સેલ્યુસીડ સામ્રાજ્ય (. પૂ. 312થી . પૂ. 64) : યુરોપમાં થ્રેસથી ભારતની સરહદ સુધી ફેલાયેલું અને સેલ્યુકસ 1 નિકેટરે સ્થાપેલું સામ્રાજ્ય. મહાન સિકંદરના મેસિડોનિયન સામ્રાજ્યમાંથી તે કાઢેલું હતું.

સિકંદરના મરણ પછી લશ્કરી અફસર એન્ટીગોનસ તેનો પ્રબળ હરીફ હતો. તદુપરાંત મિડીયાનો ક્ષત્રપ પીથોન અને ઈરાનનો ક્ષત્રપ પીકેસ્તા પણ તેના માર્ગમાં અંતરાયરૂપ હતા. આમ છતાં સેલ્યુકસ બૅબિલોન મેળવવામાં સફળ થયો. વારસાવિગ્રહમાં મહત્ત્વાકાંક્ષી અફસરો દ્વારા સિકંદરના તમામ વારસદારોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

ઈ. પૂ. 312માં તો સેલ્યુકસે સંપૂર્ણ બૅબિલોન જીતીને સેલ્યુસીડ સામ્રાજ્યનો પાયો નાખ્યો. આમ ગ્રીસના ઇતિહાસમાં સેલ્યુસીડ યુગનો પ્રારંભ થયો. આ સફળતામાં તેને સહાયક સેનાપતિ પેટ્રોક્લિસે ઘણી જ મદદ કરી. ઈ. પૂ. 211થી 302 સુધી આ સામ્રાજ્ય સ્થાપવા તેને લડવું પડ્યું. ભારતના ચંદ્રગુપ્ત મૌર્ય સામે સેલ્યુકસની હાર થતાં આ સામ્રાજ્યની સીમા હિન્દુકુશ સુધી મર્યાદિત થઈ ગઈ.

સેલ્યુસીડ સામ્રાજ્યનો વહીવટ સુગ્રથિત હતો. તેને 72 ક્ષત્રપીઓ(પ્રાંતો)માં વહેંચવામાં આવ્યું હતું. ક્ષત્રપોની વધારે સંખ્યાને કારણે ભાગ્યે જ ગંભીર વિદ્રોહ થતો.

સામ્રાજ્યની રાજધાની સેલ્યુસિયા હતી જે બૅબિલોનથી ઉત્તરમાં ચાળીસ માઈલ ટાઇગ્રિસ નદીના કિનારે આવેલી હતી. આ સામ્રાજ્યનો ઉદ્દેશ ગ્રીસની સંસ્કૃતિનો એશિયામાં પ્રસાર કરવાનો હતો.

ઈપસુસના ઈ. પૂ. 301ના યુદ્ધથી સેલ્યુકસે સીરિયા પણ પોતાના સામ્રાજ્ય સાથે જોડી દીધું. પાછળથી તેના પ્રતિસ્પર્ધીઓ ટૉલેમી અને લાયસિમૅક્સ એક થતાં તેણે રાજધાની ઑરોન્ટિસ ખાતે ખસેડી. તેણે ડેમેટ્રિયસને હરાવીને જીવતો કેદ પકડ્યો અને ઈ. પૂ. 281માં લાયસિમૅક્સને પણ હરાવવામાં સફળ રહ્યો; જ્યારે વૃદ્ધાવસ્થાને કારણે ટૉલેમી કોઈ સાહસ કરી શક્યો નહિ.

આમ સિકંદરના મરણ પછીના વારસાવિગ્રહમાં સેલ્યુકસનો નિર્ણાયક વિજય થયો. તેણે એવો નિર્ણય કરેલો કે સામ્રાજ્ય પોતાના પુત્રને સોંપી પોતાના વહાલા વતન મેસિડોનિયાના રાજા તરીકે બાકીનું જીવન વ્યતીત કરવું; પરંતુ તેની આ ઇચ્છા પૂરી થઈ શકી નહિ. તે મેસિડોનિયા જવા નીકળ્યો અને જેવો હેલિસપોન્ટ પહોંચ્યો કે તુરત જ કેરાનસ નામના અસંતુષ્ટ સરદારે વિશ્વાસઘાત કરીને તેનું ખૂન કરી નાખ્યું.

સેલ્યુસીડ સામ્રાજ્યમાં સેલ્યુકસ ઉપરાંત બીજા પણ કેટલાક યશસ્વી સમ્રાટો થઈ ગયા.

ઍન્ટિયૉક્સ સોટર(ઈ. પૂ. 281થી 262)ના સમયમાં સીરિયામાં વિદ્રોહ થયો. વિદ્રોહી કેરાનસે મેસિડોનિયા કબજે કર્યું; એટલું જ નહિ, સમ્રાટના સાળા ઍન્ટિગોનસને હરાવવામાં સફળતા મેળવી. ગૉળ જાતિનાં આક્રમણોને પણ ખાળવામાં આવ્યાં. મેસિડોનિયા પુન: જીતી લેવાયું. સિકંદરના મરણ પછીનાં ત્રણ રાજ્યોમાં સેલ્યુસીડ સામ્રાજ્ય જ મહત્વનું હતું. આ સામ્રાજ્ય જ મેસિડોનિયાને પોતાના શાસન તળે રાખી શક્યું હતું. 19 વર્ષના સતત સંઘર્ષ થકી ઍન્ટિયૉક્સ સોટર સામ્રાજ્યને અકબંધ રાખી શક્યો. તેના શાસનકાળને હેલેનિસ્ટિક કાળના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે.

ત્યારબાદ ઈ. પૂ. 262થી 246 દરમિયાન થઈ ગયેલા સમ્રાટ ઍન્ટિયૉક્સ થિયૉસે ‘દેવ’(Deity)નો ઇલકાબ ધારણ કર્યો હતો. તેને પણ ઇજિપ્ત સાથે સતત લડવું પડેલું. ટૉલેમીની પુત્રી બેરેનીકનાં તેની સાથે લગ્ન થતાં આ સંઘર્ષ શાંત થયો. બેરેનીકના પૂર્વ પતિ લાઓડીસે એક કાવતરામાં સમ્રાટને ઝેર આપીને મરાવી નાખ્યો. તેના સમયના અગત્યના બનાવોમાં ભારતની સરહદ પરના પ્રાંતો બૅક્ટ્રિયા તેમજ પાર્થિયામાં થયેલા વિદ્રોહો મહત્વના ગણાય.

સમ્રાટ થિયૉસના અકાળ અવસાનને કારણે આખા સામ્રાજ્યમાં વિદ્રોહો ફાટી નીકળ્યા. ઇજિપ્તના ટૉલેમી ફિલાડેલ્ફસે આક્રમણ કર્યું. આ વખતના યુદ્ધને ત્રીજા સીરિયા વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ વિગ્રહથી સામ્રાજ્ય ખોખરું થઈ ગયું.

ત્યારબાદ સમ્રાટ સેલ્યુકસ બીજાના શાસનમાં પેલેસાઇનના નૌકાયુદ્ધમાં સેલ્યુસીડ સામ્રાજ્યે પોતાનો નૌકાકાફલો ગુમાવ્યો. ઈ. પૂ. 235ના એન્કાયરાના યુદ્ધમાં પણ તેને મરણતોલ ફટકો પડ્યો.

ઍન્ટિયૉક્સ ત્રીજાએ ઈ. પૂ. 188 સુધીમાં એશિયા માયનોર પણ ગુમાવ્યું, જેની અસર આર્મેનિયા પર પણ થઈ. એમના બળવાએ તો સામ્રાજ્યના પાયા જ હચમચાવી નાખ્યા. ત્યારબાદ સેલ્યુકસ ચોથો અને ઍન્ટિયૉક્સ ચોથાના સમયમાં સામ્રાજ્યના વિઘટનની પ્રક્રિયા ચાલુ જ રહી. હવે સમ્રાટો રોમના ગુલામ બન્યા અને ખંડણી ભરવા માંડ્યા.

ત્રીજા મેસિડોનિયાના યુદ્ધે સમ્રાટ ફિલિપ પાંચમાની નબળાઈઓ છતી કરી, જ્યારે પીડનાના યુદ્ધમાં રોમનોએ આ સામ્રાજ્યની અંત્યેષ્ઠિ કરી નાખી. જોકે ઈ. પૂ. 168માં થોડા પ્રદેશોમાં કેટલાક નિર્બળ શાસકો શાસન કરતા રહ્યા. ઈ. પૂ. 141 સુધીમાં યુફ્રેટિસની પૂર્વના બધા પ્રદેશો ગુમાવ્યા અને ડિમેટ્રિયસ 2જા તથા ઍન્ટિયૉક્સ 7માના પ્રયાસો સામ્રાજ્યના વિઘટનને રોકી શક્યા નહિ.

આમ સેલ્યુસીડોએ ભારતની સીમા, ઈરાન, ઇરાક અને છેક મેસિડોનિયા સુધી શાસન કર્યું. આ સામ્રાજ્યે ગ્રીક વિચારધારા અને ગ્રીક સંસ્કૃતિની જ્યોત જલતી રાખી. ગ્રીકોએ પાર્થિયનોને પણ પ્રભાવિત કર્યા. એશિયાના ઘણા મોટા વિસ્તારને બર્બર જાતિઓનાં આક્રમણોથી બચાવ્યો. ખાસ કરીને મધ્યએશિયા તથા અરબપ્રદેશોમાંની સેલ્યુસીડ પ્રણાલીની અસર રોમનો પર ને વિશેષત: બાયઝન્ટાઇન પર વિશેષ થઈ.

આ વિશાળ સામ્રાજ્યમાં ગ્રીક ભાષા બોલાતી. ગ્રીક દેવદેવીઓનાં મંદિરો, શિલ્પો, નાટ્યગૃહો, જિમ્નેશિયમ વગેરે આ વિસ્તારમાં ઊભાં થયાં.

સેલ્યુસીડ સામ્રાજ્યના અસ્તિત્વ દરમિયાન ભારતમાં પંજાબ વિસ્તારમાં અનેક આક્રમણો થયાં હતાં. અશોકે પણ આ સામ્રાજ્યમાં પોતાના ધર્મોપદેશો મોકલ્યા હતા.

સેલ્યુકસે ઈરાનીઓ સાથે લગ્નસંબંધો બાંધેલા. તે પોતે ઈરાનની રાજકુમારીને પરણ્યો હતો. આ રાજકુમારી અપમાનાં સંતાનો પાછળથી ઈરાનના પ્રાંતોના ક્ષત્રપો બન્યા. આ નવી પેઢી શુદ્ધ ગ્રીકને બદલે ગ્રીકોઈરાનિયન વિશેષ હતી. ઈરાનની પ્રજાના ઉચ્ચ વર્ગને આ સામ્રાજ્યમાં મોભાદાર સ્થાન મળ્યું હતું. આંતરજાતીય લગ્નોને પણ પ્રોત્સાહન મળ્યું. પરિણામે સહિષ્ણુતા જન્મી, જેથી આ સામ્રાજ્યના ઈરાન તરફના પ્રદેશોમાં ભાગ્યે જ વિદ્રોહો થયા.

સેલ્યુસીડ સામ્રાજ્ય દરમિયાન ઈરાનમાં ઘણાં ગ્રીક શહેરો સ્થપાયાં; જેમાં યુરોપસ અને હેરાક્લિયા મહત્વનાં હતાં. આમ તો મીડિયા અને બૅક્ટ્રિયા સુધીના વિશાળ પ્રદેશમાં અનેક ગ્રીક શહેરો સ્થપાયાં, પરંતુ તેની વિગત મળતી નથી. સેલ્યુકસ તેમજ તેના વારસદારોએ એશિયામાંના પોતાના પ્રદેશમાં કાર્મેનિયા, ઍલેક્ઝાન્ડ્રિયા, પ્રોફનોસિયા, હુરીરૂડિયા જેવી અનેક વસાહતો ઊભી કરી. એ કાળમાં પાર્થિયાની રાજધાની હૅક્ટોપિલસ અને યુમેનિયા મહત્વનાં નગરો હતાં. અપામિયાનો લેખક પોસિડોનિયસ આ નગરોની ભવ્યતાનું વર્ણન કરતાં થાકતો નથી.

ઈશ્વરલાલ ઓઝા