સોરોકિન મિતિરિમ એ. (. 1899; . 1968) : મૂળ રશિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા સમાજશાસ્ત્રી. સોરોકિનનો જન્મ ઉત્તર રશિયાના એક નાના ગામડામાં થયો હતો. પૂર્વજોનો વ્યવસાય ખેતીનો હતો. પિતા શ્રમજીવી હતા. ત્રણ વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયા પછી માસીને ત્યાં ઊછર્યા. વીસ વર્ષે ઝાર સામેની ક્રાંતિમાં ઝંપલાવ્યું. સ્વાધ્યાયનાં પચાસ વર્ષના ગાળામાં તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિના અધ્યયનમાં નિષ્ણાત થયા. લેનીન સામેના કાવતરાના આરોપથી 1922માં દેશનિકાલ થયા. ચેકોસ્લોવેકિયા થઈ અમેરિકામાં સ્થાયી થયા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં 1930થી 1958 સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક અને પ્રમુખ રહ્યા. એમના ઘણા શિષ્યો નામાંકિત સમાજશાસ્ત્રી બન્યા છે. એમણે એકાત્મવાદનો (integral) સમાજશાસ્ત્રીય સિદ્ધાંત આપ્યો છે. સમાજશાસ્ત્રના નવા અને જૂના સિદ્ધાંતોની સમીક્ષા કરતા બે ગ્રંથો લખવા ઉપરાંત સેંકડો લેખો અને ઘણાં પુસ્તકો આપ્યાં છે. જેનાં ભાષાંતર વિશ્વની અનેક ભાષાઓમાં થયાં છે.

હ. રા. ત્રિવેદી