સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI) ધનબાદ

January, 2008

સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI), ધનબાદ : ભારતના ઇંધનના, ખાસ કરીને કોલસો અને લિગ્નાઇટ જેવા, સ્રોતોને લગતાં પાયારૂપ અને પ્રયુક્ત સંશોધનો માટેની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની એક છે, જેને ISO – 9001 પ્રમાણીકરણ (certification) સૌપ્રથમ પ્રાપ્ત થયું હતું. તે ઇંધનોની ગુણવત્તા અને સૌથી વધુ સક્ષમ રીતે તેમના ઉપયોગ સંબંધી સંશોધન અને વિકાસ(R & D)ને લગતું કાર્ય કરે છે. 1945માં સ્થપાયેલી આ સંસ્થાએ છેલ્લાં 50 વર્ષો દરમિયાન કરેલ સંશોધનને કારણે તેણે વિશ્વમાં એક અગ્રણી સંસ્થા તરીકે નામના મેળવી છે.

તેના વિવિધ વિભાગોમાં (i) રસાયણો અને પ્રવાહી ઇંધનો, (ii) કોલસાની બનાવટો, (iii) કોલસાનું કાર્બનીકરણ (carbonisation), (iv) વાયવીકરણ (gasification), (v) પર્યાવરણીય વ્યવસ્થાપન (management), (vi) ઇંધન-વિજ્ઞાન, (vii) સામાન્ય ઇજનેરી, (viii) ઉપકરણીય વિશ્લેષણ (instrumental analysis) અને (ix) સ્રોત-ગુણવત્તાની આકારણીનો સમાવેશ થાય છે. સંસ્થાનાં સંશોધનક્ષેત્રોમાં ગુણવત્તા-મૂલ્યાંકન અને સ્રોત-આકારણી, કોલસાનું ઉત્પાદન અને સજ્જીકરણ (beneficiation), કોલસાનું વાયવીકરણ, પ્રવાહી ઇંધનોમાં રૂપાંતર, કોલસામાંથી મળતાં રસાયણો, કાર્બનની નીપજો, અપશિષ્ટ(waste)નો ઉપયોગ, કાર્યસાધક ઊર્જા પ્રણાલીઓ, પર્યાવરણ પર પડતી અસરોની મુલવણી વગેરેને ગણાવી શકાય.

સંસ્થા ચીમનીમાંથી ઊડતી, જમીન પરની અને તળાવમાંની રાખ (fly/ground/pond ash), માટી (soil), પાક-ઉત્પાદન (crop produce), રાખમય તળાવનાં મેલાં પાણી (effluents) તેમજ ભૂગર્ભ અને પૃષ્ઠજળના વિવિધ ભૌતિક-રાસાયણિક પ્રાચલો જેવાં કે વિષાળુતા અને ભારે ધાતુઓ, પોષક (nutritional) પ્રાચલો, વિકિરણધર્મિતા વગેરેના પૃથક્કરણ માટેનાં ઉચ્ચ કોટિનાં સાધનો ધરાવે છે.

સંસ્થામાં હાલ જે પ્રકલ્પો (projects) પર કામ ચાલી રહ્યું છે તેમાં નીચેનાને ગણાવી શકાય :

(i) તાલ્ચર (Talchar) ક્ષેત્રના ocp કોલસાની પ્રક્ષાલનતા (washability), (ii) ઘરેળુ ઇંધન માટે મૂલ્ય-અસરકારક (cost effective) અને પારિસ્થિતિકી સંવાદી (ecofriendly) ટૅક્નૉલૉજી, (iii) યોગ્ય બંધક (binder) વાપરીને કોલસાની ભૂકી(25/40 મિમી.)માંથી ઘરેળુ અને ઔદ્યોગિક વપરાશ માટેનાં ઘન-બળતણોનો વિકાસ, (iv) રાયચુર સુપર પાવર થર્મલ સ્ટેશન ખાતે કોલસાનું સ્વયંભૂ દહન અને પવનને કારણે આવતી (windage) ઘટ અટકાવવાની વ્યવસ્થા, (v) લિંગરાજ કોલક્ષેત્રના સ્રોતોમાંથી મળતા કોલસાની ભૌતિકરાસાયણિક લાક્ષણિકતાઓનો ભેજનાં વિવિધ સ્વરૂપોને અનુલક્ષીને અભ્યાસ, (vi) મીણના ઉત્પાદન માટેના ઉદ્દીપકોને વિકસાવવા, (vii) રાખનું ઊંચું પ્રમાણ ધરાવતા ભારતીય કોલસા માટે સંદાબિત તરલીકૃત સંસ્તર દહન(pressurised fluidised bed combustion, PFBC)નો વિકાસ, (viii) કાર્બનના રેસા બનાવવામાં ઉપયોગી એવા મધ્યપ્રાવસ્થાકીય પીચ (mesophase pitch) માટેનો ડામર (tar) મેળવવા માટેના કોલસાના શ્રેષ્ઠ સ્રોતોની પરખ, (ix) લિગ્નાઇટનું હ્યુમિક (humic) ઍસિડમાં જૈવતકનીકી રૂપાંતર, (x) ચીમનીની રાખ(fly ash)માંથી બનાવાતી ઈંટોનું ટકાઉપણું, (xi) નાગપુર, રાંચી જેવા એકમોના કોલસાનું લક્ષણચિત્રણ, પરીક્ષણ (testing) અને વિશ્લેષણ, (xii) ફીનેન્થ્રીન અને 9, 10-ફીનેન્થ્રીનક્વીનોન માટેની ટૅક્નીકોનો વિકાસ.

CFRIએ વિકસાવેલી ટૅક્નૉલૉજી હાલ અસ્તિત્વમાં છે અને જેમની સ્થાપિત ક્ષમતા 3.8 કરોડ ટન કોલ પ્રતિ વર્ષ છે તેવી 22 વૉશરીઝ (washeries) ઉપયોગમાં લેવાય છે. પોલાદનાં સંયંત્રો (plants) માટે ઇષ્ટતમ કોકિંગ સંમિશ્રણોની પસંદગી, પ્રાપ્ય કોકિંગ કોલનું લક્ષણચિત્રણ, કોક-ઓવન બૅટરીઓ ચાલુ કરવા ઉપરાંત મધુકોષ (beehive) કોક ઓવન માટેની સુધારેલી ડિઝાઇન પણ સંસ્થાએ વિકસાવી છે. દ્રાવક-પરિશોધિત કોલ (solvent refined coal – SRC), બિનકોકિંગ કે નિર્બળ-કોકિંગ કોલસા માટેનાં કોકિંગ-ઉમેરણો પણ તેણે તૈયાર કર્યાં છે. સલ્ફરનું ઊંચું પ્રમાણ ધરાવતા કોલસાનું રાસાયણિક વિસલ્ફરીકરણ (desulphurization) કરવાની પદ્ધતિ, ઔદ્યોગિક વાયુઓ અલગ પાડવા માટે કાર્બનની આણ્વીય-ચાળણીઓ (carbon molecular sieves), સંશ્લેષિત ગ્રૅફાઇટ માટે રાખનું ઓછું પ્રમાણ ધરાવતા ધાતુકર્મીય કોક(low ash metallurgical coke – LAMC)નો તાપન-અવયવ (heating element) તરીકે તથા ઍલ્યુમિનિયમના અપચયન (reduction) માટેના કોષમાં સંશ્લેષિત, ભાસ્મિત (calcined) એન્થ્રેસાઇટ કોકને બદલે LAMCના ઉપયોગની પદ્ધતિ પણ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત 2-, 3-, અને 4-પિકોલીન (picolines) અને પિરિડીન (pyridines) જેવાં ઔદ્યોગિક રસાયણો માટે ઝિયોલાઇટ (zeolite) ઉદ્દીપકો તેમજ ઑલિફિન્સ અને સંશ્લેષણ-વાયુ(synthesis gas)માંથી પ્રવાહી ઇંધનોના સંશ્લેષણ માટેના નવા ઉદ્દીપકો પણ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યા છે. વળી સુધારેલી ફિશર-ટ્રૉપ્સ (Fischer-Tropsch) પ્રવિધિ અને બહુસોપાની (multistage) હાઇડ્રૉજનીકરણ દ્વારા કોલસાનું પ્રવાહી ઇંધનમાં રૂપાંતર કરવાની પદ્ધતિ પણ વિકસાવવામાં આવી છે.

કોક/કોલસા આધારિત સક્ષમ ઘરેળુ ચૂલા તૈયાર કરવા ઉપરાંત ચીમનીની રાખનો ખેતીવાડીમાં પોષક તત્ત્વોના સ્રોત તરીકે ઉપયોગ પણ સંસ્થાએ સૂચવ્યો છે.

હર્ષદ રમણલાલ પટેલ

અનુ. જ. દા. તલાટી