સેન્ટ્રલ સૉઇલ ઇન્સ્ટિટ્યૂટ નાગપુર

January, 2008

સેન્ટ્રલ સૉઇલ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર : જમીન-સર્વેક્ષણ અને ભૂમિ-ઉપયોગ-આયોજન સાથે સંકળાયેલી એક ભારતીય સંસ્થા. તેની સ્થાપના ભારતીય કૃષિ-સંશોધન પરિષદ દ્વારા 1976માં નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી અને 1978માં તેનું મુખ્ય મથક નાગપુર ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ દેશ, રાજ્ય, જિલ્લા અને ગ્રામીણ સ્તરે જમીનનું સર્વેક્ષણ કરી તેના હેતુલક્ષી નકશા તૈયાર કરવાનો છે. જમીન-સંશોધનના નકશામાં જમીન-સહસંબંધ અને વર્ગીકરણ, જમીનની ઉત્પત્તિ (જમીનનો સૂક્ષ્મ આકાર અને ખનિજોનું બંધારણ), દૂરસંવેદન(remote sensing)ની માહિતી, ભૂમિ-મૂલ્યાંકન, ભૂમિ-ઉપયોગ-આયોજન અને ભૂમિસંશોધન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. વિવિધ જમીનોનો સુયોગ્ય વપરાશ કરવા રાષ્ટ્રકક્ષાએ ‘જિયૉગ્રફિકલ ઇન્ફર્મેશન સિસ્ટિમ’ (GIS) દ્વારા આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવે છે.

આ સંસ્થા હાલમાં જમીનની ગુણવત્તા અને નિયમન તેમજ પોષણક્ષમ ભૂમિ-ઉપયોગનું આયોજન કરવા માટે ખેત-આબોહવા, હવામાન અને જમીનની ખરાબી અંગેના નકશા તૈયાર કરવામાં કાર્યરત છે. રાષ્ટ્રની જમીનોની સ્થળાકૃતિ (topography), આબોહવા અને પાકના જીવનકાળના આધારે 20 કૃષિ-આબોહવાકીય (agro-climatic) પ્રદેશો અને 60 જેટલા ઉપ-પ્રદેશોમાં વર્ગીકૃત કરી નકશો બનાવવામાં આવ્યો છે. વધુ પાક-ઉત્પાદન માટે સુયોગ્ય જમીનની પસંદગીના આયોજન બાબતે સંશોધનો ચાલી રહ્યાં છે. જમીનની ક્ષમતા, જમીનની સમસ્યાઓ જેવી કે ભૂક્ષરણ (soil erosion), ક્ષારતા (salinity) તેમજ જમીન-સર્વેક્ષણના વિવિધ હેતુલક્ષી ઉપયોગ બાબતની સંશોધિત માહિતી ટકાઉ કૃષિવિકાસ-કાર્યક્રમમાં ખૂબ સહાયરૂપ નીવડી છે.

આ સંસ્થાનું એક મહત્ત્વનું ધ્યેય રાષ્ટ્રકક્ષાએ જમીનના સહસંબંધ અને તેનું વર્ગીકરણ કરી પ્રસ્થાપિત જમીન-શ્રેણીઓના રજિસ્ટરનો નિભાવ કરવાનું છે. અત્યાર સુધીમાં 258 જેટલી પ્રસ્થાપિત જમીન-શ્રેણીઓની વિસ્તૃત માહિતીનું પ્રકાશન કર્યું છે. આ સંસ્થા જમીન-સંરક્ષણ-સંસ્થાઓ અને કૃષિ-યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અને અધિકારીઓને જમીન-સર્વેક્ષણ, ભૂમિ-મૂલ્યાંકન અને ભૂમિ-ઉપયોગના આયોજન વિશે જરૂરી માહિતી અને તાલીમ આપે છે. આ સંસ્થા પંજાબરાવ કૃષિ વિદ્યાપીઠ, અકોલાના સહયોગથી ભૂમિ-સંશોધન વ્યવસ્થાના વિષયમાં અનુસ્નાતક-કક્ષાએ શિક્ષણ અને સંશોધનના કાર્યક્રમો આપે છે.

જગદીશ પટેલ