સેવંતી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Chrysanthemum indicum L. (ગુ. ગુલદાઉદી, સેવંતી; હિં. દાઉદીમ, ગુલચીની; અં. ગોલ્ડન ક્રિસ) છે. તે નાની, બહુવર્ષાયુ, ઉન્નત, ક્ષુપસમ શાકીય 50-60 સેમી. ઊંચી વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, સુગંધિત, પક્ષવત્ વિદર (pinnati-partite) અને રોમિલ હોય છે. પુષ્પવિન્યાસ સફેદ, પીળા, લાલ-ગુલાબી કે બહુવર્ણી (variegated) સ્તબક પ્રકારનો; એકાકી અથવા લાંબા પુષ્પવિન્યાસદંડ ઉપર ગુચ્છમાં કે તોરા (corymb) સ્વરૂપે ગોઠવાયેલ અને 57 સેમી. પહોળા હોય છે. કિરણપુષ્પકો સાંકડાં, રેખીય અને પ્રતિવક્રિત (recurved) હોય છે. તેઓ માદા ફળાઉ પુષ્પો છે. બિંબપુષ્પકો લાંબો નલિકાકાર દલપુંજ ધરાવે છે.

સેવંતીની મોસમી જાતિઓમાં C. tricolor અને C. coronarium મુખ્ય છે. ગુજરાતમાં મુખ્યત્વે શિયાળામાં થતી આ જાતિને પીળાં, કથ્થાઈ, સફેદ કે એ રંગોનાં મિશ્રણવાળાં, એકલ કે બેવડી પાંખડીઓવાળાં – એમ વિવિધ રંગનાં પુષ્પો બેસે છે. તેનું પ્રસર્જન બીજ કે અધોભૂસ્તારી (sucker) દ્વારા થાય છે.

બહુવર્ષાયુ જાતિઓમાં C. maximum, C. grandiflorum, C. fruitiscens, C. hortirum, C. indicum વગેરેનો સમાવેશ થાય છે. ચંદ્રમા, સ્નોબૉલ, કોરિયન વગેરે જાતો ખૂબ આકર્ષક હોય છે. આ જાતિઓમાં પુષ્પના જુદા જુદા રંગ, કદ, પાંખડીઓની રચના, છોડ ઉપરની સંખ્યા વગેરેને આધારે વર્ગીકરણ કે નામો અપાય છે. પુષ્પ મોટે ભાગે શિયાળામાં આવે છે. છોડને જમીનમાં કે કૂંડામાં ઉછેરી શકાય છે.

તેનાં પુષ્પોની મોટે પાયે ખેતી થાય છે. પુષ્પમાં આછી સુગંધી હોય છે. તે પૂજામાં, હારમાં, વેણી બનાવવામાં, કટફલાવર તરીકે વપરાય છે. તે ઘરના બગીચામાં લટકતી ટોપલીમાં ઉગાડાય છે.

               

સેવંતીની જુદી જુદી જાતો

તેનું પ્રસર્જન બી, કટકારોપણ કે અધોભૂસ્તારી દ્વારા થાય છે. તે મોટે ભાગે ચોમાસાના પાછલા ભાગમાં રોપવામાં આવે છે; જેથી તેનાં પુષ્પો નાતાલ ઉપર પુરબહારમાં ખીલી નીકળે છે.

તેની ખેતીમાં કર્તન (pruning) એવી રીતે કરવામાં આવે છે, જેથી ધારેલાં સમયે પુષ્પો મળે. સેવંતીને રોગ, જીવાત અને ઋતુની અસર જલદી થાય છે; તેથી નિષ્ણાતની સલાહ અનુસાર તરત પગલાં લેવાં જરૂરી બને છે.

carinatumનાં પુષ્પો મોટાં, ડેઇઝી જેવાં, સફેદ, પીળા કે કેસરી રંગનાં અને ખૂબ આકર્ષક હોય છે.

maximum 60-70 સેમી. ઊંચી જાતિ છે. તેનાં પર્ણો ચળકાટવાળાં હોય છે. પુષ્પો સફેદ પણ પીળી કિનારી કે છાંટવાળાં અને 6-7 સેમી. પહોળાં હોય છે. C. leucanthemumનાં પુષ્પો મોટાં અને સફેદ હોય છે.

મ. ઝ. શાહ