સોરાબજી સોલી જહાંગીર

January, 2009

સોરાબજી, સોલી જહાંગીર (. 9 માર્ચ 1930, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી અને દેશના પૂર્વ ઍટર્ની-જનરલ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ. તથા એલએલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી 1953માં તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી અને તરત જ એક અગ્રણી ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી. શરૂઆતમાં 1953–1970 દરમિયાન મુંબઈની વડી અદાલતમાં કામ કર્યા પછી 1971માં ભારતની સર્વોચ્ચ અદાલતમાં વકીલાત શરૂ કરી. 1977માં ભારતના વધારાના સૉલિસિટર-જનરલના પદ પર તેઓ નિમાયા (1977–1979) અને 1979–1980ના ગાળામાં સૉલિસિટર-જનરલના પદ પર કામ કર્યું. 1989માં વી. પી. સિંગના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં રચાયેલી સરકારના કાર્યકાળ દરમિયાન તેઓ પ્રથમ વાર દેશના ઍટર્ની-જનરલ બન્યા (1989–1990). ત્યાર બાદ 1998માં કેન્દ્રમાં અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય લોકશાહી મોરચા(NDA)ની સરકાર સત્તા પર આવી ત્યારે 7 એપ્રિલ, 1998થી મે, 2005 સુધી તેમણે બીજી વાર દેશના ઍટર્ની-જનરલનું પદ શોભાવ્યું.

સોલી જહાંગીર સોરાબજી

હવે (મે, 2005થી) તેઓ દેશની સર્વોચ્ચ અદાલતમાં કાયદાની પ્રૅક્ટિસ કરી રહ્યા છે. ઍટર્ની-જનરલના પદ પર બીજી વાર તેઓ કાર્ય કરી રહ્યા હતા ત્યારે ‘બૉફોર્સ કૌભાંડ’નું અંતિમ નિરાકરણ, કેન્દ્ર સરકાર હસ્તકની તપાસ-એજન્સીઓમાં કુશળ અને કાર્યક્ષમ અધિકારીઓની નિમણૂક, કેન્દ્રીય તપાસ બ્યૂરો(CBI)ની સ્વાયત્તતાને બહાલી તથા દેશના બંધારણમાં 1950 પછીના ગાળામાં ઉજાગર થયેલ ક્ષતિઓનું નિરાકરણ – આ તેમની મુખ્ય પ્રાથમિકતા રહી છે. કાયદાપંડિત હોવા ઉપરાંત જાહેર જીવનમાં એક સ્વચ્છ છબી ધરાવતા નાગરિક તરીકે દેશવિદેશમાં તેમની નામના રહી છે.

દેશના સૉલિસિટર-જનરલ અને ઍટર્ની-જનરલનાં પદો ઉપરાંત તેમણે તેમની વર્ષ 2006 સુધીની કારકિર્દી દરમિયાન બીજાં ઘણાં મહત્વનાં પદો પર કામ કર્યું છે; જેમાં ‘માઇનૉરિટી રાઇટ્સ ગ્રૂપ ઑવ્ ઇન્ડિયાના કન્વીનર, ભારતના વકીલ મંડળ(બાર ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયા)ના વાઇસ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રસંઘના નેજા હેઠળ સપ્ટેમ્બર, 1978માં જિનીવા ખાતે આયોજિત ‘પ્રમોશન ઍન્ડ પ્રોટેક્શન ઑવ્ હ્યુમન રાઇટ્સ’ પરના પરિસંવાદના ચૅરમૅન તથા ભારતીય શિષ્ટ મંડળના નેતા, કાઉન્સિલ ઑવ્ કૉમનવેલ્થ લૉ ઍસોસિયેશનમાં ભારતના પ્રતિનિધિ, ઇન્ટરનૅશનલ લીગ ફૉર હ્યુમન રાઇટ્સના ટ્રસ્ટી મંડળના સભ્ય, ભારત–પાકિસ્તાન ફ્રેન્ડશિપ સોસાયટીના સ્થાપક સભ્ય વગેરેનો સમાવેશ થાય છે.

તેમણે લખેલા ગ્રંથોમાં મુખ્યત્વે ‘ધ લૉ ઑવ્ ધ પ્રેસ સેન્સરશિપ ઇન ઇન્ડિયા’, ‘ધી ઇમરજન્સી સેન્સરશિપ ઍન્ડ ધ પ્રેસ ઇન ઇન્ડિયા’ (1975–1977); ‘ચૅપ્ટર ઑન ફન્ડામેન્ટલ રાઇટ્સ ઇન પબ્લિક લૉ ઑવ્ ઇન્ડિયા (1979)’; ‘ચૅપ્ટર ઑન ધ કૉન્સ્ટિટ્યૂશન ઍન્ડ ધ ગવર્નર’; ‘સેજ ઑર સૅબોટીઅર’ (1985); ‘ઇક્વાલિટી ઇન ધ યુ.એસ. ઍન્ડ ઇન્ડિયા’ (1989) વગેરેનો સમાવેશ થાય છે.

કાયદાશાસ્ત્રના ક્ષેત્રમાં તેમના વિચક્ષણ યોગદાન માટે તેમને રોમન લૉ ઍન્ડ જૂરિસ્પ્રૂડન્સમાં ‘કિનલૉક ફાર્બસ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે