સોરેલ, જ્યૉર્જ (. 22 નવેમ્બર 1847, ચેરબર્ગ, ફ્રાન્સ; . 30 ઑગસ્ટ 1922, Boulongnesur, સેઇન, પૅરિસ) : ફ્રેન્ચ સમાજવાદી ચિંતક, ક્રાંતિકારી સિન્ડિકાલિસ્ટ. મધ્યમવર્ગીય કુટુંબના આ સંતાન સિવિલ એન્જિનિયર હતા. ફ્રેન્ચ સરકારના પુલો અને માર્ગો બાંધવાના વિભાગમાં તેઓ કામગીરી બજાવતા હતા. 1870-1892 સુધી તેમણે આ વ્યાવસાયિક કામગીરી કરી હતી; પરંતુ વ્યાવસાયિક કામગીરીના છેલ્લા દસકામાં ચિંતન અને સામાજિક સિદ્ધાંતોમાં વિશેષ રુચિ પેદા થતાં તેઓ તેના અભ્યાસમાં ઊંડા ઊતર્યા.

જ્યૉર્જ સોરેલ

નિવૃત્તિ પછી તુરતના જ વર્ષે માર્કસવાદનું નિજી અર્થઘટન કર્યું અને એ અંગેનો વિશ્લેષણાત્મક નિબંધ 1893માં પ્રકાશિત થયો ત્યારે તે તેમનું મૌલિક અને મૂલ્યવાન પ્રદાન લેખાયું. માર્કસ, પ્રુધોન અને નિત્શેનાં લખાણોથી તેઓ પ્રભાવિત હતા. 20મી સદીના આરંભે સમાજવાદની સ્થાપના માટે લોકશાહી અને બંધારણવાદના માર્ગોની ભલામણ કરનાર નેતાઓનો તેઓ પ્રખર વિરોધ કરતા. યુરોપીય સમાજવાદની બૌદ્ધિક પરંપરાઓથી અલગ પડીને સોરેલ માનતા કે માનવસ્વભાવ મૂળભૂત રીતે સારો નથી, આથી સંતોષકારક સમાજવ્યવસ્થા આપમેળે વિકસવાની નથી; પરંતુ ક્રાંતિકારી પગલાં ભરીને તેવી સમાજવ્યવસ્થાની રચના થઈ શકે. 1909 પછી સોરેલના આ વિચારોનું ભ્રમ-નિરસન થયું અને તેઓ અન્ય વિચારધારાઓ (કંઈક અંશે રાજાશાહીવાદી લડતો) તરફ ગતિશીલ બન્યા.

‘રિફ્લેક્શન્સ ઑન વાયોલન્સ’ (1906) તેમનું ઉત્તમ સર્જન છે. ‘ધ સોશ્યાલિસ્ટ ફ્યૂચર ઑવ્ ધ સિન્ડિકાલિસ્ટ્સ’ (1898) અને ‘ઇલ્યુઝન્સ ઑવ્ પ્રોગ્રેસ’ (1908) તેમના જાણીતા ગ્રંથો છે. સમાજવાદ ઉપરાંત બાઇબલ, ઍરિસ્ટોટલ અને રોમના પતન જેવા વિવિધ વિષયો પર પણ તેમણે ગ્રંથોની રચના કરી હતી.

રક્ષા મ. વ્યાસ