સેવન્થ સીલ, : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1957. ભાષા : સ્વીડિશ. શ્વેત અને શ્યામ. નિર્માતા : એલન એકેલુંડ. દિગ્દર્શન અને લેખન : ઇંગમાર બર્ગમૅન. છબિકલા : ગનર ફિશર. મુખ્ય કલાકારો : ગનર બ્યૉર્નસ્ટ્રૅન્ડ, બેન્ગ્ટ એકેરોટ, નિલ્સ પોપ, મૅક્સ વોન સિડોવ, બી. બી. એન્ડરસન, ઇન્ગા ગિલ.

‘ધ સેવન્થ સીલ’માં બર્ગમૅને ‘ભગવાન કેમ દેખાતો નથી’ ઉપરાંત જીવન અને મરણને લગતા કેટલાક એવા પ્રશ્ર્નોનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો છે, જેનો કોઈની પાસે જવાબ નથી. ઇંગિતો અને પ્રતીકોના ઉપયોગ ઉપરાંત પોતાને જે કહેવું છે તે સીધું કહી દેવા માટે જાણીતા બર્ગમૅનના આ ચિત્રમાં કથા એવા સમયે આકાર લે છે જ્યારે મધ્ય યુરોપમાં પ્લેગની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. એવા સમયે એક સ્વીડિશ સરદાર એન્ટોનિયસ બ્લૉક તેના સાથીઓ સાથે યુદ્ધમાંથી પરત આવી રહ્યો છે. રસ્તામાં તેનો સામનો મોત સાથે થાય છે. મોત તેને લેવા આવ્યું છે, કારણ કે તેનો વારો આવી ગયો છે; પણ મોતને તાબે થતાં પહેલાં સરદારને જીવન, મરણ અને ભગવાનના અસ્તિત્વ અંગેના પ્રશ્ર્નોના જવાબ જોઈએ છે. એ જવાબ મળી રહે એ દરમિયાન તે મોતને શતરંજની બાજી રમવા પડકારે છે. જ્યાં સુધી હારજીત ન થાય ત્યાં સુધી તે તેનું કે તેના સાથીના મોતને પાછું ઠેલે છે. દરમિયાનમાં પ્લેગનો હાહાકાર ચાલુ છે. ધાર્મિક કટ્ટરવાદીઓએ પોતાનો પ્રભાવ વધારી દીધો છે. મૃત્યુ તેની સામે છે, પણ દરેકેદરેકની આંખમાં પણ તે મૃત્યુને જોઈ શકે છે. પ્લેગને કારણે લોકોની કમકમાં ઉપજાવતાં અંધશ્રદ્ધાનાં શ્યો પણ તેને જોવા મળે છે. લોકો પોતાના શરીર પર કોરડા વીંઝી રહ્યા છે અને એક રૂપાળી યુવતીએ શેતાન સાથે શયન કર્યું હોઈ પ્લેગ ફેલાયો છે એમ માનીને એ યુવતીને એક પાંજરામાં પૂરી કેટલાક લોકો તેને જીવતી સળગાવવા જઈ રહ્યા છે, પણ અંતે તાજી હવાની લહેરની જેમ તેનો ભેટો એક યુવાન દંપતી જૉસેફ અને મૅરી સાથે થાય છે. સાથે તેમનું નાનું બાળક છે. બંને જણાનો વ્યવસાય ગામેગામ ફરીને ખેલ કરતા બજાણિયા જેવો છે. એક દિવસ બાળક મોટો થઈને પિતાનો આ વ્યવસાય આગળ ધપાવવાનો છે. આ દંપતીને અને બાળકને મોતના ઓછાયાથી દૂર રાખવા અંતે સરદાર શેતરંજમાં હારી જવાનું પસંદ કરે છે. મૃત્યુનો વિજય થાય છે અને સરદારના પ્રશ્ર્નો અનુત્તર રહે છે. કાન ચલચિત્ર મહોત્સવમાં આ ચિત્રને જૂરીનું સ્પેશિયલ પ્રાઇઝ એનાયત કરાયું હતું.

હરસુખ થાનકી