સેવ્ય-સેવાઓ (ગ્રંથાલયશાસ્ત્રની)
February, 2008
સેવ્ય–સેવાઓ (ગ્રંથાલયશાસ્ત્રની) : ગ્રંથાલયમાં આવતા વાચકો માટે આયોજિત થતી સેવાઓ. ગ્રંથાલયશાસ્ત્રની વિવિધ પ્રકારે અપાતી સેવાઓમાં સંદર્ભસેવા (અનુલયસેવા), આગંતુક વાચક કે ઉપયોગકર્તાને આપવામાં આવતી ગ્રંથાલય-સંસ્કાર આપવાની અને શિક્ષણની સેવાઓ, ગ્રંથ આપ-લેની અને ગ્રંથપરિક્રમણસેવાઓ, ગ્રંથાલય-વિસ્તરણ-સેવા, આંતરગ્રંથાલય ગ્રંથ-ઉદ્ધરણ-સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. પરાપૂર્વથી આપવામાં આવતી આ સેવાઓ ગ્રંથાલયશાસ્ત્રની સેવ્ય-સેવાઓ તરીકે ઓળખાય છે. ગ્રંથાલયસેવામાં પુસ્તકો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો. આથી ગ્રંથપ્રાપ્તિ, ગ્રંથનોંધણી, ગ્રંથસંસ્કાર અને ગ્રંથવર્ગીકરણ અને સૂચીકરણ જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી વાચકોના ઉપયોગ માટે ગ્રંથો પ્રદર્શિત કરવામાં આવતા. ગ્રંથાલયસેવામાં વાચક સમુદાયને ગ્રંથની આપ-લે માટેની તથા ગ્રંથ-અધ્યયનની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. હવે આજનાં આધુનિક ગ્રંથાલયોમાં અનુલય-સેવા ઉપરાંત અન્ય સેવાઓમાં વાડ્મયસૂચિ-સેવા, માહિતીશોધ-ઑનલાઇન ડેટાબેઝ સર્ચ, ઇન્ટરનેટ, નિર્દેશીકરણ અને સારસંક્ષેપીકરણ-સેવા, અનુવાદ-સેવા, પ્રલેખ-રવાનગી સેવા, પ્રતિનિર્માણસેવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
અનુલય–સેવા : ઉપયોગકર્તા કે ઉપભોક્તાઓને વ્યક્તિગત સહાયરૂપે અનુલય-સેવા પૂરી પાડવામાં આવે છે. ગ્રંથાલયના ઉપભોક્તાઓને જરૂરી પુસ્તક અથવા માહિતી શોધી આપવામાં ગ્રંથાલયશાસ્ત્રની તાલીમ લીધેલ અનુલય-સેવક મદદ કરે છે. 19મી સદીના અંતિમ દાયકામાં યુરોપ અને અમેરિકાના ગ્રંથાલયના કાર્યક્ષેત્રે સંદર્ભસેવા/અનુલય-સેવાનો આરંભ થયો હતો. ત્યારે ગ્રંથાલયના ઉપભોક્તાઓને વાઙમયસૂચિગત સાધનોની મદદથી વ્યક્તિગત રીતે જે તે ગ્રંથો અંગેની માહિતીસહાય પૂરી પાડવામાં આવતી હતી. કૉલેજ અને યુનિવર્સિટી ગ્રંથાલયોમાં વાચક-સહાયરૂપે અનુલય-સેવાઓ આપવામાં આવતી હતી. એક તબક્કે વિદ્વાનોને માટે આવી સહાયની જરૂર નથી એવી માન્યતા કે વલણ પ્રચલિત હતાં તો એ સાથે ગ્રંથપાલો વિદ્વાનોને સહાય કરી શકે તેવી કુશળતા નહિ હોવાની માન્યતા પણ પ્રચલિત હતી. સાર્વજનિક ગ્રંથાલયો તેમના વાચકોને સહાય પૂરી પાડવામાં સવિશેષ ઉદાર હતાં. અનુલયી (રેફરન્સ લાઇબ્રેરિયન) વાચકને માર્ગદર્શન આપી શકે અથવા એક સારા શિક્ષકની ભૂમિકા અદા કરી શકે તેવી માન્યતા 19મી સદીના અંત સમયમાં સ્થાપિત થઈ.
જ્યાં વિદ્વાનો અને સુસજ્જ ઉપયોગકર્તાઓ વધુ હોય એ પ્રકારનાં વિશિષ્ટ ગ્રંથાલયો, સંશોધન-ગ્રંથાલયો, ઔદ્યોગિક પેઢીઓ, વિશિષ્ટ સરકારી એજન્સીઓમાં વાચક-સહાયરૂપે અનુલય-સેવાનો આરંભ થયો. આ ગ્રંથાલયોમાં વાચકોને જરૂરી સાહિત્ય શોધી આપવું, મહત્વના ગ્રંથોના સારાંશ કે સારસંક્ષેપ તૈયાર કરી આપવા, સંદર્ભસ્રોતોનું મૂલ્યાંકન કરવું અને વાચકોને મૌખિક સ્વરૂપે માહિતી પૂરી પાડવી – એ પ્રકારની સેવાઓને મહત્વ આપવામાં આવ્યું. વાચકો કે ઉપભોક્તાઓને માટે વાચનયાદીઓ તૈયાર કરવી, તેમના પ્રશ્ર્નોના ઉત્તરો શોધી આપવાથી માંડીને તેમને જરૂરી સાહિત્યની યાદી અને સામગ્રી પૂરી પાડવાની સેવાઓ અનુલય-સેવા તરીકે ઓળખાય છે. વાચક-સહાયના જૂના ખ્યાલમાંથી બહાર નીકળી ગ્રંથાલયની સેવાઓ વધુ સુસજ્જતાભરી થાય, સામાન્ય જન સાથે વિદ્વાન ઉપભોક્તાઓને પણ અનુકૂળ આવે એવી રીતે વિસ્તારવામાં આવી છે. અનુલયકાર્ય/સંદર્ભકાર્ય(reference works)માં સામાજિક વિદ્યાઓ, ઉદ્યોગો, કલાઓ, પ્રૌદ્યોગિકી અને વિજ્ઞાનક્ષેત્રોમાં જાણકાર વિષયનિષ્ણાત ગ્રંથપાલોની સહાય ઉપલબ્ધ થાય એવી પ્રથા હવે ઊભી થયેલી છે.
ગ્રંથાલયસેવાની એક ખાસિયત છે કે સાંપ્રત રસના વિષયક્ષેત્રમાં વાઙમયસૂચિ તૈયાર કરી તે સમયસર વાચકોમાં પ્રસારિત કરવી. ક્યારેક સ્થાનિક સાહિત્યની બાબતો ઉપર પણ વિષયસૂચિ તૈયાર કરી હોય તો એ પૂરક સ્રોત તરીકે ઉપયોગી નીવડે છે. વળી ગ્રંથાલયમાં સંદર્ભસેવા આપવા માટે ચોક્કસ પ્રકારના ગ્રંથોની જરૂરિયાત ઉપયોગકર્તાઓને વારંવાર પડતી હોય છે. સામાન્યપણે એવા સંદર્ભગ્રંથોનો સંગ્રહ સંદર્ભવિભાગમાં અલાયદો રાખવામાં આવે છે. આ પ્રકારના સંદર્ભગ્રંથોમાં સર્વસામાન્ય શબ્દકોશો, જ્ઞાનકોશો, હાથપોથીઓ (handbooks), નિર્દેશિકાઓ (directories), જીવન-ચરિત્રાત્મક કોશો, વાર્ષિકીઓ, નકશાપોથીઓ (atlas), વાઙ્મયસૂચિઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવા સંદર્ભગ્રંથો કદી સળંગ વાંચવા માટે નથી હોતા. એમનો ઉપયોગ સંદર્ભગ્રંથપાલો વાચકોના પુછાયેલા પ્રશ્ર્નોના ઉત્તરોની માહિતી શોધવા માટે કરતા હોય છે. સંદર્ભસેવા/અનુલય-સેવા માત્ર આ સંદર્ભગ્રંથસંગ્રહ પૂરતી જ સીમિત નથી હોતી, જરૂર પડ્યે તે સમગ્ર ગ્રંથસંગ્રહ તેમજ અન્ય ગ્રંથાલયોના સંગ્રહ સુધી પણ વિસ્તરતી હોય છે. પ્રવર્તમાન સમયમાં ગ્રંથાલયો સંદર્ભસેવા તરીકે આંતરગ્રંથાલય દેય યોજના અને પ્રતિનિર્માણ સેવા(રિપ્રોગ્રાફી સર્વિસ)ની વ્યાપક સ્તરે વ્યવસ્થા ગોઠવે છે.
ગ્રંથાલયના ઉપયોગ માટેની સૂચનાઓ : શાળા અને કૉલેજ-ગ્રંથાલયોમાં આગંતુક વિદ્યાર્થીઓને ગ્રંથાલયનો ઉપયોગ કેમ કરવો એ માટેની સૂચનાપત્રિકા તૈયાર કરીને આપવામાં આવે છે. સત્રના આરંભમાં આગંતુક વિદ્યાર્થી વાચકોને ગ્રંથાલયના પ્રત્યક્ષ પરિચય-કાર્યક્રમમાં ગ્રંથાલયના નિયમો સમજાવવામાં આવે છે. ગ્રંથાલય-સેવાનો સમય, ગ્રંથ આપ-લેના નિયમો, સંદર્ભવિભાગ, ગ્રંથાલયની કાર્ડસૂચિ અથવા કમ્પ્યૂટરમાં મુકાયેલી ગ્રંથસૂચિના આધારે જરૂરી ગ્રંથની શોધ કરવાની રીત વગેરેનો ખ્યાલ આપવામાં આવે છે. શૈક્ષણિક ગ્રંથાલયોમાં આગંતુક વાચકોને ગ્રંથાલય-સંસ્કાર આપવાના પ્રશિક્ષણ-કાર્યક્રમો પણ આયોજિત થતા હોય છે. વિશ્વવિદ્યાલયનાં ગ્રંથાલયો, વિશિષ્ટ ગ્રંથાલયો અને સમૃદ્ધ સાર્વજનિક ગ્રંથાલયો આગંતુક વાચકો માટે ગ્રંથાલયનો ઉપયોગ કેવી રીતે કરવો – એ માટેની પરિચય-પુસ્તિકા અથવા માહિતીપત્રિકા તૈયાર કરીને આપતા હોય છે; જેમ કે, ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયે ‘આ તમારું પુસ્તકાલય’ એ નામે માહિતી-પુસ્તિકા તૈયાર કરેલી છે, જે નવા સભાસદોને સભ્યપદ ગ્રહણ કરે ત્યારે આપવામાં આવતી હોય છે. સાર્વજનિક ગ્રંથાલયમાં નવા વાચકોને પ્રશિક્ષણ આપવા માટે સભાસદોને સમૂહમાં ગ્રંથાલયનું દર્શન કરાવી જરૂરી સૂચનાઓ પૂરી પાડવામાં આવે છે. ગ્રંથાલયનું જો સંપૂર્ણ કમ્પ્યૂટરીકરણ થયેલું હોય તો તેના હોમપેજ અને કિયૉસ્ક (Kiosk = light open fronted booth) દ્વારા વાચકો પોતે જ ગ્રંથાલય વિશેની જાણકારી મેળવી શકે છે.
ગ્રંથ આપ–લે સેવા : મોટાં સમૃદ્ધ ગ્રંથાલયોમાં ગ્રંથ આપ-લે સેવા દ્વારા બહુ મોટી સંખ્યામાં પુસ્તકની લેવડ-દેવડનું કાર્ય થતું હોય છે. આ સેવાકાર્યની વ્યવસ્થા ગ્રંથાલયે સમયનો બચાવ થાય એ રીતે, કરકસરથી કાર્યક્ષમ રીતે ગોઠવવી જરૂરી હોય છે. ગ્રંથ આપ-લે-કાર્ય માટેની ઘણીબધી આદર્શ પદ્ધતિઓ ગ્રંથપાલોએ શોધી છે; જેવી કે, બ્રાઉન સિસ્ટિમ, નેવાર્ક સિસ્ટિમ, રંગનાથી સિસ્ટિમ વગેરે. કોઈ પણ વાચકને ગ્રંથાલયનાં કયાં કયાં પુસ્તકો દેય કરાવ્યાં છે ? તે ક્યારે પરત આવશે ? કોઈ એક પુસ્તક કોના નામે દેય થયેલ છે ? – આ બધા પ્રશ્ર્નોના જવાબો ગ્રંથ આપ-લે પદ્ધતિ દ્વારા મળવા જોઈએ. વાચક ગ્રંથાલયનું સભ્યપદ પ્રાપ્ત કરે એટલે એને સામાન્યપણે બે વાચક-ટિકિટો આપવામાં આવે છે; જેમાં વાચકનો સભ્યક્રમાંક, તેનું પૂરું નામ અને સરનામું અને તેની અધિકૃત સહીનો નમૂનો હોય છે. વાચકે પુસ્તક દેય કરાવવા ગ્રંથાલયમાં રૂબરૂમાં વાચકટિકિટ/સભ્યટિકિટ લઈને આવવું પડે છે. ગ્રંથાલયના ગ્રંથસંગ્રહના દેય અને અદેય – બધાં જ પુસ્તકોમાં તે ગ્રંથની વીગતવાળી પુસ્તક-પરિચયપત્રક રાખવાની કોથળી હોવી જરૂરી છે. પુસ્તકપરિચય-પત્રકમાં પુસ્તકાલયનો સિક્કો અને પુસ્તક સારી રીતે સાચવવા અંગેની સૂચના સાથે પુસ્તકનું નામ, લેખકનું નામ, તેનો અનુક્રમાંક અને સ્થાનાંક તથા કિંમત આપેલ હોય છે. પુસ્તકપરિચયપત્રકના આધારે તેમાંની જરૂરી વિગતો વાચક પોતાના પુસ્તકમાગણીપત્રકમાં ઉતારી લે છે. એ રીતે પુસ્તકમાગણીપત્રકમાં સભ્યક્રમાંક, પુસ્તકનું નામ, પરિગ્રહણ નંબર, સહી અને તારીખની વિગત વાચકે ભરવી પડે છે. જ્યારે પુસ્તક દેય કરવામાં આવે ત્યારે વાચક-ટિકિટ, ગ્રંથમાગણીપત્રક અને ગ્રંથટિકિટ કાઢી લેવામાં આવે છે અને તિથિપત્રકમાં પરત તારીખનો સિક્કો મારવામાં આવે છે અને ગ્રંથદની ટૂંકી સહી કરવામાં આવે છે. એ રીતે પુસ્તક વાચકને મળે છે. આમ દેય થતા પ્રત્યેક પુસ્તક માટે આ પ્રક્રિયા કરવી આવશ્યક છે અને તેની ભાષાવાર તથા વિષયવાર નોંધણીનું કાર્ય પત્રકમાં ઇસ્યૂક્લાર્કે (ગ્રંથદે) કરવાનું રહે છે. વાચક પુસ્તક પરત કરવા આવે ત્યારે તિથિપત્રકમાં પરત તારીખનો સિક્કો અને પુસ્તકના અનુક્રમને આધારે ઇસ્યૂ થયેલ ટ્રેમાંથી પરત થયેલ પુસ્તકનું ગ્રંથટિકિટ અને વાચકટિકિટવાળું પત્રકપુટ શોધીને, તે પુસ્તકની ગ્રંથટિકિટ ગ્રંથખલીતામાં મૂકી વાચક્ધો તેની વાચકટિકિટ પરત કરવામાં આવે છે. જો વાચક પુસ્તક પરત-તારીખથી મોડું જમા કરાવે તો જેટલા દિવસ પુસ્તક મોડું લવાયું હોય તેના દંડ પેટેની મોડાઈની રકમ વાચક પાસેથી વસૂલ કરવામાં આવે છે. ગ્રંથદે પ્રતિદિન પુસ્તક-દેય-કાર્ય બંધ કરે તે પછી જે તે દિવસની વાચકસંખ્યા, દેય પુસ્તકની ભાષાવાર સંખ્યા અને વિષયવાર વંચાયેલ પુસ્તકોના આંકડાનો અહેવાલ તૈયાર કરી લેવાનો હોય છે. ત્યારપછી દેય થયેલ પુસ્તકોની વાચકટિકિટ, ગ્રંથટિકિટના પત્રકપુટને પરત-તારીખના દર્શક હેઠળ પુસ્તકના અનુક્રમાંકથી ગોઠવવામાં આવે છે, જેથી બીજા દિવસે આપ-લે-કાર્યનો આરંભ અને પુસ્તક પરત-કાર્ય સરળતાથી થાય.
આધુનિક ગ્રંથાલયોમાં ગ્રંથ આપ-લે-કાર્ય બુક-સ્કેનરથી થાય છે. ગ્રંથાલયના ગ્રંથસંગ્રહનો ડેટાબેઝ કમ્પ્યૂટરમાં હોય છે. વાચકટિકિટમાં વાચકનું નામ, સરનામું, ફોટો અને વાચકનો બારકોડ હોય છે, પ્રત્યેક પુસ્તકનું બારકોડિંગ થયેલું હોય છે. આથી બારકોડ યંત્ર દ્વારા પુસ્તક આપ-લેનું કાર્ય સરળ રીતે અને ઝડપથી થાય છે અને સ્વયંસંચાલિત રીતે વાચક્ધો દેય થયેલાં પુસ્તકોનો રેકર્ડ સચવાય છે. આ રેકર્ડ ઉપરથી દેય થયેલાં પુસ્તકોના ભાષાવાર-વિષયવાર અને વાચક-પ્રકાર પ્રમાણેના આંકડા કમ્પ્યૂટર દ્વારા રિપોર્ટરૂપે તૈયાર મળે છે.
ગ્રંથાલયની વિસ્તરણ-સેવાઓ : સાર્વજનિક ગ્રંથાલયપ્રવૃત્તિના ભાગરૂપે વસ્તીની મોટી સંખ્યાને ગ્રંથાલયસેવાનો લાભ મળે એ દૃષ્ટિએ તે સેવાનું વિસ્તરણ કરેલું હોય છે. ગ્રામ-ગ્રંથાલયો માટે અને કસબાની પ્રજાને વાચન-અભિમુખ કરવા ફરતાં પુસ્તકાલયોની સેવાઓ આયોજિત કરાય છે. મોટાં અને મેટ્રોસિટી(બૃહત શહેરો)માં સામાન્ય નાગરિકો માટે; બાળકો-મહિલાઓ માટે શાખા-ગ્રંથાલયો દ્વારા ફરતાં પુસ્તકાલયોની સેવાઓ આયોજિત કરાય છે. આ દ્વારા પુસ્તકવાચનની સુવિધાઓ પૂરી પડાય છે. અનેક શાખા-ગ્રંથાલયો સ્થાપીને, વસ્તીના મોટાભાગના નાગરિકો માટે અને બાળકોને માટે કેન્દ્રીય ગ્રંથાલયો દ્વારા સંદર્ભસેવા પૂરી પડાય છે. ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરનું શેઠ શ્રી માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય બાળ, મહિલા અને વયસ્ક નાગરિકો માટેની ફરતાં પુસ્તકાલયની સેવાઓ આપે છે. તે સાથે તેનાં ચાર શાખા-ગ્રંથાલયો દ્વારા પણ નાગરિકોને પુસ્તકવાચનની સુવિધા પૂરી પડાય છે.
આંતરગ્રંથાલય–સહકાર : ગ્રંથાલયો વચ્ચે સેવાઓ આપવા માટે સહકાર સાધવામાં આવે છે. તેને સ્રોતોની સહભાગીદારીના કાર્યક્રમમાં સહકારી ધોરણે ગ્રંથપ્રાપ્તિ, સહકારી સૂચીકરણ અને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાએ માહિતીસ્રોતોનો સંગ્રહ કરાય છે. આંતરગ્રંથાલય-દેયકાર્ય દ્વારા ગ્રંથાલય સહકારના પ્રયત્નો થતા હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાએ આંતરગ્રંથાલય દેયકાર્ય માટેના નિયમો (કોડ) નિશ્ચિત કરેલ છે, જે ફક્ત સંશોધન-કાર્ય પૂરતાં જ મર્યાદિત છે. ગ્રંથાલયો વચ્ચે ગ્રંથ આપ-લે કાર્યમાં સહકાર સહજ બને એ દૃષ્ટિએ રાષ્ટ્રીય અને પ્રાદેશિક ભાષાઓનાં પુસ્તકોની, સામયિકોની, મહાનિબંધોની સંઘસૂચિઓ તૈયાર કરવી હવે આવશ્યક બની છે.
વિશિષ્ટ સેવાઓ : કેટલાંક વિશિષ્ટ ગ્રંથાલયો અને યુનિવર્સિટી ગ્રંથાલયો ગ્રંથાલયસેવાની સાથે વાઙ્મયસૂચિ-સેવાઓ, નિર્દેશીકરણ અને સારકરણ સેવાઓ પૂરી પાડતાં હોય છે. આવી સેવાઓ અખિલ ભારતીય ધોરણે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીક્ષેત્રે ઇન્સ્ડૉક (ઇન્ડિયન સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર) દ્વારા અને સામાજિક વિદ્યાના ક્ષેત્રે સોશિયલ સાયન્સ ડૉક્યુમેન્ટેશન સેન્ટર (SSDC) દ્વારા તેમના ઉપભોક્તાઓને માટે આયોજિત કરાય છે.
પ્રતિનિર્માણસેવાઓ : ગ્રંથ આપ-લે-કાર્યના વિકલ્પ તરીકે ગ્રંથાલયો કૉપીરાઇટના કાયદાનો ભંગ ન થાય એ ધ્યાન રાખીને પુસ્તકના કોઈ અંશની, જૂનાં અને નવાં સામયિકોમાં પ્રકાશિત થયેલ લખાણની ફોટોનકલ ઉપભોક્તાઓને જરૂર પડ્યે કરી આપે છે. આ સેવા પ્રતિનિર્માણસેવા તરીકે ઓળખાય છે. ફોટોનકલ બે રીતે થાય છે : (1) ફોટોસ્ટેટની રીતે અને (2) માઇક્રોફિલ્મની રીતે. ફોટોસ્ટેટ મશીન દ્વારા ઉપભોક્તાને જરૂરી સામયિક-લેખની કે પુસ્તકના કોઈ અંશની નકલ કરી આપવામાં આવે છે. અમદાવાદમાંનું ‘અટીરા’નું ગ્રંથાલય તેના નિક્ટાસ (નૅશનલ ઇન્ફૉર્મેશન સેન્ટર ફૉર ટૅક્સટાઇલ ઍન્ડ એલાઇડ સર્વિસ) કેન્દ્ર દ્વારા ફોટોનકલ અને માઇક્રોફિલ્મિંગ સેવાની સુવિધા ઉપલબ્ધ કરી આપે છે. ઇન્સ્ડૉક અને નિક્ટાસ જેવાં કેન્દ્રો દ્વારા સામયિકોમાં પ્રકાશિત સંશોધનલેખો કે પ્રલેખના અંશભાગની ફોટોનકલ કે માઇક્રોફિલ્મ કરી આપવાની સેવા ભારતને અને વિદેશોને પૂરી પાડવામાં આવે છે.
અનુવાદસેવાઓ : વિશ્વની જુદી જુદી ભાષાઓમાં સંશોધનલેખો પ્રકાશિત થતા હોય છે. વિદ્વાનો, તજ્જ્ઞો કે વૈજ્ઞાનિકો વિશ્વની બધી જ ભાષાઓની જાણકારી ધરાવતા ન હોય; તેથી એ પ્રકારના ઉપભોક્તાઓની જરૂરિયાત સંતોષવા માટે વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા લેખોના અનુવાદ તૈયાર કરીને ઉપભોક્તાઓને પહોંચાડવાની સેવા અનુવાદસેવા તરીકે ઓળખાય છે. આવી સેવા ઇન્ડિયન સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર (ઇન્સ્ડૉક) અને ઇન્ડિયન સાયન્ટિફિક ટ્રાન્સ્લેટર ઍસોસિયેશન (ઇસ્ટા) દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ સંસ્થાઓ ઔદ્યોગિક પેઢીઓ, પ્રૌદ્યોગિકી સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને સંશોધન-કેન્દ્રોના ઉપભોક્તાઓને વિદેશી ભાષાઓમાં પ્રકાશિત થતાં સંશોધનલેખો તેમની જ્ઞાત ભાષામાં અનુવાદ કરાવીને પૂરા પાડે છે.
પ્રકીર્ણ સેવાઓ : ઉપયોગકર્તાઓ કે ઉપભોક્તાઓ ગ્રંથાલયની સેવ્ય-સેવાઓનો લાભ નચિંતપણે લઈ શકે તે માટે ગ્રંથાલયો સુવિધાજનક સગવડો પણ પૂરી પાડે છે; જેવી કે, વાહન પાર્કિગ, કેન્ટીન, ગ્રંથાલયના પ્રવેશદ્વાર પર ઉપભોક્તાઓનો અંગત સામાન સાચવી રાખવાની વ્યવસ્થા વગેરે. ગ્રંથાલયના વાચકો ગ્રંથાલયની સેવાઓનો લાભ નચિંતપણે લઈ શકે તેવી સગવડો ગ્રંથાલયોએ ઊભી કરવી આવશ્યક લેખાય છે.
ગ્રંથાલય દ્વારા આયોજિત થતી બધી જ સેવાઓ વિશે ઉપભોક્તાઓને વિશેષ જાણકારી આપવાથી તેઓ ગ્રંથાલયનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે.
કિરીટ ભાવસાર