સેવની (Seoni) : મધ્યપ્રદેશના જબલપુર વિભાગની દક્ષિણે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 35´થી 22° 25´ ઉ. અ. અને 79° 10´થી 80° 15´ પૂ. રે. વચ્ચેનો 8,758 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જબલપુર; ઉત્તર, ઈશાન અને પૂર્વ તરફ માંડલા; પૂર્વ અને અગ્નિ તરફ બાલાઘાટ; દક્ષિણે નાગપુર (મહારાષ્ટ્ર); પશ્ચિમે છિંદવાડા તથા વાયવ્યમાં નરસિંહપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક સેવની જિલ્લાના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલું છે. ‘સેવની’ નામ સિયોના (અથવા ગુદીના) આર્બોરિયા નામના વૃક્ષ પરથી પડેલું છે. આ વૃક્ષનું લાકડું ઢોલક બનાવવામાં વપરાય છે.

સેવની જિલ્લો

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો સાતપુડા ઉચ્ચપ્રદેશના સાંકડા ઉત્તર-દક્ષિણ વિભાગમાં આવેલો છે. જિલ્લાને પાંચ કુદરતી વિભાગોમાં વહેંચેલો છે : (1) લખનાડોન ઉચ્ચપ્રદેશ; (2) ઉપલી વેનગંગા ખીણ; (3) સાગર-હીરી નદીખીણો; (4) નીચલી વેનગંગા ખીણ; (5) દક્ષિણની નીચાણવાળી ભૂમિ. નર્મદા આ જિલ્લાની એક માત્ર મુખ્ય નદી છે.

ખેતી : જિલ્લાના 4,26,700 હેક્ટર કૃષિયોગ્ય વિસ્તારની જમીનો પૈકી આશરે 3,75,500 હેક્ટર જેટલી જમીનો વાવેતર માટે ઉપયોગી છે. તેમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, જુવાર, ચણા અને મગફળીના પાક લેવાય છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગ-વેપાર : જિલ્લામાં મોટા પાયા પરના ઉદ્યોગો વિકસેલા નથી. જંગલપેદાશો આધારિત બીડી-ઉદ્યોગ અને લાકડાં વહેરવાની મિલો કાર્યરત છે. વન્યપેદાશો અને લાકડાંની જિલ્લા બહાર નિકાસ થાય છે.

પરિવહનપ્રવાસન : સેવની જિલ્લો રેલમાર્ગ અને સડકમાર્ગોથી સંકળાયેલો છે. સેવની નગર જબલપુર-નાગપુર નૅરોગેજ રેલમાર્ગ પર આવેલું છે. વારાણસી-નાગપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 7 તથા રાજ્યમાર્ગો અને જિલ્લામાર્ગો પણ આ જિલ્લામાં થઈને પસાર થાય છે. ઝાંસીથી શરૂ થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 26 લલિતપુર, સાગર અને નરસિંહપુર થઈને લખનાડોન ખાતે પૂરો થાય છે. જિલ્લામાં કોઈ મહત્વનાં પ્રવાસન-સ્થળો નથી. કાર્તિકી-ચૈત્રી પૂર્ણિમા તથા મકરસંક્રાંતિના તહેવારો ઊજવાય છે. આ વિસ્તારમાં બંદર-ચૂહા મેળો, કોલુઘાટ મેળો અને રામકુંડી મેળો ભરાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 11,65,893 જેટલી છે. પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ સરખું છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 90.6 % અને 9.4 % જેટલું છે. અહીં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે. ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધ વસ્તી ઓછી છે. જિલ્લામાં મુખ્યત્વે હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ અંદાજે 40 % જેટલું છે, માત્ર જિલ્લામથક સેવનીમાં સાક્ષરતાનું પ્રમાણ તેનાથી ઊંચું છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કૉલેજો અને વ્યાવસાયિક શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. તબીબી સેવા-સુવિધા નગરો તથા થોડાંક ગામડાં પૂરતી મર્યાદિત છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓમાં અને 8 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 4 નગરો અને 1613 (28 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : બ્રિટિશ શાસનકાળ દરમિયાન 1818માં આ જિલ્લાની રચના થયેલી. 1931ના ડિસેમ્બરમાં આ જિલ્લાનો દરજ્જો રદ કરાયો અને તેનો છિંદવાડા જિલ્લામાં સમાવેશ કરાયેલો. 1956ના નવેમ્બરની પહેલી તારીખે ફરીથી તેને જિલ્લાનો દરજ્જો અપાયો છે.

ગિરીશભાઈ પંડ્યા