સોલંકી રમણીકલાલ છગનલાલ

January, 2009

સોલંકી, રમણીકલાલ છગનલાલ (જ. 12 જુલાઈ 1931, રાંદેર) : પત્રકાર. માતા ઇચ્છાબહેન. પિતા છગનલાલ. એમનું બાળપણ રાંદેરમાં વીત્યું; પછી તેઓ અભ્યાસ અર્થે સૂરત ગયા. 1949માં આઇરિશ પ્રેસ્બિટેરિયન મિશન સ્કૂલમાંથી મૅટ્રિક થયા, એમ.ટી.બી. કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષયમાં બી.એ. તથા સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. વિદ્યાર્થીકાળમાં જ તેઓ 1950–54માં રાંદેર વિદ્યાર્થી મંડળના પ્રમુખ તથા 1954–55માં સૂરત જિલ્લા વિદ્યાર્થી મંડળના મંત્રી રહ્યા હતા. આમ, યુવાન વયથી જ એમને જાહેર જીવનમાં સક્રિય રસ હતો અને તે જીવંત રહ્યો છે.

એમણે એમના વ્યાવસાયિક જીવનનો આરંભ પત્રકાર તરીકે કર્યો હતો. 1954–56માં સૂરતનાં સમાચારપત્રો ‘નૂતન ભારત’ અને ‘લોકવાણી’ના તેઓ ઉપ-તંત્રી હતા. પછી 1964થી 1968ના સમયગાળામાં સૂરતના ‘ગુજરાત મિત્ર’ના તથા 1968–95ના સમયગાળામાં મુંબઈના ‘જન્મભૂમિ’ના લંડન અને યુરોપ ખાતેના ખબરપત્રી રહ્યા હતા. વચમાં 1956–63ના સમયગાળામાં એમણે ગુજરાત રાજ્યનાં વિવિધ ખાતાંઓમાં સેવાઓ આપી હતી.

1964માં તેઓ લંડન ગયા. તેઓ પત્રકાર હતા એથી બે અઠવાડિયાંમાં જ એમને ઇંગ્લૅન્ડમાં કામ કરવાની પરમિટ આપવામાં આવી. આરંભમાં એમણે લંડનમાં એક ઇજનેરી કંપની – ક્રોસ્બી વાલ્વ ઍન્ડ એન્જિનિયરિંગ કંપનીમાં ‘ટાઇમકીપર’ તરીકે કામ કરવા સાથે ‘ગુજરાતના સમાચારપત્રો’ના ખબરપત્રી તરીકે પણ સેવાઓ આપી હતી.

એક નીડર અને બાહોશ પત્રકારને નાતે તેઓ તે સમયના ઇંગ્લૅન્ડ ખાતેના ભારતના રાજદૂત ડૉ. જીવરાજ મહેતાના સંપર્કમાં આવ્યા. તેમના આગ્રહથી ઇંગ્લૅન્ડમાં સ્થાયી વસતા ગુજરાતીભાષી તથા ભારતીય સમાજનો અવાજ રજૂ કરવા લંડનથી એક સામયિક પ્રગટ કરવાનો આગ્રહ કર્યો; એથી એમણે 1968ના એપ્રિલની પહેલીએ ‘ગરવી ગુજરાત’ પાક્ષિક શરૂ કર્યું.

આ સામયિક માટે કોઈ મૂડીરોકાણ ઉપલબ્ધ ન હતું, એથી આગોતરા ગ્રાહકોના લવાજમ સ્વરૂપની આર્થિક સહાયથી એમણે એમના ઘરમાંથી ગુજરાતી ટાઇપરાઇટર પર ટાઇપ કરીને અથવા હાથે લખીને પત્ની પાર્વતીબહેનના સક્રિય સહકારથી આ સામયિકના આરંભના અંકો તૈયાર કર્યા. 1972માં યુગાન્ડાથી મોટી સંખ્યામાં ગુજરાતીભાષી લોકો નિર્વાસિતો તરીકે ઇંગ્લૅન્ડ આવ્યા. આ સમયમાં એમણે સમગ્ર ઇંગ્લૅન્ડમાં નિર્વાસિતોની છાવણીઓમાં જાતે જઈને, એમની મુલાકાતો લઈને, એમના પ્રશ્નો અને એમની યાતનાઓ અંગેની માહિતી પ્રાપ્ત કરી. એમને ઇંગ્લૅન્ડના સમાજમાં સ્થિર થવામાં સહાય કરવાના હેતુથી એ માહિતી ‘ગરવી ગુજરાત’માં પ્રગટ કરી. એને પરિણામે ‘ગરવી ગુજરાત’ હવે ઘરમાંથી નહિ પણ સામયિકની સ્વતંત્ર ઑફિસમાંથી પાક્ષિક રૂપે નહિ પણ સાપ્તાહિક રૂપે પ્રગટ થયું.

સમય જતાં ‘ગરવી ગુજરાત’ ઇંગ્લૅન્ડના ભારતીય અને ગુજરાતીભાષી સમાજનું મુખપત્ર બન્યું. 1976માં દક્ષિણ-પૂર્વ લંડનમાં પોતાની માલિકીના મકાનમાંથી પ્રગટ થવા માંડ્યું. એ મકાનનું ઉદઘાટન તે સમયના હોમ-સેક્રેટરી રૉય જેન્કિન્સે કર્યું હતું. આ પ્રસંગે ભારતમાંથી ભારત સરકારના માહિતી અને પ્રસારણમંત્રી વિદ્યાચરણ શુક્લ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ, એ સમયના ઇંગ્લૅન્ડ ખાતેના ભારતના રાજદૂત બી. કે. નહેરુ, ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટના અનેક સભ્યો, ભારતીય અને અંગ્રેજ સમાજના અગ્રગણ્ય નેતાઓ અને વ્યાપારીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે જગતભરમાં એશિયા, આફ્રિકા, યુરોપમાં ‘ગરવી ગુજરાત’ના ગ્રાહકો છે. અમેરિકામાં આજે સાત લાખ ગુજરાતીભાષી લોકો વસે છે. એથી 1992થી ‘ગરવી ગુજરાત’ની અમેરિકન આવૃત્તિ પણ અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યના ઍટલાન્ટા શહેરમાંથી પ્રગટ થાય છે. યુવાન પેઢીને અનુલક્ષીને ‘ગરવી ગુજરાત’માં અંગ્રેજી ભાષામાં પણ એક વિભાગ રાખવામાં આવ્યો છે. આજે ‘ગરવી ગુજરાત’ આટલાન્ટિક સમુદ્રના બંને તટ પરથી ઇંગ્લૅન્ડ અને અમેરિકામાંથી પ્રગટ થતું એકમાત્ર ગુજરાતી સામયિક છે.

‘ગરવી ગુજરાત’ એ ચોરંગી એવું કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને સમાચારનું સામયિક છે; પણ ઇંગ્લૅન્ડની રોજબરોજની વપરાશની વિવિધ ચીજવસ્તુઓ – ખાદ્ય, પેય અને દવાદારૂ – નો 70 % છૂટક વ્યાપાર ગુજરાતીભાષી વિક્રેતા-વ્યાપારીઓને હસ્તક છે. એથી એમના વ્યાપારમાં સહાયરૂપ થવા 1985માં એમને ‘એશિયન ટ્રેડર’ નામનું ત્રિભાષી (અંગ્રેજી, ગુજરાતી અને ઉર્દૂ) પાક્ષિક પ્રગટ કરવાનું સૂઝ્યું. ત્યારથી આ સામયિક ઇંગ્લૅન્ડની બહુરાષ્ટ્રીય કંપનીઓ અને આ વ્યાપારીઓ વચ્ચે સેતુરૂપ બની ગયું છે. પછી 1988માં એમને આ ઉત્પાદકો અને વ્યાપારીઓ પરસ્પર રૂબરૂમાં મળી શકે એ માટે ‘એશિયન ટ્રેડર ડીનર’નો ઉપક્રમ યોજવાનું સૂઝ્યું. ત્યારથી વરસોવરસ લંડનની જગવિખ્યાત સેવોય, હિલ્ડન ગ્રોવનર આદિ હોટલોમાં બ્રિટિશ ગવર્નમેન્ટના કોઈ એક કૅબિનેટ સેક્રેટરીના અતિથિવિશેષપદે આ ભોજન સમારંભ યોજવામાં આવે છે. એમાં 800 જેટલા મહેમાનો – ઉત્પાદકો અને વ્યાપારીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત હોય છે. આ વ્યાપારીઓને પ્રોત્સાહન આપવા અને એમની વિશિષ્ટ સિદ્ધિઓને પુરસ્કૃત કરવા વરસોવરસ આ પ્રસંગે વ્યાપારના વિવિધ ક્ષેત્રના વ્યાપારીઓને કુલ ચાલીસ હજાર પાઉન્ડના ઍવૉર્ડ અર્પણ કરવામાં આવે છે. આ ભોજન સમારંભમાં ઇંગ્લૅન્ડની માર્સ, કોકાકોલા, નેસલે, એક્સેસ ન્યૂઝપેપર આદિ વિશ્વવિખ્યાત બહુરાષ્ટ્રીય કંપનીઓ એમની સ્પૉન્સરશિપ અને હાજરી દ્વારા સક્રિય સહકાર આપે છે. આજે ઇંગ્લૅન્ડના વ્યાપારજગતના પ્રથમ સો સામયિકોમાં ‘એશિયન ટ્રેડર’નું ગૌરવભર્યું સ્થાન છે.

આ પછી તો એમનું અખબારી સામ્રાજ્ય વધુ ને વધુ વિકસતું અને વિસ્તરતું જ રહ્યું છે. 1995થી હોટેલ-ઉદ્યોગ માટે એવું જ એક ત્રિભાષી (અંગ્રેજી, બંગાળી, ચીની) ‘એશિયન હોટેલ ઍન્ડ કેટરર’ માસિક અને એના નવા અવતારરૂપ દ્વિભાષી (અંગ્રેજી, ગુજરાતી) ‘એશિયન હૉસ્પિટાલિટી’ માસિક તથા 1998થી ફાર્મસી-ઉદ્યોગ માટે એવું જ ‘ફાર્મસી-બિઝનેસ’ માસિક પ્રગટ થાય છે. ‘એશિયન ટ્રેડર ઍવૉર્ડ’ની પરંપરામાં જ ફાર્મસી-વ્યાપારના ક્ષેત્રમાં વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો પ્રતિવર્ષ ફાર્મસી ઍવૉર્ડ તથા સમાજની શ્રેષ્ઠ સેવા કરનાર તથા સ્વપ્રયત્નથી પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરનારને પ્રતિવર્ષ ‘લીડરશિપ અને ડાયવર્સિટી ઍવૉર્ડ’ અર્પણ કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં જ્યૉર્જિયા રાજ્યના ઍટલાન્ટા શહેરમાંથી ‘ગરવી ગુજરાત’ની અમેરિકી આવૃત્તિ પ્રગટ થાય છે. તાજેતરમાં 2005માં ભારતમાં અમદાવાદમાં ‘એએમજી બિઝનેસ સૉલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ’ના નામથી એક મોટા પાયા પરનું અદ્યતન માહિતી કેન્દ્ર(કૉલ-સેન્ટર)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ, ‘ગરવી ગુજરાત’ આજે આંતરરાષ્ટ્રીય સંસ્થા રૂપે એની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આ સમગ્ર સાહસમાં એમના બે પુત્રો  કલ્પેશ અને શૈલેષ સતત સક્રિય રહ્યા છે. આજે ભારતની બહાર ‘ગરવી ગુજરાત’ એ ગુજરાત અને ગુજરાતી સાથે સંકળાયેલું સૌથી વિશાળ એવું પ્રકાશનગૃહ છે.

રમણીકલાલ સોલંકી 1964થી ‘કૉમનવેલ્થ પ્રેસ યુનિયન’ના તથા 1976થી ઇંગ્લૅન્ડના ‘એડિટર્સ ગીલ્ડ’ના સભ્ય છે.

એમની આ જીવનભરની સાધના અને સેવાની પરાકાષ્ઠા રૂપે અને ચાર સદીથી ઇંગ્લૅન્ડના સમાજની સતત સેવાના પુરસ્કાર રૂપે 1999ના બ્રિટિશ ગવર્નમેન્ટ તરફથી એમને રાણી એલિઝાબેથ બીજાના હસ્તે ઓ.બી.ઈ.નો ઇલકાબ એનાયત કરાયો હતો. વળી 2007માં પણ ઇંગ્લૅન્ડની રાણી દ્વારા એમની સેવાઓની કદર રૂપે એમને સી.બી.ઈ.નો ઇલકાબ એનાયત થયો હતો.

1964ના વર્ષમાં ત્રણ હજાર રૂપિયા ઉછીના લઈને ઇંગ્લૅન્ડ જનાર એક ગુજરાતી પત્રકાર એની કલમના જોરે અને એની વિશિષ્ટ અને લાક્ષણિક સાહસવૃત્તિને પ્રતાપે તથા પોતાના અંગત પરિશ્રમ અને પુરુષાર્થના પરિણામે જોતજોતામાં શું સિદ્ધ કરી શકે છે એનું એક આદર્શ અને પ્રેરણારૂપ એવું જીવંત અને જ્વલંત ઉદાહરણ રમણીકલાલ સોલંકી છે.

નિરંજન ભગત