સેલુક વંશ : સિકંદરના સેનાપતિ સેલ્યુકસે સ્થાપેલો વંશ. ગ્રીસના વિજેતા મહાન સિકંદરનું ઈ. પૂ. 323માં બૅબિલોનમાં અવસાન થયા પછી તેના વિશાળ સામ્રાજ્યના ભાગલા પડ્યા હતા. એ ભાગલા પછી એના એશિયાના પ્રદેશોનો સ્વામી સેલ્યુકસ નામનો એનો સેનાપતિ બન્યો હતો, જે ‘સેલુક’ તરીકે અને એનો વંશ ‘સેલુક વંશ’ તરીકે ઓળખાય છે.
સેલુકના સામ્રાજ્યમાં બૅબિલોન, સીરિયા, બલ્ખ (બૅક્ટ્રિયા), પાર્થિયા વગેરે પ્રદેશોનો સમાવેશ થતો હતો. એ પછી એણે વાયવ્ય હિંદના ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવા ઈ. પૂ. 305માં હિંદ ઉપર ચડાઈ કરી. એ સમયે હિંદમાં શક્તિશાળી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું (ઈ. પૂ. 322-298) શાસન હતું. આ ચડાઈમાં સેલુકને પરાજય સ્વીકારવો પડ્યો અને યુદ્ધને અંતે થયેલી સંધિથી એણે ચંદ્રગુપ્ત મૌર્યને કાબુલ, કંદહાર, હેરાત અને બલૂચિસ્તાનના પ્રદેશો આપવા પડ્યા. એના બદલામાં શુભેચ્છાના પ્રતીક તરીકે ચંદ્રગુપ્ત મૌર્યે સેલુકને 500 હાથીઓ ભેટ આપ્યા. સેલુકે પોતાની પુત્રીને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી અને મૅગેસ્થિનિસ નામના ગ્રીક પ્રતિનિધિને પોતાના એલચી તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં પાટલીપુત્ર મોકલ્યો. એ મૅગેસ્થિનિસે ‘ઇન્ડિકા’ નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં એ સમયના હિંદની વિસ્તૃત માહિતી આપી હતી. મૅગેસ્થિનિસ પછી ડાઇમેક્સે ચંદ્રગુપ્તના દરબારમાં ગ્રીક એલચી તરીકે કામગીરી કરી હતી.
ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન પછી એનો પુત્ર બિંદુસાર હિંદનો સમ્રાટ બન્યો. બિંદુસારના રાજ્યકાલ (ઈ. પૂ. 298-273) દરમિયાન સેલુકના પુત્ર ઍન્ટિયૉક 1લાએ સીરિયામાં ઈ. પૂ. 261 સુધી રાજ્ય કર્યું હતું. બિંદુસારે ઍન્ટિયૉક 1લાને પત્ર લખી સ્વાદિષ્ટ સુરા, અંજીર અને ફિલસૂફ(સૉફિસ્ટ)ને હિંદ મોકલવા માગણી કરી હતી ત્યારે ઍન્ટિયૉક 1લાએ પહેલી બે વસ્તુઓ મોકલવા સંમતિ આપી; પરંતુ ફિલસૂફ મોકલવા અશક્તિ દર્શાવી હતી. ‘બિંદુસાર’ પછી હિંદના સમ્રાટ બનેલા મહાન અશોકે પોતાના ધર્મનો પ્રચાર કરવા ઍન્ટિયૉક 2જાના સમયમાં સીરિયામાં પોતાનો પ્રતિનિધિ મોકલ્યો હતો.
આમ, ઈ. પૂ. 261માં ઍન્ટિયૉક 1લાના અવસાન પછી અનુક્રમે ઍન્ટિયૉક 2જાએ (ઈ. પૂ. 261-246), સેલુક 2જાએ (ઈ. પૂ. 246-226), સેલુક 3જાએ (ઈ. પૂ. 226-223) અને મહાન ઍન્ટિયૉક 3જાએ (ઈ. પૂ. 223-187) સીરિયામાં રાજ્ય કર્યું હતું. સેલુક વંશના આ રાજાઓના હિંદના સમ્રાટો સાથેના સંબંધો સારા અને મૈત્રીપૂર્ણ હતા. ઈ. પૂ. 250 આસપાસ પાર્થિયા અને બૅક્ટ્રિયા સેલુક વંશના ઍન્ટિયૉક 2જા સામે બળવો કરીને સ્વતંત્ર થયા હતા.
મુગટલાલ પોપટલાલ બાવીસી