સૅન્ડબર્ગ, કાર્લ ઑગસ્ટ (. 6 જાન્યુઆરી 1878, ગૅલ્સબર્ગ, ઇલિનૉઇ; . 22 જુલાઈ 1967, ફ્લૅટ રૉક, નૉર્થ કેરોલિના, યુ.એસ.) : અમેરિકન કવિ, ઇતિહાસકાર, લોકસાહિત્યકાર, જીવનચરિત્રકાર. અબ્રાહમ લિંકનની 150મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે અમેરિકન કૉંગ્રેસના સંયુક્ત ગૃહોમાં વણચૂંટાયેલા સર્વપ્રથમ નાગરિક તરીકે કવિએ ઉદબોધન કરેલું. ગિટારની સાથે તેઓ તેમના સુમધુર કંઠે લોકગીતો ગાતા. તેમણે સંપાદન કરેલાં લોકગીતો ‘ધ સાગબૅગ’ (1927) નામે પ્રસિદ્ધ થયેલાં.

સ્વીડિશ પિતા અમેરિકામાં સ્થાયી થવા આવેલા. શાળાકીય શિક્ષણ બાદ સૅન્ડબર્ગે શ્રમજીવી તરીકે 13 વર્ષની વયે રોજમદાર તરીકે કામ કરેલું. હજામની દુકાનમાં વાળ કાપવાનું અને ખેતરમાં કપાસ વીણવાનું કામ તેમણે કરેલું. કાન્સાસ રાજ્યમાં જે તે સ્થળે કારીગર તરીકે થોડો સમય ગુજારેલો. પર્ટો રિકોમાંથી ભરતી કરવામાં આવેલી એક સ્વયંસેવકની ટુકડીમાં જોડાઈ સ્પૅનિશ અમેરિકન યુદ્ધમાં તેમણે ભાગ લીધેલો. યુદ્ધ બાદ ગૅલ્સબર્ગની લૉમ્બાર્ડ કૉલેજમાં શિક્ષણ લીધેલું. અહીં તેમણે ખાનગી રાહે પોતાનાં કાવ્યો પ્રસિદ્ધ કરેલાં.

કાર્લ ઑગસ્ટ સૅન્ડબર્ગ

1902માં કૉલેજ છોડ્યા બાદ દૈનિક અને જાહેરાત વિભાગ માટે કાર્ય કરેલું. વિસ્કોન્સિન નગરમાં પૂર્વપ્રસ્થાપિત જર્મન સોશિયલ-ડેમૉક્રેટિક પક્ષ માટે સક્રિય રહેલા. ત્યારબાદ 1910-12ના અરસામાં મિલવૉકીના સમાજવાદી પક્ષના મૅયરના સેક્રેટરી તરીકે સેવા આપેલી. 30મે વર્ષે સ્ટીચેન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયેલા.

સૅન્ડબર્ગ 1913માં શિકાગો આવ્યા અને ત્યાં ‘ડે બુક’ અને ‘શિકાગો ડેઇલી’માં કામગીરી સ્વીકારેલી. આ સમય દરમિયાન ‘પોએટ્રી’ સામયિકમાં કાવ્યો પ્રસિદ્ધ કરતા; તે માટેનું ‘લેવિન્સન પ્રાઇઝ’ (1914) તેમને એનાયત કરવામાં આવેલું. ‘શિકાગો પૉએમ્સ’ 1916માં પ્રસિદ્ધ થયું. કાવ્યમાં શિકાગોને ‘વિશાલસ્કંધ નગરી’ (‘અ સિટી ઑવ્ હાઈ શોલ્ડર્સ’) તરીકે ઓળખાવ્યું. – ‘કૉર્નહસ્કર્સ’ (1918), ‘સ્મોક ઍન્ડ સ્ટીલ’ (1920), ‘સ્લૅબ્ઝ ઑવ્ ધ સનવર્ન્ટ વેસ્ટ’ (1922) અને ‘ગુડ મૉર્નિગ, અમેરિકા’ (1928) કાવ્યસંગ્રહોએ સૅન્ડબર્ગને કવિ તરીકે ખ્યાતનામ કર્યા. મિડવેસ્ટ અમેરિકાના નગરકવિ તરીકે તેઓ પંકાયા. ગ્રામપ્રદેશના કવિ તરીકે તેમણે ત્યાંના કલાકારોને, ખાસ જાણીતી નહિ તેવી શ્રમજીવીઓ અને ગરીબ પ્રજાનાં અપલક્ષણોનાં કારણે પોતાને થયેલ વેદનાને અભિવ્યક્ત કરી. વૉલ્ટ વ્હિટમૅન પછી સૅન્ડબર્ગે અમેરિકન જુસ્સાને વ્યક્ત કર્યો. ‘ધ પીપલ યસ’ (1936) દ્વારા કવિએ ભાવકને અમેરિકન ઇતિહાસ, લોકસાહિત્ય અને રાજકીય શ્રદ્ધામાં તરબોળ કર્યા. અમેરિકન શ્રમજીવી વિશેની તેમની શ્રદ્ધા અને માન્યતા અહીં વ્યક્ત થયાં છે.

‘ધ પીપલ નો ધ સૉલ્ટ ઑવ્ ધ સી ઍન્ડ ધ સ્ટ્રેન્થ ઑવ્ ધ વિંડ્ઝ ક્લૅશિંગ્ઝ ધ કૉર્નર્સ ઑવ્ ધી અર્થ, ધ પીપલ ટેક ધી અર્થ ઍૅઝ અ ટૂમ્બ ઑવ્ રેસ્ટ ઍન્ડ અ ક્રૅડલ ઑવ્ હોપ, હુ એલ્સ સ્પિક્સ ફૉર ધ ફેમિલી ઑવ્ મૅન ?’ – જેવી પંક્તિઓમાં સૅન્ડબર્ગની શ્રમજીવી શ્રદ્ધા ભરપૂર રીતે વ્યક્ત થઈ છે.

સૅન્ડબર્ગે પોતાના જીવનનાં છેલ્લાં વર્ષો નૉર્થ કેરોલિનામાં ગાળેલાં.

લિંકનના જીવનચરિત્ર માટે સૅન્ડબર્ગે ‘અબ્રાહમ લિંકન : ધ પ્રેરી યર્સ’(1926)ના બે અને ‘અબ્રાહમ લિંકન : ધ વૉર યર્સ’(1939)ના ચાર ગ્રંથો પ્રસિદ્ધ કરેલા. 1940નું ઇતિહાસ માટેનું ‘પુલિત્ઝર પ્રાઇઝ’ તેમને આ માટે એનાયત થયેલું. આ ઉપરાંત ‘ધ શિકાગો રેસ રાયટ્સ’ (1919), ‘સ્ટિચેન, ધ ફોટોગ્રાફર’ (1929), ‘મેરી લિંકન, વાઇફ ઍન્ડ વિડો’ (1932) (આમાંનું છેલ્લું તેમણે પૉલ ઍન્ગ્લે સાથે લખેલું.) ગદ્યમાં લખાયેલા ગ્રંથો છે. ‘કાર્લ સૅન્ડબર્ગ્ઝ ન્યૂ અમેરિકન સાગબૅગ’ (1950) લોકગીતોનું અપૂર્વ સંપાદન છે. પોતાની વહાલી ત્રણ પુત્રીઓ માટે ‘રૂટાબાગા સ્ટોરીઝ’ (1922), ‘રૂટાબાગા પિજિયન્સ’ (1923) અને ‘પટેટો ફેઇસ’ (1930) ચરિત્રગ્રંથો લખ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે ગદ્યમાં ‘વર્લ્ડ વૉર ટુ’ અને પદ્યમાં ‘હોમ ફ્રન્ટ મેમો’(1943)માં તેમણે તેમના વિચારો અભિવ્યક્ત કર્યા. ‘રિમેમ્બ્રન્સ રૉક’ (1948) ઐતિહાસિક નવલકથા છે. ‘કમ્પ્લીટ પૉયમ્સ’ (1950) માટે તેમને 1951માં બીજી વાર ‘પુલિત્ઝર પ્રાઇઝ’થી નવાજવામાં આવ્યા. પાછલી ઉંમરે આત્મકથારૂપે લખાયેલા આ ગ્રંથમાં યુવાવસ્થામાં ભોગવેલી કારમી વ્યથાના જીવંત પ્રસંગો છે. ‘ઑલવેઝ ધ યન્ગ સ્ટ્રેન્જર્સ’(1953)માં પોતાના શૈશવનાં સંભારણાં અને ‘હની ઍન્ડ સૉલ્ટ’(1963)માં તેમનાં આખરનાં નોંધપાત્ર કાવ્યોનો સંગ્રહ છે. તેમના પત્રો પણ 1968માં પ્રસિદ્ધ થયેલા. ‘બ્રીધિંગ ટોકન્સ’ (1978) તેમનો 118 કાવ્યોનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. તે જ પ્રમાણે ‘એવર ધ વિન્ડ્ઝ ઑવ્ ચાન્સ’ (1983) – એ અધૂરું આત્મવૃત્તાંત એમનું મરણોત્તર પ્રકાશન છે. ‘બિલી સન્ડે ઍન્ડ અધર પૉયમ્સ’ (1993) કાવ્યસંગ્રહ છે.

વિ. પ્ર. ત્રિવેદી