સોમ : અગ્નિ અને ઇન્દ્ર પછી ત્રીજું સ્થાન ધરાવતા વૈદિક દેવતા. એની કલ્પના સ્વર્ગીય લતાનો રસ અને ચંદ્રમા સાથે કરવામાં આવી છે. આ રસ દેવતા અને મનુષ્ય બંને માટે સ્ફૂર્તિદાયક ગણાયો છે. વૈદિક સાહિત્યમાં સોમરસ તૈયાર કરવાની, યજ્ઞોમાં તેનો વિવિધ રીતે કરવાનો પ્રયોગ તેમજ દેવતાઓને એ સમર્પિત કરવાની વિધિનાં વિસ્તૃત વર્ણન મળે છે. ઇન્દ્ર અને વાયુને સહુથી અધિક સોમરસ પીનાર દેવતાઓ તરીકે નિરૂપાયા છે. પુરાણો અનુસાર દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સોમને પરણી હતી. સોમ રોહિણીને બાદ કરતાં બાકીની બધી પત્નીઓની ઉપેક્ષા કરતો હતો. તેથી દક્ષે તેને લુપ્ત થઈ જવાનો શાપ આપ્યો. આથી સોમ સમુદ્રમાં ચાલ્યો ગયો. આ શાપને કારણે બધું ક્ષીણ થવા લાગ્યું તો વિષ્ણુના કહેવાથી દેવ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું, જેથી સોમ પુનઃ પ્રગટ થયો.
પ્રવીણચંદ્ર પરીખ