સેપોનિન (Saponin)
January, 2008
સેપોનિન (Saponin) : પાણી સાથે હલાવતાં સાબુની માફક ફીણ જેવું કલિલી દ્રાવણ આપતાં વિષાળુ ગ્લાયકોસાઇડ સંયોજનોનો એક પ્રકાર. વનસ્પતિસૃષ્ટિમાં તે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એશિયા તથા ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય તથા ઉપોષ્ણ (subtropical) વિસ્તારોમાં તેમજ પ્રશાંત (Pacific) મહાસાગરના દ્વીપોમાં થતાં વૃક્ષો અને છોડવાઓની જાતો (species) સોપબેરી (soapberry) તરીકે ઓળખાય છે. તેમનાં ફળો પીળા-બદામી રંગનાં તથા ચર્મિલ (leathery) આચ્છાદન (covering) ધરાવતાં હોય છે. ફળો તથા પર્ણોમાંથી જે સાબુ જેવું દ્રવ્ય મળે છે તેને સેપોનિન કહે છે. એશિયન સ્પીસીઝના સોપબેરીમાં ચિનાઈ જાતિ વધુ સામાન્ય છે, જે ભારતથી માંડીને ચીન તથા જાપાન સુધી જોવા મળે છે. તેનાં ફળો નારંગી-બદામી રંગનાં હોય છે અને વધુ સેપોનિન ધરાવે છે. દક્ષિણ ભારતમાં થતા અરીઠા(soap nut)નાં વૃક્ષો વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાય છે. પીળા રંગનું લાકડું મકાન બાંધવા તથા ગાડાનાં પૈડાં માટે જ્યારે ફળો કપડાં ધોવામાં તથા માછલી માટેના ઝેર તરીકે વપરાય છે. ગુલાબ અને લવિંગ જેવાં સુગંધીદાયક છોડમાં તથા સોપવર્ટ (soapwort) સમૂહની જાતિઓમાં પણ તે મળી આવે છે. જાંબુડિયા કે સફેદ ફૂલવાળા ઊંચા છોડ(ફૉક્સગ્લવ, foxglove)માંથી મળતું ડિજિટાલિસ નામનું સેપોનિન હૃદય-ચિકિત્સા (heart therapy) માટે સ્કૉટિશ દાક્તર વિલિયમ વિધરિંગે 1785માં દાખલ કરેલું. ડિજિટૉનિન એ અહૃદ-સક્રિય (noncardiac active) સેપોનિન છે, જે ડિજિટાલિસની બનાવટોમાંથી 1875માં પારખવામાં આવેલું. મેક્સિકન કંદ(yam)માંથી મળતું ડાયૉસિન (diocin) એ ડાયૉસ્જેનિન(diosgenin)નું પૂર્વગામી (precursor) છે.
માછલાં જેવાં ઠંડા લોહીવાળાં (cold blooded) પ્રાણીઓના લોહીમાં ભળે તો સેપોનિન લાલ કણોનો નાશ કરે છે (hemolysis), જ્યારે મુખ વાટે લેવાય તો તે બિનઝેરી છે. આથી આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના મૂળ નિવાસીઓ શિકાર માટે તીર અને ભાલાના ફણા ઉપર તેને લગાવતા અને શિકાર બાદ મરેલા જીવનું ભક્ષણ કરતા.
સેપોનિન સફેદ ભૂકારૂપ (અસ્ફટિકમય, amorphous), અનિચ્છનીય ઉગ્ર (pungent) વાસવાળાં, સ્વાદવાળાં, ગ્લાયકોસાઇડ સંયોજનો છે. પાણી તથા આલ્કોહૉલમાં દ્રાવ્ય છે અને દ્રાવણ તટસ્થ હોય છે. તેઓ પ્રબળ પાયસીકારકો હોઈ પાણી સાથે હલાવતાં સ્થાયી ફીણ આપે છે. આથી પ્રક્ષાલકો તરીકે તે ઉપયોગી છે. સેપોનિન ઓછી માત્રામાં (નીચી સાંદ્રતાએ) પણ આ વિશિષ્ટ પ્રક્રિયાઓ દર્શાવે છે : (i) અંત:શ્વસન અથવા નાસિકાની શ્લેષ્મા(nasal mucosa)ને અડે તો છીંક આવે છે. (ii) રુધિર-લયન(hemolysis)ની ક્રિયા ઉપજાવે છે. (iii) જે પ્રવાહીઓનાં દ્રાવ્ય થાય તેમનાં પૃષ્ઠતાણ(surface tension)માં અસરકારક ઘટાડો કરે છે.
સેપોનિન બે પ્રકારનાં હોય છે : (i) સ્ટીરૉઇડ સેપોનિન અને (ii) ટ્રાઇટર્પિનૉઇડ સેપોનિન. સોયાબિનમાંથી મળતાં સેપોનિન ટ્રાઇટર્પિનૉઇડ પ્રકારના હોય છે. સ્ટીરૉઇડ સેપોનિનનું સિલિનિયમ સાથે નિસ્યંદન કરવાથી ડીલ્સ હાઇડ્રૉકાર્બન (Diels’ hydrocarbon) (3´-મિથાઇલ-1, 2-સાયક્લોપેન્ટેનોફિનાન્થ્રીન) મળે છે. જ્યારે ટ્રાઇટર્પિનૉઇડ સેપોનિનમાંથી મુખ્યત્વે નેપ્થેલીન અને પાઇસીન (picene) મળે છે. આ રીતે બંને પ્રકારનાં સેપોનિનને પ્રભેદિત કરી શકાય છે.
ડીલ્સ હાઇડ્રૉકાર્બન (Diels’ Hydrocarbon)
(3′-Methyl-1, 2-Cyclopentenophenanthrene)
પાઇસીન (Picene)
સેપોનિનનું જળવિભાજન કરવાથી શર્કરાઓ (દા.ત., ગ્લુકોઝ, ગેલેક્ટ્રોઝ, રહેમ્નોઝ, ઝાયલોઝ, એરાબિનોઝ વગેરે) અને એગ્લાયકોન (aglycon) મળે છે; દા.ત., ડિજિટાલિસમાંથી મળતા સેપોનિન ડિજિટૉનિનનું જળવિભાજન કરવાથી ડિજિટૉજેનિન નામનો એગ્લાયકોન મળે છે, જે સેપોજેનિન તરીકે ઓળખાય છે. વળી ડિજિટાલિસ(Digitalis purpurea L.)માંથી મળતું સેપોનિન ડિજિટૉનિન કહેવાય છે, જેનું સૂત્ર નીચે પ્રમાણે છે :
તેનું જળવિભાજન થતાં શર્કરાઓ તથા એગ્લાયકોનરૂપે ડિજિટૉજેનિન મળે છે.
કેટલાંક અગત્યનાં સ્ટીરૉઇડ સેપોનિન તેમનાં પ્રાપ્તિસ્રોત સાથે નીચે દર્શાવ્યાં છે :
ક્રમ | પ્રાપ્તિસ્રોત | સેપોનિનનું | સેપોજેનિનનું | શર્કરાઓ |
નામ તથા સૂત્ર | નામ તથા સૂત્ર | |||
1. | ડિજિટેલિસ | ડિજિટૉનિન | ડિજિટૉજેનિન | ગ્લુકોઝ, |
પરપ્યુરિયા | (Digitonin) | (Digitogenin) | ગેલેક્ટોઝ, | |
અથવા | ઝાયલોઝ | |||
ડી. લેનેટા | C56H92O29 | C27H44O5 | ||
(Digitalis | ||||
Purpurea) or | ||||
D. Lanata | ||||
2. | ડિજિટેલિસ | જિટોનિન | જિટોજેનિન | ગેલેક્ટોઝ |
પરપ્યુરિયા | (Gitonin) | (Gitogenin) | ઝાયલોઝ | |
C51H82O23 | C27H44O4 | |||
3. | ડી. લેનેટા | ટિગૉનિન | ટિગોજેનિન | ગ્લુકોઝ |
(D. Lanata) | (Tigonin) | (Tigogenin) | ગેલેક્ટોઝ, | |
C56H92O27 | C27H44O3 | ઝાયલોઝ | ||
4. | રેડિક્સ | સાર્સાસેપોનિન | સાર્સાસેપોજેનિન | ગ્લુકોઝ |
(સાર્સાપેરિલ્લા) | C45H74O17 | C27H44O3 | રહેમ્નોઝ | |
5. | ડાયૉસ્કોરિયા | ડાયૉસિન | ડાયૉસ્જેનિન | રહેમ્નોઝ |
(Dioscorea) | (Dioscin) | (Diosgenin) | ગ્લુકોઝ | |
or | ||||
(Trillium | ટ્રિલિન | ડાયૉસ્જેનિન | રહેમ્નોઝ | |
erectum) | (Trillin) | (Diosgenin) | ગ્લુકોઝ |
ઉપયોગો : સેપોનિન અને તેનાં જેવાં દ્રવ્યો ઔષધો (pharmacy), વૈદક (medicine) તથા ખાસ કરીને ટૅક્નૉલૉજીમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. તેઓ પ્રક્ષાલકો તરીકે પણ ઉપયોગી હોઈ સફાઈકારકો (cleansers) તરીકે રેશમ અને અન્ય બારીક વસ્ત્રોની સફાઈમાં વપરાય છે. તદુપરાંત મત્સ્ય-વિષ (Fish-poisons) અને જંતુનાશકો તથા અગ્નિશામકોમાં વપરાય છે. અગાઉ મોટા જથ્થામાં બિયર (beer) અને હળવાં પીણાંઓ(soft drinks)માં ફીણ પેદા કરવા વપરાતું. સોયાબીન તથા જેઠીમધ(Licorice)નો નિષ્કર્ષ કેટલીક વાર અગ્નિશામકોમાં વપરાતો; કારણ કે તે કાર્બનડાયૉક્સાઇડના પરપોટાનું ઉપરનું સ્તર (film) બનાવવામાં મદદરૂપ બનતો હતો.
પ્રહલાદ બે. પટેલ