સોલંકી, માધવસિંહ (. 29 જુલાઈ 1927, પિલુદર, જંબુસર તાલુકો, ગુજરાત રાજ્ય) : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકારણી. પિતા ફૂલસિંહ, માતા રામબા. સામાન્ય પારિવારિક સ્થિતિ અને પ્રતિકૂળ સંજોગો છતાં અભ્યાસના ઉત્સાહને કારણે તેમણે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી તેમજ કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી સનદ મેળવી.

માધવસિંહ સોલંકી

તેમણે કારકિર્દીના પ્રારંભે પત્રકાર બનવાનું પસંદ કર્યું. ટૂંકા ગાળા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પ્રકાશન અધિકારી પણ રહ્યા હતા. ત્યાર બાદ લૉ કૉલેજમાં વ્યાખ્યાતા બન્યા અને હાઈકોર્ટમાં વકીલાત કરી. ઘડતરકાળમાં વિવિધ વિષયોમાં રસ-રુચિ કેળવ્યાં. લેખનશક્તિ વિકસાવવા સાથે, વ્યાપક મિત્રવર્તુળ રચવા સાથે તેઓ લોકપ્રિય પણ બન્યા.

1957માં બોરસદ તાલુકામાંથી ચૂંટાઈને મુંબઈ રાજ્યની વિધાનસભામાં પ્રવેશવા સાથે તેમની રાજકીય કારકિર્દીનો આરંભ થયો. 1962થી 1967 દરમિયાન ગુજરાત રાજ્યનાં વિવિધ પ્રધાનમંડળોમાં નાયબ પ્રધાન તરીકે ગૃહ, કાયદો અને ન્યાય, મહેસૂલ, આયોજન, વનવિભાગ વગેરે વિભાગોની કામગીરી સંભાળી. 1973માં ઘનશ્યામ ઓઝા મંત્રીમંડળમાં તેઓ મહેસૂલમંત્રી રહ્યા. 1975–1976 અને 1977થી 1980ના ગાળામાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા. 1975માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. ડિસેમ્બર 1976થી એપ્રિલ 1977 દરમિયાન તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. ફરી જૂન 1980થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. શ્રીમતી ઇન્દિરા ગાંધીના તેઓ ભારે વિશ્વાસુ રાજકીય સાથી હતા.

માર્ચ, 1985માં તેઓ ત્રીજી વાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા, પણ તેમનો શાસનકાળ અલ્પજીવી નીવડ્યો. આ સમયગાળામાં અનામત આંદોલન ઉગ્ર બન્યું. હિંદુ, મુસ્લિમ, હરિજનો અને અન્ય વર્ગના લોકો વચ્ચે કોમી રમખાણો ચાલ્યાં અને હીન કક્ષાના અકલ્પનીય અને અમાનવીય બનાવો બનતાં લોકલાગણી સમક્ષ કેન્દ્ર સરકાર ઝૂકી અને માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રીના પદેથી દૂર કરવા તેમનું રાજીનામું માગવામાં આવ્યું અને તેમને સત્તાત્યાગની ફરજ પડી.

ઑક્ટોબર 1989માં તેઓ ચોથી વાર મુખ્યમંત્રી બન્યા. જોકે 13 ડિસેમ્બર 1989ના રોજ વિધાનસભાની સમયમર્યાદા પૂરી થતી હોવાથી ત્રણ મહિના બાદ તેમણે આ પદ છોડ્યું. ફેબ્રુઆરી, 1990ની ચૂંટણીમાં તેઓ આઠમી વખત વિધાનસભ્ય ચૂંટાયા. કેન્દ્રના રાજીવ ગાંધી મંત્રીમંડળમાં તેમને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ વિવાદાસ્પદ બૉફોર્સકાંડમાં તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું અને 2000ની સાલથી તેઓ સક્રિય રાજકારણથી દૂર ગયા.

તેમણે ગુજરાતની કોતર જમીનની સુધારણા બોર્ડના તેમજ રાજ્ય મત્સ્યોદ્યોગ બોર્ડના અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની ખોરાક અને ખેતીવિષયક સંસ્થા(FAO)ની ભારતીય શાખાના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીની સૅનેટ અને સિન્ડિકેટના સભ્ય તરીકે સેવાઓ આપવા ઉપરાંત તેમણે અભ્યાસપૂર્ણ લેખો લખ્યા છે. કોમનવેલ્થ પાર્લમેન્ટરી કૉન્ફરન્સ અને પશ્ચિમી સંસદીય સંસ્થાઓના અભ્યાસ માટે બ્રિટન અને પછી યુરોપનો પ્રવાસ ખેડ્યો હતો. તેમના 1980–1984ના મુખ્યમંત્રીકાળ દરમિયાન ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અસાધારણ રહી અને ગુજરાત ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે આઠમા સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યું હતું. સરદાર સરોવર માટે વિશ્વબૅન્કની 5 કરોડની લોન મેળવી આ યોજનાના વિકાસને વેગ આપવામાં તેઓ નિમિત્ત બન્યા હતા. રાજ્યમાં મફત કન્યાકેળવણી અને પ્રાથમિક શાળાઓમાં મફત મધ્યાહન-ભોજન યોજના તેમના શાસનકાળ દરમિયાન આરંભ પામેલી.

રાજકીય જીવનની આ સમગ્ર કારકિર્દી દરમિયાન ભારે ચઢાવ-ઉતારનો તેમણે સામનો કર્યો. 1981થી 1984 દરમિયાન રાજકીય રીતે તેઓ ખૂબ ચર્ચાસ્પદ રહ્યા. આમ છતાં તેઓ પરિસ્થિતિઓ સામે ઝૂઝ્યા અને સફળતાપૂર્વક આગળ વધ્યા. શેરો-શાયરી અને સાહિત્ય પ્રત્યેના લગાવને કારણે સાહિત્યશોખીન મિત્રો સાથે તેઓ નિખાલસ બની કામ કરી શકતા. સુંદર મરોડદાર અક્ષરો માટે તેઓ જાણીતા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત બંગાળી ભાષાના તેઓ જાણકાર છે. વિવિધ વિષયોના વાચનમાં તેઓ રસ ધરાવે છે. ગાંધીનગર ખાતે તેઓ સક્રિય નિવૃત્ત જીવન વ્યતીત કરી રહ્યા છે.

હસમુખ પંડ્યા