સુબ્રાનપુર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 50´ ઉ. અ. અને 83° 55´ પૂ. રે.ની આજુબાજુનો 2,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં બારગઢ, ઈશાન તરફ સંબલપુર, પૂર્વમાં અંગૂલ અને ફૂલબની, દક્ષિણે ફૂલબની અને બાલાંગિર તથા પશ્ચિમે બાલાંગિર અને બારગઢ જિલ્લા આવેલા છે. આ જિલ્લો ‘પશ્ચિમ લંકા’ના નામથી પણ ઓળખાય છે. જિલ્લામથક જિલ્લાની દક્ષિણ સરહદે મહાનદી અને સુકતેલના સંગમ નજીક આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : કોઈ કોઈ જગાએ ઓછી ઊંચાઈવાળી છૂટીછવાઈ ટેકરીઓને બાદ કરતાં જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ નદી-ખીણોવાળા સમતળ પ્રદેશથી બનેલું છે. મહાનદી અહીંની મુખ્ય નદી છે, તેને જળપુરવઠો પૂરો પાડતી સહાયક નદીઓમાં તેલ, સુકતેલ, ઑંગ અને જિરાનો સમાવેશ થાય છે. ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી મહાનદી જિલ્લાના મધ્યભાગમાંથી પસાર થઈને પછીથી દક્ષિણ સીમા રચે છે.
સોનેપુર જિલ્લો
અહીંની જમીનો હલકી, પાતળા પડવાળી અને રેતાળ છે. જિલ્લામાંથી અબરખ, ગાર્નેટ, ગ્રૅફાઇટ, કેઓલિન તેમજ હલકા પ્રકારની મૃદ અને ક્યારેક માણેક જેવાં ખનિજો મળે છે.
ખેતી–પશુપાલન : આ જિલ્લામાં મુખ્યત્વે ધાન્યપાકોની ખેતી થાય છે. ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે. આ ઉપરાંત, ઘઉં, મગ, ચણા, મગફળી, એરંડા, તલ, કળથી, શેરડી, રાઈ, અળસી અને શાકભાજીનું પણ વાવેતર થાય છે. હીરાકુડ યોજનાની નહેરો દ્વારા થોડીક જમીનોને સિંચાઈનો લાભ મળે છે. ખેતી માટે તળાવોનાં પાણીનો પણ ઉપયોગ થાય છે.
ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ડુક્કર, ઘોડા અને ટટ્ટુ અહીંનાં પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંનાં સંવર્ધનકેન્દ્રો પણ આવેલાં છે. પશુદવાખાનાં તેમજ પશુસંવર્ધનકેન્દ્રો પણ છે. મહાનદીમાં, સહાયક નદીઓમાં તથા તળાવોમાં અમુક પ્રમાણમાં માછીમારી પણ થાય છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લો ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ રાજ્યમાં સૌથી પછાત ગણાય છે. કેટલાક લઘુઉદ્યોગો સરકાર હસ્તક છે, રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસનું આયોજન ચાલે છે. સોનેપુર ખાતે એક સ્પિનિંગ મિલ શરૂ થઈ છે. ઇન્ડસ્ટ્રિયલ પ્રમોશન ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑવ્ ઓરિસા લિ.ના સહયોગથી રાજ્ય સરકારે ડુંગરીપલીમાં ઉદ્યોગનો માહોલ વિકસે એવા ઘનિષ્ઠ પ્રયાસો ચાલુ કર્યા છે.
જિલ્લામાં નળિયાં, કબાટો, ગડાકુ, ટસર, રેસા, ચામડાનો સામાન, ચાંદીના અલંકારો અને કાંસાનાં વાસણોનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ડાંગર, ચોખા, મગ, માછલાં, નકશીવાળાં ધાતુનાં વાસણો, હાથવણાટનું કાપડ, ચાંદીના અલંકારોની જિલ્લા બહાર નિકાસ થાય છે; જ્યારે ઘઉં, ખાંડ, મીઠું, ચાંદી, તમાકુ અને ઇમારતી લાકડાંની આયાત કરવામાં આવે છે.
પરિવહન : આ જિલ્લામાંથી દક્ષિણ-પૂર્વ રેલવિભાગના માર્ગો પસાર થાય છે. તે પૈકી ઝારસુગુડા–સંબલપુર રેલમાર્ગ મુખ્ય છે. તે મુંબઈ–હાવરા રેલમાર્ગ સાથે સંકળાયેલો છે. સોનેપુર જિલ્લામથક હોવાથી તે તાલુકામથકો સાથે પાકા સડકમાર્ગોથી જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 2 અહીંથી પસાર થાય છે. મહાનદી પર ધોધ આવેલા હોઈ મહાનદી જળમાર્ગ તરીકે ખાસ ઉપયોગમાં લેવાતી નથી, પરંતુ તેલ નદીનો આંશિક ઉપયોગ થાય છે.
પ્રવાસન : (1) સુબ્રાનપુર : જિલ્લામથક. તે બાલાંગિરથી ઈશાનમાં 48 કિમી.ને અંતરે મહાનદી પર આવેલું છે. સુબ્રાનપુર નામ સુવર્ણપુર પરથી પડેલું જણાય છે. 10મી સદીમાં તે રાજધાની તરીકે સોમવંશી રાજાઓને હસ્તક હતું. નગરની મધ્યમાં તેના હાર્દ સમું સુવર્ણમેરુ મંદિર આવેલું છે. મહાનદીના પટમાં આવેલી એક ટેકરી પર દેવી લંકેશ્વરીની મૂર્તિ ધરાવતું મંદિર છે. અહીંના કોતરમાં જ્યાં નદીની ધારા પડે છે તેને લંકેશ્વરી ધારા કહે છે. અહીંનાં મંદિરોને દ્વાર હોતાં નથી, જે તાંત્રિક રહસ્યની સાક્ષી પૂરે છે.
(2) બિનિકા : મહાનદીને જમણે કાંઠે આવેલું નગર છે. સુબ્રાનપુરના અગાઉના શાસકોનું નિવાસી સ્થળ ગણાતું હતું. તેના અવશેષો અહીં જોવા મળે છે. નગરની દક્ષિણે 2 કિમી.ને અંતરે મધ્યયુગનાં તારાપુરગઢ કિલ્લાનાં ખંડિયેર જોવા મળે છે. દક્ષિણે કપિલેશ્વરના મંદિરના દર્શનાર્થે આવતા યાત્રીઓ પાપનાશિની ઘાટ પર સ્નાન કરીને પછી જ મંદિરમાં જાય છે. આ નગરમાં હાથવણાટનું કાપડ બનાવવાનું કામ પરંપરાથી ચાલ્યું આવે છે.
(3) ચંપામલ : બિરમહારાજપુર પોલીસમથક વિસ્તારમાં આવેલું સ્થળ છે. તે ગંજીફાનાં પત્તાં પરનાં ચિત્રો માટે જાણીતું છે. આ પાનાં માટેનાં માનવ અને પ્રાણીઓનાં ચિત્રો અહીં તૈયાર થાય છે. અહીનાં કેટલાંક કુટુંબો કાષ્ઠકોતરણી, પિત્તળ અને ચાંદીની મૂર્તિઓનું કામ કરે છે. ચંપેશ્વર મહાદેવ અહીંના સ્થાનિક ઇષ્ટદેવ છે. લોકો તેમની પૂર્ણ ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરે છે.
(4) કોત્સામલઈ : સુબ્રાનપુર દેશી રાજ્ય વખતનું જમીનદારીનું મુખ્ય મથક છે. મરાઠા સરદાર રઘુજી ભોંસલેનું અનુસરણ કરીને સુબ્રાનપુરના કોઈ એક રાજવીએ આ ગામમાં આશ્રય લીધેલો. આ ગામ નજીક 30 હાથ પહોળાઈવાળી એક લાંબી ગુફા (રાણીખોલ) આવેલી છે. તેમાં મુસ્લિમોના આક્રમણ સામે પુરીની બળભદ્ર, સુભદ્રા અને જગન્નાથની ત્રણે મૂર્તિઓને બચાવીને સંતાડી રાખેલી.
(5) વૈદ્યનાથ : સુબ્રાનપુરથી 16 કિમી.ને અંતરે તેલ નદી પર આવેલું સ્થળ છે. અહીં બે જૂનાં મંદિરો ભગ્નાવસ્થામાં જોવા મળે છે. આ પૈકીનું કોશલેશ્વરનું એક મંદિર ઈ. સ. 1300ના અરસામાં અનંગ ભીમદેવે બંધાવેલું.
જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે. સુબ્રાનપુર ખાતે શિવરાત્રિ, વાલીયાત્રા, રથયાત્રા અને દશેરાના તહેવારો રંગેચંગે ઊજવાય છે.
વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી 610183 જેટલી છે. પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 51 % અને 49 % જેટલું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 92 % અને 8 % જેટલું છે. જિલ્લામાં ઊડિયા અને હિન્દી ભાષાઓ તથા કુઈ, મુંડા જેવી બોલીઓનો ઉપયોગ થાય છે. સોનેપુર, બિનિકા (બિંકા), ચંપામલ, કોત્સામલઈ અને વૈદ્યનાથ અહીંનાં મહત્ત્વનાં શહેરો છે. જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. અહીં સુબ્રાનપુર ખાતે એક વિનયન–વાણિજ્ય કૉલેજ આવેલી છે. તાલુકામથકોમાં ચિકિત્સાલયો અને હૉસ્પિટલોની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સારવારકેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને બે ઉપવિભાગોમાં અને 4 તાલુકાઓમાં તેમજ 6 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં ત્રણ શહેરો, બે નગરો અને 959 ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : પ્રાચીન સમયમાં આ જિલ્લો દક્ષિણ કોશલ પ્રદેશનો એક ભાગ હતો. ચોથી સદીના મધ્યકાળમાં સમુદ્રગુપ્તે અહીં પ્રભુત્વ સ્થાપેલું. છઠ્ઠી સદીમાં કોશલ સારાભાપુરિયાના વારસોએ અહીં શાસન કરેલું. સાતમી સદીમાં તિવારાદેવે આ પ્રદેશ જીતી લીધેલો. આઠમી સદીમાં તે ખિંજલિયા મંડળના ભંજનને હસ્તક રહેલું. અગિયારમી સદીમાં અહીં સોમવંશીઓની સત્તા હતી. 1023માં રાજેન્દ્ર ચોલાએ છેલ્લા સોમવંશીને મારીને શાસન સંભાળેલું. 1211માં ગંગસ રાજગાદી પર આવેલો. 1400માં તેમણે રાજગાદી ચૌહાણોને સોંપી દીધેલી. ચૌહાણો અહીં લાંબો સમય સત્તા પર રહેલા. 18મી સદીમાં મરાઠાઓ અને તે પછી અંગ્રેજોનું અહીં પ્રભુત્વ રહેલું.
1993ના માર્ચ સુધી સોનેપુર બાલાંગિર જિલ્લામાં હતું, પરંતુ તે પછી સુબ્રાનપુરને અલગ જિલ્લાનો મોભો મળ્યો છે.
નીતિન કોઠારી