સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર
January, 2008
સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (C.S.I.R.) (ન્યૂ દિલ્હી) હેઠળની રાષ્ટ્રીય પ્રયોગશાળા. 1947માં સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના ઘણા ભાગોમાં મીઠાની તીવ્ર અછત ઊભી થઈ હતી. આ અછત નિવારવા માટે C.S.I.R.-એ મીઠાના ઉત્પાદન અને ઉપયોગ અંગે સંશોધન કરવા માટે એક અલગ કેન્દ્રીય સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો. તેની સ્થાપના માટે નિમાયેલી સમિતિએ આવી સંસ્થા સૌરાષ્ટ્રના કોઈ કેન્દ્રમાં સ્થપાય તે માટે ભારત સરકારને 1951માં ભલામણ કરી. તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારે સંસ્થા માટે જરૂરી મકાનો પૂરા પાડવાની દરખાસ્ત કરી. અંતે 1954ની 10મી એપ્રિલે ભાવનગર (ગુજરાત) ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે આ સંસ્થાની સ્થાપના સામાન્ય મીઠા અંગેનું સંશોધન અને વિકાસને લગતું કાર્ય કરવા માટે થઈ હતી. સમય જતાં તે આંતરવિદ્યાશાખાકીય પ્રયોગશાળામાં ફેરવાઈ છે અને તેના સંશોધન અને વિકાસને લગતા કાર્યક્રમમાં રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન તથા ઇજનેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેના સંશોધનકાર્યમાં સામાન્ય મીઠાથી માંડીને અત્યંત આશાસ્પદ એવી પટલ-અલગન (membrane separation) તકનીકનો સમાવેશ થાય છે.
જીવવિજ્ઞાન ક્ષેત્રમાં તેનાં સંશોધનો મુખ્યત્વે જૈવ-લવણતા-(biosalinity)ને લગતાં છે, જેમાં ખરાબાની જમીન(wasteland)ના ઉપયોગને લગતાં, ઉજ્જડ (arid) જમીનમાં તથા દરિયાકાંઠે ઉગાડી શકાય તેવી ક્ષારસહ્ય વનસ્પતિનાં સંશોધનોનો સમાવેશ થાય છે. આવી જમીનમાં સંસ્થાએ એટ્રિપ્લેક્સ (Atriplex), જન્કસ રિજિડસ (Juncus rigidus), પીલુ (Salvadora), મુચુલ (Salicornia), જોજોબા [Simmondsia chinensis (Jojoba)] વગેરે ઉગાડવા માટેના પ્રયોગો કરેલા છે.
સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર
ઉચ્ચ કોટિનું મીઠું (દા.ત., સહજ વહેતું મીઠું, આયોડિનયુક્ત મીઠું) સોડિયમ સલ્ફેટ, દરિયાઈ જિપ્સમમાંથી ઉચ્ચ પ્રબળતાવાળું પ્લાસ્ટર, દરિયાના પાણીમાંથી મીઠું કાઢી લીધા પછી વધેલા પાણી(bittern)માંથી બ્રોમીન, હલકો તથા ભારે બેઝિક મૅગ્નેશિયમ કાર્બોનેટ, મૅગ્નેશિયમ ટ્રાઇસિલિકેટ, મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ, એપ્સમ સૉલ્ટ; અકાર્બનિક રસાયણો જેવાં કે અવક્ષેપિત સિલિકા, કૅલ્શિયમ કાર્બોનેટ, પોટૅશિયમ નાઇટ્રેટ, ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ જેલ (gel) (ઔષધીય), એલ્યુમિનિયમ સિલિકેટ (પૂરક), વૉલેસ્ટોનાઇટ (wollastonite) ખનિજમાંથી ઉષ્મીય ઇન્સ્યુલેશન્સ (thermal insulations), ઝિયોલાઇટ; દરિયાઈ નકામા છોડવામાંથી અગાર-અગાર; સોડિયમ આલ્જિનેટ, કાપ્પા કેરાજિનન; આંતર-બહુલકીય પટલો (interpolymer membranes) જેવી આયન-વિનિમય તકનીકો; ઉત્ક્રમી પરાસરણ (reverse osmosis) અને વિદ્યુતપારશ્લેષણ (electrodialysis) જેવી વિક્ષારીકરણની તકનીકો તેમજ જોજોબા મલમ તથા લોશન વગેરે અંગેના પ્રક્રમો સંસ્થાએ વિકસાવ્યા છે. દેશના ખનિજ-સ્રોતોના ઉપયોગ અંગેની તકનીક વિકસાવવામાં પણ સંસ્થાએ ફાળો આપવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્થાના ડૉ. સી. આર. કે. રેડ્ડીને 1998-99 વર્ષનો, જ્યારે શ્રી વી. જે. શાહને 2003-2004ના વર્ષનો ગુજરાત સરકારનો ડૉ. વિક્રમ સારાભાઈ ઍંવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કેટલાંક વિશ્વવિદ્યાલયોએ આ સંસ્થાને અનુસ્નાતક સંશોધનસંસ્થા તરીકે માન્ય રાખેલ છે. તેના નિયામક ડૉ. પી. કે. ઘોષને 2005-06ના વર્ષનો ગુજરાત સરકારનો ડૉ. વિક્રમ સારાભાઈ ઍંવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જ. દા. તલાટી