સોબ્રાલ (Sobral) : ઈશાન બ્રાઝિલના સિયેરા રાજ્યના વાયવ્ય ભાગમાં અકૅરાવ નદીને કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 3° 35´ દ. અ. અને 40° 30´ પ. રે.. 1773માં તેને નગરનો અને 1841માં તેને શહેરનો દરજ્જો મળેલો છે. આ શહેર વેપાર-વાણિજ્ય, સુતરાઉ કાપડ અને કૃષિપેદાશોના પ્રક્રમણના મથક તરીકે જાણીતું બનેલું છે. અહીં રસાયણોનું ઉત્પાદન પણ લેવાય છે. રાજ્યના પાટનગર ફોર્તાલેઝા સાથે સોબ્રાલ રેલમાર્ગો તથા ધોરી માર્ગોથી જોડાયેલું છે. નજીકનાં રાજ્યો સાથે પણ માર્ગો દ્વારા તે સંકળાયેલું છે.

જાહનવી ભટ્ટ