સેવેલ, રૉબર્ટ (. ? ; . આશરે 1927) : ભારતના ઇતિહાસ વિશેના સંશોધક અને લેખક. સેવેલ મદ્રાસ (ચેન્નાઈ) પ્રાંતની સિવિલ સર્વિસના અંગ્રેજ અધિકારી હતા. એ ઉપરાંત તેઓ રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડના સભ્ય તથા એશિયાટિક સોસાયટી ઑવ્ બૅન્ગાલના સભ્ય હતા. આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના ચેન્નાઈ પ્રાંતના મુખ્ય અધિકારી તરીકે એમણે ચેન્નાઈ પ્રાંતમાં અને દક્ષિણ હિંદમાં ઘણાં પ્રાચીન ઐતિહાસિક સ્થળો તથા અભિલેખોનું સંશોધન કર્યું અને તે પછી એનો અભ્યાસ કરી એનું પ્રકાશન કર્યું હતું. એમના સંપાદન નીચે ચેન્નાઈ પ્રાંતની સરકારે અંગ્રેજી ભાષામાં ‘આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ સધર્ન ઇન્ડિયા, વૉલ્યુમ – 1’નું પ્રકાશન ઈ. સ. 1882માં કર્યું હતું. એમાં દક્ષિણ હિંદમાં આવેલા પ્રાચીન ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય સ્થળોની વિસ્તૃત યાદી આપવામાં આવી હતી. ઈ. સ. 1884માં ચેન્નાઈ સરકારે અંગ્રેજીમાં ‘આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ સધર્ન ઇન્ડિયા, વૉલ્યુમ – 2’નું પ્રકાશન કર્યું, જેમાં ઐતિહાસિક અભિલેખોની યાદી અને દક્ષિણ હિંદના રાજવંશોની આછી રૂપરેખા આપવામાં આવી હતી.

રૉબર્ટ સેવેલનું સૌથી વધારે પ્રસિદ્ધિ પામેલું પુસ્તક ‘એ ફગૉર્ટન એમ્પાયર, વિજયનગર’ (વિસ્મૃત થયેલું સામ્રાજ્ય, વિજયનગર) ઈ. સ. 1900માં લંડનથી પ્રગટ થયું. ઈ. સ. 1924માં એની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. આ દળદાર ગ્રંથમાં એમણે વિજયનગરના હિંદુ સામ્રાજ્યની સ્થાપનાથી તેના અંત સુધીનો એટલે કે ઈ. સ. 1336થી 1565 સુધીનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ વિસ્તારથી આલેખ્યો છે. તેમણે આ ગ્રંથ લખવામાં વિજયનગરની મુલાકાત લેનાર ઇટાલીના નિકોલો કોન્ટી, પોર્ટુગીઝ પ્રવાસી નુનિઝ, ઈરાનના એલચી અબ્દુરરઝાક તથા પોર્ટુગીઝ ડોમિંગોસ પાઇસની નોંધોનો આધાર લીધો છે. તેમનો આ ગ્રંથ વિજયનગર સામ્રાજ્યની સમૃદ્ધિ, ભવ્યતા તથા જાહોજલાલી ઉપર પ્રકાશ ફેંકે છે. વિજયનગરનાં ખંડેરો અને અવશેષો જ્યાં આવેલાં છે એ સ્થળ અત્યારે દક્ષિણ ભારતમાં ‘હમ્પી’ તરીકે ઓળખાય છે.

રૉબર્ટ સેવેલનું ‘ઇન્ડિયન ક્રૉનોગ્રાફી’ નામનું પુસ્તક લંડનથી ઈ. સ. 1912માં પ્રસિદ્ધ થયું હતું. એમાં એમણે હિંદના કાલાનુક્રમ અને પંચાંગ (કૅલેન્ડર) વિશે ઉદાહરણો સાથે સમજૂતી આપી હતી. તેમના અવસાન પછી એમણે લખેલું અને એસ. કૃષ્ણસ્વામી આયંગરે સંપાદિત કરેલું પુસ્તક ‘ધ હિસ્ટૉરિકલ ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ્ સધર્ન ઇન્ડિયા કલેક્ટેડ ટિલ 1923 ઍન્ડ આઉટલાઇન્સ ઑવ્ પૉલિટિકલ હિસ્ટરી’ નામનું પુસ્તક અંગ્રેજીમાં ચેન્નાઈ યુનિવર્સિટીએ ઈ. સ. 1932માં પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકનું સંપાદન કરનાર એસ. કૃષ્ણસ્વામી આયંગર એશિયાટિક સોસાયટી ઑવ્ બેન્ગાલના ફેલો તથા ચેન્નાઈ યુનિવર્સિટીમાં 1914થી 1929 સુધી હિંદના ઇતિહાસ અને પુરાતત્વવિદ્યાના પ્રોફેસર હતા.

આમ, ઇતિહાસવિદ રૉબર્ટ સેવેલે ઘણાં વર્ષો સુધી ચેન્નાઈ પ્રાંત તથા દક્ષિણ હિંદનાં ઐતિહાસિક સ્થળો, અભિલેખો અને ત્યાંથી પુરાતત્વની જગ્યાઓનું ઉત્ખનન તથા સંશોધન કરી એ સર્વને પ્રકાશમાં લાવવાનું મહત્વનું કામ કર્યું હતું. એ રીતે તેઓ હિંદના અગત્યના અંગ્રેજ સંશોધકોમાં સ્થાન ધરાવે છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી