહ્માનાં પ્રાચીન મંદિરો છે.

પ્રાચીનતર યુગની યમપૂજા આ કાળમાં પણ પ્રચલિત હશે. આઠ દિક્પાલો પૈકી એક યમ છે. વળી મંદિરોની શૃંગારમૂર્તિઓમાં પણ યમની પ્રતિમાઓ થતી હતી.

ગુજરાતમાં જૈન ધર્મનું સાતત્ય રહેલું છે. યાદવકુળમાં જન્મેલા બાવીસમા તીર્થંકર નેમિનાથ સાથે દ્વારકા અને ગિરનારનો સંબંધ છે. ગિરિનગર, વલભી અને શ્રીમાલ જૈન ધર્મનાં પણ કેન્દ્રો હતાં. સોલંકી સમયમાં ગુજરાતમાં જૈન ધર્મ પ્રતિષ્ઠિત થયો હતો. પાટણના સ્થાપક વનરાજનો જૈનાચાર્ય શીલગુણસૂરિ સાથે ગાઢ સંબંધ હતો. તેણે તેના પાટનગરમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. ગુજરાતમાં રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ વગેરેએ જૈન મંદિરોને ભૂમિદાન આપ્યાં છે અને જૈન મંદિરો, ચૈત્યો, ઉપાશ્રયો બંધાવ્યાં છે.

સોલંકી રાજાઓનો કુળધર્મ શૈવ હોવા છતાં તેમને જૈન ધર્મ પ્રત્યે આત્મીય ભાવ હતો. દરબારોમાં જૈનાચાર્યોનું સન્માન થતું. સિદ્ધરાજ અને કુમારપાળ ઉપર પડેલા હેમચંદ્રાચાર્યના પ્રભાવને લીધે તથા ત્યારબાદ વસ્તુપાળ અને તેજપાળનાં જીવન અને કાર્યના પરિણામે ગુજરાતના લોકજીવન ઉપર અહિંસાપ્રધાન જૈન વિચારસરણીનો પ્રભાવ પડ્યો.

જૈન આગમોની સંકલના તથા આગમસૂત્રોને લિપિબદ્ધ કરવાનો પુરુષાર્થ વલભીમાં થયો હતો. આગમનાં 11 અંગોમાંનાં 9 અંગો ઉપર પ્રમાણભૂત વિવરણો લખવાનું કાર્ય એક પંડિતપરિષદની મદદથી પાટણમાં અભયદેવસૂરિએ કર્યું. એવાં જ અન્ય વિવરણો પાટણમાં કે પાસેના પ્રદેશોમાં શીલાંકદેવ, મલયગિરિ, નેમિચંદ્ર, મલધારી હેમચંદ્ર વગેરે આચાર્યોએ કર્યાં.

શ્વેતાંબર જૈન ધર્મના સંપ્રદાયોમાં પણ સ્પર્ધા અને વાદવિવાદ થતાં હતાં. વનરાજ ચાવડાના ગુરુ શીલગુણસૂરિ ચૈત્યવાસી આચાર્ય હતા અને ત્યારથી પાટણમાં ચૈત્યવાસીઓનું વર્ચસ્ હતું. ચૈત્યવાસી સાધુઓ ચૈત્યો એટલે મંદિરોમાં વસતા અને તેમના આચારોમાં ક્યારેક શિથિલતા વરતાતી. તેઓ સંગીત તથા નૃત્યના શોખીન હતા અને વાહનોનો ઉપયોગ કરતા. એક જ સ્થાનમાં રહેતા હોઈ વિદ્યાની ઉપાસનાની તેમને અનુકૂળતા હતી. તેઓમાં વિદ્વાનો, ગ્રંથકારો, અધ્યાપકો તથા કવિઓ થયા છે. તેમના વિદ્યાવિનોદો, કાવ્યચર્ચાઓ, સમસ્યાપૂર્તિઓ, શાસ્ત્રવ્યુત્પત્તિ વગેરે વિશેનાં વૃત્તાંતો, કથાનકો, અનુશ્રુતિઓ ‘પ્રભાવકચરિત’ તથા બીજા સાહિત્યમાં સચવાયેલ છે.

દુર્લભરાજ કે ભીમદેવ 1લાના સમયમાં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ – એ બે સુવિહિત (ઉપાશ્રયમાં રહેનારા) વિદ્વાન સાધુઓને પાટણમાં નિવાસ ન મળવાથી સોમેશ્વર તથા માહેશ્વર આચાર્ય જ્ઞાનદેવની ભલામણથી રાજાએ તેમના નિવાસ માટેની વ્યવસ્થા કરી. તે પછી રાજદરબારમાં થયેલા વાદવિવાદમાં સુવિહિતોના કઠિન આચાર શાસ્ત્રસંમત પુરવાર થયા. રાજાએ એમને ‘ખરતર’ (તીવ્રતર) બિરુદ આપ્યું. એમનો સમુદાય ‘ખરતર ગચ્છ’ કહેવાયો. ત્યારથી પાટનગરમાં સુવિહિત ને મુનિઓનો પ્રવેશ વધ્યો.

દિગંબર જૈન સંપ્રદાય પ્રાચીન કાળથી ગુજરાતમાં ફેલાયેલો હતો અને વઢવાણ તેનું મુખ્ય કેન્દ્ર હતું. ઈ. સ. 1125માં સિદ્ધરાજની સભામાં, એના અધ્યક્ષપદે, શ્વેતાંબર દેવસૂરિ અને કર્ણાટકથી આવેલા દિગંબર આચાર્ય કુમુદચંદ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયો. તેમાં કુમુદચંદ્રનો પરાજય થયો. તેના પરિણામે ગુજરાતમાં દિગંબર સંપ્રદાયનું ધાર્મિક મહત્વ ઘટી ગયું.

ધાર્મિક ઉત્સવો : નવરાત્રિ તથા દિવાળીના દિવસોમાં દુર્ગાપૂજાના ઉત્સવો ઊજવાતા. નવરાત્રિમાં દુર્ગાના નૈવેદ્ય નિમિત્તે પશુબલિ થતો. કુમારપાળે કરેલી અમારિ ઘોષણા પછી આ રિવાજ બંધ થયો હતો. વિજયાદશમીનો દિવસ વિજયપ્રસ્થાન માટે શુકનિયાળ ગણાતો. દિવાળી દરમિયાન મહાદેવીઓની પૂજા થતી. ફાગણ સુદ પૂનમે ગ્રીષ્મપર્વ ઊજવાતું. વળી ફાગ કે ફાગુના ગાન સાથે વસંતોત્સવ પણ ઊજવાતો. મહા માસમાં શિવરાત્રિનું પર્વ આવતું. વૈશાખમાં અખાત્રીજ, ભાદ્રપદમાં શ્રાદ્ધપક્ષ અને ચાતુર્માસને અંતે પ્રબોધિની એકાદશીનો મહિમા હતો. સોમનાથમાં ભારે દબદબાપૂર્વક મહાદેવનો વરઘોડો નીકળતો.

દેવોની જેમ તીર્થંકરોની પણ રથયાત્રા નીકળતી. નવા મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા સમયે અષ્ટાહનિકાનો ઉત્સવ ઊજવાતો. જૈન ધર્મના પંચકલ્યાણિક ઉત્સવ પ્રસંગે નેમિનાથ જેવા મુખ્ય તીર્થંકરનાં પાંચ કલ્યાણકોના પર્વદિનો ઊજવાતા.

શિક્ષણ અને સાહિત્ય : શ્રીમાળ પછી ગુજરાતમાં સંસ્કૃત સાહિત્યનું મુખ્ય કેન્દ્ર પાટણ બન્યું. સોલંકી યુગમાં ગુજરાતમાં વૈદિક તથા જૈન સાહિત્યનો સર્વતોમુખી વિકાસ થયો. સિદ્ધરાજ તથા કુમારપાળ અને મહામાત્ય વસ્તુપાળે સાહિત્યના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું. આ સમય દરમિયાન કાવ્ય, અલંકાર, ન્યાય, તર્ક, કોશ, સાંખ્ય, વેદાંત, છંદ:શાસ્ત્ર વગેરે સાહિત્યની દરેક શાખાનો વિકાસ થયો હતો. સોલંકી યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ કહી શકાય.

આ સમયે તર્કશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રનો અભ્યાસ એ શિક્ષણના મુખ્ય વિષયો હતા. લખતા-વાંચતા થયેલા વિદ્યાર્થીને વ્યાકરણનું જ્ઞાન અપાતું. ઘણુંખરું વિષયને કંઠસ્થ કરવાનો રહેતો. શિક્ષણ માટે વિવિધ કેન્દ્રો હતાં. સિદ્ધરાજના સમયમાં સહસ્રલિંગના કાંઠે આવાં વિદ્યાકેન્દ્રો હતાં. કવિ નાનાક પણ વીસલદેવનો રાજ્યાશ્રય મેળવીને સોમનાથ પાટણમાં સારસ્વત સદન નામે વિદ્યાકેન્દ્ર ચલાવતો હતો. આ સમયે પાટણ તથા આનંદપુર (વડનગર) વિદ્યાકેન્દ્રો હતાં. આનંદપુર વેદપાઠી બ્રાહ્મણોનું ધામ હતું. આ સમયે બ્રાહ્મણ વિદ્વાનો ઘણા થયા છે, ઘણા ઓછા વિદ્વાનોએ ગ્રંથરચના કરી છે. મૂળરાજ 1લાના સમયમાં વચ્છાચાર્ય અને દીર્ઘાચાર્ય સર્વવિદ્યાનિધાન તરીકે જાણીતા હતા. ત્યાં ગુલેચાકુલનો સોલ નામે બ્રાહ્મણ પંડિતરત્ન ગણાતો. તે મૂળરાજ 1લાનો રાજપુરોહિત બન્યો અને ખ્યાતિ પામ્યો. સોલના વંશજો સોલંકી રાજાઓના રાજપુરોહિત થતા રહ્યા. સિદ્ધરાજના કુલગુરુ ગંડશ્રી ભાવબૃહસ્પતિ સોમનાથમાં મઠાધીશ હતા. તેમના સમયમાં કેશવ નામના ત્રણ વિદ્વાન પાટણમાં હતા. તેમની સભાના વિદ્વાનોમાંનો મહર્ષિ ન્યાય-તર્ક, મહાભારત અને પારાશરસ્મૃતિનો અભ્યાસી હતો. ઉત્સાહ નામનો પંડિત કાશ્મીરથી આવીને પાટણમાં વસ્યો હતો.

ભીમદેવ 1લાના સમયમાં (1022–1064) થયેલા અણહિલવાડના પ્રસિદ્ધ વિદ્વાન ગોવિંદાચાર્યના શિષ્ય સૂરાચાર્ય પ્રતિભાશાળી કવિ હતા. તેમણે વ્યાકરણ, ન્યાય અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે ‘રાઘવપાંડવીય’ નામે કાવ્ય રચ્યું. શાંતિસૂરિ ગુર્જર દેશના મહાવિદ્વાન હતા. એમણે ધનપાલે રચેલી ‘તિલકમંજરી’નું સંશોધન કર્યું. કાશ્મીરના કવિ બિલ્હણે ગુજરાતમાં રહી રાજા કર્ણદેવને નાયક બનાવી ‘કર્ણસુંદરી’ નાટકની રચના કરી. અભયદેવસૂરિ પ્રખર વિદ્વાન હતા. એમણે જૈન આગમ 3થી 11 અંગો પર ટીકા લખી. તેમનું આ પ્રદાન મહત્વનું ગણાય છે. પાટણના વિદ્વાન દેવસૂરિએ સિદ્ધરાજ(1094–1142)ના સમયમાં કર્ણાટકના દિગંબર કુમુદચંદ્રનો વાદવિવાદમાં પરાજય કર્યો. આ વિવાદને કેન્દ્રમાં રાખી શાકંભરીના કવિ યશશ્ચંદ્રે ‘મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણ’ રચ્યું. તેણે ‘નેમિનાથ-રાજિમતી’ નામે જાણીતું કથાનક પણ રચ્યું હતું.

પોરવાડ જ્ઞાતિનો, પ્રજ્ઞાચક્ષુ, પ્રસિદ્ધ વિદ્વાન, કવિ શ્રીપાલ સિદ્ધરાજના સમયમાં થઈ ગયો. તેણે એક દિવસમાં ‘વૈરોચન-પરાજય’ નામનો મહાપ્રબંધ લખેલો. તેણે સહસ્રલિંગની, રુદ્રમહાલયની અને વડનગરના કોટની પ્રશસ્તિઓ રચી હતી. સિદ્ધરાજે આ ‘કવિચક્રવર્તી’ને પોતાનો બંધુ માન્યો હતો.

સિદ્ધરાજ તથા કુમારપાળના સમયમાં વિદ્વાનો અને સાહિત્યકારોમાં હેમચન્દ્રાચાર્ય શ્રેષ્ઠ હતા. ગુજરાતના જ નહિ, ભારતના પ્રાચીન વિદ્વાનોમાં એ જાણીતા હતા. સિદ્ધરાજની પ્રેરણાથી તેમણે ‘સિદ્ધહેમ-શબ્દાનુશાસન’ (વ્યાકરણ) તૈયાર કર્યું. તેની નકલો કરાવી સિદ્ધરાજે દેશના વિવિધ પ્રદેશોમાં મોકલી. આ ગ્રંથના પહેલા સાત અધ્યાયોમાં સંસ્કૃત વ્યાકરણનું અને છેલ્લા અધ્યાયમાં પ્રાકૃત તથા અપભ્રંશ ભાષાઓના વ્યાકરણનું નિરૂપણ કર્યું છે. આ વ્યાકરણનાં સૂત્રોનો ભાષામાં કઈ રીતે ઉપયોગ થાય તે બતાવવા તેમણે બેવડા હેતુવાળું ‘દ્વયાશ્રય’ નામનું મહાકાવ્ય લખ્યું. તેમાં સોલંકી વંશના રાજાઓના ચરિતનિરૂપણ નિમિત્તે સંસ્કૃત વ્યાકરણનાં ઉદાહરણો આપ્યાં છે. તે પછી તેમણે ‘અભિધાનચિન્તામણિ’ તથા ‘અનેકાર્થસંગ્રહ’ નામે સંસ્કૃત કોશ અને દેશ્ય શબ્દોને લગતો ‘દેશીનામમાલા’ નામે કોશ લખ્યો. તેમણે વનસ્પતિ તથા વૈદકના શબ્દોને લગતો ‘નિઘંટુ કોશ’ પણ તૈયાર કર્યો. પછી તેમણે ‘કાવ્યાનુશાસન’ તથા ‘છન્દોનુશાસન’ રચ્યાં. ‘કાવ્યાનુશાસન’માં કાવ્યશાસ્ત્રની તથા ‘છન્દોનુશાસન’માં સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત અને અપભ્રંશ છંદોની સમજૂતી આપી છે. હેમચંદ્રે ત્યાર બાદ ન્યાય-તર્ક-પ્રમાણશાસ્ત્રને લગતી ‘પ્રમાણમીમાંસા’ લખી. કુમારપાળની વિનંતીથી તેમણે ‘યોગશાસ્ત્ર’, ‘ત્રિષષ્ટિશલાકા-પુરુષચરિત’ અને ‘વીતરાગસ્તોત્ર’ની રચના કરી. આમ, હેમચન્દ્રાચાર્યે વિદ્યા તથા સાહિત્યની વિવિધ શાખાઓમાં મહત્વનું પ્રદાન કર્યું છે. સર્વવિધ વિષયોમાં નિષ્ણાત હોવાથી તેઓ ‘કલિકાલસર્વજ્ઞ’ તરીકે જાણીતા થયા. તેમના પટ્ટશિષ્ય કવિ રામચન્દ્રસૂરિએ સંસ્કૃતમાં અગિયાર નાટકો લખ્યાં છે. તેમાં ‘નલવિલાસ’માં નાટ્યતત્વની કુશળતા જણાય છે. રામચન્દ્ર અને ગુણચંદ્રે લખેલું ‘નાટ્યદર્પણ’ ભારતીય નાટ્યશાસ્ત્રના વિરલ ગ્રંથોમાં સ્થાન ધરાવે છે. હેમચન્દ્રના બીજા એક શિષ્ય દેવચન્દ્રે ‘ચન્દ્રલેખાવિજય-પ્રકરણ’ નામે નાટકમાં કુમારપાળના સમયમાં થયેલા શાકંભરીના રાજા અર્ણોરાજના પરાજયનું નિરૂપણ કર્યું છે. સોલંકી યુગના સાહિત્યમાં વસ્તુપાળ અને એના સાહિત્યમંડળે પણ અમૂલ્ય પ્રદાન કર્યું છે. વસ્તુપાળ પોતે ‘સરસ્વતીકંઠાભરણ’ તરીકે પ્રસિદ્ધ હતો. એ સ્તોત્રકાવ્યો અને સૂક્તિરચનામાં કુશળ હતો. એણે ‘નરનારાયણાનંદ’ નામે મહાકાવ્ય રચ્યું છે. એની આસપાસ અનેક કવિઓ તથા વિદ્વાનોનું સાહિત્યમંડળ જામ્યું હતું. એમાંના સોમેશ્વરે ‘સુરથોત્સવ’ અને ‘કીર્તિકૌમુદી’ નામે મહાકાવ્યોની રચના કરી. ‘કીર્તિકૌમુદી’માં વસ્તુપાળનાં ગુણો, પરાક્રમો અને સુકૃત્યોની કીર્તિ ગાવામાં આવી છે.

મોઢેરાનું સૂર્યમંદિર

વીસલદેવનો માનીતો વિદ્વાન વડનગરનો નાગર બ્રાહ્મણ નાનાક ઋગ્વેદ, મહાભારત, રામાયણ, પુરાણો, સ્મૃતિઓ, કાવ્ય, નાટક વગેરેમાં પારંગત હતો અને સારો કવિ પણ હતો. વીસલદેવની રાજસભાને પ્રભાવિત કરનાર અમરચન્દ્રસૂરિએ મહાભારતનો પદ્યમય સંક્ષેપ ‘બાલભારત’ નામે કરેલો અને ‘કાવ્યકલ્પલતા’ નામે કવિશિક્ષાને લગતો ગ્રંથ લખેલો. તેમણે ‘સૂક્તાવલિ’ અને ‘કલાકલાપ’ નામે ગ્રંથો પણ લખ્યા હતા. ‘સુકૃતસંકીર્તન’ નામે સુપ્રસિદ્ધ મહાકાવ્યમાં અરિસિંહે વસ્તુપાળનાં સુકૃત્યો વર્ણવ્યાં છે. ઉદયપ્રભસૂરિએ રચેલા પ્રશસ્તિકાવ્ય ‘સુકૃતકીર્તિકલ્લોલિની’માં પણ વસ્તુપાળનાં સૃકૃત્યોની કીર્તિ ગાવામાં આવી છે. આ કવિએ ‘ધર્માભ્યુદય’ નામે મહાકાવ્ય રચ્યું છે. તેમાં સંઘપતિ તરીકે ચરિત આલેખી તેમાં ધર્મકથાઓ સમાવી લીધી છે. વસ્તુપાળના માતૃપક્ષે ગુરુ નરચન્દ્રસૂરિ પ્રખર વિદ્વાન હતા. તેમણે પ્રાકૃત વ્યાકરણને લગતો ‘પ્રાકૃતપ્રબોધ’ તથા જ્યોતિષને લગતો ‘નારચન્દ્ર જ્યોતિ:સાર’ નામે ગ્રંથ લખ્યો છે. આમ સિદ્ધરાજ–કુમારપાળ તથા વસ્તુપાળ–તેજપાળ જેવા વિદ્યાવ્યાસંગીઓએ વિદ્યા અને સાહિત્યની પ્રવૃત્તિઓને વિશિષ્ટ ઉત્તેજન આપ્યું, તેથી સોલંકી યુગ એ ક્ષેત્રે અતિ સમૃદ્ધ બન્યો હતો.

વિમલવસહિના સભામંડપની છત (આબુ–દેલવાડા)

સ્થાપત્ય : મૂળરાજે પાટણ, સિદ્ધપુર વગેરે સ્થળોએ મંદિરો તથા જિન ચૈત્યો બંધાવ્યાં હતાં; પરંતુ તેમાંનાં કોઈ હાલ મોજૂદ નથી. ચામુંડરાજ અને દુર્લભરાજે બંધાવેલાં મંદિરોના અવશેષો પણ નજરે પડતા નથી. ભીમદેવના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથનું મંદિર તોડ્યું. તે મંદિર લાકડાનું હતું. ભીમદેવે ત્યાં પથ્થરનું નવું મંદિર બંધાવ્યું. પછી તેનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો. મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવના રાજ્યકાલ(1022–1064)માં બંધાયું. તેમાં હાલમાં સૂર્યદેવની મૂર્તિ નથી. તેના સ્તંભોના વૃત્તાકાર ભાગોમાં સ્ત્રીપુરુષોનાં સાંસારિક જીવનનાં શૃંગારપ્રધાન દૃશ્યો છે. ભીમદેવના દંડનાયક વિમળ મંત્રીએ આદિનાથનું આરસનું જિનાલય બંધાવ્યું. તે કલાની દૃષ્ટિએ ગણનાપાત્ર છે. તે ‘વિમલવસહિ’ તરીકે જાણીતું છે. અંબાજી પાસે કુંભારિયા ગામમાં વિમળ મંત્રીએ પાંચ દેરાસર બંધાવ્યાં હતાં. તેની ત્રિકમંડલની શિલ્પકૃતિઓ કલાની દૃષ્ટિએ અનુપમ છે. પાટણમાં આવેલી રાણીની વાવ ભીમદેવની રાણી ઉદયમતીએ બંધાવી હતી. મૂળરાજે બંધાવેલો રુદ્રમહાલય નષ્ટ થતાં સિદ્ધરાજે નવો ભવ્ય મહાલય બંધાવ્યો. તેના ગૂઢમંડપની બે ચોકીઓ, એક તોરણ, એક દેવકુલિકા અને અન્તરાલનો કેટલોક ભાગ હાલ મોજૂદ છે. અગાઉના દુર્લભ સરોવરનો જીર્ણોદ્ધાર કરી સિદ્ધરાજે સહસ્રલિંગ સરોવર કરાવ્યું. તેને કાંઠે 1,008 શિવમંદિર, 108 દેવીમંદિર તથા એક દશાવતાર મંદિર હતું. મીનળદેવીએ વિરમગામમાં માનસર અને ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યાં. સિદ્ધરાજના દંડનાયક સજ્જન મંત્રીએ ગિરનારનું નેમિનાથનું પથ્થરનું નવું મંદિર બંધાવ્યું. કુમારપાળે તથા એના મંત્રીઓએ અનેક દેવાલય તથા જિનાલય બંધાવ્યાં. કુમારપાળે જૂનાં જિનાલયો તથા ભાવબૃહસ્પતિની પ્રેરણાથી સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સોલંકી શૈલીનાં મંદિરો ભારતીય વાસ્તુશાસ્ત્રમાં નાગર શૈલીનાં ગણાય છે.

કેટલાંક જૂનાં મંદિરોની આગળ તોરણ (કમાનદાર દરવાજા) કરેલાં હોય છે. વડનગર અને કપડવણજમાં અખંડિત તોરણ છે. સોલંકી કાલના કિલ્લાઓમાં ડભોઈનો કિલ્લો જાણીતો છે. ડભોઈના કિલ્લાના દરવાજા તેના શિલ્પકામ માટે પ્રસિદ્ધ છે.

કીર્તિતોરણ (વડનગર)

શિલ્પકલા : આ સમયમાં પથ્થર કે ધાતુની દેવદેવીઓની મૂર્તિઓ બનાવવામાં આવતી. મંદિરોમાંથી ગણપતિ, શિવલિંગ, ઉમા-મહેશ્વર, વિષ્ણુના અવતારો, બ્રહ્મા વગેરે દેવોની તથા આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામીની મૂર્તિઓ વધુ પ્રમાણમાં મળી છે. ખેરાળુ તથા નગરામાં સૂર્યની મૂર્તિની સાથે એની બે પત્નીઓની મૂર્તિઓ પણ છે.

ચિત્રકલા : સોલંકી યુગની ચિત્રકલાના નમૂના સચિત્ર હસ્તલિખિત ગ્રંથોની પ્રતોમાં મળે છે. આ પ્રતો વિશેષત: જૈન ગ્રંથોની છે. ચિત્રો બહુધા દેવો, દેવીઓ, તીર્થંકરો, સાધુઓ, સાધ્વીઓ, રાજાઓ વગેરેનાં હોય છે. હસ્તપ્રતોમાંનાં આ ચિત્રો એકંદરે પ્રશસ્ય ચિત્રશૈલીની છાપ પાડે છે.

જયકુમાર ર. શુક્લ