સોરાયાસિસ (psoriasis) : ખૂજલી અને પોપડીવાળી ચકતીઓ (plaques) કરતો ચામડીનો અને ક્યારેક સાંધાઓને અસર કરતો એક રોગ. વધુ પડતી ચામડીના ઉત્પાદન અને શોથ-(inflammation)ને કારણે પોપડીઓ વળતી ચકતીઓ થાય છે. તે ચાંદી જેવી સફેદ હોય છે. મોટેભાગે કોણી તથા ઢીંચણ પર થાય છે, પરંતુ તે અન્ય સ્થળે  શીર્ષ ચર્મ (scalp) તથા જનનાંગો પર પણ થાય છે. તે ચેપી નથી. તે પ્રતિરક્ષાવિકારને કારણે ઉદભવે છે એવું મનાય છે. ઈ. સ. 1841માં વિયેતનામના ફર્ડિનાન્ડ ફોન હેબર્ટ નામના ચર્મરોગવિદે તેને કુષ્ઠરોગથી અલગ પાડીને ગ્રીક શબ્દ સોરા (psora) એટલે કે ‘ખૂજલી’ પરથી સોરાયાસિસ નામે પ્રસ્થાપિત કર્યો. તેથી તેને કંડુરિકા (psoriasis) પણ કહી શકાય. તે દસમા આંતરરાષ્ટ્રીય રોગોના વર્ગીકરણ(ICD–10)માં L40 વિભાગમાં આપેલો છે.

સોરાયાસિસ

તે લાંબો સમય ચાલતો અને વારંવાર થતો, ચામડી પરની ચકતીઓવાળો રોગ છે, જે નખને પણ અસરગ્રસ્ત કરે છે અને તેમની દુ:ક્ષીણતા (dystrophy) સર્જે છે. આશરે 10 %થી 15 % દર્દીઓના સાંધામાં પીડાકારક સોજાનો વિકાર થાય છે. તેને કંડુરિકા સંધિશોથ (psoriatic arthritis) કહે છે. તે થવાનું કારણ હજુ સુધી જાણમાં આવ્યું નથી; પરંતુ તે જનીનીય (genetic) હોવાની સંભાવના છે. માનસિક તણાવ તથા વધુ પડતા દારૂના સેવનથી તે ઊથલો મારે છે. તેમને ખિન્નતા તથા આત્મસન્માનની ઊણપ થઈ આવે છે. મુખ્ય સમસ્યા જીવનની ગુણવત્તાની છે.

કારણવિદ્યા (aetiology) અને વસ્તીરોગવિદ્યા (epidermiology) : તે પુરુષ-સ્ત્રી બંનેને કોઈ પણ ઉંમરે થાય છે, પરંતુ મોટેભાગે 15થી 25 વર્ષે શરૂ થાય છે. પશ્ચિમી દેશોમાં તેનું વસ્તીપ્રમાણ (prevalence) 2થી 3 % છે. જેમાંથી 35 %ને મધ્યમથી તીવ્ર પ્રકારનો રોગ હોય છે. આશરે ત્રીજા ભાગના દર્દીઓના કુટુંબમાં તે જોવા મળે છે. એકફલિતાંડી (monozygotic) જોડકાંમાં જો એકને તે થાય તો બીજાને તે થવાની સંભાવના 70 % છે. જ્યારે દ્વિફલિતાંડી (dizygotic) જોડકાંમાં તે 20 %ના દરે થાય છે. 40 વર્ષથી નાની ઉંમરે થતો રોગ વધુ તીવ્ર અને વારંવાર ઊથલો મારનારો હોય છે.

આ રોગ થવા માટે 2 પ્રકારનાં વિચારસૂત્રો (theories) છે. એક મત પ્રમાણે તે ચામડીના અધિત્વક્ (epidermis) નામના પડના શૃંગિનકોષો(keratinocytes)ની અતિવૃદ્ધિ અને સંખ્યાવૃદ્ધિને કારણે થાય છે. બીજા મતે તે એક પ્રકારનો પ્રતિરક્ષા (immunity) સાથે સંબંધિત વિકાર છે, જેમાં ચામડીના કોષોની સંખ્યાવૃદ્ધિ થાય છે. આ મતના સમર્થનમાં T-પ્રકારના લસિકાકોષોની સક્રિયતા, ત્વચામાં તેમનો ભરાવો, તેમના દ્વારા અર્બુદ કોશનાશી ઘટક આલ્ફા–1 (tumour necrosis factor – α1) નામના કોષગતિક (cytokine) દ્રવ્યનું કોષોમાંથી મુક્ત થવું વગેરે થાય છે, જે ચામડીના કોષોની સંખ્યાવૃદ્ધિ કરે છે. જોકે આ વિચારસૂત્ર હજુ સાબિત થયું નથી. રોગનાં લક્ષણો અને ચિહનો થઈ આવે તે માટેનાં કાર્યરત પરિબળો સંપૂર્ણ જાણમાં નથી. માનસિક કે શારીરિક તણાવ, ચામડીને ઈજા કે સ્ટ્રૅપ્ટોકોકલ જીવાણુઓનો ચેપ ઘણી વખતે આ રોગના પ્રથમ હુમલા વખતે હોય છે. ચેપ, તણાવ અને વાતાવરણમાં ફેરફાર ઘણી વખતે રોગનો હુમલો લાવે છે. અતિશય મદ્યપાન, ધૂમ્રપાન અને મેદસ્વીતા રોગને વધારે છે તથા સારવારમાં અડચણ ઊભી કરે છે.

પ્રકારો : ચકતીદાર કંડુરિકા (plaque psoriasis) સૌથી વધુ જોવા મળે છે (80 %થી 90 %). તેમાં પોપડીવાળી સફેદ ચાંદી જેવી ઊપસેલી ચામડીના વિસ્તારો થાય છે. બગલ, સ્તન, જનનાંગો તથા જાડી વ્યક્તિમાં પેટની ગડીઓમાં એકબીજા સાથે ઘસાતી ચામડીમાં સપાટ શોથજન્ય ચકતીઓ થાય તો તેને ચર્મગડીગત કંડુરિકા (flexural psoriasis) કહે છે. તે ભેજ અને ઘર્ષણથી વધે છે અને તેમાં ક્યારેક ફૂગનો ચેપ લાગે છે. ક્યારેક ગળામાં સ્ટ્રૅપ્ટોકોકલ જીવાણુથી ચેપ લાગે ત્યારે ચામડી પર નાના લંબગોળ ત્વક્-ડાઘવાળો સ્ફોટ થાય છે. તેમાં ચામડી પર આંસુના બિંદુ જેવા નાના, અંડાકાર ડાઘા થઈ આવે છે. તે હાથપગ, ધડ અને શીર્ષચર્મ (scalp) પર જોવા મળે છે. તેને બિન્દુક કંડુરિકા (guttete psoriasis) કહે છે. ક્યારેક ચેપરહિત પરુવાળી ફોલ્લીઓ જેવો સ્ફોટ જોવા મળે છે. સામાન્ય રીતે હથેળી અને પાદતલ(sole)માં જોવા મળે છે. તેને પૂયિકામય કંડુરિકા (pustular psoriasis) કહે છે. તેને હસ્તપાદતલીય પૂયિકાવિકાર (palmoplantar pustulosis) પણ કહે છે. હાથપગના નખમાં કંડુરિકા થાય ત્યારે નખમાં ખાડા પડે છે, નખ પર રેખાઓ પડે છે, તેની નીચેની ચામડી જાડી થાય છે તથા નખ ઢીલા પડે છે.

કંડુરિકા સંધિશોથ(psoriatic arthrits)માં સાંધા અને સંયોજીપેશી(connective tissue)માં પીડાકારક સોજો (શોથ, inflammation) થાય છે. સામાન્ય રીતે આંગળીઓના નાના સાંધા અસરગ્રસ્ત થાય છે. તેથી વેઢાના સાંધા ફૂલે છે. ક્યારેક કેડ, ઢીંચણ અને કરોડસ્તંભના સાંધા પણ અસરગ્રસ્ત થાય છે.

આરક્તચર્મી કંડુરિકા (erythrodermic psoriasis) નામના વિકારમાં વ્યાપકપણે શોથ અને પોપડી ખરવાનો વિકાર થાય છે. તેમાં તીવ્ર ખૂજલી, સોજો અને પીડા થાય છે. આવું સારવાર અચાનક બંધ કરવાથી થાય છે.

નિદાન : ચામડીનો દેખાવ નિદાનસૂચક હોય છે. ક્યારેક અસરગ્રસ્ત ચામડીનો નાનો ટુકડો કાપીને તેને સૂક્ષ્મદર્શક વડે તપાસાય છે. આવું પેશીપરીક્ષણ (biopsy) તેને બીજા સંભવિત રોગોથી અલગ પાડી શકે છે. સોરાયાસિસ હોય તો ચામડીના પેશીપરીક્ષણમાં એકબીજા સાથે જોડાયેલી નળાકાર પ્રવર્ધિકાઓની જાળી (clubbed rete pegs) જોવા મળે છે.

શરીરની કેટલી સપાટી અસરગ્રસ્ત છે તેને આધારે તેની તીવ્રતા નક્કી કરાય છે. જો 3 %થી ઓછો ભાગ અસરગ્રસ્ત હોય તો તે મંદ વિકાર, 3 %થી 10 % હોય તો મધ્યમ વિકાર અને તેથી વધુ હોય તો તેને તીવ્ર વિકાર કહે છે. શરીરની બાહ્ય સપાટીના વિસ્તાર ઉપરાંત ચકતીઓની જાડાઈ, લાલાશ અને પોપડી વળવાના દર દ્વારા જાણવા મળતી વિકારશીલતા (disease activity), સારવારને મળતો પ્રતિભાવ તથા રોગની દર્દી પરની અસર વગેરે વિવિધ બાબતોને આધારે પણ રોગની તીવ્રતા નક્કી કરાય છે. હાલ તે માટે કંડુરિકા વિસ્તાર તીવ્રતાંક (psoriasis area severity index, PASI) ગણી કાઢીને તીવ્રતા નક્કી કરાય છે. તેમાં દોષવિસ્તારો(lesions)ની તીવ્રતા અને શરીરની અસરગ્રસ્ત સપાટીને ધ્યાનમાં લઈને 0થી 72ના ક્રમાંક વ્યાપ(ગાળા)માં PASI ગણી કઢાય છે. તેમાં 0 રોગની ગેરહાજરી સૂચવે છે અને 72 મહત્તમ રોગ સૂચવે છે.

જીવનની ગુણવત્તા (જૈવનિક ગુણવત્તા) : ખિન્નતા (depression), હૃદયરોગનો હુમલો, લોહીનું ઊંચું દબાણ, હૃદયની દીર્ઘકાલી નિષ્ફળતા (chronic heart failure) કે મધુપ્રમેહ પ્રકાર–2 જેવા અન્ય લાંબા સમયના રોગો જેવી જૈવનિક ગુણવત્તા જોવા મળે છે. રોગની તીવ્રતાને જીવનની ગુણવત્તા (જૈવનિક ગુણવત્તા) સાથે સીધો સંબંધ છે. ખૂજલી અને દુખાવાને કારણે ક્યારેક જાતસંભાળ, ચાલવું, ઊંઘ વગેરે અસરગ્રસ્ત થાય છે. શરીર પરના દોષવિસ્તારો (પોપડી વળતી ચકતીઓ) વ્યક્તિને તેના વ્યવસાય, રમતગમત, કુટુંબની સંભાળ કે ઘરની સંભાળ જેવી બાબતોથી દૂર કરે છે. વારંવાર લેવી પડતી સારવાર મોંઘી પડે છે તથા તે નોકરી-વ્યવસાય-ધંધો કે શાળા-શિક્ષણમાં વિઘ્ન નાંખે છે. સમાજ તેમના દેખાવને કારણે તેમનો અસ્વીકાર કરશે તેવી ભાવના તેમને પોતાના દેખાવ માટે વધુ પડતા સભાન કરે છે. માનસિક દુસ્ત્રસ્તતા (distress) ક્યારેક તેમને સામાજિક એકલતા અને ખિન્નતા(depression)માં લઈ જાય છે.

સારવાર : સારવારના મુખ્ય 3 પ્રકાર છે : (1) સ્થાનિક સારવાર, (2) પ્રકાશ-ચિકિત્સા (phototherapy) અને (3) આંતરિક (systemic) સારવાર. સ્થાનિક સારવારમાં કોર્ટિકોસ્ટીરૉઇડ, કેલ્સિપોટ્રાયોલ, એન્થ્રાસીન અને કોલટારના દોષવિસ્તાર (lesion) પર લગાડવાના મલમનો સમાવેશ થાય છે. પારજાંબલી-બી (ultraviolet–B) તરંગો અથવા સોરાલેન (psoralen) અને પારજાંબલી–એ (ultraviolet–A, UVA) તરંગોની સહચિકિત્સા (જેને PUVA પણ કહે છે) વડે પ્રકાશ-ચિકિત્સા કરાય છે. ત્રીજા પ્રકારની સારવારમાં મિથોટ્રેક્ઝેટ, રેટિનોઇડ્ઝ વગેરે જેવાં ઔષધો પણ વપરાય છે. આ ત્રણેય સારવારપદ્ધતિઓની અસરકારકતા તથા ઝેરી અસર ક્રમશ: વધે છે અને તેથી જેટલો વધુ તીવ્ર રોગ કે જેટલા પ્રમાણમાં પ્રારંભિક સારવારની નિષ્ફળતા તેટલા પ્રમાણમાં બીજી કે ત્રીજી સારવારપદ્ધતિનો વધુ ઉપયોગ એવું જોવા મળે છે. ક્યારેક જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી સારવારથી લાભ મેળવે છે; તેથી ક્યારેક તબીબો ‘પ્રયોગ અને પરિણામ’(trial and error)ના ધોરણે સારવારપદ્ધતિની પસંદગી કરે છે. આ સાથે દોષવિસ્તારોના પ્રકાર, સ્થાન, વિસ્તાર અને તીવ્રતા તેમજ દર્દીની ઉંમર, લિંગ, જૈવનિક ગુણવત્તા, સહબીમારીઓ વગેરેને ધ્યાનમાં રાખીને સારવારપદ્ધતિ નક્કી કરાય છે. રોગની તીવ્રતા અને આડઅસરોની સંભાવનાને ધોરણે ત્રણેય સારવારપદ્ધતિઓ એક પ્રકારે ક્રમશ: પગથિયાં બનીને સારવારની સીડી બનાવે છે. સામાન્ય રીતે સ્થાનિક સારવારથી શરૂઆત કરીને હઠીલા અને વધુ તીવ્ર રોગો માટે અનુક્રમે પ્રકાશ-ચિકિત્સા અને આંતરિક ઔષધચિકિત્સા વપરાય છે. લાંબા વપરાશે દવાઓની અસર ઘટે છે. તેને કારણે તથા તેમની આડઅસરો નિવારવા માટે પણ સારવારપદ્ધતિઓને ક્રમિક ધોરણે બદલવામાં આવે છે.

સ્થાનિક સારવાર રૂપે સ્નાન, પ્રવાહીઓ અને આર્દ્રકો (moisturisers) ચામડીની શુષ્કતા ઘટાડે છે અને તકલીફનું શમન કરે છે. કોલટાર, ડિથ્રેનૉલ (એન્થ્રાસીન), કોર્ટિકોસ્ટીરૉઇડ, વિટામિન-ડી3નો સહધર્મી (કેલ્સિપોટ્રાયોલ) અને રેટિનોઇડ્ઝવાળા મલમો (ointments) અને તૈલમલમો(creams)નો ઘણો વપરાશ રહે છે. જોકે આ પદ્ધતિની કેટલીક તકલીફો પણ છે; જેમ કે, ઘણો સમય માંગે છે, ડાઘા કરે છે, ક્યારેક સ્થાનિક બળતરા થાય છે અને ક્યારેક ચહેરા જેવા ભાગ પર લગાવવાથી ક્ષોભ સર્જે છે. કોર્ટિકોસ્ટીરૉઇડનો મલમ લગાડવાનું એકદમ બંધ કરવાથી રોગ વધુ તીવ્ર હુમલો મારવાની સંભાવના રહે છે. ભારતમાં આયુર્વેદની ઔષધિ સાથેનો એક તૈલમલમ સૌંદર્યરક્ષક (સૌંદર્યવર્ધક) (cosmetic) લાગણી પણ સર્જે છે. જોકે તેને વૈજ્ઞાનિક અનુમતિની જરૂર રહેલી છે. કેટલીક સ્થાનિક સારવાર પ્રકાશ-ચિકિત્સાના ભાગ રૂપે ઉપયોગી છે.

પ્રકાશ-ચિકિત્સા રૂપે રોજ, નિયમિતપણે, થોડા સમય માટેનો સૂર્યપ્રકાશ લાભકારક છે. આ લાભ તેમાં રહેલા પારજાંબલી (ultraviolet, UV) કિરણોને કારણે છે. UV કિરણો 3 પ્રકારનાં છે – UVA (380થી 315 નૅનોમિટર), UVB (315થી 280 નૅનોમિટર) અને UVC (280થી ઓછી નૅનોમિટર તરંગલંબાઈ). UVB તરંગો અધિત્વચામાં અવશોષાય છે અને તે સોરાયાસિસમાં લાભકારક છે. તેનો થોડાંક અઠવાડિયાં થોડાક-થોડાક સમય માટેનો સંસર્ગ સારવાર માટે ઉપયોગી છે. તેની સાથે સ્થાનિક મલમો વાપરવાથી લાભ થાય છે.

UVA અને સોરાલેન(psoralen)ની સહચિકિત્સાને PUVA અથવા પ્રકાશ-રસાયણી ચિકિત્સા (photochemotherapy) કહે છે. સોરાલેન મોં વાટે કે સ્થાનિક મલમ રૂપે વપરાય છે. PUVAની સારવાર વખતે આંખોના રક્ષણ માટે કાળાં ચશ્માં પહેરવા જરૂરી ગણાય છે. તેથી ક્યારેક ઊબકા, માથાનો દુખાવો, થાક, બળતરા, ખૂજલી વગેરે થાય છે. તેના લાંબા વપરાશથી લાદીસમ કોષીય કૅન્સર (squmous cell carcinoma) કે કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) નામનાં ચામડીનાં કૅન્સર થાય છે.

દવાની ગોળીઓ અને ઇન્જેક્શનો વડે શરીરની અંદર ઔષધ આપીને સારવાર કરાય તો તેને આંતરિક ઔષધચિકિત્સા (systemic therapy) કહે છે. તે સમયે વારંવાર લોહી વગેરેની ચકાસણી કરવી જરૂરી રહે છે. સગર્ભાવસ્થા ન થાય તે જોવાય છે. ઘણા દર્દીઓને સારવાર બંધ કરવાથી ઊથલો મારે છે. મુખ્યત્વે 3 પ્રકારની દવાઓ વપરાય છે – મિથોટ્રેક્ઝેટ, સાઇક્લોસ્પોરિન અને વિટામિન-એનાં સંશ્લેષિત (synthetic) સ્વરૂપો, જેને રેટિનોઇડ્ઝ પણ કહે છે. આ ઉપરાંત ટાયોગ્વેલિન, હાઇડ્રોક્સિયુરિયા, સલ્ફાસેલેઝિન, માયકોફિનોલેટ મોડ્રેટિલ, એઝાથાયોપ્રિન અને મુખમાર્ગી ટેક્રોલિમસ જેવાં શાસ્ત્રીય અનુમતિ વગરનાં પણ અસરકારકતા દર્શાવતાં ઔષધો પણ વપરાશમાં છે. જર્મનીમાં છેલ્લાં 20 વર્ષોથી ફ્યુમેરિક ઍસિડના ઇસ્ટર વપરાય છે. આ ઉપરાંત ઉત્પાદિત નત્રલો (manufactured proteins), જેમને જૈવશાસ્ત્રીય ઔષધો (biologics) કહે છે તે પણ વપરાય છે. જો કે તે હજુ નવાંસવાં છે અને તેમની લાંબા સમયની અસરો-આડઅસરોના અભ્યાસો પૂરા થયેલા નથી.

અન્ય સારવારપદ્ધતિઓ પણ વપરાશમાં છે; જેમ કે, મૃત સમુદ્ર(dead sea)નું વાતાવરણ, તુર્કીના ઘર બહારના ‘સ્પા’ના તળાવોમાંની સોરાયાસિસની જ ચકતીઓ ખાતી માછલીઓ, આરોગ્યપ્રદ જીવનશૈલીની સૂચનાઓ, સૂર્ય અને સમુદ્રસ્નાન, માનસોપચાર (psychotherapy), એપ્સમનો ક્ષાર, લીમડાનું તેલ, યોગાસનો અને ધ્યાન, સલ્ફર, ડુંગળી, મૂત્રચિકિત્સા, વીર્ય, ફાઉલરનું દ્રાવણ (આર્સેનિકયુક્ત) વગેરે. પરંતુ આ પદ્ધતિઓ જોખમી અને આધારવિહોણી છે.

હાલ પ્રતિરક્ષાનું નિયમન કરતા લક્ષ્યવેધી (targetting) ઔષધો અંગે સંશોધન ચાલી રહ્યું છે.

શિલીન નં. શુક્લ