સેપોનારિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅરયોફાઇલેસી કુળની એક શાકીય પ્રજાતિ. તેનું વિતરણ ભૂમધ્યસમુદ્રીય અને પશ્ચિમ એશિયાઈ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની બે જાતિઓ નોંધાઈ છે.

Saponaria calabrica Guess. (સોપવર્ટ) નાની, 25-30 સેમી. ઊંચી શાકીય જાતિ છે. તેને શિયાળામાં ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો નાનાં, ગુલાબી રંગનાં પરિમિત તોરા સ્વરૂપે ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે; તેથી પુષ્પો સુંદર દેખાય છે. ઉદ્યાનોમાં ક્યારાની સીમા બનાવવા રોપવામાં આવે છે. ફૂલદાનીમાં પણ તેનાં પુષ્પો ગોઠવી શકાય છે. તેને સાધારણ કાળજીથી ઉછેરી શકાય છે. પ્રસર્જન બીજ દ્વારા થાય છે.

બીજી જાતિ S. officinalis Linn. (બાઉસિંગ બેટ્, સોપવર્ટ) 75 સેમી. સુધી ઊંચી શાકીય બહુવર્ષાયુ જાતિ છે. તેનો ભારતીય ઉદ્યાનોમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. પ્રકંદ (root stock) માંસલ, વિસર્પી અને શાખિત હોય છે. પ્રકાંડ મજબૂત અને ગુચ્છિત હોય છે. પર્ણો સાદાં અને મોટે ભાગે લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. પુષ્પો આછાં ગુલાબી, સઘન લઘુપુષ્પગુચ્છી (paniculate) પરિમિત તોરા સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે.

તેનું પ્રસર્જન બીજ દ્વારા અથવા મૂળના ટુકડાઓ દ્વારા થાય છે. તે સપાટ મેદાનોમાં શિયાળામાં અને પહાડી પ્રદેશોમાં સમગ્ર વર્ષ દરમિયાન થાય છે.

મૂળ સેપોનિન ધરાવે છે, તે સાબુની જેમ ફીણ ઉત્પન્ન કરે છે અને રેશમ અને ઊન ધોવા માટે ઉપયોગી છે. બિયર અને એલમાં ફીણ ઉત્પન્ન કરવા માટે મૂળ વપરાય છે.

મૂળ કફોત્સારક (expectorant), પ્રસ્વેદક (diaphoretic) અને મૂત્રલ (diuretic) ગુણધર્મો ધરાવે છે. મૂળ અને પર્ણો રૂપાંતરક (alterative) હોય છે અને કંઠમાળ અને ત્વચાના રોગોમાં વપરાય છે. તે સ્વેદજનક (sudorific), વામક (emetic) અને રેચક છે. તેનો સંધિવા, કમળાની ચિકિત્સામાં, યાકૃતવિસ્ફોટોમાં અને સુભેદ્ય (vulnereal) વ્રણમાં ઉપયોગ થાય છે.

વધારે જથ્થામાં તેનો ચારો ચરતાં ઢોરો માટે તે વિષાળુ બને છે. બીજ વિષાળુ ઘટકો વધારે પ્રમાણમાં ધરાવે છે. જલીય નિષ્કર્ષ Staphylococcus aurcus and Escherichtia coli માટે જીવાણુરોધી સક્રિયતા દાખવે છે. વનસ્પતિ સેપોનિન, સેપોટૉક્સિન (સેપોરુબિન, C32H54O18) અને સેપોનેરિન (C17H32O16) ધરાવે છે. ધાન્ય સાથે સોપવર્ટનાં બીજ મિશ્ર કરી ખાવાથી શૂલ (colic) ઉત્પન્ન થાય છે; સ્પંદનો ધીમાં પડે છે અને સ્નાયુકંપ થાય છે. ખોરાકમાં સતત લેવાથી લકવો થાય છે.

મૂળમાં સેપોટૉક્સિન (4-5 %) અને સેપોરુબ્રિનિક ઍસિડ હોય છે. પુષ્પનિર્માણ પૂર્વે સેપોનિનનું પ્રમાણ 7.7-8.2 % અને પુષ્પનિર્માણ પછી તેનું પ્રમાણ 3.0 % જેટલું થાય છે.

પર્ણોમાં પણ સેપોનિન હોય છે. તરુણ પર્ણો રુધિરલયી (hemolytic) સક્રિયતા દર્શાવે છે. છાલમાં 0.8 % સેપોનિન હોય છે.

vaccaria A. syn. Vaccaria segetalis (હિં. મુસ્ના, સાબુની; બં. સાબુની) ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. આ જાતિમાં રહેલાં રાસાયણિક ઘટકો અને ગુણધર્મો S. officinalis જેવા જ હોય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ