સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકી

January, 2008

સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI), રૂરકી : સામાન્ય અને પ્રૌદ્યોગિકીય બાંધકામવિજ્ઞાનને લગતાં સંશોધનો માટેની અગ્રણી કેન્દ્રીય સંસ્થા. તે ઇજનેરો અને સ્થપતિઓને બાંધકામની રચનામાં અને બાંધકામમાં વપરાતા માલસામાનમાં થયેલ વિકાસ દ્વારા બાંધકામની પ્રક્રિયામાં કરકસર અને દક્ષતા સંબંધી માહિતી અને માર્ગદર્શન આપે છે. તે પ્રયોગશાળા-પરીક્ષણ દ્વારા ઔદ્યોગિક સંસ્થાઓને મદદ કરે છે અને વૈજ્ઞાનિક અને તાંત્રિક જ્ઞાનનું પ્રસારણ કરે છે.

સંસ્થામાં સંશોધન અને વિકાસ(R & D)ના ક્ષેત્રે સાત વિભાગો કાર્યરત છે : (i) બાંધકામ-માલસામાન, (ii) મૃદા-ઇજનેરી, (iii) બાંધકામ-દક્ષતા, (iv) બાંધકામની પ્રક્રિયા સંયંત્રો અને નિર્માણ, (v) સ્થાપત્યકીય અને ભૌતિક આયોજન, (vi) અગ્નિશમન અને (vii) ગ્રામીણ બાંધકામ અને પર્યાવરણ. તદુપરાંત તે બાંધકામના પ્રસારણ અને આયોજન અંગે જુદા જુદા વિભાગો ધરાવે છે.

તેના અનેકવિધ કાર્યક્રમોમાં ગ્રામીણ અને શહેરી આવાસો તથા ઔદ્યોગિક વસાહતો ઊભી કરવાની બાબતને વેગ આપવાનો, ઊર્જા-સંચયન(energy conservation)નો તથા કુદરતી આફતો સામે ટકી શકે તેવાં મકાનો બાંધવાને લગતી નિર્માણપ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. વળી અનુવર્ધન-પ્રવૃત્તિ અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનનાં પૅકેજ વિકસાવવાનું આયોજન પણ કરવામાં આવે છે.

મૃદા-ઇજનેરીના ક્ષેત્રે મકાનના પાયાને લગતા પ્રશ્નોને અનુલક્ષીને નિર્માણકાર્યનો અભ્યાસ કરવામાં આવે છે. સંસ્થાએ વિકસાવેલા અંતર્નિર્બાધિત (under-reamed) ખૂંટા તથા વિસ્તરતી તેમજ ઓછી ભારશક્તિ ધરાવતી કાળી માટી માટેના અને જેમાં સિમેન્ટ તથા સ્ટીલનો ઉપયોગ થતો ન હોય તેવા સ્કર્ટેડ (skirted) ખૂંટા પાયાને લગતા બાંધકામ કરતા ધંધાદારીઓ માટે ઉપયોગી નીવડ્યા છે.

અગાઉના ભૂ-પરીક્ષણ અને સ્થળના અનુશ્રવણ અભ્યાસ પછી સંસ્થાએ એક એવું સાધન વિકસાવ્યું છે, જેનો ઉપયોગ મોટી યોજનામાં થઈ શકે તેમ છે. મકાન બાંધકામને લગતી સામગ્રીના ક્ષેત્રે પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે અને એ રીતે ઊતરતી કક્ષાની માટીમાંથી સારી જાતની ઈંટો બનાવવાનું તથા ઔદ્યોગિક અપશિષ્ટ પદાર્થો જેવાં કે ધૂમ-ભસ્મ (fly-ash), વાતભઠ્ઠીનો ધાતુમળ (blast furnace slag), અવશિષ્ટ નલિકા આપંક (waste-line sludge), ફૉસ્ફૉજિપ્સમ તેમજ કૃષિવિષયક અપશિષ્ટો જેવાં કે નાળિયેરનાં છોલાં, ચોખાનાં ફોતરાં, લાકડાનો વહેર વગેરેમાંથી પણ ઈંટો બનાવવા અંગે સંશોધન કરવામાં આવ્યું છે. આ રીતે CBRIએ આંધ્રપ્રદેશમાં રામાગુંદમમાં કાળી માટી અને ફ્લાઇંગ ઍશની 15 લાખ ઈંટો બનાવી છે. તેવી જ રીતે દેશમાં પ્રાપ્ય એવા વૉલેસ્ટોનાઇટનો 10 % આયાતી ઍસ્બૅસ્ટૉસની જગ્યાએ ઉપયોગ કરી ઍસ્બૅસ્ટૉસ સિમેન્ટ બનાવવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે.

વળી આ સંસ્થાનું કાર્ય સંશોધન અને વિકાસની પ્રવૃત્તિના ભાગ રૂપે મકાનમાં ઉષ્મા-અવાહકતા, ધ્વનિશોષણ, હવાઉજાસ, વધુ પ્રકાશવાળી સ્થિતિ વગેરે અંગે સલાહસૂચન આપવાનું છે. તેણે મકાનમાં ઉજાસ કઈ રીતે વધારી શકાય તે માટેની રીતો વિકસાવી છે.

સંસ્થાએ 120 જેટલાં સ્થળોની આબોહવા અને વાતાવરણનો અભ્યાસ કરી તેનું વિશ્લેષણ કરેલું છે. સ્થપતિઓ તથા ઇજનેરો માટે મજબૂત મકાનોની રચના અંગે સારી એવી માત્રામાં કિસ્સાકીય વિગતો હવે પ્રાપ્ય છે. બાંધકામનો ખર્ચ અને સમયના બચાવ અર્થે પૂર્વરચિત (prefabricated) છાપરાં અને છતોનો વિકાસ કર્યો છે. આ રીતે સિમેન્ટ અને સ્ટીલનો આર. સી. સી. ધાબામાં બચાવ થઈ શકે છે. દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારના એકમોનો બાંધકામમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. દીવાલ માટે પથ્થરના ચણતરની પ્રક્રિયાનો અમલ આંધ્રપ્રદેશ, આસામ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણાના ઉચ્ચ પ્રદેશો અને પશ્ચિમ બંગાળમાં 25,000થી વધુ મકાનોમાં થયો છે. આ પદ્ધતિ ચીલાચાલુ આડેધડ રબલ (rubble) ચણતર માટે ધરીરૂપ છે અને તેનાથી સિમેન્ટ તથા પથ્થરની બચત થઈ શકે છે.

સંસ્થાએ ગ્રામીણ પરિસ્થિતિમાં સુધારો લાવવાના હેતુથી જે પ્રયત્નો કરેલા છે તેના લીધે ગંદા પાણીનો નિકાલ તેમજ મળમૂત્રના પ્રશ્નનો ઉકેલ લાવી શકાયો છે. સંસ્થાએ વિકસાવેલ બે ખાળકૂવાવાળું સંડાસ વધુ લોકપ્રિય બન્યું છે.

ભૌતિક અને પર્યાવરણીય આયોજન અંગે સંસ્થાએ વિકસાવેલ માનક(standard)ને ભારત સરકારના બ્યૂરો ઑવ્ પબ્લિક એન્ટરપ્રાઇઝે ઔદ્યોગિક વસાહતો(township)ના વિકાસ માટે અપનાવેલ છે. આનો દાખલો મથુરા તેલ-રિફાઇનરીના આયોજનમાં જોવા મળે છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવાં રાજ્યોનાં સરકારી દવાખાનાંનાં મકાનોમાં આ પ્રકારના અભ્યાસનો ઉપયોગ થયેલો જોવા મળે છે.

આ સંસ્થાની અગ્નિશમન અંગેની સંશોધન કાર્યશાળાએ અગ્નિ-સંશોધન, આગનો ફેલાવો અને તેની સામે લડવાનાં સાધનો વાપરવાની તેમજ આગ બુઝાવવામાં સૂકા પાઉડરનો ઉપયોગ કરવાની અને આપમેળે ચાલતા ફુવારાઓના ઉત્પાદનમાં ઉત્પાદકોને સલાહ-સૂચના આપી છે.

આ સંસ્થા નવા માલસામાનના વિકાસ માટેનું પરીક્ષણકાર્ય પણ હાથ ધરે છે. ઔદ્યોગિક બાંધકામને લગતા વિશિષ્ટ પ્રકારના પ્રશ્નોના ઉકેલ માટે સંસ્થાએ જરૂરી સલાહસૂચન માટેની સેવા ઊભી કરેલ છે.

અમદાવાદ, ભોપાલ, હૈદરાબાદ, નવી દિલ્હી, કોલકાતા તેમજ ત્રિવેન્દ્રમ ખાતે સંસ્થાનાં વિસ્તરણકેન્દ્રો (extension centres) આવેલાં છે.

સંસ્થા દ્વારા CBRI ઍબ્સ્ટ્રૅક્ટ (ત્રિમાસિક), ઇન્ફર્મેશન બુલેટિન (માસિક) અને લાઇબ્રેરી બુલેટિન (માસિક) જેવાં પ્રકાશનો ઉપરાંત વાર્ષિક રિપોર્ટ અને બાંધકામ-સંશોધન-રિપોર્ટ પણ બહાર પડે છે.

નગીનદાસ હી. મોદી